Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 14 - ખાતું મારું ભરું ભરું તોય ખાલી

14. 'ભરું ભરું ને તોય ખાલી…'

(આ પંક્તિ એક ગરબા ગીત ની છે.

'આજ અમે પાણીડાં ગયાં તાં સૈયર મોરી, કોની તે નજરું લાગી

કે બેડાં મારાં ભરું ભરું ને તોય ખાલી')

બેંકની ટેક્નિકલ બાબતો સિવાય બેંકને સ્પર્શીને જતી ઘણી વાતો આપણે સાથે માણીએ છીએ તે બદલ સહુનો આભાર.

આ વાત જે લાંબો કાળક્રમ આ સિરીઝમાં આવરી લેવા ધાર્યો છે તેના પ્રમાણમાં ઘણી નજીકના ભૂતકાળમાં બની કહેવાય.

અહીં સ્થળ, કાળ અને પાત્રો સાચાં કહું છું કેમ કે ઘટના અકલ્પ્ય પણ સાચી છે.

જૂન 2015 નું પ્રથમ અઠવાડિયું. મારી આણંદ રિજિયનથી અમદાવાદ 'પેરન્ટ ઝોન' માં ફરી ટ્રાન્સફર થઈ. અમારે અધિકારીઓને પાંચ કે સાત વર્ષે અન્ય ઝોન કે રિજિયનમાં સાગમટે ટ્રાન્સફર થાય અને સામસામો એ બેચ પરત આવે એટલે અમે ફરી અમારા ઝોન કે રિજિયનમાં. મને હાજર થતાં કામચલાઉ અંજલિ ચાર રસ્તા પાસે વાસણા શાખામાં જોઈન્ટ મેનેજર તરીકે મુકાયો. ચીફ મેનેજર સિંઘ સાહેબનું વર્તન સહકાર ભર્યું અને માયાળુ હતું. હું કામે લાગી ગયો. મેં પોતે મારો 'સોલ ટ્રાન્સફર' કરવા મેઈલ કર્યો. સોલ એટલે સેન્ટ્રલ કોર બેન્કિંગમાં શાખાનો ખાસ ઓળખ નંબર. માણસે એ સોલ સાથે પોતાનો soul પણ ત્યાં ટ્રાન્સફર કરી દેવો જોઈએ. કામ કરનારો માણસ એ શાખામાં જ અમુક કામ કરી શકે અને અમુક કામ માટે ગમે તે શાખાનું પોતાની શાખામાંથી. એ સોલ આઈડી દ્વારા નક્કી થાય કે ક્યાંથી અમુક કામ થયું.

હું ઓન ધ જોબ. કોઈ મશીન ચાલતું ન હતું તો એના મેન્ટેનન્સ કોંટ્રેક્ટ વાળાને બોલાવ્યો, કોઈક કાઉંટિંગ મશીનને લગતો પ્રોબ્લેમ કેશિયરે કહ્યું એટલે સોલ્વ કરાવ્યો, ચેકબુકો, ફિક્સ અને એવું બધું મારી કસ્ટડીમાં લીધું અને એમ દિવસ ચાલુ.

સાંજે કેશ મુકાવી કેશીયર ગયો. કરન્સી ચેસ્ટને ફોન કર્યો, "વાસણા સિનિયર મેનેજર અંજારીયા. કાલે સવારે ઉઘડતી બેંકે … લાખ જોઈશે. મોકલી આપો અને નાની નોટો સૉર્ટ થયેલી ..લાખ પડી છે તે લઈ જાઓ એટલે તિજોરીમાં જગ્યા થાય. મેઈલ કર્યો."

"અરરે.. અંજારીયા સાહેબ તમે ત્યાં વાસણા? વેલકમ બેક." ચેસ્ટના મેનેજર મારા જાણીતા નીકળ્યા. વાતો પાંચેક મિનિટ ચાલી. સાંજે સાડા છ વાગેલા. સિંઘ સાહેબે ચા મોકલી. "ચા પીવી છે તો ફોનનાં ભૂંગળામાં રેડું!" મેં મઝાક કરી. તેઓ હસ્યા અને 'બાય, ઓલ ધ બેસ્ટ' કહી ફોન મુક્યો.

બધું સમેટી હું એ વખતે બાયપાસ સર્જરી બાદ દોઢેક મહિનાની રજા બાદ જૂની શાખામાં ચાર્જ સોંપી અહીં હાજર થતો હતો. સામાન્ય રીતે રાતે 8.30 કે નવ વાગે શાખા વર્ષોથી છોડતો પણ હમણાં સાચવવાનું હતું. મેં સિંઘ સાહેબની જવા માટે રજા માંગી. તેઓને મારી તે વખતની તબિયતની વાત તો કરેલી. તેમણે રજા આપી ગુડ નાઈટ કહ્યું અને બહાર આવી મેં મારા ડ્રોઅરને તાળું મારી ચાવી બ્રિફકેસમાં મૂકી. હું ઉભો થતો જ હતો ત્યાં..

એક દેખાવડાં બહેન, આશરે 45 વર્ષ જેવડાં, હાંફતાં હાંફતાં બેબાકળાં દોડતાં બેંકમાં આવ્યાં. ફેશનેબલ રીતે વાળ કપાવી વાંકડિયા કરાવેલ હતા. ડ્રેસ મારા મુજબ મોંઘો. થોડા ફીટ ડ્રેસમાં કાયા ધ્યાન ખેંચે તેવી. હાથમાં ઝૂલતું ગુલાબી સુંદર પર્સ. કિંમતી સ્પ્રે ની સુવાસ ફેલાવતાં. શિક્ષિત અને સમૃદ્ધ દેખાતાં હતાં.

"સાહેબ, જલ્દી કરો. કાંઈંક કરો. હું લૂંટાઈ રહી છું…" તેમનું હાંફવું ચાલુ.

મેં તેમને સામેની ચેર પર બેસવા કહ્યું.

"જલ્દી, સાહેબ! મેનેજર ક્યાં છે? જલ્દી…"

"સાહેબ અંદર છે. આપણે મળીએ. પણ પહેલાં શાંત થાઓ. શ્વાસ હેઠો બેસવા દો. વાત શું છે?" મેં તેમને સાંત્વન આપતાં કહ્યું અને મારી બ્રીફકેઇસ નીચે મૂકી હું મારી ચેર પર બેઠો.

એ સમયે પટાવાળા તો સમય થઈ જતાં જતા રહેલા. મેં બેલ મારી. કોઈ આવ્યું નહીં. હું જાતે ઉભો થઈ પાછળ આજે આવેલાં એટીએમ કાર્ડ ગોઠવતાં ડેઇલી વેજ પરના પીયૂનને બોલાવી લાવ્યો અને બેનને પાણી આપવા કહ્યું. બેનને પાણી પીવાનો પણ સમય ન હતો. આંખો પહોળી થઈ ગયેલી, ખૂબ ચિંતામાં. ફીટ કમીઝમાં છાતી ઊંચી નીચી થતી હતી. ન પાડવું હોય તો પણ ધ્યાન પડે. તેમની મુખરેખાઓ હજુ વધુ તંગ થઈ.

"અરે જલ્દી કરો સાહેબ, હું લૂંટાઈ રહી છું."

મને થયું, કોઈ લાજ લૂંટવા આવે તો પોલીસ નજીક ઉભે છે. બિચારા બેંકવાળા એમાં શું કરી શકે?

હવે મેં કહ્યું, "જલ્દી એ કહો, શું લૂંટાઈ રહ્યું છે?"

"સાહેબ, મારા ખાતાંમાંથી ટપોટપ પૈસા ઉપડે છે. અને એટીએમ તો મારા પર્સમાં છે!"

હું કોબ્રા નાગ ફેણ ચડાવે એમ ટટ્ટાર થયો. પૈસા ફ્રોડ દ્વારા ખોટી સહી કરી ઉપડે જે અત્યારે બેંકિંગ

અવર્સ પુરા થયા હોઈ કોઈ પણ શાખામાંથી શક્ય ન હતું. એટીએમનો પાસવર્ડ કોઈને ખબર પડે અને એટીએમ પણ હાથ લાગે તો લોકો પૈસા ઉપાડવા લાગે એ પણ સમજાય. કદાચ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હશે. મેં કોમ્પ્યુટર ફરી ચાલુ કરતાં વિચાર્યું.

"કોઈ ઓનલાઈન ખરીદી કરે છે? આપણે ખાતું જોઈએ." મેં લોગીન કરતાં મારો અંગુઠો એક ડિવાઇસ પર મૂકતાં કહ્યું.

"સાહેબ, પૈસા એટીએમથી જ ઉપડે છે. 42 હજાર હતા. પહેલાં 5 હજાર ઉપડ્યા. પહેલાં તો હું 500 સમજી. બેંકનો ચાર્જ હશે. કાલે સાહેબને મળી જાણી લઈશ એમ થયું. ત્યાં બેલેન્સ 37 હજાર. મારે બે ત્રણ દિવસમાં હપ્તો ડેબિટ થવાનો હોઈ મેં મારા ઘર નજીકની શાખાનાં ડિપોઝિટ મશીનમાં 8 હજાર ભર્યા. ત્યાં તો બીજા 5 હજાર ડેબિટ."

સ્થિતિ ચિંતાજનક હતી. મેં 'acli' કમાન્ડ આપ્યો. (cbs માં ચિત્ર વિચિત્ર લાગે એવા કમાન્ડ હોય છે.)

ખાતાં નંબર નાખ્યો. લે, સાચે જ એટીએમ થી કેશ વિથડ્રો થતી હતી!

"તાત્કાલિક હું તમારું ખાતું ફ્રીઝ કરી દઉં છું. એ એક રસ્તો મને સુઝે છે."

" જોજો સાહેબ, પછી રી ઓપન કરતાં મને નાકે દમ આવી જશે."

"ના. નહીં આવવા દઈએ. લો, ડેબિટ ફ્રીઝ. અત્યારે બેલેન્સ 28 હજાર છે."

"સિંઘ સર, ઇમરજન્સી. AFSM વેરીફાય કરો. એકાઉન્ટ નંબર.." મેં ઇન્ટરકોમ ઉપાડી એક સર્જન મરતા દર્દીને ઓક્સિજન આપવા કે બચાવવા મોટા ડોક્ટરને કહે એટલી ત્વરાથી કહ્યું.

"ચાલો અંદર સાહેબની કેબિનમાં." કહી બહેન સાથે હું ચીફમેનેજરની કેબિન તરફ એમને દોરી ગયો.

સિંઘ સાહેબ કેબિનની લાઈટો બંધ કરતા હતા તે ફરી ઓન કરી. કોમ્પ્યુટર ચાલુ કર્યું.

"સર.. ફરી 5 હજાર ઉપડ્યા.." આ વખતે બહેનનું ડૂસકું સંભળાયું.

મેં ફ્રીજ કરેલું બીજા અધિકારી વેરીફાય કરે તો જ અમલી બને. સાહેબ વેરીફાય કરે એ પહેલાં ફરી બીજા 5 હજાર ઉપડી ગયા.

"સાહેબ, મારા કોમ્પ્યુટર પર હું લોગ આઉટ થયો. જલ્દી ત્યાંથી વેરીફાય કરો." મેં કહ્યું.

કોમ્પ્યુટર બુટ થાય, ફીનેકલ લોડ થાય એટલી વાર પણ પોષાય એમ ન હતી.

એકાઉન્ટ રૂપી દર્દી મરણ પથારીએ ડચકાં ખાતો હતો.

સિંઘ સાહેબ બહાર દોડ્યા. (કદાચ એમની કેબિન ઉપરને માળ હતી, મારૂં ક્યુબીકલ એન્ટર થતાં જ ગ્રાઉન્ડફ્લોર પર.) તેઓ દોડતા આવ્યા, 'ફટાફટ' શબ્દ પણ ઓછો પડે તેટલી ઝડપે, તેમની કેબિનની અંદરનાં કોમ્પ્યુટરને પણ હંફાવી મારે ટેબલેથી તાત્કાલિક વેરીફાય કર્યું પણ તે પહેલાં બેલેન્સ 23 હજાર.

અમે બન્નેએ પહેલાં તો મારે ટેબલે જ બેસી એ બહેનની અરજી લઈ લીધી.

હોસ્પિટલમાં કેઇસ કાઢ્યા પછી દર્દીનું સ્ટ્રેચર લે, અહીં તો ઓપરેશન પહેલાં થઈ ચુકેલું અને પછી કેઇસ કઢાતો હતો.

હવે અમે એટીએમ બ્લોક કરવા ફોન લગાવવા માંડ્યા. એ પણ ટોલ ફ્રી લાઈન. જલ્દી લાગે તો ને! મેં તુરત બીજું એક કોમ્પ્યુટર ચાલુ કરી તાત્કાલિક મેઈલ કર્યો.

અમે VOIP થી ડેટા સેન્ટરનો સંપર્ક કરી રહ્યા હતા. બધી બ્રાન્ચ ડે એન્ડ માં પડી હોય, ઘણે કાંક ને કાંક પ્રોબ્લેમ હોય. માંડ ફોન લાગ્યો અને વિગત કહી.

જુદા જુદા એટીએમ થી પૈસા ડેબિટ થયેલા. છેલ્લા એક જ એટીએમ થી.

બેને પર્સમાંથી કાર્ડ કાઢી બતાવ્યું. તો કાર્ડ ક્લોન થયેલું અને કોઈ ઉપયોગ કરતું હતું.

બેનને પણ ખબર ન હતી તેમ ક્યાંક તેમનું એટીએમ ક્લોન તો થયેલું, પાછા ચોર લોકોએ કોઈ રીતે એ ડુપ્લીકેટ એટીએમ એક્ટિવ પણ કરી દીધેલું. પાછા ડેબિટ મેસેજ બહેનને આવતા હતા.

એટીએમ કાર્ડ જ બ્લોક થઈ ગયું. ન રહા બાંસ ન બજેગી બાંસુરી. પણ પચીસ હજાર જેવા ગયા તેનું શું?

અમે બધા એટીએમના આઈડી નોટ કરી રિજિયનને રિપોર્ટ કર્યો. તેઓ હજી બેઠા હતા.

ખાતું હવે પૈસા ડિપોઝિટ થઈ શકે પણ ઉપડી ન શકે તેવું થયેલું. પેલો લોન ચેક આવે ત્યારે એટલી વાર ખાતું ડેબિટ માટે ચાલુ કરવા સાહેબે આશ્વાસન આપ્યું પણ બહેન કહે એ કંપનીને જ ચેક આવતા મહિને આપવા કહેશે.

એમની પોલીસ ફરિયાદ વગેરે થયું હશે. ચોથા દિવસે મને પરમેનન્ટ બ્રાન્ચ મણિનગર અપાઈ પછી એ કેઇસનું શું થયું એ ખબર નથી.

એ વખતે તો પૈસા જવા છતાં બહેને અમારી સાથે હાથ મિલાવી આભાર માનેલો. એટલાં ફોરવર્ડ.

અમે સાથે જ બહાર નીકળ્યાં ત્યારે આઠ સવા આઠ થયેલા. અંધારાં ઉતરી આવેલાં અને હવે ટ્રાફિક પણ ઘટી ગયેલો.

મને એમના પૈસા ગયા તે દુઃખ હતું પણ જે બચાવ્યા તેનો આત્મસંતોષ હતો. 'કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર.. જીના ઇસીકા નામ હૈ..'

-સુનીલ અંજારીયા