13. ચોથા વર્ગનો માણસ
આ વાત મેં સાંભળેલી છે. પાત્રોનાં નામ તો ન જ જણાવાય પણ સાચી છે અને અગાઉનાં પ્રકરણની જેમ જલ્દી માનીએ નહીં તેવી છે. અગાઉની વાત 'જોડલું'નાં સાચાં પાત્રોને ઓળખી બતાવનાર વાચક પણ મળી આવેલા.
તો એ પ્રસંગ.
સરકારમાં પટાવાળા કલાસ 4 કહેવાય, કલાસ 3 નોન ગેઝેટેડ અને ગેઝેટેડ અધિકારીઓ કલાસ 2, એ થી ઉપર કલાસ1, સુપર કલાસ1.
જ્યારે બેંકમાં? હું નોકરીમાં રહ્યો તે જ વર્ષે પિલ્લાઈ કમિટીની ભલામણ મુજબ ઓફિસરોનાં પગાર ધોરણ અને કામગીરી મુજબ ગ્રેડ આવ્યા. તાજો ડાયરેકટ ઓફિસર કે ક્લાર્કમાંથી પ્રમોટ સ્કેલ 1, મિડલ મેનેજમેન્ટ સ્કેલ 2, સિનિયર મેનેજર સ્કેલ 3. હું નિવૃત્ત થયો સ્કેલ 4 ચીફ મેનેજરમાં. જનરલ મેનેજર ગ્રેડ 7 કહેવાય. સ્કેલ 4 સારી એવી ઊંચી પાયરી છે જે બધા બની શકતા નથી અને કોઈ પણ સંસ્થાની જેમ છેક ટોચે સ્કેલ 7 તો ખૂબ હોંશિયાર ઉપરાંત પોતાનું આગવું પીઠબળ અને અમુક લોકો કહેતા તેમ 'છેડા' હોય તો જ બને એમ બેંકર્સ કહે છે. લેખક સાયલન્ટ.
આ લંબાણ ચર્ચા જેઓ બેંકના કર્મચારી નથી તેવા વાચકો માટે હતી.
હવે પાંડેજી બરેલી તરફથી સ્કેલ 4 માં પ્રમોટ થઈ ગુજરાત આવેલા. સ્વાભાવિક રીતે વયસ્ક, ટેંશન વાળી જોબ ને કારણે હોઠ પાસે વળાંક પડી ગયેલા. ત્યાં યજમાનવૃત્તિ તો ન કરતા હોય પણ ધાર્મિક માન્યતા અનુસાર માથા પાછળ નાની શિખા અને સાવ આછા સફેદ વાળ.
આમ તો બધા ચીફ મેનેજરો જેવાજ સ્વભાવના. કામ માટે એને ઉપર વાળા ચાબુક મારી દોડાવ્યા કરે એટલી કાંઈક તો જુનિયર અધિકારીઓને પાસ કરે જ ને? એટલે બિચારા કડક તરીકે પંકાઈ ગયેલા.
અમુક કુમાર બિહારથી ડાયરેકટ ઓફિસરમાં આવેલો. (એ લોકોની ક્યારેય અટક નથી હોતી! બધા કુમારો. એટલે અહીં તેમનું નામ ધરાર ઉડાડી તેમને કુમાર કહેશું.) મારા મિત્રો કહે છે કે એક વખત બેંકોનું મેનેજમેન્ટ અમુક રામન, તમુક ક્રીષ્ણન અને બમુક મુર્થીઓથી ભરાયેલું. પછી યુગ આવ્યો ઉત્તર ભારતીયોનો. હિન્દી ભાષીઓ કોણ જાણે કેમ, ગુજરાતીઓને ખૂબ પરેશાન કરવા લાગેલા અને ગુજરાતીઓ મઝાકમાં તેમને 'હિંદાઓ' કહેતા. આ રેસિઝમ ની વાત નથી. ઓફિસ વર્તુળોમાં અરસપરસ રચાતાં સમીકરણો અને રાજકારણની વાત છે. એ પછી એકાદ દસકાથી બિહારીઓનું રીતસર આક્રમણ થયું અને 'જ્યાં જ્યાં નજર મારી ઠરે તકતી દીસે કોઈ 'કુમાર' ની.' આ માત્ર મનોરંજનમાં લેવું. નહીંતો લેખમાળા નીરસ બની જાય.
તો કુમાર સ્કેલ 1 માં જુનિયર ઓફિસર તરીકે બિહારથી આવી પાંડે જી ની નીચે મુકાયો. પાંડે જી તેમના નેક્સટ જોઈન્ટ મેનેજર દ્વારા કુમારને ટ્રેનિંગ આપે અને રોજ 6 વાગ્યા પછી આ કામ પૂરું નથી કર્યું ને તે કરી નાખો અને અમુક નહીં કરો તો EPRF (વાર્ષિક કામના માર્ક મુકવાના. એને આધારે પ્રમોશન વ. થાય. માર્ક એ એક જ criteria નથી, ઘણા સિક્રેટ criteria છે પણ કલમને એ બાજુ જવા જ નથી દેવી. બધે એવું જ હોય) બગાડીશ એવી ધમકીઓ પણ આપે પણ લુખ્ખી. કુમાર અને એના ફેસબુક મિત્રો પોતાના ચીફ મેનેજરો વિશે ભાંડતું લખતા રહે. કુમાર પાંડેજીનો પ્રીતિપાત્ર પણ ન હતો તેમ કુમાર ને પાંડેજી પ્રત્યે ખાસ કોઈ લાગણી નહીં. ચેર ને અપાતું માન આપે.
ચૂંટણીઓ આવી. બેંકના કર્મચારીઓને હોદ્દા મુજબ કોઈને કોઈ કામગીરી સોંપાઈ. તે માટે તેમને એક ત્રણેક કલાકના સેમિનારમાં બોલાવ્યા અને એક ફોર્મમાં દરેકે પોતાની વિગતો અને સ્કેલ લખાવ્યાં.
પાંડેજીએ લખ્યું સ્કેલ 4, કુમારે સ્કેલ 1.
ડ્યુટી એલોટ કરનારા સરકારી બાબુઓ હતા. તેમના કર્તાહર્તા બાબુએ કુમારને બોલાવ્યો. માથે ગુચ્છાવાળા ઉડતા ઘટ્ટ વાળ, જિન્સનું બ્રાન્ડેડ પેન્ટ અને સુંદર ક્રીમ ટીશર્ટ સાથે હેન્ડસમ કુમાર તેમને મળ્યો.
( બેંકમાં તો ફોર્મલ શર્ટ પેન્ટ પહેરવાં પડે. એક વખત તો ઓફિસરો માટે ફરજીયાત ટાઈ પણ આવેલી, તેનો મનોરંજક પ્રસંગ ક્યારેક.)
બાબુ પણ પ્રમાણમાં યુવાન. 40 આસપાસ. 27-28 વર્ષનો આ પ્રભાવશાળી કલાસ1 અધિકારી જોઈ તેમના પ્રત્યે અહોભાવથી જોઈ રહ્યા. કુમારનું અંગ્રેજી તો સાવ ખરાબ હતું. કોમ્પિટિશન ના કલાસોએ તેમની નૌકા કેમ પાર કરાવી તે સવાલ છે. પણ અહીં અંગ્રેજી ને બદલે બિહારી લહેકાની હિન્દીમાં એ 'કલાસ 1 ઓફિસર' ની વાતો સાંભળી ખુશ થયા. 'રાષ્ટ્રીય બેંકો પણ કેવા સારા લોકોને ચૂંટે છે!' કહી કુમારને ચારેક કલાકના અંતરે આવેલ મતદાન મથકનો ઇન્ચાર્જ બનાવ્યો. સાથીઓ સાથે મસલત કરી કે આ કેટલો યુવાન છતાં કલાસ 1 અધિકારી બની ગયો છે! એને શહેરની મધ્યમાં કોઈ બુથ સોંપવું જોઈએ પણ આ ગ્રામ્ય મથક સેન્સિટિવ છે. આવા બાહોશ અને ઉચ્ચ અધિકારી જ એ જ મેનેજ કરશે.
ચૂંટણી શું છે એનો પણ ફક્ત એક વખત મત આપવા સિવાય કુમારને કઈં જ ખ્યાલ ન હતો. સારી કામગીરી આપવા બદલ વૉર્મ હેન્ડશેઈક સાથે બાબુનો આભાર માની કુમાર ગયો.
હવે બાબુએ લિસ્ટ જોયું. એમના માટે 'કલાસ 4' પાંડેજીને બોલાવ્યા. પાંડેજીની સતત ટાર્ગેટ, કસ્ટમર સર્વિસ, ફરિયાદો, યુનિયનો બધા દ્વારા 'મેથી મારવામાં આવતી' હોઇ તેમને નહોતું ત્યાંથી તમાકુનું વ્યસન થઈ ગયેલું. હથેળીમાં તમાકુ ચુનાની માવાની કોથળી મસળતા મસળતા આવ્યા , ચાલુ બેંકે માંડ નીકળ્યા હોઈ ચોળાયેલું સફારી, પગના બુટ પર લંબાઈમાં થોડાં લાંબાં પેન્ટની બુટ પર ફેલાયેલી ચાળ સાથે થોડી ફાંદ, માથે સાવ નામના સફેદ વાળ અને નાનીશી ચોટલી વાળા પાંડેજી બાબુને મળ્યા.
'આ ક્લાસ 4 ભૈયો શું કરી શકશે? ચાલો એની તંગ મુખમુદ્રા જોઈ લોકો શિસ્ત જાળવે તો એને પેલા ચાર કલાકના અંતરે આવેલ ગામમાં મૂકીએ.'
બાબુએ એના perception મુજબ કલાસ 4 'ભૈયાજી' ને એ મતદાન મથકની બહાર બેસી લાઈન જાળવવાનું, કર્મચારીઓનાં ચાપાણી ની વ્યવસ્થા અને 'કલાસ 1 ઓફિસર' કુમાર સાહેબની બેગ તથા મતદાનપેટીઓ ઊંચકવાનું સોંપ્યું. 'કર તો સકેંગે ના ભૈયાજી?' કહી રવાના કર્યા.
પાંડેજીએ જાણ્યું કે પોતે રોજ જેને તતડાવે છે એ કુમારની બેગ ઊંચકવાનું, evm ને સીલ મારવાનું જેવાં કામ પોતાને સોંપ્યા છે એટલે કોઈ ગેરસમજ થઈ છે. તેમણે તુરત બેંકની પોસ્ટ અંગે સ્પષ્ટતા ન કરવા બદલ રિજિયન નાં hrm ને લઈ નાખ્યું. તેમણે બાબુઓનો સંપર્ક તો કર્યો પણ કાલે તો ચૂંટણી અને રાત્રે બસમાં જતા રહેવાનું. છેલ્લી ઘડીએ કઈં થાય તેમ ન હતું. પાંડેજી યુપીમાં આવી બુથ મેનેજમેન્ટની ડ્યુટીઓ કપરી સ્થિતિઓમાં બજાવી ચૂકેલા. 'કાંઈ નહીં. ભારત માતા માટે પુત્ર બધું કરે' કહી ઇવીએમ ની બેગો પોલીસો સાથે ઊંચકી બસમાં ચડાવી.
બસમાં સરકારી પટાવાળા જેવા કર્મચારીઓ સાથે બેસવા જતા હતા ત્યાં કુમાર જે સફેદ સરકારી ગાડીમાં જતો હતો, તેણે એના સાહેબ પાંડેજીને પોતાની સાથે બેસવા કહ્યું. પણ ઇવીએમ, લાખ, મતદાર યાદીઓ ને એવી સામગ્રી પોતાની સાથે જ રાખવી જરૂરી હોઈ તેઓ બસમાં એ બધા લોકો સાથે બેસીને આવ્યા.
રાત્રે ખીચડી પીરસાઈ. યુવાન કુમારને એટલી પ્લેટમાં ભૂખ સંતોષાય એમ ન હતું. 55 વર્ષ જેવી ઉંમરના પાંડેજીએ પોતાની થોડી ખીચડી કુમારને આપી પોતે થોડા ભૂખ્યા રહ્યા. સાથી પોલીસો કહે 'આ કલાસ 4 એટલે કે પીયૂન તેના સાહેબને કેવા મસ્કા લગાવે છે?' બીજો કોઈ કહે 'અરે જવાદો. સાહેબો માખણ લગાવીએ તો પણ આપણું કઈં જોતા જ નથી. અમારા અધિકારી તો બહુ તુમાખી કરે છે.' ત્રીજો વળી કહે 'આ સરકાર કઈં ખાસ એલાવન્સ આપશે નહીં. આપણે અમુક પક્ષ વાળાઓ પાસે બોણી માંગી લેશું. પાંડેજીને રમૂજ પડી. તેમણે તો પોતાના જમાનામાં કહેવાતું કે 'ટૂંકા પગારમાં ટૂંકું જ કામ થાય' તે કહી સહુ કલાસ 4 સાથીઓને હસાવ્યા. તમાકુ મસળી અને એ સહુને વહેંચી. 'બેંક આવા ઉદાર ને મળતાવડા પટાવાળા રાખે છે' કહી સહુ ખુશ થયા. કોઈ જવાન યુપીની તેમની બોલી બોલતો જોઈ પાંડેજી ખુશ થયા. એની સાથે એમની બોલીમાં વાતો કરી. રોજના અત્યંત સ્ટ્રેસમાંથી જે રાહત. એમ ને એમ રાત પુરી.
સવારે, ક્યારેક 10 ઉપર બે મિનિટે પહોંચતા કુમારની ખબર લઈ નાખતા પાંડેજીએ કુમારને વહેલો ઉઠાડી નહાવા પોતાની સાથે લઈ ગયા અને જલ્દી તૈયાર કરાવી બુથમાં પત્રકો સાથે મથકના સ્ટાફ પર નજર રાખવા બેસાડ્યો. પાંડેજીએ સરકારી પીયૂનને પોલીસો અને સ્ટાફની ચા બનાવવામાં મદદ કરી. કુમારે રોજ જેની ડાંટ ખાતો તેને એ જ સાહેબે ચા લાવી આપી. સાહેબે થોડી પી થોડી કુમારને તેની ચા ઉપરાંત વધુ આપી.
'તું ગભરાના મત. યહ સેન્ટર સેન્સિટિવ તો કહા ગયા હૈ પર મેં તેરે સાથ હું, હમ દોનો અંજાને હૈ. તું યે સબ નામ કોલ કરે, સ્યાહી લગાયે સબ દેખતે જાના. બાહર મેં હું' કહી સધિયારો આપ્યો.
8 વાગે મતદાન શરૂ થયું અને પાંડેજીએ લાઈન મેનેજ કરવા માંડી. એક ખાસ લઘુમતીના લોકોએ પ્રુફ વગેરે માં થોડી ખામી હોવા છતાં ઘુસવા પ્રયત્નો કર્યા પણ પાંડેજીએ બહારથી જ આઈડી કે યાદીમાંના ચહેરાઓ જોઈને જ લોકોને જવા દીધા. 'કેવા જડ પટાવાળાઓ રાખે છે સરકાર' કહી અમુક રાજકીય પક્ષોના નેતા થોડા બાખડયા પણ ખરા. કુમાર પાંડે સાહેબે કહ્યા મુજબ ડ્યુટી બજાવતો રહ્યો. એકાદ વખતે થોડી હલ્લાબોલ જેવી સ્થિતિ થઈ જાત પણ સરકારી ગાર્ડ સાથે મળી સિક્યોરિટી જેવા મજબૂત ને કડક પાંડેજીએ બાજી સંભાળી લીધી. તેના હમવતની સાથે મળી બહારનો મોરચો પણ સંભાળ્યો. પાંચ વાગતાં જેઓ લાઈનમાં ઉભેલા તેમને અંદર લઈ લીધા અને ઝાંપો બંધ કરાવ્યો.
ચોથા વર્ગના સરકારી લોકો સાથે મતપેટીઓને સીલ લગાવ્યું અને ભારત માતાની સેવામાં પેટીઓ ઊંચકી બસમાં મુકાવી. સ્મિત સાથે તેમના એક દિવસના સાહેબ કુમારની બેગ પણ ઉપાડી.
બધાને સાથે લઈ બસ ઉપડવા ગઈ ત્યારે કુમારનો ખભો વહાલથી દબાવી 'કેસા રહા, મેરે શેર!' કહ્યું. બસમાં કુમારની સાથે જ બેસી પરત આવ્યા.
રોજ ખાનગીમાં ફિલમ ઉતારતો ને ગુસ્સો કાઢતો સ્કેલ 1 કુમાર પોતાના સ્કેલ 4 સાહેબને ચરણસ્પર્શ કરી રહ્યો.
બીજે દિવસે સવારે કુમારે બાઇક પાર્ક કર્યું ને પાંડેજીએ સામેની શેરીમાં પોતાની કાર. કુમારને ખભે વાત્સલ્ય ભર્યો ધબો મારી બેંકમાં ગયા, 'ઇતની શક્તિ હમેં દેના દાતા' પ્રાર્થના શરૂ કરાવી.
સાંજ પડી. ફરી 6 વાગ્યા એટલે અમુક LAD ડયુ કેમ નથી લેવાયા, અમુક કામ ક્યારે થશે ને એવી કુમારના શબ્દોમાં 'મેથી મારવી' શરૂ કરી.
સાહેબ આખરે સાહેબ જ હોય છે.
એમાંયે આ તો હતા પાછા ખૂબ સિનિયર, ચોથા વર્ગના (એટલે કે સ્કેલ 4 ના) માણસ!