અંગત ડાયરી - તમસો મા જ્યોતિર્ગમય Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - તમસો મા જ્યોતિર્ગમય

અંગત ડાયરી
============
શીર્ષક : તમસોમા જ્યોતિર્ગમય
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૦૫, એપ્રિલ ૨૦૨૦, રવિવાર

ઇલેક્ટ્રિકની દુકાને પપ્પા સાથે આવેલા જિજ્ઞાસુ બાળકે બલ્બનું અવલોકન કર્યું. ડેકોરેશનમાં વપરાતા નાના નાના બલ્બની સિરીઝથી શરુ કરી વીસ, પચાસ, સો વોલ્ટના લેમ્પ અને હેલોઝન જોઈ એણે કૂતુહલવશાત્ પપ્પાને પૂછ્યું, "પપ્પા, આ બધા લેમ્પ કેમ જુદી જુદી સાઈઝના છે?" પપ્પાએ શિક્ષકની અદાથી જ્ઞાન પીરસ્યું, "બેટા, જ્યાં જેટલા પ્રકાશની જરૂર હોય ત્યાં એટલા વોલ્ટનો લેમ્પ લગાડવો જોઈએ. જેમકે આપણે બાથરૂમ નાનું હોવાથી ત્યાં નાની સાઈઝનો લેમ્પ લગાડીએ છીએ અને રૂમમાં મોટી સાઈઝનો. સમજાયું મારા લિટલ એન્જીનીયર તને?"

"સમજી ગયો પપ્પા." બાળકે આટલું કહી ઉમેર્યું, "હું આ લિટલ લેમ્પડી જેવડો નાનો અને આ હેલોઝન લાઈટ એટલે આપણા દાદાજી બરાબર ને!" ચબરાક બાળકની આ વાત પર ત્યારે તો હસી પડાયું પણ પછી થયું આ વાક્ય તો જીવન વિકાસના પ્રતિક જેવું છે. બાળક સ્વરૂપે જન્મેલો માનવ જેમ જેમ વિકસતો જાય તેમ તેમ વધુ પ્રકાશિત થતો જાય. વધુ સમજદાર અને જવાબદાર બનતો જાય. ઝીરો વાળા લેમ્પની જેમ પહેલા તો એ માત્ર પોતાનું વિચારી શકે, ત્યાર પછી ફેમિલીનું, સોસાયટીનું અને સમાજનું ભલું કરવાનું એ વિચારતો થાય. જેમ હેલોઝન લાઇટ ઊંચે લટકાવી હોય તો ડિનર પાર્ટી કે દાંડિયા રમવા ભેગા થયેલાં ઘણાં બધાં લોકોને પ્રકાશ આપે તેમ..

એક વાર એક મિત્રે વાક્યોના અર્થોના ડાયમેન્શન્સની વાત કરી. સામાન્ય વ્યક્તિની વાત સિંગલ ડાયમેન્શનવાળી હોય, એકાદ વ્યક્તિ કે પરિવારને ઉપયોગી સુવિચાર એમાંથી નીકળે, જયારે વિદ્વાનો, સંતો, વિચારકોની વાતોમાંથી, સમાજ આખાને પ્રેરણા મળે એવા, બે પાંચ કે પચ્ચીસ અર્થો નીકળતા હોય. કૃષ્ણ કનૈયાની શ્રીમદ્ ભગવદગીતા મલ્ટીડાયમેન્શનલ છે, તેમાંથી માનવજીવનના તમામ ઓરડાઓ પ્રકાશિત કરવાના બેસ્ટ ડાયરેકશન્સ સમગ્ર વિશ્વને મળે. અને હા, આ યોગેશ્વર કૃષ્ણને આપણે લેમ્પડી કે હેલોઝન નહીં, આકાશમાં ચમકતા સૂર્યનારાયણ દેવ કહી શકીએ.

જયારે કોઈ શિક્ષક વર્ગખંડમાં ભણાવવવામાં પૂર્ણપણે ડૂબી જાય છે, કોઈ લેખકનું લખાણ વાચકના માનસને નવરસથી તરબોળ કરી મૂકે છે, કોઈ સંતની કથા શ્રોતાના હૃદયમાં ઉજાસ ફેલાવી દે છે ત્યારે એ શિક્ષક, લેખક કે સંત, બલ્બમાંથી હેલોઝન અને તેમાંથી સૂર્યની દિશામાં એક ડગલું આગળ વધે છે.

અમુક લોકોનો સ્વભાવ જ એવો હોય છે. તમે એમને મળીને પાછા ફરો ત્યારે ઉત્સાહિત જ હો, પ્રકાશિત જ હો, તમારું નિરાશાનું કે દુઃખનું અંધારું એમને મળવાથી અદૃશ્ય થઇ જાય. કેટલાક અણસમજુ, અપરિપક્વ લોકો એવા એ હોય છે જે ‘અંધારું’ ફેલાવતા હોય છે. તમસ્ એટલે અંધારું. કોઈ બલ્બ કદી અંધારું ફેલાવતો નથી. એ તો એની રેન્જમાં આવતા તમામને પ્રકાશિત કરે છે. એક સુવિચાર એવો છે કે "અશુભ વાત કરતા પહેલા સાત વાર વિચાર કરવો અને શુભ વાત વિચાર્યા વગર કરશો તો પણ વાંધો નથી." જયારે અમુક ગાંડાઓ, જે ગાંડાની હોસ્પિટલમાં નથી, સમાજમાં ખુલ્લે આમ આંટાફેરા કરી રહ્યા છે, એ લોકોનો નિયમ ઉલટો છે. "શુભ વાત કરતા પહેલા સાત વાર વિચારે અને અશુભ વાત સાવ વિચાર્યા વિના કરે." આવા ગાંડાઓને ઘણી વાર સત્તા, શક્તિ અને સંપત્તિનો ‘પાવર’ વધી જતો હોય છે. આવા લોકો એ ભૂલી જતા હોય છે કે ક્યારેક ‘હાઈ પાવર’ને લીધે પણ બલ્બ ઉડી જતા હોય છે.

રાત્રિના સમયે ઊંચી બિલ્ડીંગની અગાશી ઉપરથી શહેર પર નજર નાખતા આખું શહેર જગમગતું હતું. અચાનક લાઇટ ગઈ. ચોમેર અંધારું છવાઈ ગયું. ઓહ, બધા બલ્બ ઓલવાઈ ગયા. મગજમાં ચમકારો થયો. જો મેઈન પાવર સપ્લાય ઓફ થઇ જાય તો બલ્બ ગમે એટલા વોલ્ટનો હોય, એ ‘ઓફ’ જ થઇ જાય. બલ્બમાં વહેતો આ ‘પાવર’ અને ગીતાજીમાં કહેવાયેલું પેલું ‘મમૈવાંશો જીવલોકે’ એક જ કુળના હોય એવું લાગ્યું.

આપણા જીવનમાં ઉજાસ છે, કારણ કે કોઈ આપણા માટે બળી રહ્યું છે, એટલું ન ભૂલીએ તોય ભયો ભયો. કોઈ કુટુંબમાં પિતા બળી રહ્યા છે, તો કોઈ સમાજમાં પ્રમુખ, કોઈ ગામમાં સરપંચ તો કોઈ સ્કૂલમાં શિક્ષક. સમાજ માટે, સંસ્કાર માટે બળનારા આવા લોકોની તંગી એ આજના સમાજની સૌથી મોટી આફત છે.

આપણી આસપાસ કોઈ આવો દીવડો – ઘર, પરિવાર, સમાજ માટે ઝગમગી રહ્યો હોય તો એને પ્રોત્સાહનનું તેલ કે ઘી પૂરી લાંબુ આયુષ્ય અને વધુ ઝગમગાટ આપવા પ્રયત્ન કરજો. જો એમ ન કરી શકો તો એને ઓલવવા પ્રયત્ન કરનારને રોકજો. જો એમ ન કરી શકો તો એટલીસ્ટ તમે તો એને ઓલવવા ‘ફૂંક’ ન જ મારશો. બાકી યથેચ્છ્સિ તથા કુરુ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)