Jokar - 22 books and stories free download online pdf in Gujarati

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 22

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 22
લેખક – મેર મેહુલ
જુવાનસિંહ બાજુની ઓરડીમાં પ્રવેશ્યો ત્યારે ઘણો ઉત્સુક હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે આ સિલસિલાની શરૂઆત થઈ હતી.
બે વર્ષ પહેલાં કે.પી.કોલેજમાં જે ઘટના બની હતી તેને કારણે સુરતના આખા પોલીસતંત્રની આબરૂ રોળાઈ હતી.એ કેસમાં કોણ કોણ શામેલ હતું તેની જાણ હોવા છતાં એક નિર્દોષ વ્યક્તિને બલીનો બકરો બનાવી પોલીસતંત્ર પોતાની ઈજ્જત બચાવવામાં કામયાબ નીવડ્યું હતું.
એ સમયે જુવાનસિંહે જ એ વ્યક્તિને કસ્ટડીમાંથી ફરાર થવામાં મદદ કરી હતી.હાલમાં જે ઘટનાઓ બનતી હતી તેમાં એ જ વ્યક્તિની બદલાની ભાવના છુપાઈ હોવાનો અંદેશો જુવાનસિંહને આવી ગયો હતો.
ઓરડીમાં પ્રવેશતાંની સાથે જ જુવાનસિંહની આંખો અંજાય ગઈ.લાઈટને કારણે નહિ,ત્યાંના દ્રશ્યને કારણે.બહારથી લાગતી એક સામાન્ય ગણિકાની ઓરડીની બાજુમાં જે ઓરડી હતી એ કોઈ ફાઈવ સ્ટાર હોટેલના રૂમથી કમ નોહતી.બાથરૂમ,રસોડું,ટીવી,ફ્રીજથી માંડીને નાની-મોટી જરૂરિયાતની બધી જ વસ્તુ જુવાનસિંહની આંખો સામે હતી.ઓરડીની સફેદ દીવાલો અને સફેદ પ્રકાશને કારણે બધી વસ્તુ આપમેળે આંખે આવીને ચોંટતી હતી.
જુવાનસિંહ આભો બનીને બધું જોતો રહ્યો.તેની સામે ડાબી બાજુનાં ખૂણામાં રેંગો દોરડાંથી બંધાયેલો ખુરશી પર બેભાન અવસ્થામાં બેઠો હતો.તેનું માથું નીચે જુકી ગયેલું હતું.જમણી બાજુના ખૂણામાં એક ડબલનું બેડ હતું.તેનાં પર એક વ્યક્તિ ભૂરા રંગની ચાદર ઓઢીને સૂતો હતો.તેની બાજુમાં સ્ટુલ પર એક યુવતી બેઠી હતી.જુવાનસિંહને તેનો ચહેરો યાદ હતો એટલે તેને જોઈને તેણે સ્મિત કર્યું.એ સ્ટુલ પર બેસેલી યુવતીની બાજુમાં એક વ્યક્તિ અદબવાળી ઉભો હતો.
બેડની બીજી બાજુએ જોકરના લિબાસમાં એક વ્યક્તિ ઉભો હતો.જેના ગળામાં કોટનનો પાટો બાંધ્યો હતો.થોડીવાર પહેલાં જ રેંગાની ગોળી તેને કાનની સહેજ નીચેથી સ્પર્શીને પસાર થઈ ગઈ હતી.એ વ્યક્તિ જુવાનસિંહ તરફ બે ડગલાં આગળ વધ્યો અને હાથ લંબાવતા કહ્યું, “વેલકમ સર”
જુવાનસિંહે તેની સાથે હાથ મેળવ્યો.જે વ્યક્તિને પુરી પોલીસફોર્સ દિવસરાત શોધતી હતી એ તેની સામે ઉભો હતો.જેણે બે મહિનામાં સુરતના પૂરાં માફિયાઓની રાતોની ઊંઘ હરામ કરી દીધી હતી તેણે આજે સામે ચાલીને જુવાનસિંહને મળવા બોલાવ્યો હતો.
જુવાનસિંહ બેડ તરફ ગયો.બાજુમાં ઊભેલા વ્યક્તિઓના ચહેરા તેને યાદ હતા.બકુલને તો એ સારી રીતે ઓળખતો હતો.બકુલ જ હતો જેણે ‘જૈનીત નિર્દોષ છે’ એવું જુવાનસિંહને કહેલું.બકુલ અદબવાળી જુવાનસિંહને તાંકી રહ્યો હતો.તેની બાજુમાં સ્ટુલ પર નિધિ બેઠી હતી.જુવાનસિંહ જ્યારે જૈનીત પર નજર રાખતો હતો ત્યારે તેણે આ ચહેરો અવારનવાર જોયેલો.
“આ બેડ પર કોણ સુતું છે?”જુવાનસિંહે ચાદર હટાવતાં પૂછ્યું.
“ઓહ..માય..ગોડ…”એ વ્યક્તિનો ચહેરો જોઈ જુવાનસિંહથી બોલાય ગયું.
***
અમે બંને ફ્લોરલ પાર્ક આવ્યા હતા.થોડીવાર લોનમાં બેસી અમે બંને ટહેલવા નીકળ્યા જ્યાં અમને ખોપચુ નજરે ચડ્યું હતું.અમે બંને ત્યાં દીવાલ પર સેટ થઈને ઉભા હતા.નિધિ મારું નિરીક્ષણ કરતી હતી.હું શું ફિલ કરતો હતો એ તે સમજી ગઈ હશે.એટલે જ તેણે મને ધીમેથી પુછ્યું, “શું જુએ છે?”
“આ લોકોને જરા પણ શરમ નહિ આવતી હોય?”મેં બિભત્સ ભાવે ધીમેથી કહ્યું.
“એમાં શેની શરમ?”તેણે કહ્યું, “આ જગ્યા જ એકાંતમાં પળો માણવાની છે”
“સેક્સ જ કરી લેવાયને તો?”મેં કહ્યું.
“વિદેશમાં એવું પણ થાય છે. આપણાં દેશમાં એટલી પરિસ્થિતિ સારી છે”નિધિએ કહ્યું.
“આપણાં ભારતમાં દર ત્રીસ મિનિટે એક રેપ થાય છે,આનાથી સારી પરિસ્થિતિ શું હોઈ શકે?”
“આપણે આવી વાતો કેમ કરી રહ્યા છીએ?”નિધિએ ઉદાસ થતાં કહ્યું, “તું કહે તો આપણે અહીંથી નીકળી જઈએ”
“અરે ના,પહેલીવાર આવું જોઈ રહ્યો છું એટલે ઇમોશનલ થઈ ગયો,બાકી અહીંયા તો સૌ પોતાની મરજીથી આવે છે.આપણે શું લેવાદેવા?”
“એ જ ને,એકવાર આજુબાજુ નજર નાખી જો.બધા એકબીજામાં ખોવાયેલા છે,બીજા શું કરે છે તેની સાથે કોઈને નિસ્બત જ નથી”નિધિએ મને સમજાવવાની કોશિશ કરી.
“હમમ.. સાચી વાત”મેં કહ્યું.ખબર નહિ પણ મને આ બધું અજીબ લાગતું હતું.
નિધિ મારી પરિસ્થિતિ સમજી ગઈ હતી.તેણે મારા શર્ટની કૉલર પકડી મને તેના તરફ ખેંચ્યો અને પોતે દિવાલને ટેકો આપી દીધો.મારા બંને હાથ પકડી તેણે પોતાની કમર ફરતે વીંટાળી દીધા અને મને આલિંગન કરીને પોતે એડજસ્ટ થઈ ગઈ.અમે બંને લાંબો સમય સુધી એ અવસ્થામાં ઉભા રહ્યા.લગભગ વીસેક મિનિટ સુધી.એકદમ ચુપચાપ.
હું સ્વસ્થ થવાની કોશિશ કરતો હતો પણ કોઈ આપણને જોતું હોય અને આવી રીતે ઉભું રહેવું મને વાજબી વાત નહોતી લાગતી.મારા મગજમાં બસ આવા જ વિચારો ચાલી રહ્યા હતા.
થોડીવાર પછી અમે બંને દૂર થયા.મેં નિધિના ગાલ મારા બંને હાથ વચ્ચે લીધા,તેની આંખો મારી આંખોમાં પરોવાય એટલો તેનો ચહેરો ઊંચો કર્યો અને તેની આંખોમાં આંખ પરોવીને મેં કહ્યું, “આઈ લવ યુ”
તેની આંખો એક ક્ષણ માટે બંધ થઈ ગઈ,બીજી ક્ષણે નીચી ઝૂકી ગઈ અને ત્રીજી જ ક્ષણે ફરી મારી આંખમાં રમવા લાગી.
“કિસ કરીએ ત્યારે ક્યાં સ્વાદનો અહેસાસ થાય એ તને ખબર છે?”નિધિએ ધીમેથી પુછ્યું.
“તું કિસ તો નથી કરવાનીને?”મજાકમાં મૂડમાં મેં કહ્યું.
“ના,કિસ તો નથી કરવાની પણ તું કહે તો રાખડી બાંધી દઉં?”
“જેવી તારી ઈચ્છા”મેં પણ કહ્યું.
“જૈનીત પ્લીઝ…મેં કેટલી હિંમત કરીને…”નિધિ આગળ બોલે એ પહેલાં મેં તેના અધર પર મારા અધર રાખી દીધા.મારી આંખો આપમેળે બંધ થઈ ગઈ.કદાચ તેની પણ.એ ધીમે ધીમે મારા અધરને પોતાનામાં સમાવવા લાગી.મેં તેને મારા તરફ એટલી હદે ખેંચી લીધી કે તેના ઉરોજને મારી છાતી મહેસુસ કરી શકતી હતી.મારા શરીરમાં સનસનાટી ભર્યો આવેગ પસાર થઈ ગયો.તેની કમર કસીને હું તેને મારા તરફ ખેંચતો હતો અને એ મારા ગાલને હાથમાં લઈ મને તેના તરફ ખેંચતી હતી.
થોડીવાર પહેલા મને જે દુનિયાદારીના વિચાર આવતા હતા એ તો મિલો દૂર નીકળી ગયા હતા.કોણ જુએ છે,કોણ નજીક છે, ક્યાં છે એની ભાન સુધ્ધાં હું ભૂલી ગયો અને નિધિના હોઠોના રસપાનમાં વ્યસ્ત થઈ ગયો.
ત્રણેક મિનિટ પછી અમે બંને એકબીજાથી દુર થયા.મારું શરીર કંપી રહ્યું હતું, તેનું પણ.એ નજર મેળવી નહોતી શકતી અને હું નજર મેળવવા માંગતો નહોતો.એક મિનિટ સુધી તો અમે બંને જાણે બધું થંભી ગયો હોય તેમ સ્ટેચ્યુવત એમના એમ જ ઉભા રહ્યા.આખરે મેં જ ધીમેથી કહ્યું, “નિધિ….”
તેણે મારા શર્ટને પકડી લીધો અને પોતે મારા તરફ ખેંચાઈને હસતી હસતી મને હગ કરી લીધું.હું પણ કંઈ ના બોલવામાં જ સમજણ સમજીને તેની એ લાગણી મહેસુસ કરતો રહ્યો.
વાતોનો દોર તો આમ પણ ખતમ જ થઈ ગયો હતો,અમે બંને સ્પર્શની ભાષા સમજવા લાગ્યા હતા.તેણે આગળની દસ મિનિટ સુધી મને એવી રીતે જ જકડી રાખ્યો.મને વિચાર આવ્યો, ‘ચાલો ગોળા ચૂસવાવાળાની કેટેગરીમાંથી તો બહાર આવી ગયા’
થોડીવાર પછી મને ફરી નિધિના એ હોઠોનું રસપાન કરવાની ઈચ્છા થઈ. હવે તો કોઈ પાબંધી પણ નહોતી અને કોઈપણ પ્રકારની શરમ પણ નહીં.મેં નિધિની હડપચી પકડી તેનો ચહેરો ઊંચો કર્યો.તેની આંખો હજી બંધ હતી.કદાચ ભીંની પણ હતી.
તેની ગરદનની થોડે ઉપર બંને હાથ રાખી ફરી તેના હોઠો તરફ આગળ વધ્યો.આ વખતે જુદો અનુભવ થયો.પહેલાં કરતાં વધુ સારો.પહેલાં જે આવેગમાં આવી ગયો હતો તેના કરતાં આ વખતે હું જુદું મહેસુસ કરી રહ્યો હતો. એક હદે હું ભાનમાં પણ હતો અને શાંત પણ.આ વખતે મારુ ધ્યાન ફક્ત તેના હોઠો પર જ હતું.
થોડીવાર થઈ ત્યાં નિધિએ ધીમી ચીસ પાડી.એ મારાથી દૂર ના હટી પણ હું જાણતો હતો કે તેને વાગ્યું હશે.હું તેના નીચેના હોઠ પર બચકું ભરી ગયો હતો અને તેના હોઠ પર મારો એક દાંત પણ બેસી ગયો હતો.
“સૉરી..સૉરી”કહેતાં હું તેનાથી દૂર થઈ ગયો.એ તો હજી પૂતળાની જેમ આંખો બંધ કરીને ઉભી હતી.મેં તેને હલબલાવી.
તેણે ધીમેથી એક આંખ ખોલી અને કહ્યું, “લડાઈમાં તો ખૂનખરાબા થાય જ.તેમાં સૉરી ના કહેવાનું હોય”
મારું તેની વાત પર ધ્યાન જ નહોતું.તેના હોઠ પર લોહીનું ટીપું બાઝી ગયું હતું.મારો ચહેરો જોઈને એ હસવા લાગી.
“ગધેડા જેવો છું યાર હું,કેરીની જેમ બચકા ભરતો હતો”પોતાને જ કોસતા મેં કહ્યું.
“મતલબ તું કેરીમાં પણ કિસની ફિલ લેતો?”એ હસતી જતી હતી.
“ના..ના..”હું ભોંઠો પડ્યો.
“હા..હા..સાચું બોલ”
“યાર મતલબ પસંદ કરતો હતો તો ફિલિંગ તો આવે જ ને”મેં કહ્યું, “અને હું ફિલિંગ નહોતો લેતો.અહીં સારું પર્ફોર્મન્સ કરી શકું એટલે ત્યારે પ્રેક્ટિસ કરતો”
“મતલબ પાછી નહિ મારવાની?”નિધિએ હસીને કહ્યું.
“બોયફ્રેન્ડ કોનો?”મેં નેણ નચાવ્યા.
“ઓ..મારો ક્યૂટ ક્યૂટ બોયફ્રેન્ડ!”મારા ગાલ ખેંચી તેણે મને હગ કરી લીધો.
“પેઇન તો નહિ થતુંને?”મેં પુછ્યું.
“મીઠા દર્દ હૈ,ઇસે રહેને દો”તેણે ડાયલોગ માર્યો.
(ક્રમશઃ)
જુવાનસિંહની નજર સામે કોણ હતું?,જુવાનસિંહ કોને જોઈને ચોંકી ગયો હતો?,ભૂતકાળમાં એવી કંઈ ઘટના બની હતી જેથી જુવાનસિંહ મધરાતે પણ કંઈ વિચાર્યા વિના નીકળી ગયો.
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED