જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ-13
લેખક – મેર મેહુલ
થોડી ક્ષણો પછી ક્રિશા જૈનીતથી દૂર થતાં સંકોચ સાથે બોલી, “સૉરી મને આવી પરિસ્થિતિમાં શું કરવું એ સમજાતું નહોતું.હું લાગણીમાં વહી ગઈ”
“એનું નામ નિધિ હતું”જૈનીતે સ્વસ્થ અવાજે કહ્યું.,“હું જ્યારે પણ તેનું નામ સાંભળું છું,ખુદ પરથી કાબુ ગુમાવી બેસું છું”
“એટલે જ હું જ્યારે એનું નામ બોલી એટલે તું ફસ્ટ્રેટ થઈ ગયો, ઓહહ..જૈનીત આટલી બધી નફરત કરે છે તું એને?”ક્રિશાએ ભાવુક થતાં પૂછ્યું.
“પ્રેમ કરું છું”જૈનીતે કહ્યું.
“તો ક્યાં છે નિધિ અત્યારે?”ક્રિશાએ પૂછ્યું.
“તારે જૉકરની સ્ટૉરી સાંભળવી હતીને?”જૈનીતે કહ્યું, “રેકોર્ડિંગ શરૂ કર”
“મતલબ એ છોકરો તું જ છે?”ક્રિશાએ આંખો પહોળી કરીને પૂછ્યું.જૈનીતે જવાબમાં માત્ર પલકો ઝુકાવી.ક્રિશાએ મોબાઈલ હાથમાં લઈ રેકોર્ડીંગ શરૂ કર્યું.
“ચાર વર્ષે પહેલાની વાત છે…..”જૈનીતે વાત શરૂ કરી.
*
જુન,૨૦૧૫
સિંહપુરથી તળાજા તરફ જતાં વરલ વટાવીને એક કિલોમીટર આગળ જતાં એક ગોળાઇ આવે છે.ત્યાંથી બે રસ્તા ફંટાય છે.એક વાયા દિહોર થઇને તળાજા તરફ જતો રહે છે જ્યારે બીજો રામગઢ તરફ ફંટાય છે.જ્યાં ગોળાઇમાં રામગઢનો રસ્તો ફંટાય છે ત્યાં એક વિશાળ દરવાજો છે.આગળ જતાં મોટા વૃક્ષોથી ઘેરાયેલો એકપટ્ટીનો રોડ રામગઢ આવીને પૂરો થાય છે.જંગલ વિભાગમાં આવરી લેવાયેલો આ વિસ્તાર લીલીછમ વાડીઓ અને નાની-મોટી ટેકરીઓના કારણે રમણીય અને નયનપ્રિય બને છે.જંગલી પ્રાણીઓની અવરજવરને કારણે સાહસિક લોકો માટે આ ગામ આકર્ષણનું કેન્દ્ર પણ રહ્યું છે.અહીં અવારનવાર પશુઓના મૃતદેહ મળી આવે છે.છતાં પણ ગામના દરેક ઘરમાં એક પશુ રાખવું અહીંના રિવાજ સમાન બની રહ્યું છે.
આમ તો રામગઢમાં ટીંબો કહી શકાય એટલી જ વસ્તી છે તો પણ ગામના ઘણાં મોભાદાર વ્યક્તિઓને કારણે રામગઢને ગામનો દરજ્જો પ્રાપ્ત થયો છે.આવા જ એક મોભાદાર વ્યક્તિ એટલે લાલજીભાઈ પટેલ.રામદેવ ટ્રાવેલ્સના માલિક.તેઓની દસેક જેટલી બસો સુરતના રૂટ પર ચાલતી અને દસેક એકર જેટલી જમીન હતી.પાંચ વર્ષ સરપંચનો હોદ્દો શોભવ્યા પછી અહીંનો કારોબાર તેણે તેના નાનાભાઈ અરવિંદ પટેલને સોંપી દીધો હતો અને ફેમિલી સાથે તે સુરતમાં જ રહેતાં અને પોતાનો બિઝનેસ વિસ્તારતા.
લાલજીભાઈની એકમાત્ર દીકરી એટલે નિધિ.નિધિ એટલે મારા સપનાંની રાણી.મારી સ્વપ્નસુંદરી.ધોળા દિવસે રોજ આવતું એક સપનું.એ એટલી ખુબસુરત છે કે વાત જ ના પૂછો. સુંદરતાની બાબતમાં દસમાંથી અગિયાર માર્ક મળવા જોઈએ તેને.ચહેરો,વાળ,ગાલ,નાક,હોઠ બધી જ બાબતમાં દસમાંથી અગિયાર.ગોરી એટલી કે તેના લંબગોળ ચહેરાને નિહાળીને મન ના ભરાય.આમ પણ તેને બધા ભુરી કહીને જ બોલાવતા.તેના કાન પાછળનો એક તિલ એ તો મારા માટે ગજબનું આકર્ષણ હતું.તેના ગાલ એટલા મુલાયમ કે રેશમ પણ તેની સામે સખત લાગે..છેલ્લાં સાડા પાંચ વર્ષના નિરક્ષણનું જ તો આ પરિણામ હતું.અફસોસ ત્યારે કોઈ દિવસ તેની સાથે વાત કરવાની મારી હિંમત ના ચાલી.માત્ર દૂરથી જ નિહાળીને ખુશ થતો.તો પણ કાન નીચેના તિલનું નિરક્ષણ કરવા માટે આવડતતો જોઈએ જ.
વાત ન કરવા પાછળ પણ એક આધારભૂત કારણ હતું.પહેલેથી જ મારા મનમાં ગાંઠ પેસી ગઈ હતી કે આપણે આને લાયક નથી.તેના પરિવાર અને મારા પરિવાર વચ્ચે જમીન-આકાશ જેટલું અંતર.બીજું કારણ એ હતું કે તેનાં અને મારાં પપ્પાની જમીન એક શેઢે હતી.તેઓ સારાં મિત્ર હતાં.થોડામાં વધારે પુરા ગામમાં મારા કાંડ જ એટલા કુખ્યાત હતા કે કોઈ પણ વ્યક્તિ મારી સાથે વાત કરતાં પહેલાં વિચાર કરે.
બીજાં મોભાદાર વ્યક્તિ એટલે તત્કાલીન ગામના સરપંચ અને મારાં પિતા શ્રી હિતેન્દ્રભાઈ જોશી.ગામને સમૃદ્ધ બનાવવામાં તેઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે.ગામની દરેક ગલીઓમાં જે બ્લોક છે તે તેઓને જ આભારી છે.પોતાનું વિચારતાં પહેલાં સૌનું વિચારવું એ તેઓનો સૌથી મોટો ગુણ રહ્યો છે.તેઓના ધર્મપત્ની અને મારી માતા એટલે કૌશલ્યાબેન જોશીની સુંદરતાના તેઓ દિવાના હતા.હું તેમને ‘બા અથવા બડી’ કહીને સંબોધતો.સુંદરતા સાથે સંસ્કાર એ તેઓને ગોડ ગિફ્ટમાં મળેલું આભૂષણ હતું.તેનાથી વિપરીત અડીયલ,તોફાની,કોઈના કહ્યામાં ન રહેતો તેનો એકમાત્ર દીકરો એટલે હું જૈનીત જોશી.
આમ તો મારા તોફાનો અમુક હદે વાજબી જ રહેતાં પણ દરેક નાની-મોટી વાતમાં મને શિખામણ આપવાની મારી બાની આદતને કારણે હંમેશા હું વાતનું વતેસર કરતો.
એક કિસ્સો મને યાદ આવે છે,એ સમયે હું બારમાં ધોરણમાં હતો.દિવાળીના વેકેશનમાં સુરતથી આવેલા લોકોને કારણે પૂરું ગામ હર્યુભર્યું હતું.મારા માટે વર્ષના આ સૌથી માણવા લાયક દિવસો હતા.એક વર્ષ પહેલાં સુરત શિફ્ટ થયેલી નિધિ વેકેશન કરવા રામગઢ આવી હતી.
એક દિવસ સાંજે હું ખેતરેથી ઘર તરફ જતો હતો ત્યારે નિધિ તેની સહેલીઓ સાથે રામમંદિરે દર્શન કરવા આવી હતી.તેને હું જ્યારે પણ જોતો ત્યારે સમય અને સ્થળનું ભાન ભૂલીને બાઘાની જેમ ઉભો રહી જતો.આ વખતે પણ એવું જ થયું હતું.
બરાબર એ જ સમયે ગામના કેટલાક છોકરાઓને મને ‘ગિલાનો છોકરો’ કહીને ચીડવ્યો.મારાં પપ્પા એક સમયે છકડો ચલાવતાં.એ સમયથી દસમાં ધોરણમાં આવતા જયંતીલાલ ગોહિલના ‘છકડા’ પાઠમાં આવતાં ગિલાના પાત્ર પરથી મારા પપ્પાનું નામ પણ ‘રામગઢનો ગિલો’ એવું રાખી દીધું હતું.
પહેલાં આવું કોઈ કહેતાં તો મને ગુસ્સો ના આવતો પણ આ વખતે તેણે નિધિ સામે કહ્યું હતું અને સૌ એ વાત પર હસ્યાં પણ હતા.મને ગુસ્સો આવ્યો એટલે મેં બધાની વચ્ચે એ છોકરાને મેથીપાક આપ્યો હતો.
આ વાતની જાણ બાને થઈ એટલે તેણે પોતાનું પ્રવચન શરૂ કર્યું.
“જૈનીત,કેટલીવાર કહ્યું કોઈની સાથે ઝઘડો ના કરતો.તું ક્યારે સુધરીશ?”
“એ પપ્પાને ગિલો ગિલો કરે તો હું શું કરું?”ગુસ્સામાં લાલઘૂમ થતાં મેં કહ્યું.
“એ બધા તો કહ્યા રાખે.વાત વાતમાં આમ ગુસ્સો કરીશ તો જીવનમાં કેવી રીતે આગળ વધીશ?”બાએ વહાલથી મારા માથાં પર હાથ ફેરવીને કહ્યું.
“હવે નહિ કરું બસ”મેં પણ હંમેશાની જેમ ભૂલ સ્વીકારી લીધી.
“એમ નહિ, તું અત્યારે જ મંદિરે જા અને ભગવાન પાસે માફી માંગીને આવ” મારા બાનો આ નિયમ હતો. હું કોઈ પણ ભૂલ કરું એટલે મને ગામની વચ્ચે આવેલા રામજીમંદિરે જઈ માફી માંગવાનું કહે.તેઓને એવું લાગતું કે કોઈક દિવસ તો મને ભાન થશે અને માફી માંગીને સુધરી જઈશ.અફસોસ એ દિવસ હજી નથી આવ્યો.
“બડી, ગામના પેલા છેડે છે મંદિર”નાટક કરતાં મેં કહ્યું.હકીકતમાં મારે ત્યાં જ જવું હતું.
“જેટલીવાર તોફાન કરીશ એટલીવાર તારે માફી માંગવી પડશે.”બડીએ કહ્યું.માથું ધુણાવી હું ચાલતો થયો.
બડીને એવું લાગે છે કે મને ત્યાં જવામાં આળસ થતી હશે પણ એ નથી જાણતાં કે ત્યાં જવા માટે જ હું આ બધા કાંડ કરું છું.
ત્યાં જવા માટેનું એકમાત્ર કારણ નિધિ.મંદિરે જતાં તેઓનો બંગલો રસ્તામાં આવે.એ હંમેશા બહાર હીંચકા પર બેસીને કંઈક વાંચતી.વાંચતા સાથે તેની પેલી લટ ફેરવવાની અદા પણ કંઈક જુદી હતી.તેની આ હરકત જોવા માટે છેલ્લાં એક અઠવાડિયામાં હું દિવસમાં આઠ-દસવાર તેના બંગલાની સામેથી પસાર થતો.ક્યારેક દોસ્તો સાથે તો ક્યારેક બડીની પનીશમેન્ટથી.
એક વર્ષ પહેલાં એ સુરત ચાલી ગઇ એટલે મારે આ બધી મહેનત કરવી પડતી.એનું સોલ્યુશન પણ મેં વિચારી રાખ્યું હતું.કોલેજ કરવા માટે હું સુરત જવાનો હતો અને એ માટે બારમું ધોરણ શરુ થયું ત્યારથી બા-બાપુને મનાવી લીધા હતા.હું ભગવાન પાસે માફી તો ના માંગતો પણ એટલી પ્રાર્થના કરતો કે અમને બંનેને એક જ કોલેજમાં રાખે.જેથી હું રોજ તેને જોઈ શકું.
(ક્રમશઃ)
શું જૈનીત નિધિના કોલેજમાં એડમિશન લઈ શકશે?,એડમિશન મેળવીને પણ નિધિ સાથે વાતો કરી શકશે?,પ્રેમ પ્રકરણ શરૂ થતાં પહેલાં જ કોઈ ગરબડ થઈ તો?
બધું જ જાણવા એક જ કામ કરવાનું રહ્યું,વાંચતા રહો.જોકર – સ્ટૉરી એક લુઝરની
-મેર મેહુલ
Contact - 9624755226