જોકર - સ્ટૉરી એક લુઝરની - 12 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જોકર - સ્ટૉરી એક લુઝરની - 12

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 12
લેખક – મેર મેહુલ
જૈનીતના ઘરેથી નીકળી ક્રિશા પોતાના ઘરે આવી.હસમુખભાઈ ત્યારે ઑફિસે જવા બહાર નીકળ્યાં હતા.
“સવાર સવારમાં સવારી ક્યાં નીકળી ગઈ હતી?,બે દિવસથી વૉક માટે પણ નથી આવી!!”હસમુખભાઈએ પૂછ્યું.
“અંકલ,તમારે આઠથી સાતનું કામ હોતું હશે,મારે તો જાગે ત્યારે માંગે એવું છે”ક્રિશાએ દરવાજામાં પ્રવેશતાં કહ્યું.
“સારું હું નીકળું છું,નાસ્તો તૈયાર છે.ફ્રેશ થઈને નાસ્તો કરી લેજે”હસમુખભાઈએ વધુ કંઈ પૂછપરછ ન કરતાં ક્રિશાના માથાં પર હાથ રાખી કહ્યું, “જય શ્રી કૃષ્ણ”
“જય શ્રી કૃષ્ણ અંકલ”ક્રિશાએ પણ તેના અંકલને હગ કરતાં કહ્યું.
“તું આજે વધુ ખુશ લાગે છે, આવી જ રહેજે”કહેતાં હસમુખભાઈ ઑફિસ જવા નીકળી ગયા. ક્રિશા રૂમમાં આવી,જીન્સ બદલી શોર્ટ્સ પહેરી સીધી બેડ પર આડી પડી.તેનાં ચહેરા પર અજીબ સ્મિત રમતું હતું.જ્યારે ક્રિશાએ જૈનીતના હાથનો સ્પર્શ કર્યો હતો ત્યારે તેને ન સમજી શકાય તેવી લાગણીનો અનુભવ થયો હતો. ક્રિશા વારંવાર એ દ્રશ્ય યાદ કરીને પોતાનાં હાથ તરફ જોતી હતી.
આમ તો ક્રિશા સમજદાર જ હતી પણ સમજદારી આ ક્ષેત્રમાં ક્યારે કામમાં લાગી છે?,પ્રેમમાં તો જે લોકો બાવળા થઈ જાય છે એ જ સાચી મજા લઈ શકે છે.બાકી સમજદાર તો શું થશે,શું નહિ થાય એ જ વિચારોમાં મહત્વની ક્ષણો ગુમાવી દેતાં હોય છે.
ક્રિશાનું જૈનીત તરફ આ એક આકર્ષણ હતું કે પોતે લાગણીઓમાં વહેતી હતી એ તેને સમજાતું નહોતું.
‘માત્ર ત્રણ દિવસમાં કેવી રીતે કોઈ વ્યક્તિ માટે લાગણી અનુભવી શકાય?’ ક્રિશા વિચારે ચડી.પાછળથી તેને જ અહેસાસ થયો કે લાગણીઓના જન્મ માટે તો એક ક્ષણ જ કાફી છે.
ક્રિશા વધુને વધુ વિચારોના ચકડોળે ચડતી જતી એટલામાં રૂમની બેલ વાગી.ક્રિશાએ ઉભા થઇ દરવાજો ખોલ્યો,જૈનીત ક્રિશા સામે ઉભો હતો.થોડીવાર પહેલાં જેનાં વિશે વિચારતી હતી એ વ્યક્તિને તેની સામે સાક્ષાત ઉભો જોઈ ક્રિશાને અચંબો થયો.ક્રિશા આશ્ચર્યચકિત થઈ જૈનીતને જોતી રહી.પોતે કપડાં બદલતાં ભૂલી ગઈ હતી એ યાદ આવતાં તેણે થોડી શરમ પણ અનુભવી.
જૈનીતે ક્રિશાને જોઈને હલકું સ્મિત કર્યું અને કહ્યું, “અંદર બોલાવીશ કે દરવાજેથી જ વળાવવાનો વિચાર છે”
ક્રિશાને શું થઈ રહ્યું હતું એની સમજ નહોતી પડતી.તેણે પોતાની ધૂનમાં જ ડોકું ધુણાવ્યું અને કહ્યું, “ઓહ સૉરી,આવને અંદર”
“તને આ ઘરનું સરનામું કેવી રીતે મળ્યું?”ક્રિશાએ આગળ ચાલતાં કહ્યું.
“કાલે રાત્રે એક છોકરીનો પીછો કરતો કરતો અહીંયા સુધી પહોંચી ગયો હતો,એટલે મને ખ્યાલ છે”અંદર પ્રવેશતાં જૈનીતે કહ્યું.ક્રિશા અચાનક ઉભી રહી ગઈ.પાછળ ઘૂમી અને દાંત ભીસ્યાં, “તો તને એ પણ ખબર હતી?”
“હા,રાત્રે તારી સાથે ઝઘડો કરીને હું અંદર ગયો તો મને બેચેની થવા લાગી. ખબર નહિ મને કોઈ દિવસ આવું ના થતું પણ કાલે રાત્રે મને તારી ચિંતા થઈ.તારી સાથે વાત કરવા હું બહાર નીકળ્યો ત્યારે મેં તને કારમાં બેસતી જોઈ.કદાચ એ તારા અંકલ હતા.બસ પછી શું?,પીછો કરતો કરતો અહીંયા સુધી પહોંચી ગયો. તું સલામત હતી એટલે ઘરે જઈને સુઈ ગયો”જૈનીતે કહ્યું.
“તને મારી ચિંતા થતી હતી?,આ કોઈ સપનું નથીને?”ક્રિશાએ આંખ મારીને કહ્યું.જૈનીતે વળતાં જવાબમાં બિન્દાસ થઈ ક્રિશાના હાથ પર ચીમટો ભર્યો.
“આઉચ…”ક્રિશાએ દૂર જતાં કહ્યું, “શું કરે છે?”
“તને સપનામાંથી બહાર કાઢતો હતો”જૈનીત ખભા ઉછાળીને હસ્યો.
“થેંક્યું બહાર લાવવા માટે,બોલ હવે કૉફી ચાલશે કે નાસ્તો?”ક્રિશાએ કહ્યું.
“અડધી કલાક પહેલાં જ બંનેએ ઠુસી ઠુસીને આરોગ્યું છે અને તું હજી નાસ્તાનું પૂછે છે?”
“ફોર્મલિટી તો કરવી પડેને?,આફટર ઓલ પહેલીવાર આવ્યો છે તું મારા ઘરે”
“પહેલીવાર આવ્યું છું,છેલ્લીવાર નહિ.પછી ક્યારેક કરી લઈશું નાસ્તો”જૈનીતે કહ્યું.
“ચાલો એમ રાખો,બેસ હું કપડાં ચેન્જ કરતી આવું”ક્રિશા હવે વાત કરવામાં કમ્ફર્ટેબલ હતી.
“શું પ્રોબ્લેમ છે કપડામાં?શોર્ટસમાં સેક્સી લાગે છે તું”જૈનીતે ક્રિશાના સાથળ પર નજર કરતાં ચુગલી કરી.
“ચલ જુઠ્ઠા”કહી ક્રિશા રૂમમાં ચાલી ગઈ.
ક્રિશા જ્યાં સુધી બહાર આવી ત્યાં સુધી જૈનીત ઘરનું નિરીક્ષણ કરતો રહ્યો.
“આજે હું નહિ આવી શકું નિધિ,સૉરી”ક્રિશા કોઈના જોડે ફોનમાં વાત કરતી કરતી બહાર આવી, “બસ યાર આજે મૂડ નથી”
નિધિ નામ સાંભળી જૈનીતના મગજમાં હથોડો વાગ્યો.છતાં તેણે પોતાની જાતને સંભાળી,શાંત બેસી રહ્યો.
“સૉરી…શું કહેતો હતો તું?”ક્રિશાએ પૂછ્યું.
“તારે બહાર જવાનું હોય તો આપણે નીકળીએ,હું પણ બસ હવે નીકળું જ છું”જૈનીતે કહ્યું.
“ એ તો મારી ફ્રેન્ડ નિધિ શોપિંગ માટે બોલાવતી હતી ,જરૂરી નથી.તું રોજ રોજ થોડી ઘરે આવવાનો છે?”ક્રિશાએ કહ્યું.
જૈનીતે માત્ર હકારમાં ડોકું ધુણાવ્યું.નિધીનું નામ વારંવાર સાંભળી તેને તકલીફ થતી હતી જે તેના બદલાતાં જતાં ચહેરાના હાવભાવ પર સાફ સાફ દેખાય આવતું હતું.
“કેમ શું થયું?,અચાનક ચહેરો કેમ કરમાઈ ગયો?”ક્રિશાએ બાજુમાં સોફા પર બેસતાં કહ્યું.ક્રિશા ફ્રીજમાંથી થોડી ચોકલેટ લઈ આવી હતી.જે તેણે સામે ટેબલ પર રાખી.જૈનીતે તેમાંથી એક ચોકલેટ ઉઠાવી મોંમાં રાખતાં કહ્યું, “ચોકલેટ સારી છે”
“હું શું પૂછું અને તું શું જવાબ આપે છે?”ક્રિશાએ જૈનીત સામે જોઇને કહ્યું.
“મારો દોસ્ત પણ આવી ચોકલેટ લાવતો મારા માટે”જૈનીતના શબ્દો આપમેળે અસ્તવ્યસ્ત થવા લાગ્યા.પોતે નિધિની વાત સિવાય કોઈપણ વાત કરવા તૈયાર હતો.પણ ક્રિશા એ વાતથી અજાણ્યી હતી.
“જૈનીત”ક્રિશાએ થોડાં ઊંચા અવાજે કહ્યું, “શું થયું?”
“મારે તને કહેવું ના જોઈએ પણ હું લુઝર છું,હું લાઈફમાં બધું ગુમાવી ચુક્યો છું.જ્યારે જ્યારે મને આ અહેસાસ થાય છે ત્યારે હું ગુસ્સો કરું છું, ગાળો બોલું છું. મારી સાથે કોઈ વ્યક્તિ રહેવાનું પસંદ જ નથી કરતું એટલા માટે જે વ્યક્તિ મળે છે તેના માટે પઝેસિવ થઈ જાઉં છું. તું વિચારતી હશે હું તને આ બધું શા માટે કહું છું પણ જો ભૂલથી મારાથી કોઈ ભૂલ થઈ જાય તો તને આશ્ચર્ય ના થાય એ માટે તને પહેલેથી જ વાકેફ કરું છું.હું હવે કોઈને ગુમાવવા નથી માંગતો”જૈનીત એક શ્વાસે બધું બોલી ગયો.તેનાં કપાળે પરસેવો ઉતરી આવ્યો.
“જૈનીત…”ક્રિશા જૈનીતના હાથ પર હાથ રાખતાં ધીમેથી બોલી, “તું જેવો છે એવો સારો જ છે, બીજાં સામે તારે આવી રીતે કરગરવાની જરૂર નથી.જે લોકોને તું પસંદ નથી,એની સાથે રહેવાની તું લાખ કોશિશ કરીશ તો પણ કોઈને કોઈ બહાનું બનાવી દૂર થઈ જ જશે.તું એ લોકોને મહત્વ આપને જે તને પસંદ કરે છે.તારી સારી કે ખરાબ આદતોને સ્વીકારે છે.અને મેં તને પહેલાં જ કહ્યું હતું.મને તારી બધી આદતો વિશે આરાધનાએ કહ્યું હતું છતાં મને તું સારો વ્યક્તિ લાગ્યો છે. અને છોકરાં તો ગાળો બોલતાં જ હોય છે. એમાં કંઈ નવી વાત નથી”
“પણ હું આવો નહોતો ક્રિશા,પરિસ્થિતિ એ મને બદલી નાખ્યો છે.મારી ઉંમરના છોકરાંમાં જે અરમાન હોય એ બધાં હતા પણ હવે હું માત્ર હરતુ-ફરતું એક શરીર છું.જેમાં માત્ર દારૂ અને સિગરેટ જ ભરી છે.લાગણીઓ તો ક્યારનીય મરી ચુકી છે.મને ખબર જ નથી પડતી હું તને આ બધું શા માટે કહું છું?”જૈનીત માથું પકડીને બેસી રહ્યો.
ક્રિશાએ જૈનીતનો ચહેરો હાથમાં લીધો,તેની આંખોમાં આંખ પરોવી કહ્યું,“તું આવું શા માટે બોલે છે જૈનીત?તું ઝીંદાદિલ માણસ છે.તું તારી લાગણીઓને શા માટે તરછોડે છે.મને તારી પાસે આવી વાતો સાંભળીને આશ્ચર્ય થાય છે. હું આજ દિન સુધી તારી જેવાં છોકરાને નથી મળી.તું મહત્વનો છે મારા માટે.”
જૈનીત હાલ વિચારવાની હાલતમાં નહોતો.તે ક્રિશાને વળગી પડ્યો.જૈનીતને પણ અચાનક શું થઈ ગયું એ ક્રિશા નહોતી સમજી શકતી.જૈનીત જ્યારે તેને અચાનક વળગી પડ્યો ત્યારે તે ચોંકી ગઈ હતી.કોઈ વ્યક્તિ આટલું બધું છુપાવી કેવી રીતે જીવી રહ્યો હશે?ક્રિશા માટે આ બધું અજીબ હતું પણ ક્રિશા જૈનીતને શાંત કરવાના પ્રયાસો કરતી હતી.
વાતાવરણ અચાનક બદલાય ગયું હતું. થોડીવાર પહેલાં હસી-મજાક કરતાં જૈનીત અને ક્રિશા ગંભીર અવસ્થામાં એકબીજાને વળગીને પેમ્પરિંગ કરતાં હતા.
થોડી ક્ષણ માટે બધું જ થંભી ગયું હતું.જૈનીત સાથે ક્રિશાનું માઈન્ડ પણ બ્લેન્ક હતું.વાતાવરણ સુનસાન હતું.ક્રિશા ક્યારે જૈનીતની આટલી બધી નજદીક આવી ગઈ એ પોતાને જ ખબર ના રહી.ક્ષણ માટે ક્રિશાએ વિચાર કર્યો, પછી પોતાની આંખો બંધ કરી અને જૈનીત તરફ વધુ નજીક સરકી ગઈ.
તેણે જૈનીતનો ચહેરો હડપચીએથી હાથમાં લઇ પોતાની તરફ લીધો.જૈનીત આંખો નહોતો મેળવી શકતો.ક્રિશાએ જોર કર્યું,જૈનીતને પોતાનાં તરફ નજર ફેરવવા માટે મજબૂર કર્યો.ક્રિશા જૈનીતની આંખોમાં અસહ્ય પીડા જોઈ શકતી હતી.ક્રિશાએ સહેજ ઝૂકી જૈનીતના અધર પર પોતાનાં અધર રાખી દીધાં.
પરિસ્થિતિ બંનેના કાબુ બહાર હતી.જૈનીત પણ ક્રિશાનાં સહેવાસમાં પોતાનું દુઃખ ભૂલવા લાગ્યો.કહેવાય છે ચુંબન કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે. જૈનીત માટે આ અચાનક હતું,પણ પીડાઓની વચ્ચે સૌથી શ્રેષ્ઠ ઈલાજ હતો.એ પણ ક્રિશાને સહકાર આપવા લાગ્યો.
થોડી ક્ષણો પછી ક્રિશા જૈનીતથી દૂર થતાં સંકોચ સાથે બોલી, “સૉરી મને આવી પરિસ્થિતિમાં શું કરવું એ સમજાતું નહોતું.હું લાગણીમાં વહી ગઈ”
“એનું નામ નિધિ હતું”જૈનીતે સ્વસ્થ અવાજે કહ્યું.
(ક્રમશઃ)
શું ધાર્યું હતું અને શું થઈ ગયું?,ગાળો બોલતો છોકરો આમ કોઈ છોકરીને શા માટે ગળે લાગી ગયો હશે?, નિધિ સાથે એના એવા તો કેવા સબંધ રહ્યા હશે જેને કારણે તે પોતાની જાતને સંભાળી નથી શકતો.
આવે છે, આગળના ભાગમાં જ નિધિ આવે છે. વાંચતાં રહો જૈનીતભાઈની કહાની.જૉકર – સ્ટૉરી એક લુઝરની
-મેર મેહુલ
Contact - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Dhaval  Patel

Dhaval Patel 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 2 વર્ષ પહેલા

Khyati Soni ladu

Khyati Soni ladu 2 વર્ષ પહેલા

Hina

Hina 2 વર્ષ પહેલા