નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ-૧૯
કાર્તિક અને મીરાંએ સંધ્યા અને સુરજને બધી હકીકત જણાવી દીધી હતી. તે બંને હવે સુરજ અને સંધ્યાનો સાથ આપવા લાગ્યાં હતાં. હવે જોઈએ આગળ.
બીજાં દિવસે સંધ્યા તેનાં પપ્પા સાથે બેસીને નાસ્તો કરી રહ્યો હતો. બરાબર એજ સમયે સંધ્યા ત્યાં આવી. સંધ્યાને જોઈને હિતેશભાઈ ખૂબ જ ગુસ્સે થયાં. સંધ્યા સુરજ પાસે આવીને તેનો હાથ પકડી, તેને બહાર ખેંચી ગઈ.
સંધ્યાની એવી હરકતથી સુરજ તેની પાછળ દોરવાયો. બહાર જઈને સંધ્યા સુરજ ઉપર ગુસ્સે થઈને બોલવાં લાગી.
"તને કોણે કહ્યું હતું, કોલેજમાં બધાંને એવું કહેવાનું કે, તું મને પ્રેમ કરે છે?"
"હાં, તો એમાં શું વાંધો? મેં માત્ર મારાં મિત્રોને જ કહ્યું છે. મિત્રોથી એવી વાતો છુપાવવાની થોડી હોય!"
"તારે એકવાર મને પૂછવું તો હતું. મને પૂછ્યાં વગર તારી આવું કરવાની હિંમત કેવી રીતે થઈ?" સંધ્યા ગુસ્સામાં લાલ આંખો, ને ઉંચા અવાજે બોલી રહી હતી.
"બસ, સંધ્યા. હવે તારું વધી રહ્યું છે. એવી નાની નાની વાતો મારે તને પૂછીને કરવી જરૂરી નથી."
"આ કોઈ નાની વાત નથી. તે કોલેજમાં જે રાયતું ફેલાવ્યું છે, તેનાં લીધે બધાં મને અલગ-અલગ નામથી બોલાવી રહ્યાં છે. મને તો બોલતાં પણ શરમ આવે છે. તારે તો ક્યારેક કોલેજે આવવું હોય. મારે રોજ કોલેજ જવું હોય. કોઈ મારી સાથે એવું વર્તન કરે, એ મને પસંદ નથી. તું અત્યારે જ મારી સાથે આવ, ને કોલેજમાં તારાં બધાં મિત્રોને જણાવી દે કે, તે મને એવાં નામોથી બોલાવવાનું બંધ કરી દે."
"હું એવું કાંઈ કરવાનો નથી. મારાં માટે મેં કર્યું એ કોઈ ગુનો નથી. એ બધાં મારાં મિત્રો છે, તો હું તેમનાથી શાં માટે કાંઈ છુપાવું!!"
"ઓકે, તો તું તેમને આવું કરતાં નહીં રોકે, તો આજથી આપણાં રિલેશન ખત્મ સમજ!! હવે પછી મને મળવાની કે બોલાવવાની કોશિશ પણ નાં કરતો."
"આટલી નાની વાતને તારે આવડું મોટું સ્વરૂપ જ આપવું હોય, તો મને પણ તારી સાથે રહેવાની કોઈ ઈચ્છા નથી. જા, આજથી તું તારાં રસ્તે હું મારાં રસ્તે."
સુરજ અને સંધ્યાએ બંનેએ સામસામે ગુસ્સો કરીને, રિલેશન ખતમ કરી નાખ્યાં. સંધ્યા રડતી આંખે ત્યાંથી જતી રહી. સુરજ આગનાં ગોળાની માફક, ગુસ્સો વરસાવતો પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.
હિતેશભાઈ દરવાજે ઉભાં રહીને, આ બધું જોઈ રહ્યાં હતાં. જે કામ હિતેશભાઈ નાં કરી શક્યાં. એ કામ સંધ્યાએ જાતે કરી દીધું.
હિતેશભાઈની ખુશીનો પાર નાં રહ્યો. અંદર જઈને તેમણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, ને Mr.DK ને કોલ લગાવ્યો. Mr.DK એ જેવો કોલ રિસીવ કર્યો કે, હિતેશભાઈ ખુશીથી ઉછળી પડ્યાં, ને બોલવાં લાગ્યાં.
"અરે યાર, આજ તો કમાલ થઈ ગઈ."
"મને ખબર છે, શું કમાલ થઈ. કાર્તિકે સંધ્યાને મારી નાંખી એમ જ ને!!"
"અરે નાં હવે. સંધ્યાએ મારાં સુરજ સાથે રિલેશન તોડી નાખ્યાં. હમણાં એ ખુદ મારી ઘરે આવી હતી. સુરજ સાથે ઝઘડો કરીને, રિલેશન તોડીને, જતી રહી."
"અરે ડોબા, બસ આટલી વાતની તને એટલી બધી ખુશી થાય છે!! સંધ્યાનો કિસ્સો તો હજું એમ ને એમ જ છે ને!! એ હજું આપણને નડતરરૂપ જ થવાની છે. આપણું રાજ હજું પણ તેની પાસે છે."
"અરે, હવે તેને મારવી નહીં પડે. હવે તો તેને માત્ર ધમકીથી જ સમજાવી દેશું."
"તું આ કેવી પાગલ જેવી વાત કરે છે?"
"જો સાંભળ, સુરજ તેને પ્રેમ કરતો. જેનાં લીધે હું સુરજને આપણાં ધંધા વિશે જણાવી નાં શક્યો. હવે સુરજ તેનાંથી જાતે જ દૂર થઈ ગયો છે. તો હું સુરજને થોડાં સમય પછી આપણાં ધંધામાં સામેલ કરી લઈશ. આમ પણ કાર્તિક હવે એક કામ સરખું નથી કરતો. જો સુરજ તેની સાથે રહેશે, તો તે પણ સરખું કામ કરશે."
"તો સંધ્યાનું શું કરવાનું છે?"
"હવે તે માત્ર આપણાં ધંધાને નડતરરૂપ છે. તેને હજું સુધી કોઈ સબૂત તો મળ્યું નથી. તો આપણે જ્યારે તેને કોઈ સબૂત મળશે, ત્યારે તેનાં વિશે લાંબુ વિચારીશું. ત્યાં સુધી નકામું કોઈ મોટી મુસીબતને આમંત્રણ શાં માટે આપવું? આપણાં ધંધાનો એક નિયમ છે, એતો તમને ખબર જ છે. જ્યાં સુધી કોઈ આપણાં માટે નુકસાનકારક સાબિત નાં થાય. ત્યાં સુધી તેને મારવાનાં નહીં."
"ઓકે, તો એમ રાખીએ. આમ પણ સંધ્યા મીરાંની મિત્ર છે. જો કાંઈ થાશે, તો મીરાંને હથિયાર બનાવી સંધ્યાનું કંઈક નિવારણ કરી દેશું."
"તો હવે આ વાત ઉપર પાર્ટી થઈ જાય!!"
"હાં જરૂર, આજે રાત્રે બાર વાગ્યે આવી જાજો મારાં બંગલે. ત્યાં જ પાર્ટી ગોઠવી દેશું."
"ઓકે ડન."
હિતેશભાઈ તો એટલાં ખુશ હતાં કે, જાણે કોઈ મોટો ખજાનો હાથ લાગી ગયો હોય. દોલતનો નશો તેમનાં માથે ચડીને બોલતો હતો.
*****
સંધ્યા ઘરે આવીને ઓશિકામાં મોઢું દબાવીને રડી રહી હતી. સતત રડવાથી તેની આંખોનું નૂર ગાયબ થઈ ગયું હતું. કાજલ રેલાઈ ગયું હતું. આંખો સોજી ગઈ હતી.
મોહનભાઈ ક્યારનાં તેને શાંત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યાં હતાં. પણ સંધ્યા ચૂપ થવાનું નામ જ નહોતી લેતી. તેઓ કેટલીવાર સંધ્યાને એકનો એક સવાલ પૂછી રહ્યાં હતાં.
"બેટા શું થયું? કેમ આમ રડી રહી છે? કાંઈ તો બોલ. તું કહીશ નહીં, ત્યાં સુધી મને ખબર કેમ પડશે!!"
સંધ્યાએ મોહનભાઈના એકપણ સવાલનો જવાબ આપ્યો નહોતો. હવે તો રુકમણીબેન પણ પરેશાન થઈ રહ્યાં હતાં.
"શું થયું છે, સંધ્યાને? તે શાં માટે આમ રડી રહી છે?"
"તે કાંઈ કહે તો ખબર પડે ને!! બસ આવી ત્યારની રડ્યાં જ કરે છે. ક્યારનો પૂછું છું, શું થયું?? શું થયું?? પણ જવાબ જ નથી આપતી."
"મીરાંને ફોન કરો કદાચ તેને ખબર હોય."
"નહીં, તેને ખબર નહીં હોય. આ વાતનો જવાબ માત્ર કાર્તિક જ આપી શકશે."
"એ કોણ છે? મેં તો પહેલાં ક્યારેય આ નામ સાંભળ્યું નથી."
"સંધ્યા તેને પસંદ કરે છે, એ પણ સંધ્યાને પસંદ કરે છે. તે તેની કોલેજમાં તેનાં જ ક્લાસરૂમમાં જ ભણે છે. પણ-"
"પણ શું? હજું તમે શું છુપાવી રહ્યાં છો?"
"તને હિતેશભાઈ યાદ છે? જેમની પત્નીનું કાર એક્સિડન્ટમા મૃત્યુ થઈ ગયું હતું, ને જે મને એક બિઝનેસની ઓફર આપવા આપણે ત્યાં આવ્યાં હતાં."
"હાં, તમે ત્યારે રૂપિયાની જરૂર હોવા છતાં, એ બિઝનેસમાં જોડાવાની નાં પાડી હતી. તેઓ કોઈ પણ રૂપિયા લીધાં વગર તમને એ બિઝનેસમાં ભાગીદાર બનાવતાં હતાં. તો પણ તમે નાં પાડી હતી?"
"તે બિઝનેસ શેનો હતો, એ તને ખબર છે?"
"નહીં."
"એ ડ્રગ્સનાં ધંધામાં જોડાવાની ઓફર લઈને આવ્યાં હતાં. એટલાં માટે મેં તેનો અસ્વીકાર કર્યો હતો."
"ડ્રગ્સનો બિઝનેસ!!"
"હાં, ડ્રગ્સનો બિઝનેસ, ને કાર્તિક એજ હિતેશભાઈનો છોકરો છે. જેને આપણી સંધ્યા પસંદ કરે છે."
"આ કેવી વાત કરો છો તમે? એવું ક્યારેય બને જ નહીં." રુક્મિણીબેન ત્રાડ પાડીને બોલી ઉઠ્યાં.
"તું પહેલાં મારી વાત સાંભળ." મોહનભાઈએ રુકમણીબેનને સોફા પર બેસાડીને કહ્યું.
"સુરજ હિતેશભાઈનો સાથ નથી આપતો. એતો તેનાં પપ્પાને રોકવા માંગે છે. મેં કાલ ખુદ સુરજ, કાર્તિક અને મીરાં સાથે આ બાબતે વાત કરી છે."
"હવે આ કાર્તિક કોણ છે?"
"એ સુરજનો મિત્ર છે. તેનાં પપ્પા પણ હિતેશભાઈના ધંધામાં સામેલ છે. મીરાંના કાકા પણ તેમની સાથે જ કામ કરે છે."
"આ છોકરીએ તો ભારે કરી હો!! કેવાં કેવાં મિત્રો રાખ્યાં છે, એજ નથી સમજાતું." રુકમણીબેન પરેશાન થઈને, માથાં પર હાથ મૂકીને બોલ્યાં.
"એ બધાં સારાં જ છે, તું ચિંતા નાં કર. તે બધાં સંધ્યાનો સાથ આપવા તૈયાર છે."
"તો આજે સંધ્યાની આવી હાલત કેમ છે? તે સુરજના લીધે શાં માટે રડી રહી છે? હું સંધ્યા પ્રત્યે આટલી કઠોર છું. તો પણ સંધ્યા મારાં લીધે ક્યારેય રડી નથી. તો આજ એ સુરજના લીધે શાં માટે રડે છે? આ વાતનો તમારી પાસે કોઈ જવાબ છે?"
"એ સવાલનો જવાબ હું આપીશ મમ્મી."
સંધ્યા રુકમણીબેન અને મોહનભાઈની વાતો સાંભળીને નીચે આવી. તેની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. તોય આંખોમાં એક અલગ જ ચમક હતી. જે જોઈને રુકમણીબેન કે મોહનભાઈ કોઈ કાંઈ સમજી નાં શક્યાં.
(ક્રમશઃ)
શું સંધ્યા અને સુરજ સાચે જ અલગ થઈ ગયાં? શું હિતેશભાઈ બે પ્રેમી આગળ જીતી જાશે? શું ડ્રગ્સ જેવાં ધંધા સામે પ્રેમની હાર થાશે? એ જોશું આગળનાં ભાગમાં.