રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 5 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 5

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અધ્યાય:5

"આ તો એ જ વનસ્પતિની સુવાસ છે જે પાતાળલોકમાં ભસ્મા સરોવરની નજીક મોટા પ્રમાણમાં ઉગે છે. સર્પદેશનાં જે પ્રદેશમાં યક્ષરાજ બકારના અંગ પડ્યાં હતા એની અસરરૂપે ત્યાં વસતાં નિમલોકોની સાથે ત્યાંની જે વનસ્પતિ પણ ઝેરીલી થઈ ચૂકી હતી એમાં સર્પમિત્રા મોખરે હતી. જે સર્પોને પોતાની અંદર વિષત્વની ઉણપ વર્તાય એ આ વનસ્પતિની તીવ્ર સુવાસ હેઠળ એની તરફ આકર્ષિત થાય છે."

"પણ આ ઝેરીલી વનસ્પતિની સુવાસ આમ અચાનક આટલી તીવ્રરૂપે રાજકુમારીનાં શયનકક્ષમાંથી આવવાનું કારણ?" પોતાનાં નાકમાં આવેલી સુવાસને ઓળખતો રુદ્ર મનોમન બોલ્યો.

અચાનક નાકમાં આવેલી આ સુવાસે રુદ્રને દ્વિધામાં મૂકી દીધો. આખરે આ ઝેરીલી વનસ્પતિની આટલી તીવ્ર સુવાસ અચાનક આવવાનું કારણ શું હતું એ પહેલાં તો રુદ્રને ના સમજાયું પણ રુદ્રને મેઘનાનો ખ્યાલ આવતાં જ એનું મન હચમચી ગયું.

મેઘનાની માથે મોતનો ભય તોળાઈ રહ્યો હતો એ વિષયમાં અગ્નિરાજ અને મૃગનયનીએ રુદ્રને જણાવી દીધું હતું. જો સાચેમાં ગુરુ સુધાચાર્યની ભવિષ્યવાણીમાં થોડી પણ સચ્ચાઈ હતી તો સાચેમાં મેઘનાનો જીવ સંકટમાં હતો.

આ વિચાર મનમાં આવતાં જ રુદ્ર દોડીને મેઘનાનાં શયનકક્ષમાં પ્રવેશી ગયો. દૂર સફેદ રંગનાં પાતળા વસ્ત્ર ની વચ્ચે રાજકુમારી મેઘનાની શૈયા મોજૂદ હતી. રાજકુમારીની બે દાસીઓ એમની શૈયાથી થોડે દૂર એક લાકડાનાં સેજ પર પાથરણ બીછાવી ઘસઘસાટ સુઈ રહી હતી.

રુદ્રએ આમ તેમ નજર ઘુમાવી સર્પમિત્રાની સુવાસ આખરે ક્યાંથી આવી રહી હતી એ જાણવાનો પ્રયત્ન કર્યો. રુદ્ર આ અંગે જાણી શકે એ પહેલાં તો બે ડઝનથી પણ વધુ સર્પ રાજકુમારી મેઘનાની શૈયા તરફ સરકીને આગળ વધતાં રુદ્રની નજરે ચડયાં.

આછી રોશનીમાં રાજકુમારીની તરફ આગળ વધી રહેલાં આ દરેક સર્પ વિષધારી હોવાનું રુદ્ર પોતાની ચમત્કારીક શક્તિઓથી સમજી ચૂક્યો હતો. પાતાળલોકનો રાજકુમાર હોવાથી સર્પો સાથે એનો અવારનવાર પનારો પડેલો હતો.

"રાજકુમારી સાવધાન!" મેઘનાને ચેતવવા રુદ્રએ પાડેલી આ બૂમ સાંભળી મેઘના સફાળી બેઠી થઈ ગઈ.

મેઘનાની સાથે બંને દાસીઓ પણ રુદ્રના આ ભારે અવાજને સાંભળી અચાનક નિંદ્રામાંથી જાગી ચૂકી હતી.

આ સમયમાં શું નિર્ણય લેવો એ રુદ્રને શરૂઆતમાં તો સમજણ ના પડી પણ પછી રુદ્રએ રાજકુમારીને બચાવવા એક ગજબની યોજના અમલમાં મુકવાનું વિચાર્યું. રુદ્ર ક્ષણનો પણ વિલંબ કર્યાં વિનાં ફલાંગો ભરતો મેઘનાની તરફ આગળ વધ્યો.

રાજકુમારી મેઘનાની સેજ ફરતે જે સફેદ કપડાંનું આવરણ વીંટાળ્યું હતું એને રુદ્રએ વિજળીવેગે પોતાની તલવારનાં ઉપરાછાપરી ઘા વડે રહેંસી નાંખ્યું. આમ થતાં એ ટુકડે-ટુકડેમાં વિખરાયેલું એ વસ્ત્ર રાજકુમારીની શૈયાની ફરતે જઈ પડ્યું.

આ દરમિયાન પોતાની શૈયા તરફ આગળ વધી રહેલાં સર્પોને જોઈ મેઘના ભયભીત થઈને રુદ્રની આડશમાં છુપાઈ ગઈ. બંને દાસીઓ પણ આ ભયાવહ દ્રશ્ય જોઈ જોરજોરથી ચિલ્લાવા લાગી. એમની ચીસો સાંભળી બહાર ઉભેલાં અન્ય સૈનિકો પણ રાજકુમારીનાં શયનકક્ષ તરફ દોડી આવ્યાં.

રાજકુમારી પર નક્કી કોઈ મહામુસીબત આવી છે એવું વિચારી રાજકુમારીની મદદ માટે આગળ વધતાં એ સૈનિકોનાં પગ શયનકક્ષમાં મોજૂદ સર્પોને જોઈ થંભી ગયાં.

"હર હર મહાદેવ!" જેવાં જ સર્પો શૈયાની ફરતે પડેલાં કપડાંની નજીક પહોંચ્યાં એ સાથે જ રુદ્રએ કક્ષમાં જે રોશની માટેનાં દિવા હતા એ પોતાની જોડે રહેલી તલવારની મદદથી તોડી પાડ્યાં.

આ દરમિયાન રુદ્રએ એ બાબતનું ધ્યાન રાખ્યું કે એ દિવામાં મોજૂદ તેલ સીધું નીચે પડેલાં કપડાં પર પડવું જોઈએ. રુદ્ર પોતાની યોજનાને સાચા અર્થમાં અંજામ આપવામાં સફળ થયો અને દિવાની અંદર મોજૂદ બધું તેલ નીચે જમીન પર પડેલાં કપડાંનાં ટુકડા પર જઈ પડ્યું.

ઘડીનાં છઠ્ઠા ભાગમાં તો એ પાતળું સફેદ વસ્ત્ર ભડભડ સળગી ઉઠ્યું. આ અચાનક લાગેલી આગનાં લીધે સાત-આઠ સર્પ આગમાં ભૂંજાઈ ચૂક્યાં. જ્યારે બાકીનાં સર્પ આ આગથી ભયભીત થઈને ત્યાંથી પાછાં વળી ગયાં.

રુદ્રની આ ગજબની કુશળતા જોઈને કક્ષને બારણે ઊભેલાં સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયાં. જે ઝડપથી રુદ્રએ પોતાની યુક્તિને સફળ બનાવી હતી એ જોઈ એમનાં ચહેરા પર રુદ્ર માટે પ્રશંષાનાં ભાવ ઉભરી આવ્યાં.

"શીઘ્રમાં શીઘ્ર આ આગને ઠારી દો!" રુદ્રનો આદેશ માથે ચડાવી ત્યાં આવી ચડેલાં સૈનિકો તત્કાળ હરકતમાં આવી ગયાં અને થોડી ક્ષણોમાં તો આગ પર સંપૂર્ણ કાબુ મેળવી દેવામાં આવ્યો.

રાજકુમારી મેઘનાનાં શયનકક્ષ તરફથી આવતો કોલાહલ સાંભળી મહારાજ અગ્નિરાજ અને મહારાણી મૃગનયની પણ હાંફળા-ફાંફળા બની ત્યાં દોડી આવ્યાં. રાજા અને રાણી જ્યારે ત્યાં આવ્યાં ત્યારે સૈનિકો શયનકક્ષમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી ચૂક્યાં હતા.

"આ બધું શું થઈ રહ્યું છે?" મેઘનાનાં શયનકક્ષમાં પહોંચેલા રાજા અગ્નિરાજે પોતે નિહાળેલી પરિસ્થિતિ જોઈ મોટાં સાદે કહ્યું.

"મેઘના, તને કંઈ થયું તો નથી ને?" રુદ્રની આડશમાં છુપાઈને ઊભેલી પોતાની દીકરીને જોતાવેંત રાણી મૃગનયની એની તરફ ઉતાવળાં ડગલે આગળ વધતાં બોલ્યાં.

"રાજકુમારી મેઘનાને કંઈ નથી થયું. એ પૂર્ણતઃ સુરક્ષિત છે?" મેઘનાની જગ્યાએ રાણી મૃગનયનીનાં સવાલનો જવાબ આપતા રુદ્ર બોલ્યો.

રુદ્રના આટલું બોલતા જ મેઘના રુદ્રની પાછળથી નીકળી બહાર આવી. પોતાનાં માતા-પિતાને ત્યાં આવેલા જોઈ મેઘના પોતે સૂતી હતી એ શૈયા પરથી હેઠે ઉતરી. રાણી મૃગનયનીને જોતાં જ મેઘનાની આંખો ઉભરાઈ આવી અને એ દોડીને રાણી મૃગનયનીને ભેટી પડી.

"પહેલાં રડવાનું બંધ કર અને મને એ જણાવ કે અહીં શું થયું હતું?" મેઘનાને માથે હેતથી હાથ ફેરવતાં રાણી મૃગનયનીએ પૂછ્યું.

'સર્પ, બહુ બધાં સર્પ!" પોતાની જોડે જે કંઈપણ ઘટિત થયું એનાંથી ડરેલી મેઘના ડૂસકાં ભરતી માંડ આટલું બોલી શકી. આ દરમિયાન રુદ્ર પણ શૈયા ઉપરથી ઉતરી નીચે આવી ચૂક્યો હતો.

"સર્પ?, ક્યાં છે સર્પ?" રાજા અગ્નિરાજના અવાજમાં વિસ્મય સાફ જણાતું હતું.

"અમુક સળગીને મરી ગયાં અને અમુક બચીને નાસી ગયાં!" પોતાની તલવારને મ્યાનમાં રાખતા રુદ્ર ગૌરવભેર બોલ્યો.

"મહારાજ અને મહારાણી, ગજબ થઈ ગયો! આ યુવકે પોતાની સ્ફૂર્તિ અને હિમતનાં જોરે રાજકુમારીજીનાં પ્રાણ બચાવી લીધાં." શયનકક્ષમાં મોજૂદ બે દાસીઓમાંથી એક દાસીએ મહારાજ અને મહારાણી સામે શીશ નમાવી અહીં જે કંઈપણ ઘટિત થયું હતું એ વિશે વિગતે જણાવી દીધું.

એ દાસીની વાત સાંભળી રહેલા રાજા અગ્નિરાજની નજર આ દરમિયાન મેઘનાની શૈયાની નજીક ભડથું થઈને પડેલાં સર્પોનાં મૃતદેહ પર પડી.

દાસી દ્વારા જે રીતે રુદ્ર દ્વારા મેઘનાનો જીવ બચાવવાનું વર્ણન કરવામાં આવ્યું એ સાંભળી અગ્નિરાજ અને મૃગનયની બંને આશ્ચર્યચકિત થઈ ગયાં.

"વીરા, તને મેઘનાનો અંગરક્ષક બનાવવાના મારાં નિર્ણય પર હવે મને ગર્વ થઈ રહ્યો છે. તારી હયાતીમાં રાજકુમારી પર ઊની આંચ નહીં આવે એવી મારી ગણતરી સાચી પડી. છેલ્લાં ચાર દિવસમાં મેઘનાનો જીવ બે વખત બચાવી અમારી ઉપર તે ખૂબ મોટો ઉપકાર કર્યો છે. તારાં અદ્ભૂત સાહસનાં બદલામાં હું તને મારું આખું રાજ્ય આપી દઉં તો પણ ઓછું છે. બોલ તારે શું જોઈએ છે?" મહારાજ અગ્નિરાજે હરખભેર રુદ્ર ભણી જોતા કહ્યું.

"નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ!" મનોમન આવેલાં આ શબ્દો રુદ્રએ મનમાં ધરબી દીધાં કેમકે રોષમાં લેવામાં આવતાં નિર્ણયની માફક જ ખુશીમાં આપવામાં આવેલું વચન કોઈ મૂલ્ય નથી ધરાવતું એવું ગુરુ ગેબીનાથ દ્વારા રુદ્રને કહેવામાં આવેલું. રાજા અગ્નિરાજ ભલે પોતાને ઈચ્છિત વસ્તુ માંગવાનું કહે પણ એ ઈચ્છિત વસ્તુ તરીકે નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ માંગવી એ બહુ ઉતાવળું પગલું હોવાનું વિચારી રુદ્ર બોલ્યો.

"મહારાજ મારે કંઈ નથી જોઈતું. તમે મને જે કાર્ય સોંપ્યું એનો જ આ હિસ્સો હતો. તો કૃપયા મને કોઈ ભેટ સોગાતની આવશ્યકતા નથી."

રુદ્રના આમ બોલવા છતાં રાજા અગ્નિરાજે પોતાનાં જમણા હાથમાં પહેરેલી સોનાની રત્નજડિત અંગૂઠી રુદ્રને આપતા કહ્યું.

"આ મારાં તરફથી તને એક નાનકડી ભેટ છે."

પોતાની અનિચ્છા છતાં રાજા અગ્નિરાજની આ ભેટનો અસ્વીકાર કરવાનું દુઃસાહસ રુદ્ર કેમેય કરી ના શક્યો. રુદ્રએ શીશ ઝુકાવી આભારવશ મહારાજ અગ્નિરાજ જોડેથી અંગૂઠી લઈને પોતાનાં હાથમાં પહેરી લીધી.

"આપનો ખૂબ ખૂબ આભાર મહોદય. આપે પુનઃ મારી જીંદગી માટે પોતાની જીંદગી દાવ પર મૂકીને મારાં પર બહુ મોટો ઉપકાર કર્યો છે. આપનો આ ઉપકાર હું આજીવન નહીં ભૂલું." મૃદુ સ્વરે મેઘનાએ રુદ્રને કહેલાં આ શબ્દો રુદ્ર માટે રાજા અગ્નિરાજ દ્વારા આપવામાં આવેલી રત્નજડિત અંગૂઠી કરતાં પણ વધુ મહત્વનાં હતા.

"સૈનિકો, તુરંત રાજકુમારીજીનો શયનકક્ષ હતો એવો કરી દો." સૈનિકોને આદેશ આપ્યા બાદ અગ્નિરાજે મેઘના તરફ જોતા કહ્યું.

"રાજકુમારી, હવે જ્યાં સુધી આપણે રત્નનગરી નહીં પહોંચીએ ત્યાં સુધી તમે અમારી સાથે જ રહેશો."

અત્યાર સુધી જે ઘટનાઓ બની રહી હતી એને પોતાનાં પિતાજીની વાત માની લેવામાં પોતાની ભલાઈ હોવાનું મેઘનાને સમજાવી દીધું હતું. મેઘનાએ હકારમાં ગરદન ઝુકાવી પોતાનાં માતા-પિતા સાથે રહેવાની સંમતિ જાહેર કરી એટલે અગ્નિરાજ અને મૃગનયની મુખ્ય છાવણીમાં આવેલાં પોતાનાં કક્ષ તરફ આગળ વધ્યાં.

એક જ દિવસમાં જે રીતે પોતે રાજા અગ્નિરાજનો આટલો ખાસ બની ચૂક્યો હતો એ હજુ પણ રુદ્રની સમજની બહાર હતું. પોતે જે કાર્ય સિદ્ધ કરવા માટે નીકળ્યો હતો એનાં અનુસંધાનમાં એનું રાજ પરિવારનાં સંપર્કમાં આવવું જરૂરી હતું, પણ પોતે રાજપરિવારની આટલી નજીક આવી જશે એની તો કલ્પના પણ રુદ્રએ નહોતી કરી.

પોતે મનોમન મેઘનાને પ્રેમ કરવાં લાગ્યો હતો એનો પણ અંદાજો અગ્નિરાજને ના આવી જાય એ જરૂરી હતું. કોઈપણ ભોગે જ્યાં સુધી પોતાનું ધ્યેય સિદ્ધ ના થઈ જાય ત્યાં સુધી પોતાને પોતાની લાગણીઓ પર કાબુ રાખવો પડશે એ વિશે વિચારતો-વિચારતો રુદ્ર શયનકક્ષની સફાઈ કરી રહેલાં સૈનિકોની કામગીરી જોઈ રહ્યો હતો.

સૈનિકો દ્વારા મૃતપાય પડેલાં સર્પોનાં દેહને ભેગા કરી બહાર ફેંકાવાની કામગીરી થઈ ગયાં બાદ એ સૈનિકો જ્યારે મેઘના જ્યાં સૂતી હતી એ શૈયાનું પાથરણ બદલી રહ્યાં હતા ત્યારે રુદ્રની નજર શૈયાની નીચે પડેલાં તાંબાના પાત્ર પર પડી.

સફાઈ કામગીરી કરી રહેલાં સૈનિકની નજર પણ એ જ સમયે આ પાત્ર પર પડી અને એ સૈનિકે એ પાત્ર નીચેથી ખેંચવા પોતાનો હાથ લંબાવ્યો જ હતો ત્યાં રુદ્રએ મોટેથી બૂમ પાડતા એ સૈનિકને એમ કરતો અટકાવ્યો.

રાજકુમારી મેઘનાની શૈયા નીચે મૂકવામાં આવેલાં આ તાંબાના પાત્રનું કંઈક તો રહસ્ય હોવું જ જોઈએ એમ વિચારી રુદ્ર એ પાત્રમાં શું હતું એ જોવાં આગળ વધ્યો.

*********

વધુ આવતાં ભાગમાં

એ તાંબાનાં પાત્રમાં આખરે શું હતું? આખરે રુદ્રને રાજકુમારી મેઘનાનો અંગરક્ષક બનાવી અગ્નિરાજે કોઈ ભૂલ તો નહોતી કરી ને? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)