લોકડાઉનની વણજોવાયેલી બાજુ.. HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

લોકડાઉનની વણજોવાયેલી બાજુ..

લોકડાઉનની વણજોવાયેલી બાજુ.......

"હલ્લો, કેમ છે ધરતી ? યાર કઈ દુનિયામાં વસે છે તું કેટલા ટાઈમ પછી તને ફોન કર્યો. બોલ શું કરે છે ? તારી બેબી પણ ખાસી મોટી થઈ ગઈ છે, જીજુ શું કરે, લવલી કપલનો એવોર્ડ તમને જ મળવો જોઈએ. હમણાં તો જીજુ રોજ તમારા ફોટા અપલોડ કરે યાર શુ સુખી કપલ છો....."

એક શ્વાસે હું આટલું બધું બોલી ગઈ એ પણ એકદમ રોમાંચિત થઈને.... "ધરતી"... મારી એક એકમાત્ર વ્હાલામાં વ્હાલી ફ્રેન્ડ....

મારો પરિચય તો રહી જ ગયો. હું છું શ્રી..... એક સોફ્ટવેર કમ્પનીમાં એક્ઝિક્યુટિવ મેનેજરની પોસ્ટ પર જોબ કરું છું. હું ને ધરતી સાથે ભણ્યા. MBA નો અભ્યાસ અમે સાથે કર્યો. હોસ્ટેલની દરેક ધમાલમાં ધરતી ને હું સાથે જ હોઈએ. કેટલા લવ- બ્રેકઅપમાં પણ અમે બેય જ એકબીજાના સાથીદાર. હું આમ થોડી વધુ વિચારનાર પણ ધરતી તો ત્વરિત નિર્ણય લઈ લે. કોઈથી ડરે નહિ...

ધરતી અન્યાય ક્યારેય સહન ન કરે. સીધી લડવા પર આવી જતી. એમાં ખાસ કરીને સ્ત્રી પુરુષના ભેદભાવ નો મુદ્દો હોય એટલે એ વચ્ચે પડતી જ. હું એને ક્યારેક રોકતી પણ ખરી કે ન લેવાદેવાને તું શું સીધી વચ્ચે પડે છે. મને યાદ છે કોલેજની એક ડિબેટમાં આ જ મુદ્દા પર ધરતી એવી તો ગંભીર થઈ ગઈ હતી કે મામલો થાળે પાડવા બધા પ્રોફેસરોને વચ્ચે પડવું પડ્યું હતું.

MBA પૂર્ણ કરીને અમે બંને સાથે જ જોબમાં લાગેલા. એક જ કમ્પનીમાં. ધરતીનું પરફોર્મન્સ જોઈ એને પ્રમોશન મળ્યું હતું. થોડા ટાઈમ પછી ધરતીને લાગ્યું કે એનું શોષણ થઈ રહ્યું છે, કમ્પની એના હકો પર તરાપ મારી રહી છે, ને એથી જ એણે આ જોબ છોડી દીધી અને સાથે મારી જોબ પણ છોડાવી.

વર્ષો વીતતા ગયા. ધરતી આગળ વધતી રહી. નચિકેત સાથે પરિવારની વિરુદ્ધ જઈ લગ્ન પણ કર્યા. એ પછી અમારો કોન્ટેકટ બર્થડે, દિવાળી ને તહેવારની વિશ જેટલો જ રહ્યો. ક્યારેક બંને એકબીજાને કૉલ કરતા તો પણ બસ કેમ છે ને શું ચાલે સિવાય કોઈ પર્સનલ વાતો ન થતી. આમ પણ બીઝી લાઈફમાં આટલા જ સંબંધો મેઈન્ટેઇન થઈ શકે, બહુ ગાઢ સંબંધો હાલના સમયે બોજરૂપ લાગવા માંડે. ટેકનોલોજીની આ એક આડઅસર છે કે વ્યક્તિ એકબીજાના પરિચયમાં હોય છે પણ એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેવાથી દૂર ભાગે છે. આજના વ્યક્તિની પોતાની જ સમસ્યાઓ, એટલી હોય છે કે બીજાના જીવનમાં એને જરાય રસ નથી હોતો. એમ કહેવાય ને કે એકદમ અલિપ્ત જીવ એક મોબાઈલ ને સેલેરી આપી દો એટલે એને બીજા કશાની જરૂર જ નથી હોતી. એને કોઈ પ્રત્યે સહાનુભૂતિ પણ નથી હોતી ને કોઈનો અભાવ પણ નથી હોતો, પોતાના નજીકના સગા પણ શેડ્યુલ વગર આવે તો વ્યક્તિ અંદરથી ચિડાય જાય છે, અણગમો થઈ જાય છે. આવા સમયના કિનારે ઉભા હતા હું ને ધરતી...

વર્ષો બાદ અમે આટલી લાંબી વાતચીત કરી હશે. થેન્ક્સ ટુ લોકડાઉન..... સમયની સ્થગિતતા અથવા એમ કહો કે માણસની સ્થગિતતા કારણ કે સમય તો ચાલતો જ રહે છે. પરિસ્થિતિની પ્રતિકૂળતા કઈ આજે જ આવી એવું નથી. પણ જેના પર આવે એને બહુ અઘરી લાગે. આપણે લડી રહ્યા છીએ એ પરિસ્થિતિ સહેલી તો નથી પણ આપણે મહામારી સામે લડી લેશું એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. ઇશ્વરની ટકોર ક્યારેક કઠોર હોય છે, આપણે સો આરોપ મૂકીએ તો પણ એક વાત નિશ્ચિત છે કે જે થાય છે એ નક્કી જ હોય છે બસ નિમિત્ત કોણ બને છે એ ઈશ્વર આપણા પણ છોડી દે છે, ને માણસ માનવતા ભૂલી નિમિત્ત બની જતો હોય છે. આપણે બસ માનવતા યાદ રાખી મદદના નિમિત્ત બની શકીએ એટલું યાદ રાખીએ.....

જ્ઞાન વધી ગયું નહિ ? શું કરું પણ રોજ એકલી ઘરમાં ને ઘરમાં કંટાળી જઉં છું, ન્યુઝ ને સોશિયલ મીડિયાનો એટલો અતિરેક થઈ ગયો છે કે ક્યારેક તો થાય કે આ બધું બંધ કરી હાથમાં માળા લઈ લવ. પછી મોબાઈલમાં મેસેજનો ટોન વાગે એટલે સ્મશાન વૈરાગ જેવો વિચાર ઉતરી જાય..

હા તો વાત હતી ધરતી ને મારી... હું આમ સ્વતંત્ર મિજાજની તો નહતી છતાં મેં સિંગલ રહેવાનું જ નક્કી કર્યું. પરિવારે થોડો વખત વિરોધ કર્યો પણ આધુનિક સમયની એક પહેલ તરીકે મેં સમજાવ્યું એટલે એ પણ માની ગયા. હું જવાબદારી સ્વીકારવા માંગતી નથી એવું નથી પણ હું બસ કોઈને સહારે જીવવા નહતી માંગતી બસ. ને એવી જડતા પણ નથી યોગ્ય પાત્ર મળશે તો વિચારીશ, બાકી ક્યાં લેકર આયે થે ઓર ક્યાં લેકર જાઓગે.... મને મારા નિર્ણય પર કોઈ પસ્તાવો નથી. ખુશ છું, કઈ ખૂટે છે એવું લાગતું નથી બસ લાઈફ એન્જોય કરું છું. ને આજે તો મને મારા આ નિર્ણય પર કઈક વધુ જ માન થાય છે એવું લાગ્યું.. એ કેમ ! એ સાંભળો....

ધરતી સાથે મેં વાત ચાલુ કરી હજુ તો હું બોલતી હતી ત્યાં જ મને અટકાવતી એ બોલી,

"શ્રી.. હું નિરાંતે તને ફોન કરું હાલ તો કામમાં છું..."

મને એનું આવું વર્તન શોકિંગ લાગ્યું. પછી થયું કે હશે કઈક કામમાં.. હું તો ભૂલી પણ ગઈ. બે દિવસ પછી એનો ફોન આવ્યો. એણે જે વાત કરી એ મારા માટે વધુ શોકિંગ હતી. વાતનો સાર આમ હતો...

લગ્ન પછી નચિકેત અને ધરતી પોતાનું અલગ ઘર વસાવી રહેવા લાગ્યા. બે વર્ષમાં ફૂલ જેવી સ્વરાનો જન્મ પણ થયો. બધું બરાબર ચાલતું હતું. પણ ધીમે ધીમે નચિકેતનો સ્વભાવ બદલવા લાગ્યો. ધરતીની જોબને કારણે ઘરમાં ઝઘડા થવા લાગ્યા. ને ધરતીએ ઘર બચાવવા જોબ પણ છોડી દીધી. હવે બધું નોર્મલ ચાલતું હતું, ત્યાં લોકડાઉનમાં ફરી ઘરમાં કંકાસ ઉભો. આખો દિવસ ઘરમાં રહેવાથી નચિકેત કંટાળ્યો હતો જેનો ગુસ્સો ધરતી પર નીકળતો હતો. નાની નાની વાતોમાં એ ધરતીના દોષ કાઢતો હતો. રસોઈથી માંડીને ઘરસફાઈ ને છોકરીને સાચવવા માટે પણ ધરતીને ઘણું સાંભળાવતો હતો. ધરતી એમ કઈ ખોટું સહન કરે એમ ન હતી પણ અંદરથી થાકી ગયેલી વ્યક્તિ પછી વિરોધ કરવો છોડી દેતી હોય છે. એટલે જ આજે જ્યારે નચિકેતે હાથ ઉગામ્યો છતાં ધરતી કઈ ન કરી શકી. બસ થોડું સામે બોલી ફરી ચૂપચાપ બેસી રહી......

ફોન મુક્યાં પછી હું વિચારમાં પડી, માણસ પોતાની ઘરેડમાંથી જરાક આડાઅવળો થાય એટલે પોતાનો કાબુ ગુમાવી બેસે છે, રોજ કામમાં વ્યસ્ત રહેતો નચિકેત આટલો ફ્રી થયો એટલે જ કદાચ આમ કરી બેઠો. ને એક જરાક પણ ખોટું સહન ન કરનારી ધરતી ભારતીય અબળાની જેમ ચૂપચાપ સહન કરતી બેસી રહી... મેં ધરતીને કહ્યું પણ ખરું કે ધરતી તું પેલી વખત ચૂપ રહી નચિકેતને હિંમત આપે છે તો કહે,

"કોની વિરુદ્ધ જાઉં યાર, ને ગમે એમ કરીશ તોય એનો સ્વભાવ થોડો સુધારવાનો છે ને હમણાં વધુ નવરા હોય એટલે વધુ સાચવવા પડે, બાકી તો તુંય જુએ છે ને કેવા ફોટા ને બધું મૂકે છે અમારા બંનેના. સારો નથી એમ એટલો ખરાબ વ્યક્તિ પણ નથી કે હું કઈક મોટું એક્શન લઉં. જીવન છે ચાલ્યા રાખે ને મેં સામેથી જ તો પસંદ કર્યો છે એને. તો નિભાવિશ પણ હું જ. પછી એ પ્યાર હોય કે માર.... હા પાછું આ રોજનું તો નથી જ બાકી મને તો તું ઓળખે જ છે ને વધુ તો મારાથી પણ સહન નથી થતું. બસ સ્વરા માટે થોડું તો થઈ જ શકે..."

મને થયું આ લોકડાઉનની વણજોવાયેલી બાજુ આજ મારી સામે ઉજાગર થઈ. સતત ઘરમાં બંધ બારણે ગૃહકંકાસ પણ વધ્યો જ હશે બસ ભારતીય નારીઓ સહનશીલતાની મૂર્તિઓ થઈ ચૂપચાપ બધું સહન કરી લેતી હશે....

© હિના દાસા