સુસાઇડ Jayesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુસાઇડ

વાર્તા- સુસાઇડ લેખક- જયેશ એલ.સોની-ઊંઝા મો‌.નં.9601755643
વ્રજવિલા ટાવરના દસમા માળે ફ્લેટમાં રહેતા સાગરકુમારે બારમા માળે અગાશીમાં જઇ પડતું મુકીને સુસાઇડ કર્યું ત્યારે કોઈને નવાઇ ના લાગી કારણકે અગાઉ બે વખત તેમણે સુસાઇડ નો પ્રયત્ન કર્યો હતો પણ બચી ગયા હતા.સાગરકુમાર નું સુસાઇડ આખા એપાર્ટમેન્ટમાં અને આજુબાજુના વિસ્તારમાં ચર્યા નો વિષય બની ગયું.
45 વર્ષની ઉંમર, તંદુરસ્ત કસાયેલું શરીર,છ ફૂટની હાઇટ,સદાય હસતો ચૉકલેટી ચહેરો,લેટેસ્ટ ફેશનેબલ કપડાં અને ટાપટીપ ના શોખીન સાગરકુમાર ને જોઇને કોઇપણ વ્યક્તિ તેમને કોઇ મોડેલ અથવા ટી.વી.કલાકાર જ ધારી લે.ઉંમર પીસ્તાળીસ વર્ષ હતી પણ દેખાવ ઉપરથી માંડ પાંત્રીસ લાગે.
આવી પર્સનાલિટી હોય અને ફેન્સી ડ્રેસ મટિરિયલ્સ તથા વૈભવી લગ્નસરા ની સાડીઓ નો ભવ્ય શોરૂમ હોય પછી ઘરાકી નું પૂછવું જ શું? વ્રજવિલા ટાવરની બહાર જે દુકાનો હતી એમાં ચાર દુકાનો માં પથરાયેલો ' રૂપશૃંગાર ' શોરૂમ ધમધોકાર ચાલતો હતો.સાગરકુમારનો રૂપાળો અને હસમુખો ચહેરો જ તેમની ગુડવીલ હતી.છતાંપણ તેમની ચાલચલગત વિશે કોઇ મહિલા એ આજસુધી ફરિયાદ નહોતી કરી.
વ્યક્તિ અનેક ગુણો ધરાવતો હોય પણ જો નજરનો ખરાબ હોયતો બીજા બધા ગુણોનું કંઇજ મહત્ત્વ રહેતું નથી.પણ જો નજરનો ચોખ્ખો હોયતો બીજા ગુણો નું ઝાઝું મહત્વ રહેતું નથી.ચારિત્ર્ય ઉત્તમ ગુણ છે.શિક્ષણ, કલાક્ષેત્ર, સામાજિક સંસ્થાઓ, રાજકારણ,વેપાર-વ્યવસાય-ઉદ્યોગ બધે આ વાત લાગુ પડેછે.
સાગરકુમારના ફેમિલી માં પત્ની માધવી તથા બે દીકરીઓ હતી.મોટી દીકરી ક્વીન કોમર્સ ગ્રેજ્યુએટ માં આખી યુનિવર્સિટીમાં માં ત્રીજા નંબરે પાસ થઇ હતી અને હાલ સી.એ.ના ફર્સ્ટ યરમાં હતી.નાની દીકરી પરી કૉલેજના બીજા વર્ષમાં હતી અને અભ્યાસની સાથે સાથે સંગીત-નૃત્ય ની પણ શોખીન હતી.સાગરકુમાર અને માધવી લગ્નના આટલા વર્ષો પછી પણ પ્રેમીઓ ની જેમ રહેતા હતા.તેમની લાઇફસ્ટાઇલ પણ અન્ય લોકો માટે ઇર્ષ્યા નું કારણ રહેતી.સાગરકુમાર નું સપનું હતું કે બંને દીકરીઓ ને ઉચ્ચ શિક્ષણ આપવું અને ધામધૂમથી પરણાવવી.જાણેકે આ એમનું જીવન ધ્યેય બની ગયું હતું.
ઘણીવાર કુદરતને પણ ઇર્ષ્યા થતી હોયછે.સાગરકુમાર સાંજે ઘરે આવે પછીજ બધા સાથે જમવા બેસતા.આ નિત્યક્રમ હતો.પણ આજે ક્વીન જમવા આવી નહીં. માધવીએ કહ્યું કે આજે એને જમવાની રૂચિ નથી.જમ્યા પછી સાગરકુમાર ક્વીન પાસે ગયા અને અભ્યાસ બાબતે થોડી વાતચીત કરી.વાતચીત પતાવીને રૂમમાંથી બહાર આવવા માટે ઊભા થતા હતા એટલામાં ક્વીન બોલી ' પપ્પા મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે.મમ્મીને પણ બોલાવો.' સાગરકુમારને નવાઇ લાગી.ક્વીન આવી રીતે તો કદી વાત કરતી જ નથી.તેમણે માધવીને બોલાવી.
' પપ્પા- મમ્મી, હું એક છોકરાને પ્રેમ કરૂં છું.આપણી જ્ઞાતિનો નથી.નોકરી કરેછે.અમે કોમર્સ કૉલેજના છેલ્લા વર્ષમાં પરિચયમાં આવ્યા હતા.મારે તેની સાથે જ પરણવું છે.'
સાગરકુમારના માથે વિજળી ત્રાટકી.માથું ભમવા લાગ્યું.થોડીવારમાં કળ વળતાં તેમણે પૂછ્યું ' બેટા,હજીતો તારે સી.એ.થવાનું છે.ઘણા વરસ ભણવાનું બાકી છે. તેં અમારૂં પણ ના વિચાર્યું બેટા? અમારા સપનાંઓ નું શું થશે? હજી તારી પરણવાની ઉંમર પણ નથી. હું રાતદિવસ બે દીકરીઓ માટે તો સખત મહેનત કરૂં છું બેટા અમારા અરમાનો નું થશે?' માધવીએ સાગરકુમારના ખભે હાથ ફેરવીને આશ્વાસન આપ્યું.
ક્વીન કશો જવાબ આપ્યા વગર નીચું જોઇને બેસી રહી.એનું મૌન જ એનો જવાબ હતો.ચાર પાંચ દિવસ સુધી સાગરકુમાર ગુમસુમ બેસી રહ્યા.ઘરનું વાતાવરણ ભારેખમ બની ગયું.માધવીને ખબર હતીકે તેના પતિ અત્યંત લાગણીશીલ અને કુટુંબપ્રેમી છે.તેમનું મન ભાગી પડ્યું છે.
પંદર દિવસ સુધી ઘરમાં બધાનું મૌનવ્રત ચાલ્યું.એકદિવસ તેમના પડોશી મિત્ર એ તેમને ખાનગીમાં માહિતી આપીકે તમારી ગેરહાજરીમાં એક યુવાન તમારા ઘરે આવેછે.માધવીબેન પણ તેની આગતાસ્વાગતા કરેછે.આવું તો અમે ચાર વખત જોયું છે.પડોશીઓ ગણગણાટ પણ કરેછે.
રાત્રે ઘરે આવીને તેમણે માધવીને આ બાબતે પૂછ્યું એટલે તેણે જવાબ આપ્યો કે ક્વીન જેની સાથે પરણવાની છે એ છોકરો ઘરે આવેછે.આપણે ચાપાણી તો કરાવવા પડે કે નહીં?' સાગરકુમાર ઘુંઘવાઇ ઉઠ્યા.માધવી પણ સંમત છે એ જાણીને તેમને વધુ આઘાત લાગ્યો.
અને અઠવાડિયા પછી એક વહેલી સવારે ડાઇનિંગ ટેબલ ઉપર ચિઠ્ઠી મુકીને ક્વીન ઘર છોડીને પેલા યુવાન સાથે કોર્ટે મેરેજ કરીને તેના ઘરે જતી રહી.
સા઼ંજે સાગરકુમારે ઝેરી દવા પીધી.હોસ્પીટલ માં એડમીટ કર્યા.પણ બચી ગયા.હોસ્પીટલમાંથી રજા મળી એ જ દિવસે રેલ્વે ફાટક આગળ ટ્રેન નીચે ઝંપલાવ્યું પણ ટ્રેન ની સ્પીડ ધીમી હતી એટલે હાથે પગે થોડી ઇજા થઇ પણ બચી ગયા.ફરી હોસ્પિટલમાં એડમીટ કર્યા.સગાઓ, મિત્રો તથા પડોશીઓ માં જાતજાતની વાતો થવા લાગી.
પણ સહુના આશ્ચર્ય વચ્ચે સ્વસ્થ થયા પછી શો રૂમ ફરી ધમધમાવ્યો.પણ ઘરે આવ્યા પછી સુનમુન.
આજે બપોરે બે વાગ્યે શોરૂમ માં બે જાજરમાન મહિલાઓ આવી.મોંઘા કપડાં અને દરેક અંગ ઉપર સોનાના દાગીના ધારણ કરેલા.બપોરે બે થી ત્રણ નો ટાઇમ શોરૂમ માં આરામ નો હોયછે એટલે નોકરો બધા સુઇ રહ્યા હતા.મહિલાઓ સીધી સાગરકુમાર પાસે જ આવી અને તેમની પસંદગી ની સાડી વિષે પૂછ્યું.સાગરકુમારે જવાબ આપ્યો કે મેડમ આ સાડી તમને કાલે ચોક્કસ મળી જશે.નવો માલ કાલે આવવાનો છે.
બંને મહિલાઓ કાલે આવવાનું કહીને વિદાય થઇ.એક નોકર આ વાતચીત દરમિયાન જાગતો હતો તેણે આ વાતચીત નો મોબાઈલ માં વિડિયો બનાવી દીધો.આ નોકર નું નામ કનૈયો હતું એ સહુથી વિશ્વાસુ હતો અને એ ઘણીવાર કામે તેમના ઘરે પણ જતો.માધવી પણ તેને સારી રીતે ઓળખતી.
આ નોકર સાંજે પાંચ વાગ્યે હું બજારમાં જઇને આવું છું એમ કહીને બહાર નીકળી ગયો.અને સીધો જ માધવી પાસે પહોંચી ગયો અને વિડિયો બતાવ્યો.માધવીએ બીજા કોઇને કહીશ નહીં એમ કહીને વિદાય કર્યો.
સાંજે સાગરકુમાર આવ્યા એટલે માધવીએ કપાળે હાથ મુક્યો અને પૂછ્યું પણ ખરૂં કે તબિયત બરાબર છે? બે ત્રણ દિવસ આરામ કરો.શોરૂમ બંધ રાખો.'
' પણ મને કશું થયું નથી.તબિયત એકદમ ઓકે છે.'
બીજા દિવસે પેલી બે મહિલાઓ બે વાગ્યે આવી ગઇ પણ તેમણે મંગાવેલી સાડીઓ આવી નહોતી એટલે સાગરકુમારે તેમને થોડી વાતચીત કરીને તેમનો કોન્ટેક્ટ નંબર લઇને આવે એટલે તુરંત તમને જાણ કરીશું એમ કહીને વિદાય કરી.આજની વાતચીત નો પણ કનૈયા એ વિડિયો ઉતારી લીધો અને માધવીને બતાવી આવ્યો.
સાંજે સાગરકુમાર ઘરે પહોંચ્યા એટલે માધવીએ કહ્યું કે 'આપણે અત્યારે દવાખાને જવાનું છે.તમારી માનસિક હાલત ઠીક નથી.'
' કોણે કહ્યું મારી માનસિક હાલત ઠીક નથી? આજે તો સારામાં સારો ધંધો કર્યો છે.'
માધવીએ કહ્યું ' કનૈયો કહેતો હતો કે શેઠ દુકાનમાં એકલા એકલા વાતો કરેછે અને હસેછે.બે દિવસથી બપોરે આવું કરેછે અમને બીક લાગેછે'
' કનૈયો આવું તને કહેવા આવેછે સાલો જૂઠ્ઠો.કાલે એની ખબર લેવી પડશે'
' કોઇની ખબર લેવાની જરૂર નથી.હું તમને બે વિડિયો મોકલું છું એ પહેલાં જુઓ.'
સાગરકુમારે વિડિયો જોયો.બપોરે બે મહિલાઓ સાથે થયેલી વાતચીત નો વિડિયો હતો.પણ...પણ...વિડિયોમાં હું એકલો જ કેમ...પેલી બે મહિલાઓ તો દેખાતી નથી. હું તેમના પ્રશ્નો ના જવાબ તો આપી રહ્યો છું પણ મહિલાઓ તો દેખાતી નથી.માય ગૉડ આવું કેવી રીતે બને? બીજા વિડિયો માં પણ એવું જ થયું.સાગરકુમારના કપાળે થી પરસેવાના રેલા ઉતરવા માંડ્યા.માધવી ગભરાઇ ગઇ.થોડીવારે સ્વસ્થ થયા પછી સાગરકુમારે એટલું જ કહ્યું કે કાલે દવાખાને જઇશું.
બીજા દિવસે સાગરકુમારે પેલી બે મહિલાઓ ને ફોન કરીને કહ્યું કે 'તમારી સાડીઓ આવી ગઇછે.'જવાબમાં મહિલાએ કહ્યું ' એક કામ કરો સાગરભાઇ.તમારા શોરૂમ થી જમણી બાજુ લગભગ સો કદમ દૂર હોટલ કલાપી માં અમે બેઠા છીએ જો તમે રૂબરૂ આવી જાઓ તો બહુ સારૂં.' સાગરકુમારને એકલા જ મળવું હતું.
હોટલ કલાપી ના એરકન્ડીશન ફેમિલી રૂમમાં બંને મહિલાઓ બનીઠનીને બેસેલી જોઇ.સાગરકુમારે જતાં વેંત પેલા બંને વિડિયો બતાવ્યા.પછી પૂછ્યું ' આવું કેવી રીતે બને? '
' સાગરભાઇ એમાં ખોટું શું છે? આત્મા નિરાકાર હોયછે એ વિડિયો માં કેવી રીતે કેદ થાય?'
' આત્મા? એટલે તમે... તમે...માય ગૉડ તમે જીવિત વ્યક્તિઓ નથી?
' જુઓ સાગરભાઇ અમે જીવિત નથી.પ્રેત છીએ.પણ કેટલા સુખી છીએ એ જુઓ.છે દુનિયાદારી ની કોઇ ઝંઝટ? અમારી પણ એક દુનિયા છે.અમારી ઇચ્છા હતી કે તમારા જેવા વ્યક્તિ અમારા સાથીદાર હોયતો સારૂં એટલે આપને લેવા અમે મોકાની શોધમાં હતા.એવામાં અમે જાણ્યું કે તમે બે વાર સુસાઇડ કરવા પ્રયત્ન કર્યો હતો પણ બચી ગયા છો એટલે તમારો અમે સંપર્ક કર્યો હતો.
' શું બકવાસ કરોછો તમે? હું મારી પત્નીને જીવથી પણ અધિક ચાહું છું.તેના પુણ્ય પ્રતાપે તો બે વાર સુસાઇડનો પ્રયત્ન કરવા છતાં પણ ભગવાને મને બચાવી લીધોછે'
' જુઓ સાગરભાઇ અમે તમને લઇતો જઇશું જ.અમે જે વસ્તુ ઇચ્છીએ એ કોઇપણ ભોગે મેળવીએ જ છીએ.જો તમે નહીં માનો તો તમારી પત્ની, બંને દીકરીઓ અને જમાઇ બધાને અમારી પાસે બોલાવી લઇશું.'
બીજા દિવસે વહેલી સવારમાં વૉકીંગ માં નીકળેલા પુરૂષો એ લોહીલુહાણ હાલતમાં પડેલી એક લાશ જોઇને બૂમાબૂમ કરી.સાગરકુમાર ફેમિલી ને બચાવવા પોતે હોમાઇ ગયા હતા.