અમે બંને અમારું માથું ખંજવાળી રહ્યા હતા.ત્યારે રઘલાએ એક ઉપાય સૂચવ્યો.આ ફોટામાં દેખાતી દરેક વસ્તુના ટૂંકા નામ કાગળમાં લખી તેના પરથી કોઈ વ્યક્તિનું નામ બનાવી જોઈએ. મને પણ આ વિચાર ગમ્યો. બધી જ વસ્તુ ના નામ અમે ટૂંકમાં લખ્યા.
૧. વહાણ, ૨. આયાત-નિકાસના પલ્લા વાળું ત્રાજવું. ૩. હાવડા બ્રિજ નો સૂર્યોદય ૪. ફાંસીના ફંદામાં રહેલો દિપક ૫. સામાન અને ટ્રેન ૬.કપાયેલુ સફરજન ૭. પિંજરામાંથી મુક્ત થતું પક્ષી.
આ શબ્દોને આડા અવળા ઊંધા ચતા ગમેતેમ ગોઠવીને અમે કોઈ નામ કે જન્મદિવસ ગોઠવવાનો પ્રયત્ન કર્યો .પણ વ્યર્થ !દરેક વખતે મને અને રચનાને કોઈ થિયરી મરી જતી. પછી અમને જ અમારી થિયરી બક્વાસ લાગતી. આમ છતાં આવી ઘણી બધી થિયરીઓ મેં લખીને રાખી, કદાચ એમાંથી એકાદ કામ કરી જાય. લગભગ દસેક વાગે ચૂક્યા હતા. મારું માથું ભયંકર દુઃખી રહ્યું હતું. રઘલા નું પણ કદાચ એવું જ હશે. પણ તે ફરિયાદ કર્યા સિવાય સાથ આપી રહ્યો હતો.
‘આપણે કંઈ ખાવું જોઈએ ‘-વધુ નિરાશા અમને ઘેરી વળે તે પહેલા મેં રઘલા ને કહ્યું.
‘ હા ગજા ! ચાલ પગ છુટો કરીએ કદાચ એમાંથી કઈ તાળો મળી જાય.’
નીચે હોટલમાં જમવાનું મળતું હતું છતાં અમે દૂર સુધી ચાલતા જવાનું નક્કી કર્યું. મુંબઈમાં રાત નો માહોલ જામતો જતો હતો. પીઝા થી માંડીને પાણીપુરીવાળા હરોળમાં ગોઠવાઈ ગયા હતા. મને સાધના અને સાહિલ નો વિચાર આવ્યો. સવારથી બે એક મિસ્કોલ આવી ગયા હતા. મેં કોઈ જવાબ આપ્યો ન હતો. અત્યારે મેં તે ફોન કરવાનું મુનાસીબ માન્યું.
‘ શું કરો છો ત્યાં મુંબઈમાં ? કેટલી વાર ફોન લગાડ્યા ? જવાબ કેમ આપતા નથી ?મમ્મી ને અહીંયા કેટલી ચિંતા થાય છે? ખબર છે ?’
‘ અરે આઈ એમ સોરી બાબા, તને ખબર નથી અહીંયા પંડિતે બધાની શું ફીરકી લીધી છે બધાને એક એસાઇન્મેંટ આપ્યું છે. મેં તો હમણાં જ પૂરું કર્યું ,બીજા તો હજી લાગેલા છે’
આમ મેં સાધનાને નોકરીની મજબૂરીઓ બતાવી ટાળી. જ્યારે રઘલાએ અમીરીની સંભાવનાઓ વેચી તેની પત્ની થી છુટકારો મેળવ્યો. રસ્તામાં તે બોલ્યો
‘યાર આ ત્રીજો કોઈડો ઉકેલાઈ જાય તો સારું ! મને મારા બાપા ની જેટલી બીક નથી લાગતી તેટલી આની લાગે છે’
‘મારું પણ એવું જ છે ‘મેં મલકાતા જવાબ આપ્યો
ફરીથી કિફાયતી થાળી અમે પસંદ કરી. જમતી વખતે અમે કોયડા ની વાત કરવાનું ટાળ્યું. અમે બંનેએ બાળપણની વાતો અને તોફાનોને યાદ કર્યા .બીજા દિવસે સવારે અમે ખૂબ મોડા ઉઠ્યા.
પૂરતી ઊંઘ મેળવવાથી તે દિવસે અમે ખુશ હતા. ચા નાસ્તો કરવા અમે બાજુના રેસ્ટોરેન્ટમાં ગયા. નાસ્તાની છેલ્લી ડીશ સાફ કરતાં રઘલો ચપટી વગાડતા બોલ્યો
‘ એક વિચાર આવ્યો છે !’
‘ શું ?’
‘આપણે ટ્રાય કરીએ અતુલ મજુમદાર પાસેથી ચૌધરી ના બધા સગા વાલા, ખાસ મિત્રો ના નંબર લઇએ અને દરેકની જન્મતારીખના આંકડાઓને 982 પછી ગોઠવીએ અને જે નંબર મળે તે ડાયલ કરીશું કદાચ આ તીર નહિ પણ તુકકો કામ કરી જાય.’
‘ કોઈ શક્યતા નથી લાગતી. જો કોઈ બર્થ ડે સીધો ગોઠવાઈ જતો હોય તો ફોટા આપવા નો શું અર્થ ?’
‘ તારી પાસે આનાથી સારો કોઈ તુકકો હોય તો કહે ?નહીંતર આનીઉપર કામે લાગી જાવ‘ ફરીથી ચપટી વગાડતા તે બોલ્યો
હું ચોક્કસ રઘલા જૉડે સંમત નહોતો પણ કદાચ આ આઈડિયા કામ કરી જાય એ આશયે મેં સંમતિ બતાવી.
હોટેલ પર મજુમદારને ફોન જોડી અમે નજીકના મિત્રો અને સગા વહાલા ના નંબર આપવા જણાવ્યું. મજુમદારે થોડો સમય માંગ્યો અને લગભગ સોએક જેટલા અંગત નંબરોની યાદી અમને ફેક્સ કરી.
‘આપણે વાતની શરૂઆત કઈ રીતે કરીશું ?’મે રઘલા ને પૂછ્યું.
‘અરે !શરૂઆત શું કરવાની બધાને એવું કહેવાનું હું ફલાણા પોલીસ સ્ટેશન માંથી બોલું છું તમારી બર્થ ડે જણાવો એટલે ફટાફટ બોલી દેશે’
‘રઘલા ! આ અમદાવાદની ખાડિયાપોળ ના લોકો નથી. પોલીસથી ગભરાઈને પોતાની બર્થ ડે કહી દે આ બધા વી.આઇ.પી પર્સન હોય તેમની જોડે વી.આઇ.પી અંદાજમાં વાત કરવી પડે.’
‘તો શું કરીશું ?’
‘ ધાર, કે કોઈનો ફોન તને આવે અને તારી બર્થ ડે પૂછે તો તું એ ફોન પૂછનારને શા માટે જણાવે ?’
‘આપણને કોઈ ફાયદો થતો હોય તો !’ રઘલો રાજા ની સ્ટાઈલમાં બોલ્યો
‘ફાયદો ! ફાયદો !’ હું આંખ બંધ કરીને વિચારવા લાગ્યો
‘ઓકે આ પદ્ધતિ કામ કરશે ‘હું બોલ્યો ‘તું જો હવે મારી માર્કેટીંગની તાલીમ શું કામ કરે છે.’
પહેલો નંબર મેં કીર્તિ ચૌધરીની પુત્રવધૂને જોડ્યો આ આખો સંવાદ મેં અંગ્રેજીમાં જ કર્યો
“ શુભ સવાર, મૅડમ!.શુ તાન્યા ચૌધરી સાથે મારી વાત થઇ રહી છે.”
“ હા,કોણ બોલી રહ્યુ છે ?’
‘ મેડમ હું ફન એન્ડ હોપ એજન્સીમાંથી વાત કરું છું. તમારા સસરા અમારી એજન્સીના ખાસ સભ્ય હતા બહુ મોટું ફંડ પણ તેમણે અમારી એજન્સીને આપ્યું છે. અમારી ઇચ્છા છે કે એમના મરણ પછી તેમના ઘરના અંગત સભ્યોને પોતાના જન્મદિવસે એક શુભેચ્છા ભેટ ચૌધરી સાહેબની યાદગીરી રૂપે મળતી રહે. બસ તમારે પોતાનો બર્થ ડે આપવો પડશે, અમારા સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરી લઈએ.’
‘ ઓકે, લખો- 5- 11- 1988’
‘ થેન્ક્યુ , મેડમ ! તે ખૂબ સારા માણસ હતા.’
મૂક બનીને મને રઘલા એ હાથ વડે શાબાશી આપી. મોટાભાગના લોકોએ લાંબી દલીલો કર્યા વગર પોતાની જન્મતારીખ આપી 102 વ્યક્તિની જન્મ તારીખ નું લિસ્ટ મારી જોડે હતુ. દરેકની જન્મતારીખના છેલ્લા આંકડાઓને 982 પછી જોડી અમે નંબર ઘુમાવતા રહ્યા. કોઈ ની જન્મ તારીખના બે મહિનામાં એક અંક હોય તો તેની આગળ અમે 0 લગાવતા.
સાંજ થતાં સુધીમાં તો બીજીવાર કરાવેલું મોબાઈલ નું બેલેન્સ પણ વાપરી નાખ્યું. હું અને રઘલા લગભગ દરેક ફોનમાં એક સરખી વાત કરતા.
‘ તમારો નંબર અમને કીર્તિ ચૌધરીએ આપ્યો છે .તમારી પાસે કદાચ અમારો ચોથો કોયડો છે!’
‘ વૉટ નોન્સેંસ ! તમને નંબર કોણે આપ્યો ? કોણ કીર્તિ ચૌધરી? ‘ આવા અરુચિકર જવાબો અમને સામે છેડેથી સંભળાતા. રાતના નવ વાગી ચૂકયા હતા. બધા ફોન ટ્રાય કરવા છતાં એક પણ કોલ પોઝિટિવ પ્રત્યુત્તર વાળો મળ્યો ન હતો. ફરીથી કાલ વાળી એ જ રેસ્ટોરન્ટમાં જમવા નીકળ્યા. વધુ એક દિવસ વીતી ગયો અમે બંને નિરાશ હતા. રસ્તામાં મને હસાવવા રઘલો બોલ્યો
‘ ગજા ,મુંબઇના દરીયામાં આત્મહત્યા થઈ શકે ?’
‘ હા .ચોક્કસ થઈ શકે જ્યારે ઓટ આવતી હોય ને ત્યારે ઝંપલાવીએ તો !’ મારી એ કૉમેન્ટ્સ પર અમે ખૂબ હસ્યા મેં તેના ખભા પર હાથ મુકતા કહ્યું
‘કાલે ફરીથી ફોટોગ્રાફસ પર ધ્યાન આપીશું’
‘ચોક્કસ એ જ સાચો રસ્તો છે’- તે બોલ્યો
પછીના દિવસની સવારે રઘલો મારા કરતાં વહેલો ઉઠી ગયો. બધા ફોટોગ્રાફ્સ તેની પથારીમાં વિખરાયેલા પડયા હતા.