બેગનું રહસ્ય... Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેગનું રહસ્ય...

હું છું જિયા, મારું મૂળ વતન બોટાદ પાસે આવેલું ખસ ગામ છે, અમદાવાદમાં આવીને નોકરી કરી રહી છું, મારા માં બાપુની એકમાત્ર સંતાન છું, તેમના પ્રોત્સાહનને લીધે મારા ગામમાં હું એકમાત્ર ભણેલી હતી,
એક દિવસ હું મારો ફોન પીજી પરજ ભૂલી ગઈ અને વિચાર્યું કે લંચ બ્રેકમાં જઈને લઇ આવીશ પણ ઓફિસે ખુબજ કામ હોવાથી હું ના જઈ શકી... એમ પણ મારા ફોનમાં કોઈના બહુ કોલ નથી આવતા હોતા, એટલે સાંજે 7 વાગતા ઓફિસથી નીકળી અને મારા પીજી પર આવી, મારો ફોન હાથમાં લીધો તો તેમાં 32 મિસકૉલ્સ હતા, અને 5 મેસેજ જે મારા બાપુના અને મારી ગામમાં રહેતી બહેનપણી મધુના હતા, મેં તરત મેસેજ જોયા વગરજ બાપુને કોલ લગાવ્યો તો મારા માઁએ કોલ ઉપાડ્યો અને બોલ્યા, 'બેટા ક્યાં રહી ગઈ હતી, તને કેટલા ફોન કઈરા, તારું પણ ટેન્શન થવા લાગ્યું હતું મને તો...
મેં તરત વાત કાપીને મારા માં ને પૂછ્યું, 'ઈ બધું છોડો માઁ, તમે કેમ કોલ કયરોતો ઈ કો '
માં એ કહ્યું, 'બેટા તારા બાપુને ટેક્ટરવાળાની ટક્કર લગતા પગ ભાંગી ગયો, તે એમને સરકારી દવાખાનામાં લાઇવા, એમના પગમાં સળીયો નાખવો પડશે એઉ કીધું દાક્તર સાહેબે, તું કાલે સવારે આવવા નીકળી જજે બેટા, રાતની ટ્રેનમાં નો આવીશ '
મેં કહ્યું, 'માઁ મને માફ કરી દો, મારો મોબાઈલ અહીં રહી ગ્યોતો, હમણાંજ નોકરીએ થી આવી એટલે જોયું, '
એટલામાં પાછળથી ડોક્ટર સાહેબનો અવાજ આવ્યો એટલે મારા માઁ એ ફોન રાખીને કાલે આવવાનું કહી દીધું, પણ મને ક્યાંય ચેન નહોતું પડતું, મારા બાપુ મુસીબતમાં છે અને હું અહીંયા હાથ પર હાથ રાખીને બેસી ના રહી શકું અને મેં ફટાફટ મારો જરૂરી સામાન થેલામાં ભરીને ત્યાંથી નીકળી પડી અમદાવાદથી બોટાદ જતી છેલ્લી ટ્રેનમાં જેનો સમય 9 વાગ્યાંનો હતો,

ગાંધીધામ પહોંચી ત્યારે ખબર પડી કે ટ્રેન તો 3 કલાક મોડી પડશે કારણકે આગળ એક બીજી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, એટલા માટે આ ટ્રેન મોડી પડશે, પહેલા તો થયું કે કાલે નીકળી જઈશ ઘરે જવા પણ બાપુનો ચહેરો નજર સામે આવતા જ વિચાર આવ્યો કે સવાર પડતા તો પહોંચી જ જઈશ, સવારે નીકળીશ તો બપોર થઇ જશે, એટલે રાહ જોવાનું જ નક્કી કર્યું, પ્લેટફોર્મ પર ટ્રેન મોડી પડવાને લીધે જે રહી સહી ભીડ હતી એ પણ જતી રહી હતી, કલાક આમથી તેમ આંટા માર્યા પછી તો ચા વાળા કાકાનો સ્ટોલ પણ બંધ થઇ ગયો, હવે સન્નાટો વ્યાપી ગયો હતો આખા પ્લેટફોર્મ પર....
થોડી વાર થઇ હસે ને એક છોકરો આવ્યો મોટી બેગ લઈને, મારી બાજુની બેન્ચે એ બેઠો, થોડી થોડી વારે અમે બંને એકબીજાની સામું જોઈ લેતા, છેવટે એણે જ ચુપ્પી તોડી અને બોલ્યો, 'બહુ ઠંડી છે નહિ?? !!'
મેં કંઈજ જવાબ ના આપ્યો,
થોડી વાર રહીને એ મારી બાજુમાં આવ્યો અને બોલ્યો, 'જો સાંભળ હું કાંઈ જેવા તેવા ઘરનો છોકરો નથી, સમય પસાર કરવાનો કંટાળો આવે છે એટલે થયું કે લાવ તારી સાથે વાત કરું, તારે ભાવ જ ખાવો હોય તો ઠીક છે, ના કરીશ વાત '
મને પણ એની વાતથી લાગ્યું કે હું કંઈક વધારે જ ભાવ ખાઉ છું લોકો સાથે વાત કરવામાં,
હું બોલી, 'સોરી એવું નથી, હું બહુ મળતાવડી સ્વભાવની નથી એટલે અને મારા બાપુ હોસ્પિટલમાં છે એટલે પણ મારો મૂડ ઓફ છે '
તેણે સોરી કહ્યું અને પછી ફરી થોડીવાર રહીને બોલ્યો, 'મારું નામ કુંજ છે અને તારું?? '
મેં કહ્યું, 'જીયા, જીયા દેસાઈ,...અને મેં એને જોઈને સ્માઈલ આપી... એટલામાં અમારી ટ્રેન આવી ગઈ અને હું પહેલા ડબ્બામાં જઈને બેસી ગઈ, બીજા જેને આવવાનું હતું એ પણ ટ્રેનનો અવાજ સાંભળીને આવી ગયા, બારી બહાર જોયું તો કુંજ ક્યાંય ના દેખાયો, થોડીવાર રહીને અવાજ આવ્યો, 'સીટ શેર કરીશ?? '
મને વિચારતી જોઈને એ ફરી બોલ્યો, 'અલ્યા સીટ જ શેર કરવાનું કહું છું, દિલ નહીં....
હું હસવા લાગી અને એને બેસવા માટે સહમતી આપી....
મેં કીધું, 'તારે ક્યાં જવાનું છે?? '
તે બોલ્યો, 'મારે જ્યાં જવાનું છે ત્યાં તું જ મને લઇ જઈશ ' આટલું કહીને એ હસવા લાગ્યો... હું પણ હસવા લાગી જોડે....
આખી રાત અમે વાતો કરી હશે, ધંધુકા આવ્યું એટલે મારી આંખો ખૂબજ ઘેરાવા લાગી અને મને કયારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના રહી...
અચાનક ટ્રેન રોકાઈ, જોયું તો બોટાદ આવી ગયું હતું, બાજુમાં જોયું તો કુંજ નહોતો પણ તેની મોટી જબરી બેગ ત્યાંજ હતી, મને એમ કે એ બાથરૂમ કરવા ગયો હશે એટલે મેં રાહ જોઈ 10-15 મિનિટ પણ પછી ઘણી વાર થતા હું ઉભી થવા જ ગઈ ત્યાં ટીસી આવ્યો અને બોલ્યો, 'મેડમ કેમ હજુ અંદર છો?? '
મેં કહ્યું 'આ બેગ અહીંયા મારી સાથે બેઠો હતો એ છોકરાની રહી ગઈ લાગે છે '
ટીસી બોલ્યો, 'કયો છોકરો મેડમ, તમે અહીંયા એકલા જ તો હતા, એકલા એકલા જ વાતો કરતા હતા અને આ બેગ તો બોટાદથી બપોરની ટ્રેન ઉપડી હતી ત્યારની કોઈ મૂકી ગયું હતું, મને ટાઈમજ ના મળ્યો જોવાનો, લાવ જોઈ લઉં '
આટલું બોલીને ટીસીએ બેગ ખોલી,
અંદરનું દ્રશ્ય જોઈને અમારા બેઉના શરીરમાં કંપારી છૂટી ગઈ.... એ કુંજ હતો જેની લાશના ટુકડા કરીને બેગમાં રાખેલા હતા... હું તો ખૂબજ ડરી ગઈ પણ હવે મને ધીરે ધીરે પરિસ્થિતિ સમજમાં આવવા લાગી અને ટીસીને તરત પોલીસને જાણ કરવા કહ્યું,
પોલીસ તપાસ કરતા ખબર પડી કે બોટાદમાં કુંજ શાહ કરીને છોકરાનું મર્ડર કરવામાં આવ્યું તેની સાવકી માઁ દ્વારા જ... અને કબૂલાતમાં તેણે કહ્યું હતું કે તેણે આ બેગ નદીમાં નાખી દીધી હતી... નદીથી ટ્રેનના ડબ્બા સુધીની બેગની સફર વિશે પોલીસ પણ જાણી શકી નથી....

અડધી રાતની છેલ્લી ટ્રેનમાં બનેલા આ બનાવે મને આત્માઓના અસ્તિત્વ પર સત્યતા હોવાનું જણાવ્યું, બીજા દિવસે મારા બાપુને કુદરતી જ સારુ થઇ ગયું, સળીયો નંખાયા વગર....
લોકો કહેવા લાગ્યા કે ચમત્કાર થઇ ગયો બાપુ સાથે, આની પાછળ કુદરત જવાબદાર હતી કે કુંજની આત્મા એતો હું જ જાણતી હતી...