લવ યુ ઝિંદગી AJ Maker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ ઝિંદગી

Love you Zindagi

जो दिल से लगे,
उसे कहे दो हाई हाई हाई हाई
जो दिल न लगे उसे कहेदो बाय बाय बाय बाय
आने दो आने दो
दिल में आ जाने दो
कहे दो मुश्कुराहट को
हाई हाई हाई हाई
जाने दो जाने दो
दिल से चले जाने दो
कहे दो घबराहट को
बाय बाय बाय बाय बाय.......
लव यु ज़िन्दगी......लवली ज़िन्दगी......
આજે વહેલી સવારે ઘરની નજીકના ઠેલા પર ચા પીતાં પીતાં આ ગીત સાંભળ્યું. કેટલા સુંદર અને સરળ શબ્દો છે. જીવન જીવવાની એક ખૂબજ સરળ ફિલોસોફી છે આ ગીતમાં. જીવનમાં માત્ર એટલુંજ કરીએ કે ગમતાં પ્રસંગોને, મોઢા પર સ્મિત લાવે એવી વાતોને એવા લોકોને “હાઈ” કહીએ, અને જે અણગમતું છે, યાદ ન રાખવા જેવા પ્રસંગો છે, કોઈક એવી ઘટનાઓ છે કે પછી એવા લોકો કે જેમની સાથે રહેવું ન ગમે કે જેમના વર્તન ન ગમે, એમાં કોઈપણ હોઈ શકે, પણ ટૂંકમાં જેમના કારણે આપણે નર્વસ કે દુઃખી થઈએ એવી બધીજ બાબતોને “બાય” કહી દઈએ તો જીવનને આપોઆપ પ્રેમ કરતાં થઇ જશું.
“ફર્સ્ટ લવ યોર સેલ્ફ” આ વાક્ય ક્યાંક વાંચેલુ, અને અમલમાં લાવવા જેવો લાગ્યો પણ ખરો. કારણકે આપણે હંમેશ બીજાને જ પ્રેમ કરીએ છીએ. બીજાના સ્વભાવ, કોઈક બીજાના સ્ટેટસ ઓફ લાઈફ, કોઈક બીજાની વસ્તુઓ આપણને આકર્ષે છે. સતત બીજાનું જ અવલોકન કરવામાં આપણે આપણું પોતાનું જે છે એ ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણી અંદર પર કંઇક સારી બાબતો છે, પણ જ્યાં સુધી કોઈક બીજું એ વિષે ન કહે ત્યાં સુધી આપણે એની કદર કરતાં નથી.
હમણાં બે દિવસ પહેલા કોલેજમાં તાલીમાર્થીઓના “વ્યક્તિત્વ વિકાસ” માટે એક ભાઈ આવેલા પ્રતિક ભાઈ એમનું નામ, (અટક ભૂલી ગયો છું આદત મુજબ) એમણે બધાને પહેલા પોતાની સારી બાબતો બોલવાનું કહ્યું, બધાને પોતામાં શું સારું છે એ કહેવા માટે વિચારવું પડ્યું હતું, પરંતુ પછી એમણે પોતાની નેગેટીવ બાબતો વિષે બોલવાનું કહ્યું ત્યારે ફટ દઈને ઘણા લોકોના હાથ ઉપર થયા. આ જ વસ્તુ આપણે હંમેશા કરીએ છીએ, કરતાં આવ્યા છીએ અને કદાચ આગળ પણ કરતા રહીશું. કોઈક બીજાના ઇન્ફ્લુએન્સમાં એટલી હદે આવી જઈએ છીએ કે આપણે જાતે શું છીએ શું કરી શકીએ છીએ એ બધું જ ભૂલી જઈએ છીએ. પરિણામે આપણી નજીકના વ્યક્તિઓ, આપણી પોતાની વસ્તુઓ, ઇવન ખુદ આપણે જ આપણને ગમતાં નથી. જેના કારણે જીવન હંમેશા બોરિંગ લાગે છે, હંમેશા કંઇક ખૂટતું હોય એવું લાગે છે. જેના કારણે આપણે ક્યારેય આપણી જ લાઈફને “લવ યુ” નથી કહી શકતા.
નાની નાની વાતોમાં આપણે ડીસ્ટર્બ થઇ જઈએ છીએ, દુઃખી થઇ જઈએ છીએ. “આવું જોઈતું’તું ને ન મળ્યું, પણ આવું મળ્યું” આ કમ્પેરીઝનમાં જે મળ્યું છે એને માણવાનું ભૂલી જઈએ છીએ. આ ગીતમાં કેટલી સરળ વાત કરી છે કે “દિલમાં ખુશીઓને આવવા દો, અને મુશ્કેલીઓને બહાર કાઢો” પણ આપણે હંમેશ એનું ઉલ્ટું જ કરીએ છીએ. ખુશીઓ તો દિલમાં આવે કે ન આવે, પણ મુશ્કેલીઓ, ચિંતાઓ, દુરાગ્રહો, પૂર્વગ્રહો, કોઈક વ્યક્તિ કે વસ્તુ માટેનો અણગમો, ભૂતકાળની આપણી જ ભૂલો અને ભોગવેલા ખરાબ પરિણામો સતત આપણી અંદર રહે છે. આપણા જીવનમાં આપણા હૃદયમાં સારી બાબતો માટે સ્પેશ છે જ નહિ. ઘણી વખત એવું બને છે કે વર્તમાનમાં મળેલું કે આપણે જાતેજ મેળવેલું આનંદ આપણે ભોગવી શકતા નથી. દુનિયા આપણી પ્રશંસા કરતી હોય અને આપણે આપણા જ અવકા કાઢતા હોઈએ કે “થોડી હજી મહેનત કરી લીધી હોત તો હજુ સારું મળત.” એ “હજુ સારું મળત કે મળી શકત” ના અભાવમાં આપણે મેળવેલાની કદર નથી કરતાં. બીજા પરની અપેક્ષાઓની શું વાત કરવી આપણે આપણી જાત પર પણ વધુ પડતી અપેક્ષાઓ રાખી લઈએ છીએ. અપેક્ષાઓ ખોટી નથી પરંતુ “अति सर्वत्र वर्जयेत्”, કોઈપણ બાબત હોય એ અતિશય થઇ જાય તો સરવાળે નુકશાન જ આપે છે. અને એ અતિશય અપેક્ષાઓની પૂરતી માટે આપણે આપણી જાતેનેજ સતત ઇગ્નોર કરીએ છીએ, આપણી પાસે આપણા માટે જ સમય નથી બાકી બધા માટે છે અથવા કઢી લઈએ છીએ પણ આપણા માટે ક્યારેય સમય નથી કાઢતા. જેને કારણે બધું મનમાં ભરાઈ રહે છે, ક્યારેય બહાર નથી આવતું.
ક્યારેય આપણે આપણી જાતનો આભાર નથી માનતા કે વખાણ નથી કરતાં કે “સારું એવું અચીવ કરી લીધું હો, ગૂડ” ના, આપણને જે નથી મળ્યું એની ચિંતા છે એનો અભાવ છે જે મળ્યું છે એની કદર નથી.
થોડા સમય પહેલા એક મિત્ર ઘણા વર્ષો પછી મળ્યા, એમની પહેલાથી આદત કે, એ હંમેશ પોતાની પ્રોબ્લેમ્સ જ ગણાવે, વારંવાર કોઈપણ બાબતમાં એની પાસે એક્સ્ક્યુઝીઝ હાજર જ હોય. હમણાં જયારે મળ્યા ત્યારે થયું કે હવે તો વેલસેટ થઇ ગયા છે સો કદાચ એવું નહિ હોય પરંતુ મારી ધારણા ખોટી પાડવાનું એ પ્રણ લઈને આવેલા. ફરી એજ પ્રોબ્લેમ્સની ગણતરી ચાલુ, (હા આ વખતે પ્રોબ્લેમ્સ નવી હતી હો, કારણકે એ મિત્ર પરણી ગયા છે, અને એક સમયે એમની એજ પ્રોબ્લેમ હતી કે લગ્ન નથી થતાં અને લગ્ન પછી એ પ્રોબ્લેમ છે કે ખોટા સમયે લગ્ન થઇ ગયા) અમે છુટા પડ્યા ત્યારે એમણે મને પૂછ્યું કે “ભાઈ, તને કેમ છે કઈ પ્રોબ્લેમ?” મેં કહ્યું “ના બસ, ભગવાને તને દુનિયા આખીની સમસ્યાઓનો પોટલો સાચવવા આપ્યો છે એ ઘણું છે, હું ખુશ છું.” છુટા પડ્યા પછી થયું કે માનવ મન કેટલું વિચિત્ર કહેવાય. હમેશ પોતાની સમસ્યાઓ જ મોટી દેખાય, અમુકનું જીવન અને વર્તન જોઇને થાય કે આમને જેવું દુઃખી અને અભાગિયા આ દુનિયામાં કોઈ નહી હોય. પણ પ્રોબ્લેમ્સ કોને નથી? બધાને કંઇક ને કંઇક સમસ્યા છે, કંઇક ને કંઇક ખોટ છે, કંઇક છે એના કરતાં વધુ જોઈએ છે, આ બધાની વચ્ચે આપણું જીવન જીવવાનું સાવ રહી જ જાય છે.
વોટ્સએપ પર એક સરસ મેસેજ વાંચેલો કે “જીવનનાં અંતિમ પડાવમાં આવીને યાદ આવ્યું કે બધું જ કર્યું પણ સાલું જીવવાનું જ રહી ગયું.” આપણે હકીકતે આ જ એક મોટી ભૂલ કરીએ છીએ, જીવવાનું જ ભૂલી જઈએ છીએ, મન ખોલીને વાત કરવાનું, દિલ ખોલીને હસવાનું અને જીવનને માણવાનું ભૂલતાં જઈએ છીએ. એક નાટક જોયું હતું નામ યાદ નથી પણ એમાં એક સરસ ડાયલોગ હતો કે “જીવનને વિચારી વિચારી ને ન જીવાય, જીવનને જેમ આવે તેમનું તેમ વધાવી લેવાય” મારા મતે તો, સાચા અર્થમાં સુખી અને આનંદમયી જીવનની આજ વ્યાખ્યા છે. વિચાર કરતાં કરતાં, પ્લાનિંગ કરતાં કરતાં ડરતા ડરતા આપણે એટલા પાછળ રહી જઈએ છીએ કે જ્યારે વિરામ આવે ત્યારે અફસોસ સિવાય કંઇજ રહેતું નથી.
અંતિમ સમયે પશ્ચાતાપ અફસોસ કે દુઃખ વ્યક્ત કરતાં કરતાં મરવું, એના કરતાં અત્યારથી જ જીવનને માણતા થઈએ તો?
જે નાની નાની વાતોને ઇગ્નોર કરીએ છીએ, જે નાની નાની ખુશીઓને મિસ કરી દઈએ છીએ એને સાચવતા થઈએ તો?
અણગમતી વાતો, વ્યક્તિઓ, ઘટનાઓ, પ્રસંગોને બદલે આનંદ આપે, ચહેરા પર સ્મિત આપે અને મનને શાંતિ આપે એવી યાદોને જ હૃદયમાં અંકિત કરતાં થઈએ તો?
તો, કદાચ દરરોજ સવારે ઉઠીને કે રાત્રે ઊંઘતા પહેલા સંતોષ સાથે કહી શકીશું,
“Love you Zindagi, Lovely Zindagi….”
By – A.J.Maker