વિમાસણની ક્ષણે AJ Maker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિમાસણની ક્ષણે

વિમાસણની ક્ષણે

“હા હું દુઃખી છું, વ્યથિત છું, કારણ...? કારણ કે હું એક સ્ત્રી છું.
મને બાળપણથી જ સમજાવવામાં આવ્યું છે કે સ્ત્રી પુરુષનો પડછાયો છે, જે હંમેશા પુરુષની પાછળ જ રહે છે, અને જો આગળ હોય તો પણ ખરેખર તો એ પુરુષના પગ નીચે જ હોય, કારણ કે હું સ્ત્રી છું.
પણ ખરેખર તો હું પુરુષની ઢાલ છું, દુઃખ, સમસ્યા, ચિંતા જેવા અવરોધોથી પુરુષને રક્ષુ છું,
મારા મનમાં ભલે વિચારોનો વંટોળ ચાલતો હોય પણ પુરુષના મનને હંમેશ શાંત દરિયો બનાવીને રાખું છું, હા, હું એજ સ્ત્રી છું.
મને પુરુષ સમોવડી નથી બનવું, એવી નાહકની ઘેલછામાં મને મારું સ્ત્રીત્વ નથી ગુમાવવું, બસ, મારા ભાગનું, મારા હકનું સમ્માન મને મળે, સ્વતંત્ર રહેવાની એક તક મને મળે એટલામાંજ હું ખુશ છું.
પરંતુ મને તો સહન કરવાનું છે, વારંવાર પુરુષના અહમને પોષવા અપમાનિત થવાનું છે. મારી ઇચ્છાએ કે અનિચ્છાએ, તૃપ્તિ કે અતૃપ્તિએ પુરુષની ઈચ્છા અનુસાર વરસતા એના પુરુષત્વને ઝીલવાનો છે.
કારણ...? કારણ કે હું સ્ત્રી છું,
ધરાને પૂછીને મેઘ કદી વરસ્યા છે? મારી ઈચ્છાનો પણ અહી કોઈ મોલ નથી હોતો, આવા સમાજમાં સતત અપમાનિત થઈને, નિરંતર વેદનાઓથી ઘેરાઈને પણ મને ચહેરા પર સ્મિત રાખવાનું છે,
કારણ...? કારણકે હું સ્ત્રી છું, સહનશક્તિની મૂરત, મારે બસ સહન જ કરવાનું છે....”

“કટ ઇટ...”
ડાયરેક્ટર સાહેબનો ઓર્ડર સંભળાયો, ઘડીભરમાં વ્યથિત દેખાતી સ્મિતા સ્વસ્થ થઇ.
“ગૂડ જોબ સ્મિતા વેલડન, નેક્સ્ટ સીનનું શૂટ આવતી કાલે કરીશું વરસાદ આવવાની તૈયારી લાગે છે. પેક અપ.”
ડાયરેક્ટર સાહેબના ઓર્ડર સાથે જ બધા પેકઅપમાં વ્યસ્ત થઇ ગયા. કોસ્ચ્યુમ ચેન્જ કરીને સ્મિતા ઘર તરફ રવાના થઇ. એ ટેક્સીમાં હતી એવામાંજ વરસાદ શરુ થઇ ગયો. વરસાદના ટીપાં પડતાજ ભીની માટીની સુગંધે સ્મિતાને ગરમા ગરમ ચા અને ભજીયા ખાવાની તીવ્ર ઈચ્છા જગાવી. પણ આખા દિવસના શૂટિંગ પછીના થાકથી શરીર કણસતું હતું, તેણે પોતાની ઈચ્છા મનમાં જ મારી નાખી.

ઘરે પહોચીને સ્મિતા સોફા પર આંખો બંધ કરીને બેસી રહી, એટલામાંજ દાનિશનો અવાજ સંભળાયો.
“ઢન ટેણેનનન... સરપ્રાઈઝ, ગરમા ગરમ ચા અને ભજીયા સુપર સ્ટાર સ્મિતા માટે તૈયાર છે.”
ચા અને ભજીયા જોતા જ સ્મિતાના ચહેરા પર રોનક અને આશ્ચર્ય બંને છવાઈ ગયા.

“વાઉ, તે બનાવ્યા?”
સ્મિતા એ નાસ્તાની ટ્રે હાથમાં લેતા કહ્યું.

“ના, સેન્ટાક્લોઝ, આવીને આપી ગયો, મહામહેનતે યુ ટ્યુબ પરથી શીખીને બનાવ્યા છે, અને તું પૂછે છે કે તેં બનાવ્યા? કદર જ નથી હો તને મારા ટેલેન્ટની તો.” દાનિશે ચહેરા પર ખોટા રિસામણાના ભાવ લાવતા કહ્યું.
“ઓહ, સોરી માય મલ્ટી ટેલેન્ટેડ હીરો, બટ તને કેમ ખબર પડી કે મને ચા અને ભજીયા ખાવાની ઈચ્છા થશે?”
સ્મિતા એ વહાલથી દાનિશના ગાલ પર ચીમટી લેતા કહ્યું.

“તારા મનની ઇચ્છા મારાથી છૂપી કેમ રહી શકે ડીઅર.”
દાનિશે સ્મિતા સામે પ્રેમાળ નજરે જોતા કહ્યું.
“થેંક્યુ સો મચ.”

“ખાલી થેન્ક્યુથી કામ નહી ચાલે, આ સ્પેશીયલ ડીશ માટે ફી ચૂકવવી પડશે.”

“અચ્છા...?”
સ્મિતા દાનિશની વાતનો મર્મ જાણી ગઈ. એણે તરતજ દાનિશને એક પ્રેમાળ આલિંગન આપ્યું. અષાઢની પ્રથમ વર્ષાએ બહાર અને ઘરમાં મેઘ ધરા પર મુશળધાર વરસી રહ્યો હતો...

અચાનક એલાર્મ વાગ્યો, સ્મિતા ઝબકીને સપનામાંથી પાછી આવી, દાનિશનો જીમમાંથી આવવાનો સમય થઇ રહ્યો હતો. ફટાફટ ફ્રેશ થઇને તેણે દાનિશ માટે નાસ્તો તૈયાર કર્યો.

“કાલે જે સ્ક્રીપ્ટ આપી હતી એ કરેકશન કરી રાખી છે?”
દાનિશએ ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરતા કહ્યું.

“હા રેડી છે.”

“ગૂડ, આજે સાંજે કદાચ મારી સાથે ગેસ્ટ આવશે નાસ્તો રેડી રાખજે, એન્ડ પ્લીઝ પેલા દેશી ભજીયા કે એવું કંઈ ન બનાવજે, થોડી મોર્ડન બન, કંઇક સારું બનાવજે અને હવે આ એક્ટરેસ અને ડાન્સર બનવાના સપના પ્લીઝ છોડી દે, એ આપણા કામની વસ્તુ નથી, એના કરતા ઘર સાચવવામાં ધ્યાન આપ. રોજ રાત્રે એજ વાતો કરીને રાતનો મૂડના બગાડીશ, આજે આ છેલ્લી વખત કહું છું.”

દાનિશે પોતાનું ફરમાન સંભળાવી દેતા કહ્યું. સ્મિતાને ડાન્સિંગ અને એક્ટિંગનો ખૂબજ શોખ હતો, નાનપણથી જ તેણે એક્ટ્રેસ બનવાના સપના સેવ્યા હતાં, પ્રથમ વખત દાનિશને પણ એ એક્ટિંગ સ્કૂલમાં જ મળી હતી, ત્યારે એને ખ્યાલ ન હતો કે એ એક્ટિંગ સ્કૂલના દિવસો એના માટે એકટ કરવાના છેલ્લા દિવસો હતા. દાનિશ સાથે લગ્ન કરીને તે બધી રીતે સુખી હતી માત્ર પોતાના શોખ અને સ્વપ્નથી દૂર થઇ ગઈ હતી. તેને સમજાતું ન હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંજ કામ કરતો દાનિશ શા માટે તેને આગળ વધવા માટે રોકી રહ્યો હતો? શા માટે વારંવાર પોતે સેવેલાં સપનાં છોડવા કહી રહ્યો હતો? એ વાત અને એ પ્રશ્ન હંમેશ સ્મિતાના મનમાં ખૂચ્યા કરતા.

સ્મિતાને ગઈ રાતનું સ્વપ્ન યાદ આવી ગયું, કેટલો તફાવત હતો એ સ્વપ્નના દાનિશમાં અને વાસ્તવિક દાનિશમાં, પણ પોતાને વાસ્તવિક દાનિશ સાથે રહેવાનું છે એ સ્વીકારીને તે ઘર કામમાં વ્યસ્ત થઇ ગઈ.

“યાર આજે પણ ઓડીશન ફેઈલ ગયું...”
દાનિશની સાથે કામ કરતા કાસ્ટિંગ ડાયરેક્ટરએ કહ્યું

“કેમ?”
“પ્રોડ્યુસરે છોકરીને કોમ્પ્રોમાઈઝ કરવા કહ્યું, તો પેલી કાસ્ટિંગ કાઉચના કેશની ધમકી આપીને ચાલી ગઈ, સાલી મારી વાટ લગાડતી ગઈ, પ્રોડ્યુસરે એના કારણે મારા પર ગાળોનો વરસાદ કરી નાખ્યો.”

“હમમમ, કોઈક બીજી શોધ, પણ ઝડપથી હો, હવે વધુ દિવસો નથી.”
દાનિશએ સ્મિતાએ કરેકશન કરી આપેલી સ્ક્રીપ્ટના પાના ફેરવતાં કહ્યું.

“એકની પ્રોફાઈલ છે નજરમાં, થોડી જૂની કલાકાર છે કોઈક એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખ્યું છે, મારી પરમ દિવસે જ વાત થઇ, મેરીડ છે એટલે કદાચ વાંધો પણ નહી ઉઠાવે, એ બહાર વેઇટ કરે છે, તું હા પાડે તો પ્રોડ્યુસરનો મૂળ ઠીક કરવા બોલાવી લઉં.”
કાસ્ટિંગ ડાયરેકટરે દાનિશની રાય જાણવા કહ્યું.
“તને ઠીક લાગે તેં કર, હું જરા આ સ્ક્રિપ્ટમાં ચેન્જીસ કરી લઉં.”
કહીને દાનિશે રોલિંગ ચેર પાછળની બાજુ ફેરવી અને સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવા લાગ્યો. કાસ્ટિંગ ડાયરેક્ટરએ તેની આસીસ્ટન્ટને બહાર ઉભેલી છોકરીને અંદર મોકલવાનું કહ્યું.
“શું નામ છે તારું...?”

“જી, સ્મિતા, સ્મિતા પાટિલ.”

સ્મિતા પાટિલ નામ સાંભળતાજ દાનિશના મનમાં જબકારો થયો એણે તરતજ રોલિંગ ચેર ફેરવી, દાનિશ અને સ્મિતા બંનેની નજર ભટકતા અવાચકપણે બંનેની નજર ત્યાંજ થંભી ગઈ.

By - A.J.Maker