Dream Creation Imagination books and stories free download online pdf in Gujarati

Dream Creation Imagination


હું બસની છેલ્લેથી આગળની સીટ પર બારીની બાજુમાં બેઠો હતો, કોલેજથી ઘરે જવા માટે આ છેલ્લી બસ હતી, માટે ભીડ પણ વધુ હતી. ઘણા સ્ટુડન્ટસ પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે બેઠા હતા, કોઈક કપલમાં પણ હતા. કોઈની પરવાહ કર્યા વગર, બીક વગર એ પ્રેમી પંખીડા એકબીજામાં જ ઓત પ્રોત હતા. કોઈક ગ્રૂપવાળા ગીતો ગાઈ રહ્યા હતા, અંતાક્ષરી રમતા હશે કદાચ, મે મારી જગ્યાએ જ બેઠા બેઠા ધારી લીધું. મારા પણ મિત્રો હતા, પણ હું એમની સાથે મજાક મસ્તીમાં જોઈન ન થઇ શકતો, “થોડો અંતર્મુખી છું એટલે” એવું બધાં કહેતા હોય છે મને, કદાચ સાચા પણ હોઈ શકે. બધાં પોતાની મસ્તીમાં વ્યસ્ત હતા, મસ્ત હતા, અને હું એકલો બારીની બાજુમાં બેસીને ઘડીકમાં બહાર, ઘડીકમાં અંદર, તો ઘડીકમાં મારી સીટની બીજીબાજુની સીટ પર બેસેલી નિશા ને જોયા કરતો હતો. ક્યુટ ફેસકટ, ઝીણા લાંબા વાળ, નમણી આંખો, પાતળા હોઠ, પરફેક્ટ બોડી વાળી નિશા એની ફ્રેન્ડસ સાથે બેઠી હતી, પોતાની આગળ પાછળની હરોળની ટોટલ ૪ સીટ રોકી રાખી હતી એમણે, આખા રસ્તે નાસ્તો કરતા, વાતો કરતા, પ્રોફેસર્સની મિમિક્રી કરતા, મજાક ઉડાડતા, આ બધું રોજનું હતું એમના માટે, અને છુપાઈ છુપાઈને નિશાને જોયા કરવું એ પણ રોજનું હતું, મારા માટે. એથી વધુ આગળ વધવાની મારી હિંમત છેલ્લા દોઢ વર્ષમાં ન થઇ તો હવે શું થવાની.

નિશાનું ધ્યાન મારા તરફ ગયું, કદાચ એણે જાણી લીધું કે હું એને જોઉં છું, મે તરતજ મોઢું ફેરવી લીધું. એણે થોડીવાર મારી તરફ જોયા કર્યું પણ મેં ખબર નહિ ક્યા કારણ સર નિશા સામે જોયું જ નહિ. થોડીવારમાં નિશાએ મોઢું ફેરવી લીધું, કદાચ હસીને ફેરવ્યું હશે, મે પાછું ધારી લીધું. એ દિવસનો સફર તો ત્યાંજ પૂરો થઇ ગયો, એ આગળના સ્ટોપ પર ઉતરી ગઈ, પણ સાચો સફર બીજા દિવસે શરુ થયો. નિશા બ્રેકના ટાઈમમાં અચાનક મારી પાસે આવીને બેસી ગઈ, હું હંમેશની જેમ એકલો બેઠો બેઠો ડ્રોઈંગ કરી રહ્યો હતો.
“મે સાંભળ્યું છે તું ખૂબ સરસ ડ્રોઈંગ બનાવે છે. સાચું છે?” નિશાએ પૂછ્યું.
“અ..હા...ના, એટલે બહુ સારા નહિ પણ બસ બનાવું છું, કોઈને ગમે તો વખાણ કરે, નહીતર...” હું અટકી ગયો.
“નહીતર શું?”
“નહીતર હું જાતે જ પોતાના વખાણ કરીને બીજા ડ્રોઈંગસ સાથે મૂકી દઉં.” મારી વાત સાંભળીને નિશા જોરથી હસી, ખબર નહિ, કદાચ મારી મજાક ઉડાડતા હસી હશે, પણ એને હસતા જોઇને મને આનંદ થયો, ખબર નહિ શા માટે? બસ, એમજ, અંદર આનંદ થયો અને હું પણ સાદું, ફિક્કું હસ્યો.
“બધાં કહે છે એટલો બોરિંગ નથી તું હાં, ચલ બતાવ મને તારા ડ્રોઈંગસ..” નિશાએ અચાનક મારા ડ્રોઈંગ જોવા માટે કહ્યું. દોઢ વર્ષમાં આ પહેલી વખત અમે બંનેએ આટલી વાતો કરી હતી, એ પણ એકઝામ્સ સિવાયની, મને વધુ આનંદ થયો, મે રોમાંચકતાથી મારા બધાં જ ડ્રોઈંગસદેખાડ્યા અને સમજાવ્યા પણ ખરા. નિશા બધાં જ ડ્રોઈંગસ જોઈ રહી હતી, અને હું એને ડ્રોઈંગસ જોતા નિહાળી રહ્યો હતો. અચાનક મને ખ્યાલ પડ્યો કે એ છુપી નજરે મારી નિહાળવાની હરકત વિષે જાણી ગઈ છે, મેં તરતજ મોઢું ફેરવી લીધું, થયું કે હમણાં જ જાટકણી કાઢશે, રોજ એને જોતો રહું છે એના માટે ગુસ્સો કરશે, અને કદાચ આજે એટલા માટે જ મારી પાસે આવી હશે, પણ નિશા એ કંઈ જ ન કહ્યું. ઉલટું મારી સામે જોઇને આછું હસતાં કહ્યું,
“તું મને ડ્રોઈંગ કરતાં શીખવાડીશ..?”
સાંભળીને મને આંચકો લાગ્યો, આશ્ચર્ય પણ થયું અને ખુશી પણ, ખુશી ના કારણે હું હા કે ના કંઈ ન કહી શક્યો, નિશા એ બીજી વખત પૂછ્યું.
“આ..હા..ઓકે, પણ ક્યારે અને ક્યાં? અહી તો બધાં સાથે હશે તો કદાચ શીખવા નહિ દે, ક્યાંક પાર્કમાં કે બીજે ચાલશું?” મે માંડ માંડ જવાબ આપતાં કહ્યું.
“હમમમ...વાત તો સાચી છે, ઓકે નજીકમાં એક પાર્ક છે ત્યાં ચાલશું.”
“ઓકે તો ચાલ, જઈએ...” મે ખુરશી પરથી ઊભા થતાં કહ્યું.
“વેઇટ, વેઇટ...બહુ ઉતાવળો હો, કાલથી જશું, આજે મને થોડું કામ છે.” નિશાએ સામાન્ય હસતાં કહ્યું.
“ઓકે ફાઈન.” મે પણ સામે આછું સ્મિત કરતા કહ્યું. નિશા ઊભી થઈને જવા લાગી, હું પાછો એને જોઈ રહ્યો હતો, એ અચાનક પાછી વળી, “દોઢ વર્ષથી માત્ર જોવા કરતાં ક્યારેક વાત પણ કરી લીધી હોત તો આજે હું ડ્રોઈંગ બનાવતા શીખી ગઈ હોત અને તું ખુલ્લા મને મારી સાથે વાત કરતા શીખી ગયો હોત.” કહીને પાછી એ હસતાં હસતાં ચાલી ગઈ, અને હું, હું પાછો એને જતા જોઈ રહ્યો હતો.

ડ્રોઈંગ શીખવાડવાના બહાને શરુ થયેલું બહાર મળવાનું ચેપ્ટર ક્યારે વધી ગયું, ક્યારે અમે નજીક આવી ગયા, એટલા નજીક કે અકારણ વાતો કરતા, બહાર મળતાં, એકબીજાની રાહ જોતા, એકબીજાના વિચારોમાં ખોવાઈ જતાં, ક્યારેક એટલા નજીક આવી જતાં કે એકબીજાના શ્વાસો માં ખોવાઈ જતા. ધીરે ધીરે કોલેજ પૂરી થવા આવી, અમારા બંને ના સંબંધ વિષે હવે માત્ર કોલેજમાં જ નહિ પણ બંનેના ઘરે પણ વાતો થવા લાગી, પરિણામે સગાઈની તારીખ પણ નક્કી થઇ ગઈ. બંનેના પરિવાર માની ગયા. પછી તો બસ, ચારે બાજુ જાણે ખુશી અને ખુશી જ હતી, અમે બંને આરામથી બહાર ફરતા, શોપિંગ કરતા, એકાંતની ક્ષણો માણતા, અને રાત્રે સૂતી વખતે મોબાઈલમાં અરિજિત સિંગ કે અંકિત તિવારીના રોમેન્ટિક સોંગ્સમાં એકબીજાને ઈમેજીન કરીને ઊંઘી જતાં.

સગાઇનો દિવસ આવી ગયો, અમે બંને ખૂબજ ખુશ હતાં, એકજ સમાજ વાડીમાં બધો કાર્યક્રમ ગોઠવ્યો હતો, હું મારા રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો, મિત્રોની મીઠી મજાક સહન કરી રહ્યો હતો, એવામાં જ સમાચાર આવ્યા કે નિશાના રૂમમાં આગ લાગી ગઈ છે, બધાં જ દોડીને ત્યાં ગયા, અંદર નિશા સિવાય કોઈ ન હતું, મને એની ચીખો બહાર સંભળાઈ રહી હતી, હું અંદર નિશાને બચાવવા જવા માટે તરફડી રહ્યો હતો, પણ મિત્રો અને ભાઈઓએ મને પકડી રાખ્યો હતો, હું લગભગ રડવા લાગ્યો, પણ મારી વાત કોઈએ ન માની, ઘણા પ્રયત્નો કર્યા પણ આગ બંધ ન થઇ, કદાચ અડધા કલાક પછી ફાયર બ્રિગેડના આવવાથી આગ બંધ થઇ, ફાયરમેન અંદર ગયા સાથે નિશાના પપ્પા અને થોડા સગાવહાલા હતા, નિશાની ચીખો તો દસમિનીટ પહેલાજ બંધ થઇ ગયેલી, ફાયરમેન નિશાનો શબ ઉપાડીને બહાર લાવ્યા, જે જોઇને બધાં પોક મુકીને રડવા લાગ્યા, નિશાના પિતા માથા પર હાથ રાખીને ત્યાંજ રડતા રડતા ઢળી પડ્યા, હું એને જોઈ રહ્યો હતો, મારી આંખોમાંથી ખબર નહિ ક્યારે આંસુ પછા સરવા લાગ્યા અને મે જોરથી બૂમ પાડી, “નિશા.........”
અચાનક બસ ઉભી રહી ગઈ અને મને ઝટકો લાગ્યો એટલે અંખ ખુલી ગઈ. મે તરતજ આસ પાસ જોયું બધું દરરોજની જેમ યથાવત હતું, મજાક મસ્તી, સર્કલ, અંતાક્ષરી, નાસ્તા, મિમિક્રી, બધું જ, માત્ર નિશા ન હતી. મે તરત જ મારી ડ્રોઈંગ બૂક કાઢી અને એમાં છેલ્લા પાનાં પર દોરેલું ચિત્ર જોયું, એજ નમણી આંખો, પાતળા હોઠ, લાંબા વાળ, ક્યુટ ફેસકટ...નીચે લખ્યું હતું “નિશા, સ્કેચ નંબર – ૬, એજ હતી મારી નિશા. મે વારાફરતી બધાં જ સ્કેચ જોયાં. મને ખ્યાલ આવ્યું કે થોડીવાર પહેલાજ મે એક સપનું જોએલું અને એમાં નિશા દેખાઈ હતી, આવું તો ઘણા સમયથી થતું મારી સાથે, રાત્રે, બપોરે, ક્લાસમાં, બજારમાં, બસમાં મને નિશા દેખાતી. સપનામાં તો દરરોજ દેખાતી, આજે અમારું મિલન ન થયું, પણ ગાઈ કાલે રાત્રે સપનામાં તો અમારા લગ્ન થઇ ગયા હતા, બે બાળકો હતા. મને હસવું આવી ગયું. આખરે સપનામાં નિશાને જોવા સિવાય હું બીજું કંઈ કરી શકું એમ ન હતો, પણ હા પ્રેમ જરૂર કરી શકું, મારા સપનાને, ક્રિએશનને, ઈમેજીનેશન ને...

મારો સ્ટોપ આવી ગયો, ડ્રોઈંગ બૂક બેગમાં મુકીને હું નીચે ઉતર્યો તરતજ મારો ફોન રણક્યો, સામે છેડે જે અવાજ સાંભળ્યો અને જે વાત સાંભળી, એ સાંભળ્યા બાદ મારા પગ જાણે ત્યાંજ થીજી ગયા, સામે છેડેથી પૂછવામાં આવ્યું, “હેલ્લો, આઈ એમ નિશા, ફ્રોમ ફર્સ્ટ યર, મે સાંભળ્યું છે તમે ડ્રોઈંગ સારા બનાવો છો, મને એક કોમ્પીટીશનમાં પાર્ટ લેવો છે, તમે મને શીખવાડશો?” સામે છેડેથી વારંવાર પૂછાતું રહ્યું, આજુબાજુમાં વાહનોના હોર્ન વાગતા રહ્યા, અને હું ત્યાંજ ઊભીને સ્તબ્ધ થઈને સાંભળતો રહ્યો....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED