અંગત ડાયરી - એટેકર Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - એટેકર

અંગત ડાયરી
============
શીર્ષક : એટેકર
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૨, માર્ચ ૨૦૨૦, રવિવાર

“મામા, તમે મરેલા માણસને હસતો જોયો છે?" એક રવિવારે પ્રાયમરીમાં ભણતા મારા ભાણિયાએ મને ચોંકાવનારો પ્રશ્ન કર્યો. બાળકોના આવા ગુગલી ઘણીવાર વડીલોને ક્લીન બોલ્ડ કરી દેતા હોય છે. મેં પણ આજે મચક ન આપવાનું વિચારી જવાબ આપ્યો “હા, જોયો છે.”
“ક્યાં?” એ બોલ્યો. “ફોટામાં” મેં કહ્યું. અમે અમારા ફળિયામાં ઊભા હતા.
“એમ નહીં.” એણે ફરી મને લપેટમાં લેતા કહ્યું “કોઈ મરેલાને હાલતા-ચાલતા જોયો છે?” મેં જરાક વિચારીને કહ્યું “હા, જૂના વિડીયોમાં.”
“પણ રિયલમાં નથી જોયો ને?” એણે જોર લગાડ્યું. મેં ખોલ આપી દીધી “ના, રિયલમાં કદી મરી ગયેલા માણસને હાલતો ચાલતો નથી જોયો.”
“ચાલો બતાવું..” કહેતો એ મને ગૅઇટ બહાર લઇ ગયો.

ચાલતા-ચાલતા મને ફિલોસોફી સૂઝી. દરેકના જીવનમાં એવા પ્રસંગો, એવા દિવસો આવ્યા જ હોય છે કે જયારે ભીતરી જીવંતતા શૂન્ય થઇ ગઈ હોય, છતાં માણસ જીવ્યે જતો હોય. અતિ પ્રિય અંગતનું મૃત્યુ, જીવનસાથી સાથે પરાકાષ્ઠાએ પહોંચેલા અણબનાવો, વિવાહ યોગ્ય સંતાનો માટેના પ્રયત્નોમાં ચોમેર સાંપડતી નિષ્ફળતા જેવી અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા સજ્જનો આપણી આસપાસ હાલતા-ચાલતા અને હસતા પણ જોવા મળે જ છે ને? પણ મારા ટચુકડા ભાણિયાના ટચુકડા દિમાગને આવડી મોટી વાત ક્યાં સમજાય એમ હતી?

“જુઓ મામા સામે..” એણે મેદાનમાં કેટલાક છોકરાઓ તરફ આંગળી ચીંધતા કહ્યું “પેલા દીવાલ પાસે ઉભેલા દેખાય છે ને એ મરી ગયા છે.” મેં એ દિશામાં જોયું. ત્રણ એક બાજુ અને બે બીજી બાજુ એમ દીવાલને ટેકો લઇ પાંચ છોકરા ઊભા-ઊભા મોજથી તાળીઓ પાડતાં હતાં.

મેં ધ્યાનથી જોયું. કબ્બડીની રમત જામી હતી. ભાણિયો મને નજીક ખેંચી ગયો. એક ટીમમાંથી ‘એટેકર’ લાઈન ક્રોસ કરી ‘કબ્બડી કબ્બડી’ બોલતો સામેના મેદાનમાં પ્રવેશ્યો. ‘ક્મોન કેપ્ટન... એકને તો લઇને જ આવજે. એટલે હું જીવતો થાઉં..’ મરેલામાંથી એક બોલ્યો. જાણે કોરોના વાયરસથી એટેકર ઇન્ફેકટેડ હોય એમ બાકીના સૌ એનાથી બચવા સ્ફૂર્તિથી પોતાની રૅન્જમાં આમ-તેમ નાસભાગ કરી રહ્યા હતા. નાનપણમાં અમે કબ્બડી રમતાં ત્યારે તો અમે નહોતાં માની શક્યા કે કોઈને ટચ કરવાથી પણ માણસ મૃત્યુના મુખમાં જતો રહે, પણ આજકાલ કોરોના વાયરસના કહેર વખતે એ ગંભીર સત્ય નજર સામે નાચતું દેખાઈ રહ્યું છે.

ઘણાં માણસો આ કોરોના વાયરસ કરતાંય વધુ ખતરનાક હોય છે. ઓફિસ, પરિવાર, સમાજથી શરુ કરી છેક સંસદ સુધી આવા, કડવી ઝેર જેવી વાણી-વિચાર અને વર્તણુંક વાળા કોરોનાઓ ફરતા હોય છે. આવા અટેકરની ઝપટે ન ચઢી જવાય એ માટે તેની આસપાસના લોકો એમનાથી ‘દસ -પંદર ફૂટ દૂર’ જ રહેવા પ્રયત્ન કરતા હોય છે. સામે મેદાનમાં ‘કબ્બડી કબ્બડી’ બોલતા એટેકરે હાથ પગ ઉલાળી જોયા. એનો શ્વાસ ગમે ત્યારે તૂટે એમ હતો.

ઘણાં માણસો આ એટેકર જેવા જવાબદાર અને સમજદાર પણ હોય છે. સૌને કિનારે પહોંચાડવા મથતાં પરિવારના મોભી, ઓફિસના ઉપરી કે કોઈ કર્મયોગી સંતને જયારે દિવસ-રાત મહેનત કરતા, ઓવરટાઈમ કરતા અને લોથપોથ થઇ જતા જોતા હશે ત્યારે દેવોના દેવ મહાદેવ પણ આવી ખોપરીઓને ગળે લગાડવા બેચેન બની જતાં હશે.

નિષ્ફળતા કે નિરાશાને કારણે ‘મરી ગયેલા’ જેવું ‘મૃત:પ્રાય’ બની ગયેલું જીવન જીવતાં અંગતને સજીવન કરવા જયારે કોઈ ‘અંગત’ વ્યક્તિ ઈગો છોડી, ફોન કે મિટિંગ કે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરે છે ત્યારે એની આ ‘પહેલ’ ખરેખર ‘અર્જુનના ગાંડીવ ટંકાર’થી કમ નથી હોતી. નિરાશ અંગત તમને કહે કે ન કહે પણ તમે લખી રાખજો, ‘એના જીવનમાં ફરી ખુશાલી છવાય એ માટે પ્રયત્ન કરનાર તમે’ એના માટે એક ફરિશ્તાથી કમ નથી હોતા.

અને એટેકર સફળ થયો. મરેલા ત્રણમાંથી એક જીવતો થયો. એ ફરી ટીમમાં આવ્યો. સામેની ટીમ વાળો એક મરીને દીવાલ પાસે ઊભો રહી ગયો. હા, એ હસતો હતો. મોજમાં જ હતો. એને ખબર હતી કે બે-પાંચ મિનિટમાં એ હમણાં ફરી જીવતો થશે, પુન: જન્મ લેશે. ફરી આનંદ ઉત્સાહ અને થનગનાટ સાથે જિંદગીની કબ્બડી ગેમ રમવા માંડશે. એને ખબર છે કે એની ટીમ એના માટે પ્રયત્ન કરી રહી છે.

વિશ્વાસ રાખજો ‘શ્રી કૃષ્ણ એન્ડ કમ્પની (અન)લિમીટેડ’માં આનંદ અને ઉત્સાહનું પ્રોડક્શન અનલિમીટેડ, સતત થઇ રહ્યું છે. તમારી ટોપ ટેન ઇચ્છાઓમાંથી પહેલી ત્રણનું તો પેકેટ રવાના પણ થઇ ગયું છે. બસ, ડોરબેલ વાગે એટલી વાર છે.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)