"આપણે આર્યવર્ધનનું ડીએનએ કઈ રીતે મેળવીશું?" નિધિએ રાજવર્ધનને સવાલ કર્યો. એ સવાલ સાંભળીને રાજવર્ધન મુંજવણમાં મુકાઇ ગયો.જ્યારે ખુશી બીજું કઈક વિચારી રહી હતી. તેણે રિદ્ધિ સવાલ પુછ્યોં, "રિદ્ધિ, સિરમના વેરીએશન્સમાં રાજવર્ધનનું ડીએનએ 99.2 % મેચ થયું પણ તારું ડીએનએ 99.8 % જેટલું મેચ થયું તેનું કારણ શું છે?”
રાજવર્ધન આ સાભળીને વધુ મુંજાઈ ગયો. તે ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેણે બધાને ચૂપ થઈ જવા માટે કહ્યું . મેઘનાએ જોયું કે રાજવર્ધન થોડો ગુસ્સે થયેલો હતો એટલે તેણે ખુશી, નિધિ, રિદ્ધિ એમ બધાને લેબમાથી બહાર નીકળી જવા માટે કહ્યું. અને તે પોતે પણ બહાર નીકળી ગઈ.
મેઘના , ભૂમિ, ક્રિસ્ટલ, રિદ્ધિ, ખુશી અને નિધિ બધા ઍક જ લિફ્ટમાં પાછા ગ્રાઉન્દ ફ્લોર પર આવ્યા. ત્યાંથી બધા અલગ અલગ બાજુએ ચાલવા લાગ્યા. ભૂમિ અને મેઘના લિફ્ટમાં અગાસી પર ગયા. જ્યારે નિધિ ક્રિસ્ટલ સાથે મહેલના ચોગાનમાં આવેલા બગીચામાં ગઈ અને ખુશી રિદ્ધિ સાથે રિદ્ધિના રુમમાં ગઈ.
મેઘના અને ભૂમિ મહેલની અગાશી પર જઈને છતના કિનાર પાસે જઈને ઊભા રહે છે. મેઘના આસપાસનો નજારો જોવે છે. તે વખતે ભૂમિ છતની કિનારીનો ટેકો લઈને મેઘનાને પૂછે છે, “મેઘના, તને ક્યારેય આપણી કોલેજના દિવસો યાદ આવે છે?” મેઘનાએ નીચે બગીચામાં ક્રિસ્ટલ અને નિધિ તરફ એક નજર કરે છે. પછી ભૂમિની જેમ કિનારીનો ટેકો લઈને ઊભી રહે છે.
“હા, કોલેજના દિવસો તો ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તને યાદ છે જ્યારે તે રાજવર્ધનને પહેલી વાર ફ્રેન્ડશીપ માટે પ્રપોજ કર્યું હતું અને રાજવર્ધને તને ના પાડી દીધી હતી.” મેઘનાએ આટલું કહીને અટકી ગઈ. પછી બંને સાથે હસી પડ્યા.
“પણ પછી રાજવર્ધન તું ગમી ગઈ અને તેણે તને પ્રપોજ કર્યું. એ વખતે મને સમજાયું નહીં એવું તે શું કર્યું કે તું રાજવર્ધનને પસંદ આવી ગઈ. પણ મે તને રાજવર્ધન સાથે જોઈ ત્યારે મને ખબર પડી કે તું સ્વીટ અને સિમ્પલ હતી એટલે રાજવર્ધનને ગમી ગઈ.” ભૂમિ બોલીને ચૂપ થઈ ગઈ પછી બંને ફરીથી એકસાથે હસી પડ્યા.
નિધિ અને ક્રિસ્ટલ બગીચામાં સાથે ચાલી રહ્યા હતા. નિધિએ ક્રિસ્ટલને પુછ્યું, “ક્રિસ્ટલ તને ઍક સવાલ પૂછવા માંગુ છું અને તેનો તું ખોટો અર્થ ના સમજતી. પણ તારા આર્યવર્ધન સાથે સગાઈ કઈ રીતે થઈ?” ક્રિસ્ટલ આ સાંભળીને થોડી ગંભીર થઇને એક જગ્યાએ ઊભી રહી ગઈ.
“આર્યવર્ધનને મે નહીં પણ મારા ગ્રાન્ડફાધરે પસંદ કર્યો હતો. જ્યારે તેણે એમઆઇટી યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું. ત્યારે મારા ગ્રાન્ડફાધર યુનિવર્સિટીના ચાન્સેલર હતાં.” આટલું બોલતાં ક્રિસ્ટલની આંખોમાં આસું આવી ગયા એટલે તેણે આંખો બંધ કરી લીધી અને આગળ ચાલવા લાગી.
“પણ શું તને ખબર હતી કે આર્યવર્ધન રિદ્ધિને પ્રેમ કરે છે?” ક્રિસ્ટલની મનોસ્થિતિથી અજાણ નિધિએ તેને બીજો સવાલ પૂછ્યો. એટલે ક્રિસ્ટલે ફ્ક્ત હકારમાં માથું જુકાવ્યું. આ જાણીને નિધિને નવાઈ લાગી પણ તે કઈ બોલી નહીં. બંને ચૂપચાપ ચાલવા લાગ્યાં.
થોડી વારમાં ક્રિસ્ટલે ખુદને શાંત કરી લીધી. તેણે નિધિના વિચારો કળી લીધા હોય તેમ તે બોલી, “હું રિદ્ધિની સાથે તેની ફ્રેન્ડ બનીને રહેતી હતી. તેનું ફક્ત એક જ મકસદ હતો તેને દરેક ખતરાથી બચાવવી અને તેની રક્ષા કરવી.”આ સાંભળીને નિધિના આશ્ચર્યનો પાર ન રહ્યો.
“એક સ્ત્રી પોતાના પતિની પ્રેમિકાની સાથે મિત્રતા કરે અને તેનો પડછાયો બનીને તેની સાથે રહીને તેની રક્ષા કરે” આ વાત નિધિના હદયને સ્પર્શી ગઈ. તેના મનમાં ક્રિસ્ટલ પ્રત્યે ઍક સન્માનની લાગણી ઉત્પન્ન થઈ. થોડું ચાલ્યા પછી નિધિએ તેને પાછું જવા માટે કહ્યું. પણ ક્રિસ્ટલે તરત પાછા જવાની ના પાડી દીધી અને બગીચામાં જ એક બેન્ચ પર બેસી ગઈ. તેથી નિધિ પણ તેની સાથે જ બેન્ચ પર બેસી ગઈ.
ખુશી અને રિદ્ધિ સાથે રિદ્ધિના રૂમમાં આવ્યા એટલે ખુશીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો. ખુશીની આ હરકત રિદ્ધિને અજીબ લાગી પણ તે કઈ બોલી નહીં. રિદ્ધિ તેના બેડ સૂઈ ગઈ અને તેની સામે મૂકેલા ડ્રેસિંગ ટેબલ બેસીને ખુશી બોલી, “રિદ્ધિ, તને ખબર છે કે હું તને શું પૂછવા માંગુ છુ.” આ સાંભળીને રિદ્ધિએ હકારમાં માથું નમાવ્યું.
“ખુશી, હું જાણું છું કે તું જાણવા માંગે છે મારું ડીએનએ રાજવર્ધનના ડીએનએ કરતાં વધારે મેચ કેમ થાય છે. પણ આ સવાલનો જવાબ હું ખુદ પણ જાણતી નથી. મારા માટે અત્યારે તેના કરતાં વધુ મારા મમ્મી પપ્પાની જિંદગી મહત્વની છે. હવે ચિંતાએ વાતની થાય છે કે આર્યવર્ધનના ડીએનએ વગર સિરામ કઈ રીતે બનશે? ” રિદ્ધિએ ચિંતિત સ્વરે કહ્યું.
આ સાંભળીને ખુશી ચૂપ થઈ ગઈ. ખુશી ડ્રેસિંગ ટેબલ પરથી ઊભી થઈને બહાર બાલ્કનીમાં જઈને ઊભી રહી. થોડી વાર પછી ખુશી પાછી રૂમમાં આવી ત્યારે રિદ્ધિ તેનો ફેમિલી ફોટોગ્રાફ જોઈ રહી હતી. એટલે ખુશી તેની પાસે આવીને બોલી, “રિદ્ધિ, તું ફિકર ના કર. આપણે કોઈ ચોક્કસ રસ્તો શોધી લઈશું.” રિદ્ધિએ ખુશી સામે જોયું પણ ખુશી તેની સામે જોયા વગર રૂમમાંથી બહાર નીકળી ગઈ.
રાજવર્ધન લેબમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે તે શું કરે? સિરમ બનાવવા માટે આર્યવર્ધનનું ડીએનએ જરૂરી હતું અને આર્યવર્ધનના મૃત્યુ પછી હવે તેનું ડીએનએ મળવું અશક્ય હતું.
રાજવર્ધન પાછો કમ્પ્યુટર આગળ ખુરશીમાં બેઠો ત્યારે તેની નજર એક ફેમિલી ફોટોગ્રાફ પર પડી. તે જોઈને તેના મનમાં એક વિચાર આવ્યો એટલે તેણે તરત મેઘનાને કોલ કરીને કહ્યું, “સોલ્યુશન મળી ગયું છે! તમે બધા જલ્દીથી લેબમાં આવો.”