રણચંડી
હજુ તો સૂરજ આથમવાનો પણ વખત નહોતો થયો ત્યાં સૂરજને વાદળોએ ઢાંકી નાખ્યો હતો.રાત સમો અંધકાર ઓછો હોય એમ વાદળોમાં થતાં કડાકા-ભડાકા હિરપુર ગામની સીમનું વાતાવરણ વધુ ભયંકર બનાવી રહ્યાં હતાં.વચ્ચે-વચ્ચે ઝબૂકતી વીજળી કેમેરાનાં ફોક્સ સમી ભાસતી હતી.
ગામનાં સૌથી દૂર આવેલાં ખેતરને વટાવી સંગીતા ઉર્ફે સંગી રેતાળ નેળિયું પસાર કરતી ઉતાવળાં ડગલે ગામની પાદર તરફ આગળ વધી રહી હતી.પોતાનાં ઘર જોડે બાંધેલી ગૌરી નામની ગાય અને ભૂરી નામની ભેંસનાં નિરણ માટેનાં લસકાની ગાંસડી સંગીનાં માથે હતી મોજુદ હતી.સંગી લસકો લઈને નીકળે એ પહેલાં તો મેઘરાજા પોતાની સવારી સાથે અચાનક આવી પહોંચ્યાં.
પોતાનાં બાપુ અને માં ઘરે વાટ જોઈ નાહકની ચિંતા કરતાં હશે એમ વિચાર કરતી સંગી હજુ તો માંડ અડધે રસ્તે પણ નહોતી પહોંચી ત્યાં ઝરમર મેહુલો વરસવાનો શરૂ થઈ ગયો.વીસ વર્ષની સંગી દેખાવે થોડી શ્યામ જરૂર હતી પણ એનું માંસલ શરીર,નાજુક-નમણો ચહેરો અને તીખા નયનનક્ષ કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરવાં કાફી હતાં.
અચાનક વીજળીનો ઝબકારો થયો અને વીજળીનાં પ્રકાશે સંગીએ અનુભવ્યું કે બે માનવાકૃતિ એની પાછળ-પાછળ આવી રહી હતી.આવી પરિસ્થિતિમાં સંગીનું હૃદય અજાણ્યાં ભયનાં લીધે જોરથી થડકવા લાગ્યું.
એકવાર સંગીને થયું પણ ખરું કે માથે ઉપાડેલો લસકો નીચે નાંખી ત્યાંથી ભાગી નીકળે પણ આ વરસાદી મોસમમાં બે-ત્રણ દિવસ ખેતરે ના અવાય તો પોતાનાં મૂંગા પશુઓ ભૂખથી ટળવળે એ વિચારે સંગીને આમ કરતાં રોકી.સંગીએ ભગવાનનું નામ લઈ ઉતાવળાં ડગ તો માંડ્યા પણ એ અંદરથી એ વિચારી ધ્રૂજી રહી હતી કે એનો પીછો કરનાર લોકોનો આખરે ઈરાદો શું છે?
"અમારાથી બચીને ક્યાં જઈશ?"આમ બોલતાં અચાનક સંગીનો પીછો કરતાં બંને જણા સંગી આગળ આવી ઉભાં રહી ગયાં.
"બિરજુ અને લાખા તમે બે?"વીજળીનાં પ્રકાશમાં પોતાની સામે ભૂતની જેમ આવી ચડેલાં બંને નબીરાઓને ઓળખતી હોય એમ સંગી વિસ્મય સાથે બોલી પડી.
બિરજુ ગામનાં સરપંચનો અને લાખા ગામનાં એક મોટા વેપારીનો દીકરો હતો.પોતાનાં બાપની મિલકત પર કૂદતાં આ બંને નબીરાઓ દરેક જાતનું વ્યસન ધરાવતાં હતાં.ઘણી યુવતીઓને હેરાન કરી ચૂકેલાં આ બંને અત્યારે સંગીની પાછળ બદઈરાદાથી આવ્યાં હતાં.
"કેટલાં દિવસથી તારી પાછળ હડકાયા કૂતરાં માફક લાળ ટપકાવીએ છીએ અને તું તો અમને જરા અમથો પણ ભાવ નથી આપતી મારી જાનુડી."બિરજુ આમ બોલતાં-બોલતાં સંગીની તરફ અગ્રેસર થયો.
પોતાની ઈજ્જત હવે જોખમમાં છે એમ સમજતી સંગીએ મદદ માટે અવાજ આપવાની નિરર્થક કોશિશ કરી પણ એને એ સમજતાં વાર ના થઈ કે એની મદદે અહીં કોઈ આવવાનું નથી.સંગીએ ગળાની નીચે થૂંક ઉતાર્યું અને બે ડગલાં પાછળ હટી.
"જો સંગી,તું પ્રેમથી તારી જાત અમને સોંપી દે એમાં જ તારી ભલાઈ છે બાકી અમે અમારું ધાર્યું તો કરીને જ રહીશું."બિરજુની જોડે આવીને ઉભો રહેલો લાખા કટુ સ્મિત વેરતાં બોલ્યો.
બિરજુ અને લાખા એકલતાનો લાભ ઉઠાવી ઘણી સ્ત્રીઓ અને યુવતીનું મોં કાળું કરી ચૂક્યાં હતાં એ જાણતી સંગી સૂકાં વૃક્ષની માફક થર-થર કંપી ઉઠી.ડરથી એનાં હાથ પરની ગાંસડી છૂટીને જમીન પર પડી ગઈ.હાથ જોડી સંગી પોતાને ત્યાંથી જવા દેવાની અરજ કરવાં લાગી પણ એની સાંભળે કોણ?
વાસનાની આગમાં આંધળા બની પોતાની તરફ આગળ વધતાં બિરજુ અને લાખાને જોઈ પાછળ ડગ ભરતી સંગીનાં પગમાં ગાંસડી આવી અને એ ગાંસડી પર પીઠનાં બળે પટકાઈ.
સંગીની ચોલી અને ઘાઘરી વરસાદથી ભીંજાઈ ચૂકી હતી.ભીંજાયેલા વસ્ત્રોમાં તરબતર સંગીનો દેહ એનાં વસ્ત્રો ઉપરથી પણ નજરે ચડી રહ્યો હતો.
"બિરજુ,આ વખતે પહેલી વારી તારી."
લાખાનાં આ શબ્દો કાને પડતાં જ બિરજુ સંગી તરફ આગળ વધ્યો.લાચાર અને ગભરાયેલી સંગીને પોતાનાં બંને હાથથી પોતાનાં છાતીનાં ભાગને ઢાંકવાની વ્યર્થ કોશિશ કરી.બિરજુએ વધુ સમય વ્યર્થ કર્યાં વગર પોતાનાં પેન્ટને ઉતાર્યું અને અર્ધનગ્ન અવસ્થામાં સંગીનાં ભીંજાયેલાં દેહ ઉપર ઝુક્યો.
"સંગી તારું શિયળ આજે આ હરામીઓનાં હાથે લૂંટાવા ના દેતી.તારી ઈજ્જત તારું આત્મસમ્માન અને પરિવારનો મોભો છે."સંગીની આત્મા જાણે એને કહી રહી હોય એમ સંગીનાં કાને આ શબ્દો અથડાયા.
અચાનક ડરથી ધ્રૂજતી સંગીનાં મનમાંથી સઘળો ડર અદ્રશ્ય થઈ ગયો હોય એમ એને ગાંસડીમાં બાંધેલું દાંતરડું હાથમાં લીધું.બિરજુ કંઈ સમજી સંગીનો પ્રતિકાર કરે એ પહેલાં તો સંગીએ દાંતરડાનાં એક ઝટકે બિરજુનો પુરુષ અવયવ કાપી નાંખ્યો.બિરજુની દયનિય ચીસોથી જોડે ઉભેલો લાખો પણ સમસમી ગયો.લાખો બિરજુની વ્હારે આવે એ પહેલાં તો સંગીએ દાંતરડાનો બીજો ઘા કરી બિરજુની ગરદન ધડથી જુદી કરી નાંખી.
"એ..એ છોકરી તે આ શું કરી મુક્યું?"રક્તથી ખરડાયેલો સંગીનો ચહેરો જોઈ ભયભીત થઈ ગયેલો લાખો બોલ્યો.
સંગીએ હાથથી પોતાનો રક્તથી ખરડાયેલો ચહેરો સાફ કર્યો અને આગઝરતી આંખે લાખા તરફ જોયું.હાથમાં દાતરડું લઈને ઉભેલી સંગી લાખાને એ સમયે રણચંડી લાગી રહી હતી.પોતાનું પણ મોત નજીક છે એમ વિચારી લાખો ત્યાંથી ભાગવા જતો હતો પણ વરસાદનાં પાણીથી ચીકણી થયેલી જમીન પર એનો પગ લપસ્યો અને એ જમીન પર પટકાયો.
ક્રોધ અને બદલાની આગમાં સાચેમાં રણચંડી બની ચૂકેલી સંગીએ નીચે પડેલાં લાખાનાં પેટનાં ભાગે એક પછી એક ડઝનેક વાર દાંતરડાનાં ઘા કરી એનું કાસળ કાઢી નાંખ્યું.
આ કર્યાં પછી સંગી પાંચેક મિનિટ સુધી જડવત ઉભી રહી.પોતે આ શું કરી મુક્યું એ વિચારવાનો હવે કોઈ અર્થ નહોતો.વરસાદનું જોર હવે ઘણું વધી ચૂક્યું હતું.બિરજુ અને લાખાની પોતે હત્યા કરી છે એવો પુરાવો આ વરસાદનાં લીધે મળવો અશક્ય છે એમ વિચારતી સંગીએ લસકાની ગાંસડી ફરી વ્યવસ્થિત બાંધી અને માથે ચડાવી ઘર તરફ ચાલી નીકળી.
રણચંડીની માફક લોહીથી ભીંજાયેલી એની ચોલીમાંનું રક્ત વરસાદની બુંદો સાથે ધોવાઈ રહ્યું હતું.બે લોકોની નિર્મમ હત્યાનાં પશ્ચાતાપનાં સ્થાને વીજળીનાં ચમકારે સંગીનાં ચહેરા પર જે વસ્તુ સાફ નજરે ચડી એ હતું એનું આત્મસમ્માન!
-જતીન.આર.પટેલ (શિવાય)