જાન્યુઆરી ૨૦૨૦
ગીત ગઝલ કાવ્યો
\______/\________/
કવિતા
ગીત
આપણાં કરતાં આપણો માળો મોટો
પછી તો શરૂ થાય દુખોનો મેળો..
શ્રધ્ધા, આસ્થાના ચડતાં રહીએ ઓટલાઓ..
દર્પણમાં જોતા રહીએ માથે મૂકેલો ટોપલો..
આપણાં કરતાં આપણો માળો મોટો...
કોને કહીએ અને કોને કહેવા જઈએ
બજારમાં ઊભા સૌ જાણે વહેચવાને દુખો!
ઊભા સંતો ને આચાર્યો ઓઢોની નકાબો
દોરી ધાગા બાંધી ને કરે પોતાનો વકરો!
આપણાં કરતાં આપણો માળો મોટો...
આવડે તો છોડતાં જરૂર શીખીએ
આપણાં અનુરૂપ બાંધીએ આપણો માળો!
મૂકતાં શીખો ને આપતાં કાંઈ શીખો તો
જોજો કેવો ખીલી ઉઠે છે આપણો માળો...
+ + +
તમે
--------
તમે આવો તો વસંત.
તમારા વગર પાનખર.
તમે ગાવો તો વસંત
તમારું મૌન જાણે પાનખર.
ભ્રમર ગૂંજે તો વસંત
ચમનની ચૂપ્પી પાનખર.
કોયલનાં ટહુકે વસંત
સૂની સાંજ પાનખર.
ખીલતી કળી વસંત
વય નિરાશાની પાનખર.
તમે આવો તો વસંત..
તમારું નામ લેતાં વસંત.
+ + +
આવ્યો છે
-----------
ફૂલોનો વરસાદ વરસાવો
રંગોનો છંટકાવ કરો,
મારો પ્રિયતમ આવ્યો છે..
મારો પ્રિયતમ આવ્યો છે.
કોયલનાં ટહુકા સુણાવો
ભ્રમરનાં ગૂંજનથી વધાવો
મારો પ્રિયતમ આવ્યો છે ..
મારો પ્રિયતમ આવ્યો છે .
ચાંદ ચાંદની તમે પધારો
રાતરાણીની ફોરમ લહેરાવો...
મારો પ્રિયતમ આવ્યો છે ...
મારો પ્રિયતમ આવ્યો છે.
સહેલીઓ, સજીકરીને આવો
રાગ રાગિણીને ઘૂંટી ઘૂંટીને સુણાવો..
મારો પ્રિયતમ આવ્યો છે...
મારો પ્રિયતમ આવ્યો છે .
અંગ અંગ આજ મારું ઘબકે
પાયલનાં રણકારો રણકે
રંગ ચડ્યો છે મહેંદીનો જોવા જેવો!
મારો પ્રિયતમ આવ્યો છે.
મારો પ્રિયતમ આવ્યો છે ..
+ + +.
ચલ મન
ચલ મન..કશું ક કરીએ..
બહુ લીધું આપણે સૌ પાસેથી
અને આ જગ તો જો..
હજુ ય આપ્યે જાય છે
એટલાં જ ઉમંગથી..
ચલ મન.. કશું ક કરીએ..
ક્યાં કોઈ હિસાબ માગે છે
કયાં કોઈ કશું પૂછે છે?
આ તો આપણી ફરજ
ચલ મન.. કશું ક કરીએ..
આવેલી તક જોજે ના લસરી જાય
ને નાહકનો અજંપો ફોલી ખાય
વૈકુંઠ માં પૂછે તો કામ આવશે
આપવા ને આપણો હિસાબ..
ચાલ મન..કશું ક કરીએ..
+ + +
ગીત
--------
આંખમાં આંજ્યું છે પ્રીતનું આંજણ
જગ મને લાગે ઝરઝર શ્રાવણ...
કોયલનાં ટહુકા ને ભ્રભર નાં ગૂંજન
જગ મને લાગે સુંદર ને પાવન....
સાગરના પાણી ભલે હોય ખારાં
જગ પર વરસાવે અમૃત જળના ઝરણાં..
સુખ દુખ તો છે જાણે દિવસ ને રાત
જગનો છે આ અનજાણ પ્રવાસ...
આંખમાં આંજ્યું છે પ્રીતનું આંજણ
જગ મને લાગે ઝરમર શ્રાવણ..
+ + +
મારી પાસે
-------------
મારી પાસે છે મારું ભાથું.
સૂરજ ઊગે ને લઇને ચાલું.
ના નડતી વાસ મને દુર્ગંધની
ફૂલોની ફોરમ સાથે રાખું.
ડાળીએ બેઠો શમણાં જોતો
એ મારું નજરાણું,ના કાપું.
નાદ મને લાગ્યો છે ફૂલોનો
વીણી વીણીને સૌને આપું.
મારી પાસે છે મારું ભાથું
આપી આપીને આનંદ માણું.
+ + +
સમી સાંજે
_________
એકબીજાનો હાથ પકડી ચાલીએ છીએ.
"હું" " તું " છોડી અમે વાતો કરીએ છીએ.
જિંદગીનું મુલ્ય સમજાયું છે રહી રહીને..
પાનખરમાં માણીએ વસંત હસી હસીને.
વિસામાની પાળીએ ખોલીને બેઠાં નિરાંતે
સ્મરણોનો પટારો જોતાં આશ્ચર્યચકિતે..
અહમ્ ઈર્ષ્યાનું કરતાં રહીએ વિસર્જન અમે,
નવી કેડી અપનાવતાં ખુશી ખુશાલીએ.
થઈને દીવાદાંડી ઊભા અમે કિનારે કિનારે..
થઈ ને કોઈનો વિસામો અમે બેઠાં આંગણિયે..
ભજન કીર્તનમાં તનમન પરોવી અમે આનંદે..
એકબીજાનો હાથ પકડી ચાલતાં ભરબજારે.
+ + +
છું
-------
સમસ્યાથી ઘડાયો છું.
વિવાદોથી કસાયો છું.
સરળ કેડી હતી છતાં
વિચારોથી ફસાયો છું.
પ્રવાસી છું, સમય ક્યાં છે
ચિંતાઓથી લદાયો છું.
હતું શું ? ના હવે પૂછો
નજરથી બસ ધવાયો છું.
+ + +
_ _ પણ _ _
હોઠો પર આવેલી વાત કહી ના શક્યો!
ઈશારો કર્યો 'તો પણ સમજી ના શક્યો!
ખીલી 'તી મોસમ ને પાસ તમે ઊભા 'તા
તો પણ હાથ તમારો હું પકડી ના શક્યો!
ખીલ્યો 'તો ચાંદો બારીને અડકીને, પણ
તારા ખ્યાલોમાં બારી ખોલી ના શક્યો!
શમણું સેવ્યું 'તું, વાવ્યું 'તું શણગાર્યું 'તું
બે પગલાં ચાલીને પણ આપી ના શક્યો !
જોતો રહ્યો સઘળાની મુઠ્ઠીઓ ખૂલ્લી
તો પણ મારી તૃષ્ણા હું છોડી ના શક્યો!
ગા ૧૨ + + +
ફુરસદ લઈને હું, આવ્યો છું.
શમણાં મનગમતા લાવ્યો છું.
છું હું મનમોજી અલગારી
સઘળું મૂકીને ચાલ્યો છું
પડકારોને પડકારું છું
ના રણ છોડીને ભાગ્યો છુ.
અર્થ નથી શોર મચાવીને
થોડું બોલીને ફાવ્યો છું.
માનો હાથ હતો જે ઝાલ્યો
સંસ્કારોથી પ્રભુ પામ્યો છું.
ગા×૮
+ + +
વાંધો નથી
------------
આંગળી ચીંધો મને વાંધો નથી.
પીઠ પંપાળો મને વાંધો નથી.
ચાંદ જોઈ દ્રાર ખખડાવો ભલે
રાત ભર જાગો મને વાંધો નથી.
આવશે વેળા જવાની પળ પછી
એક ક્ષણ રડશો, મને વાંધો નથી.
આપણા જે હોય તેને છે ફિકર
કાન જો પકડો મને વાંધો નથી.
સત્ય કાજે જીવવું મારી ફરજ
ઝેર જો આપો મને વાંધો નથી.
ગાલગાગા×2, ગાલગા.
+ + +
નવલું વરસ
--------------------
બંધ મુઠ્ઠી શું હશે નવલું વરસ.
આશ મીઠી લાવશે નવલું વરસ.
ગાલગાગા×2 ગાલગા.
+ + +
મારી આંખોમાંનો રંગ જોઈ મુખ ના મોડ
શરાબ નથી પીધો પણ તારો ઈંતેજાર છે.
પ્રફુલ્લ આર શાહ
+ +
હું
----------
'વ્રજ ભૂમિમાં જઈશ હું તો
રાધા બનીને,રાધા બનીને...
વિવશ કરીશ કાનને
દોડી આવશે સઘળું છોડીને છોડીને..
જો હું રાધા બનીશ તો, રાધા બનીશ તો...
જો હું વ્રજ ભૂમિમાં જઈશ તો. .તો..
+ + +
મહાત્મા
----------------
ગાંધીજી કહો કે ગાંધી
ના કશો ફેર પડે
એ જ સુકલકડી કાયા
હાથમાં લાકડી
ને મૃદુ પ્રભાવશાળી ચહેરો
આંખ સામે છવાઈ જાય છે!
આંખોમાં સૂરજ નો પ્રભાવ
ચહેરા પર ચાંદ શી શીતળતા
પગલે પગલે નદી શી ગતિ
એમના શબ્દો જાણે સાગર ગર્જના
વિચલીત થઈ ગઈ સારી દુનિયા
જંગ જીત્યો જેને સત્યાગ્રહ બળે!
હજી જીવીત છે ગાંધી સૌનાં હ્રદયમાં
જ્યાં આચરણ જેનું પ્રવચન છે!
નહીં ભુલાશે એ મહાવીર શખ્સ
નામ જેનું છે
મોહનદાસ કરમચંદ ગાંધી
ઉર્ફે
મહાત્મા ગાંધીજી
🙏
+ + +
પણ..
------
બહુજ સહેલું છે આઈ લવ કહેવું.
બહુજ સહેલું છે ગૂડ બાય કહેવું.
પણ પછી એકલા અટૂલા રહેવું
એટલે શેરડીનાં સાંઠાની જેમ પીલાતા રહેવું!
+ + +
આમ તો..
આમ તો..
આપણા વચ્ચે બધું
બરોબર ચાલ્યાં કરે છે.
તું સવારે સવારે
ગરમાગરમ ચા પીવરાવે
મનગમતો નાસ્તો ખવરાવે
અને આપણા વચ્ચે
પ્રસન્નતાનાં ફૂલો વેરાય...
તું ઝરણાં શું રમતિયાળ હાસ્ય વેરી
ઘર ખર્ચની રકમ માગી લે
જે હસતાં હસતાં તને આપી
બાય બાય ..ટાટા..વહેલાં આવજો
ના ટહુકા આપે મુખવાસ માં તું
અને..
બસ આવું ચાલ્યાં કરે ..
અને
અચાનક બે હાઠો આપણાં
તરડાઈ જાય
વાણી ફાટી જાય
ત્યારે
ધરતી લાગે એવી કે
મન થાય સીતાની જેમ
હું સમાઈ જાઉં
પણ આવું થાય તો ને! પ્રફુલ્લ આર શાહ
× × ×
આકાશ
--------
આકાશ
તો
મારી પાણીથી છલકાતી
ડોલમાં સમાઈ જાય,
પાણીયારીનાં પાયલનાં ઝંકાર
છલકાતાં હોય તે કુવામાં સમાઈ જાય,
એકાંત લઈ બેઠેલાં તળાવમાં સમાઈ જાય,
સમાધિ અવસ્થામાં લીન સાગરમાં પણ સમાઈ જાય!
ને બંધ મુઠ્ઠીમાં પણ સમાઈ જાય!
છે આકાશ નો વ્યાપ
તેથી તો છે અમાપ!
+ + +
વેદના
-----------
ચામડી છોલાય તો
આહ.. નીકળી જાય!
ચામડી છેદાય તો
આહ..નીકળી જાય!
સુખદુખનાં સ્મરણો
એકલ પંડે વાગોળાય!
+ + +
શિયાળો
----------
છે શિયાળાની સવાર
સૂરજ ઊગવાને હજી વાર..
ખૂલ્યાં નથી હજુ દ્રાર..
છે ગુલાબી વાતાવરણ શાંત!
ના વૃક્ષે કલરવ, કે હલચલ,
ખળખળ વહેતું જળ શાંત.
દૂર દૂર થી વીંધીને આવતાં કિરણો
પાથરી રહ્યાં આભમાં પ્રકાશ
દેતાં સંદેશો ના કરો સૂરજનો ઈંતેજાર!
આ તો પોષ માસની સવાર
કરાવ્યે જાય ઠંઠીનો આસ્વાદ!
+ + +
શિયાળો
----------
બારી બારણાં બંધ છે..
સૂરજે હજી પડખું ફેરવ્યું નથી
ઉદાસીનો બરફ પથરાયેલો પડ્યો છે
રજાઈનાં બંકરમાં સૌ કેદ થઈને પડ્યાં છે
મૌનનો ચરુ ઉકળતો પડ્યો છે
સૌ ની નજર આકાશ તરફ મંડાયેલી પડી છે
દરવાજા ખૂલે વાદળોનાં અને સૂર્યોદયનો હેલો સંભળાય
એ ઈન્તજારે પ્રકૃતિ વ્યસ્ત છે!
-+ + +
સ્વરૂપે
------
હું મારી નગ્નતા
જે સુંદર છે, લાવણ્યમય છે,
કોઈની નજર ન લાગે,
કપડાં ઓઢીને
ચરું છું, ફરું છું
અને જોયા કરું છું
ઉડતા, તરતા, ચરતા,
સૃષ્ટિ જીવોને! પ્રફુલ્લ આર શાહ.
+ + +
અવસર
--------
પતંગ ચગાવાને બહાને
આજ લ્હાવો મળી ગયો
આભને મળવાનો!
એમાં વળી સાથ દીધો
ફરફર ફરરર ફરકતા વાયરાએ
આભને અડવાનો!
રંગબેરંગી પતંગ ચૂમે આભને
મારો સંદેશો પહોંચે દોરીને સહારે
એમાં હોય
પાયલનો ઝંકાર ને
ચૂડીઓનો રણકાર ને
ભીતરનો ગણગણાટ!
આજ લ્હાવો મળી ગયો
પતંગ ચગાવવાને બહાને
આભને ચૂમવાનો
પ્રકૃતિને માણવાનો! પ્રફુલ્લ આર શાહ.
+ + +
પ્રાર્થના
----------
સવારે ઓફિસમાં
બોસનો
સાંજે ઘરે
બૈરીનો
ચહેરો
ખીલતાં ગુલાબ જેવો
જોવા મળે તે માટે
ઈશ્વરને પ્રાર્થના કરું છું!
પ્રફુલ્લ આર શાહ
એક ક્ષણ એવી
-------------
રસ્તો લાગતો હતો લાંબો
હતો એકલતાનો સહારો
અચાનક કોઈ બૂમ પાડે
મારા નામની અને
થઈ ગઈ આપ લે
સુવાળા સ્મિતની !
ખબર ના પડી મંજિલે ક્યારે પહોંચી ગયો
વાગોળતા વાગોળતા પ્રફુલ્લ આર શાહ.
+ + +
જિંદગી
---------
જિંદગી ચાલી ગઈ
તને પડકારવામાં!
હાથમાં શું આવ્યું ?
કશું નહીં. સિવાય ફોલ્લાં!
આપણે એકબીજાને
જોઈને ધૂરક્યા કરીએ!
અચાનક સમાચાર મળ્યા
તારી આંખો મીંચાઈ ગઈ કાયમને માટે!
હું સરી પડ્યો ઉદાસીનતામા
હવે હું એકલો એકલો કેમ જીવીશ!
પ્રફુલ્લ આર શાહ