થશરનું રહસ્ય ભાગ ૪ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

થશરનું રહસ્ય ભાગ ૪

ભાગ ૪

સમયગાળો : વર્તમાન વર્ષ ૨૦૧૯

સ્થળ : સ્વિટ્ઝર્લેન્ડ

  આગંતુકે દરવાજો એક અલગ અંદાજમાં ખટખટાવ્યો. થોડીવાર રહીને દરવાજો ખુલ્યો અને  ખટખટવાનાર વ્યકતિ બેધડક અંદર ચાલ્યો ગયો પણ ખોલનારે બહાર નજર કરી અને થોડીવાર સુધી અંધારામાં તાકી રહ્યો. જયારે વિશ્વાસ થયો કે બહાર કોઈ નથી એટલે દરવાજો બંધ કરીને અંદર આવ્યો.

દરવાજો ખોલનાર વ્યક્તિ જયારે ડ્રોઈંગ રૂમ માં પહોંચ્યો ત્યાં સુધીમાં આગંતુક વોડકાની બોટલ ખોલીને અડધી ગટગટાવી ચુક્યો હતો. પછી તેણે થોડી થોડી વોડકા બે ગ્લાસમાં કાઢી અને એક ગ્લાસ તે વ્યક્તિ સામે ધર્યો. તે વ્યક્તિએ આગંતુક પર નજર કરી અને કહ્યું, “કેટલું પીએ છે?”

આગંતુકે વિચિત્ર લહેજામાં કહ્યું, “મેટિઓ, અમે રશિયન જમ્યા વગર રહી શકીયે પણ વોડકા વગર નહિ! અને કોઈ રશિયાના જીવનમાંથી વોડકા કાઢી નાખો એટલે તેનું જીવન બેરંગ થઇ જાય.”

એટલું કહીને ખડખડાટ હસવા લાગ્યો.

મેટિઓએ કહ્યું, “એલેક્સ, તને કેટલી વાર કહ્યું આમ વિચિત્ર રીતે અને જોરજોરથી નહિ હસવાનું.”

આગંતુકનું પૂર્ણ નામ એલેક્સ વાસીલેવ હતું. તેનો સંબંધ રશિયાની કુખ્યાત જાસૂસી સંસ્થા કે. જી. બી. સાથે હતો. અત્યારે તે કામસર સ્વિટ્ઝર્લેન્ડમાં આવ્યો હતો.

તેણે પોતાનો ચેહરો ગંભીર કરીને પૂછ્યું, “મને જે માટે બોલાવ્યો છે તે ઇન્ફોર્મેશન?”

મેટિઓએ ગ્લાસમાંથી એક ઘૂંટડો ભર્યો અને ખિસ્સામાં હાથ નાખીને એક પેન ડ્રાઈવ કાઢી અને તે એલેક્સ સામે ધરી. એલેક્સે હાથ આગળ વધાર્યો એટલે મેટિઓએ પોતાનો હાથ પાછળ ખેંચી લીધો અને કહ્યું, “મારુ પેમેન્ટ?” 

એલેક્સ હસ્યો અને કોટના ખિસ્સામાંથી એક ગોળ ગડી કરેલું ડોલરનું બંડલ કાઢ્યું અને તે મેટિઓના હાથમાં મુક્યું . મેટિઓએ પેન ડ્રાઈવ એલેક્સના હાથમાં મૂકી.

એલેક્સે પોતાના ગ્લાસમાંથી ઘૂંટડો ભર્યો અને પૂછ્યું, “શું હું અહીં બે કલાક રોકાઈ શકું છું? મારી ફ્લાઇટને વાર છે?”

મેટિઓએ નકારમાં ડોકું ધુણાવ્યું અને કહ્યું, “પેન ડ્રાઈવ ચેક કરી લે અને અહીંથી તરત રવાના થઇ જા, અહીં રહેવું ખતરાથી ખાલી નથી.”

એલેક્સે પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેની સાથે પેન ડ્રાઈવ અટેચ કરી અને ચેક કરીને પોતાનો અંગુઠો ઊંચો કર્યો અને બરાબર છે એમ કહ્યું અને પોતાનો ઓવરકોટ પહેરીને બહાર નીકળ્યો. બહાર નીકળતી વખતે તેણે ચારે તરફ નજર ફેરવી અને કોઈની હાજરી ન પરખાતા તે દૂર પાર્ક કરેલી પોતાની મોટર કાર તરફ ગયો.

ચાલતી વખતે તેનો એક હાથ ઓવરકોટના ખિસ્સામાં હતો જેમા તેણે એક ગન મુકેલી હતી. કારમાં બેસીને તેણે ઇંજિન જગાવ્યું અને એરપોર્ટનો રસ્તો પકડ્યો. અડધે રસ્તે સુધી પહોંચ્યો ત્યાં સુધી તે ઉચાટમાં હતો અને તેની નજર સતત રિયર મિરર પર હતી પણ જયારે તેને વિશ્વાસ બેઠો કે કોઈ તેની પાછળ નથી એટલે તે રિલેક્સ થયો અને તેની મનગમતી ધૂન સીટી રૂપે વગાડવા લાગ્યો.

              આ તરફ મેટિઓએ દરવાજો બંધ કર્યો અને ડ્રોઈંગ રૂમમાં પાછો આવ્યો અને પછી તેણે પોતાનો ચેહરો પકડ્યો અને જેમ કપડાં કાઢતો હોય તેમ તેણે પોતાના ઉપરથી મનુષ્યનું શરીર કાઢી નાખ્યું અને બાજુના સોફામાં મૂક્યું અને બીજા સોફામાં બેસીને ટીવી ચાલુ કર્યું.

તે બહુ વિચિત્ર દેખાતો હતો, તેનો સંપૂર્ણ ચેહરો લીલો હતો અને નાક એકદમ તીણું હતું. તેના હાથ અને પગમાં ત્રણ ત્રણ જ આંગળીઓ હતી. તે એક મ્યુઝિક ચેનલ પર સંગીત સાંભળી રહ્યો હતો ત્યાં ફરીથી દરવાજે સાંકેતિક ટકોરા પડ્યા એટલે ગુસ્સામાં તેણે માથું ધુણાવ્યું અને થોડું વિચિત્ર ભાષામાં બબડીને બાજુમાં મૂકેલું શરીર પહેરી લીધું. હવે તે થોડીવાર પહેલાનો મેટિઓ બની ગયો હતો.

તેણે દરવાજાના કાણામાંથી જોયું તો હેટ અને ઓવરકોટ પહેરેલી વ્યક્તિ દેખાતી હતી. તેને લાગ્યું એલેક્સ પાછો આવ્યો છે એટલે દરવાજો ખોલતા કહ્યું, “એલેક્સ, તું પાછો? કોઈ પ્રોબ્લેમ થયો?”

પણ જેવી સામેવાળાએ માથા પરથી હેટ દૂર કરી એટલે તેનો પ્રશ્ન ગળામાં જ રહી ગયો અને તે ધ્રુજી ઉઠ્યો. તેની સામે બે સળગતી આંખો હતી અને તેના જેવો લીલો ચેહરો. તે અંદર આવ્યો અને કોઈ વિચિત્ર ભાષામાં તેની સાથે વાત કરવા લાગ્યો. ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીયે.

તેણે કહ્યું, “હેલો, પુલિઝેન.”


              આવનાર કોઈ પૃથ્વીવાસી નહિ પણ તેના જેવો જ પરગ્રહવાસી હતો.

આવનારે પૂછ્યું, “તેં પેલા જાસૂસને શું માહિતી આપી?”

પુલિઝેને કહ્યું, “મેં તેને કંઈ જ આપ્યું નથી, તે મારો એટલે કે હું જેના શરીરમાં રહું છું તે મેટિઓનો મિત્ર હતો.”

આવનાર પરગ્રહવાસીની નજર સેન્ટર ટેબલ પર મુકેલા ડોલરના બંડલ પર ગઈ અને પછી તેની તરફ જોઈને પૂછ્યું, “તેં તારી ઈમાનદારી કેટલામાં વેચી?” અને તે સાથે જ તેની આંગળીઓ પુલિઝેનના ગળા ફરતે વીંટળાઈ ગઈ. પુલિઝેનનો શ્વાસ રૂંધાવા લાગ્યો, તે કંઈ કહેવાનો પ્રયત્ન કરે છે એમ જોઈ તેણે પકડ ઢીલી કરી.

પુલિઝેને કહ્યું, “સર્જીક, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું અહીં એકલો હતો અને મેટિઓના ઘરમાં જેટલા પૈસા હતા, એ બધા પુરા થઇ ગયા હતા. મારે ગુજરાન ચલાવવા પૈસા જોઈતા હતા.”

સર્જીકે કહ્યું, “ગુજરાન ચલાવવા કે મોજમજા કરવા? આપણા ગ્રહ પરથી નીકળ્યો ત્યારે કયો નિયમ કહ્યો હતો કે જેના શરીરમાં રહીશું તેનું કામકાજ શીખીને જરૂર હોય તેટલા જ પૈસા કમાવવાના અને બાકી પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપવાનું, મોજમજા પાછળ સમય અને પૈસા નહિ બગાડવાના.”

પુલિઝેને કહ્યું, “મેં તે જ કર્યું. હું જેના શરીરમાં છું તે મેટીઓ ડબલ એજન્ટ હતો તે ગુપ્ત માહિતી વેચીને પૈસા મેળવતો. હવે જો તે અચાનક એવું કરતો બંધ થાય તો જાસુસો મારી નાખે તેથી મેં મજબૂરીથી આ કામ કર્યું.” .
           સર્જીકની આંખો લાલ થઇ ગઈ તેણે કહ્યું, “એનો મતલબ  માહિતી તારી પાસે આવી ગઈ અને તે અમને જણાવવાને બદલે વેચી નાખી!”

પુલિઝેને કહ્યું, “તમારા લોકોનો અતોપતો ક્યાં હતો? અને તેં તો આજે જ કોન્ટાક્ટ કર્યો છે છતાં મેં અસલી માહિતી તો મારી પાસે જ રાખી છે.” એમ કહીને થોડું મ્લાન હસ્યો.

પછી તેણે ડ્રોવરમાંથી એક ફાઈલ કાઢી અને તે સર્જીકના હાથમાં મૂકી. તે ફાઈલના પાના ફેરવતાં સર્જીકની આંખો ચમકવા લાગી.

તેણે કહ્યું, “બહુ સરસ કામ કર્યું તેં, પણ તું વિશ્વાસને લાયક નથી.” એમ કહીને પોતાની આંગળીઓને પુલિઝેનના ગળાની આરપાર કરી નાખી. નિષ્ચેતન પુલિઝનનું શરીર જમીન પર પડી ગયું.

આ માહિતી પાછળ તે ઘણા સમયથી હતો અને પુલિઝેન માહિતી શોધવાના કામમાં હોશિયાર હતો પણ તે બહુ ભરોસાલાયક ન હોવાથી તેણે તેના પર નજર રખાવી હતી, પણ તે થોડો મોડો પડ્યો હતો માહિતી લીક થઇ ગઈ હતી. હવે તેણે ઝડપ દાખવવાની હતી. તેને ખબર હતી કે તે રેસમાં બીજે નંબરે છે પણ એક ત્રીજી વ્યક્તિ આવી ગઈ હતી રેસમાં.

તેણે ફાઈલ પર નજર કરી. હવે તેણે જવાનું હતું ભારત નામના દેશમાં.

ક્રમશઃ