થશરનું રહસ્ય ભાગ ૫ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

થશરનું રહસ્ય ભાગ ૫

ભાગ ૫

સમયગાળો વર્તમાન

  નિખિલે નીલકંઠને એક રિપોર્ટ બનાવીને મોકલ્યો જેમાં તેણે લખ્યું કે ક્યાં તો આપનું મોકલેલું ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર કામ નથી કરતુ અથવા જો તે બરાબર કામ કરતુ હોય તો મુંબઈમાં લગભગ બસો થી ત્રણસો એલિયન્સની હાજરી છે. આ આંકડો મોટો પણ હોઈ શકે કારણ હજી પૂર્ણ એરિયા કવર પણ કર્યો નથી. મુંબઈની જનસંખ્યાને હિસાબે તે કદાચ ઓછી જણાતી હશે પણ આ આંકડો નાનો નથી અને તેમાંથી તમે જેને શોધવાનો આદેશ આપ્યો છે તે અસંભવ છે, અમને મદદની જરૂર પડશે.
               નીલકંઠ અને યુવરાજ ઓફિસમાં બેસીને નિખિલના રિપોર્ટ પર ચર્ચા કરી રહ્યા હતા.

 યુવરાજે કહ્યું, “આટલા બધા એલિયન મુંબઈમાં અને તે વિષે આપણને જાણ પણ નથી.”

નીલકંઠે ચેહરા પર જરાય ચિંતાના ભાવ લાવ્યા વગર કહ્યું, “આ સંખ્યા હજી મોટી હોઈ શકે પણ મારી ચિંતા તે એલિયનો નથી. મારી ચિંતા તે પિત્ઝા ખાનાર એલિયન છે અને મારી ઇન્ફોર્મેશન અનુસાર તે કોઈ ભયંકર ઈરાદા સાથે પૃથ્વી પર આવ્યો છે, જોકે તેનો ઈરાદો શું છે તે વિષે કોઈ સ્પષ્ટ જાણકારી નથી.”

યુવરાજે પૂછ્યું, “તમારી ઇન્ફોર્મેશન એટલે?”

નીલકંઠે કહ્યું, “આપણો ડીપાર્ટમેન્ટ પૃથ્વી પર બનેલો પહેલો ડીપાર્ટમેન્ટ નથી, જે એલિયનો માટે બન્યો હોય. કમ સે કમ જગતમાં દસ દેશો છે જેમણે આવો ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. મને પણ આ વિષે જાણકારી નહોતી પણ આપણા પ્રધાનમંત્રીશ્રીએ તે વિષે મને વાકેફ કર્યો. તે ઉપરાંત તેમણે બાકી દેશોને એનું ઇન્ટરનેશનલ સંગઠન બનવવાની હાકલ પણ કરી છે જેથી ભવિષ્યમાં પૃથ્વી માનવજાત માટે સલામત રહે. લગભગ એક કે બે મહિનામાં આ વિષે ઓફિશિયલી નિર્ણય લેવાશે, પણ ત્યાં સુધી જરૂરી માહિતીની આપલે કરવાનું નક્કી થયું છે. તે અંતર્ગત જ મને આ સ્ફોટક માહિતી મળી છે.”
             “લગભગ પંદર થી વીસ ગ્રહોના એલિયનો પૃથ્વીની અલપઝલપ મુલાકાત લે છે અથવા અહીં વસે છે. તેમાંથી મોટાભાગના નિરુપદ્રવી છે અને તે વિષે અમેરિકા જેવા દેશોના પરગ્રહવાસી ડિપાર્ટમેન્ટ જાણે છે અને તેમનું રજીસ્ટ્રેશન પણ કરે છે પણ હમણાં બે કે ત્રણ ગ્રહોના એલિયનો ડિટેકટ થયા છે જે ઉપદ્રવી છે અને પેલો પિત્ઝા ખાનારો તેમાંથી એક છે. બાકીના ગ્રહોના એલિયનો અભ્યાસ માટે પૃથ્વી પર આવે છે.”

યુવરાજ આશ્ચર્યથી નીલકંઠ તરફ તાકી રહ્યો અને પૂછ્યું, “અભ્યાસ માટે એટલે?”

નીલકંઠે કહ્યું, “આપણા પૃથ્વી જેટલી વિવિધતા એકેય ગ્રહ પર નથી, તે ઉપરાંત તેમના માટે આકર્ષણનો વિષય છે માનવ મગજ, જે અજબ રીતે કામ કરે છે અને અહીંના વિવિધ ધર્મો.”

યુવરાજ હસવા લાગ્યો અને કહ્યું, “કેટલું વિચિત્ર લાગે છે સાંભળવામાં! આપણે જેવી રીતે જુદા જુદા દેશોની મુલાકાત લઈને ત્યાંની સંસ્કૃતિ અને ધર્મોનો અભ્યાસ કરીએ છે તેમ એલિયનો પૃથ્વી પર આવીને અભ્યાસ કરે છે, પણ આપણે અસલ મુદ્દાથી ભટકી ગયા છીએ. નિખિલના રિપોર્ટ નું શું? શું આપણે તે બધા એલિયનોને પકડીને તેમનું રજીસ્ટ્રેશન કરીશું? તે એલિયનને પકડવા સેના મોકલીશું?”

            નીલકંઠે કહ્યું, “શાંતિથી રહેતા એલિયનોને હેરાન કરવાની જરૂર નથી, આપણો પ્રોબ્લેમ પ્રિડાનીડ ગ્રહ પરથી આવેલો તે એલિયન છે અને તે માટે રાઘવ જ પૂરતો છે. મને પૂર્ણ ખાતરી છે કે રાઘવ તેને પકડી લેશે. તે પકડ્યા પછી ખબર પડશે કે તે અહીં મુંબઈમાં શું કરી રહ્યો છે? અને ત્યારબાદ આપણી આગળની રૂપરેખા તૈયાર કરીશું કે શું કરવું? મને આશા છે કે હજી બીજા મહેમાનો પણ આવી ગયા હશે અથવા આવવાના હશે જોઇશું તેઓ મુંબઈમાં શું કરી રહ્યા છે?”

સ્થળ : રશિયા


          એલેક્સ વાસીલેવ ટેબલ પર પ્રિન્ટ આઉટ પાથરીને બેઠો હતો અને તેની સામે એક આધેડ વયની વ્યક્તિ હતી જેનું નામ એન્દ્રે હતું. એન્દ્રેએ પોતાના ચશ્મા પાંચ મિનિટમાં ત્રીજી વાર લૂછ્યાં અને તે ફરી પ્રિન્ટ આઉટ પર ઝૂક્યો અને પછી ટટ્ટાર બેસી ગયો.

તેણે પોતાના ચશ્મા ટેબલ પર મુક્યા અને એલેક્સને પૂછ્યું, “આ માહિતી તને ક્યાંથી મળી?”

એલેક્સે કહ્યું, “તને ખબર છે ને કે માહિતીનો સોર્સ પૂછવાની મનાઈ છે.”

એન્દ્રેએ કહ્યું, “આ એક રિપોર્ટ છે જે બીજા ગ્રહની ભાષામાં છે.” 

એલેક્સે કહ્યું, “તમને કેવી રીતે ખબર?”

એન્દ્રેએ પોતાના ચેહરા પર અણગમાના ભાવ લાવીને કહ્યું, “તારો જ જવાબ પાછો વાળું છું, માહિતીનો સોર્સ પૂછવાની મનાઈ છે. પણ આ માહિતી અમેઝિંગ છે અને અમૂલ્ય પણ તેથી પૂછ્યું હતું. આ રિપોર્ટ પ્રમાણે એક એલિયન અત્યારે મુંબઈમાં છે, જે પુરાણકાળના કોઈ રહસ્ય પાછળ પડ્યો છે, તે પ્રિડાનીડ ગ્રહનો નિવાસી છે. તેની પાસે ઘણીબધી માહિતી છે.”

એલેક્સના ચેહરા પર નિરાશા ફરી વળી, પણ એન્દ્રેનો ચેહરો ચમકી રહ્યો હતો.

એલેક્સે પૂછ્યું, “ આ રિપોર્ટમાં ખુશ થવા જેવું શું છે? મને લાગ્યું હતું કે કોઈ એક્સલુઝીવ માહિતી હશે.” 
              એન્દ્રેએ કહ્યું, “તે ભારતમાં છે અને કોઈ પુરાણકાળના રહસ્ય પાછળ પડ્યો છે તે એક્સકલુઝીવ માહિતી જ કહેવાય.”

એલેક્સે પૂછ્યું, “કેવી રીતે?”

એન્દ્રેએ કહ્યું, “પુરાણકાળમાં જગતની સૌથી ઉન્નત ટેક્નોલોજી ભારતમાં હતી તે વખતમાં ભારતના ઋષીમનીઓ એટલે કે તે વખતના સાયન્ટિસ્ટોએ બહુ જ અનોખી શોધખોળો કરી હતી, જેમાં હથિયારો પણ સામેલ હતા. જો કે વિદેશી આક્રમણો અને આપસી કલહોને લીધે તે બધું સમયની ગર્તામાં સમાઈ ગયું પણ બધા જ હથિયારો નષ્ટ નહિ થયા હોય. મારા ખ્યાલ મુજબ તે કોઈ પુરાણકાળના એવ જ કોઈ હથિયારની કે તેની ટેક્નોલોજીની ખોજમાં આવ્યો હશે. તેથી તારે ત્યાં જવું જોઈએ કદાચ કોઈ એવી ટેક્નોલાજી હાથમાં આવે જે આપણા દેશને બાકી બધાથી આગળ લઇ જાય.”

સ્થળ : મુંબઈ


            નિખિલ અને તેની ટીમ ઓફિસમાં બેસીને વાત કરી રહી હતી તે વખતે એક સામાન્ય ફોર્મલ પેન્ટ શર્ટ પહેરેલો વ્યક્તિ ઓફિસમાં દાખલ થયો. તે દેખાવમાં સામાન્ય સેલ્સમેન જેવો દેખાતો હતો.

તેણે અંદર આવોને નિખિલ તરફ જોઈને પૂછ્યું, “આપ નિખિલ છો?”

નિખિલે પ્રશ્નાર્થ ચિન્હ સાથે તેની સામે જોયું એટલે તે વ્યક્તિએ કહ્યું, “હું રાઘવેન્દ્ર, મને નીલકંઠ સરે મોકલ્યો છે.”

એમ કહીને હાથ આગળ કર્યો એટલે નિખિલે તેની સાથે હાથ મિલાવ્યા ત્યારબાદ તેણે આગળ કહ્યું, “તમે મને રાઘવ કહીને બોલાવી શકો છો.”

નિખિલે કહ્યું, “વેલકમ મિસ્ટર રાઘવ, મુંબઈમાં તમારું સ્વાગત છે.”

રાઘવે કહ્યું, “ફોર્માલિટીની જરૂર નથી, હું પણ તમારી જ ઉંમરનો છું.”

નિખિલ અને બાકી બધા તેને જોઈ રહ્યા. દેખાવમાં તે બધાની અપેક્ષામાં ઉણો ઉતર્યો હતો. જે રીતે નીલકંઠે સરે રાઘવના વખાણ કર્યા હતા નિખિલે વિચાર્યું હતું કે રાઘવ કોઈ છ ફૂટ ઊંચો ડેશિંગ યુવક હશે પણ રાઘવ દેખાવ બહુ જ સામાન્ય હતો. સાડા પાંચ ફૂટ ઊંચો, ફોર્મલ પહેરવેશ અને નીચે સ્પોર્ટ શૂઝ, નંબરવાળા ચશ્મા, એકવડો બાંધો.

અવની મનોમન બબડી, “આ બોચિયો શું પકડશે પેલાને.”

             રાઘવે નાક પર થોડા નીચે સરકી આવેલા ચશ્મા ઠીક કર્યા અને પૂછ્યું, “આપણી ઇન્વેસ્ટિગેશન ક્યાં સુધી પહોંચી છે? છેલ્લે તે ક્યાં દેખાયો હતો?”

નિખિલે કહ્યું, “છેલ્લે તે ચર્ચગેટ પાસેના ડોમિનોઝમાં દેખાયો હતો.”

રાઘવે પછ્યું, “શું તમે ધ્યાન આપ્યું હતું કે દર વખતે શું ઓર્ડર કરે છે?”

અવનીએ કહ્યું, “તે દર વખતે પીત્ઝા જ મંગાવે છે અને એક વખતમાં બે કે ત્રણ પિત્ઝા ખાઈ જાય છે.”

રાઘવે પૂછ્યું, “તે કયો પિત્ઝા મંગાવે છે વેજ કે નોનવેજ?”

નિખિલને પોતાની ભૂલ ધ્યાનમાં આવવા લાગી હતી. તેણે આટલી બારીકીથી વિચાર્યું નહોતું.

રાઘવે કહ્યું, “વાંધો નહિ! એક સાથે બે કે ત્રણ પિત્ઝા ખાનારને કાઉન્ટર પર બેસનારો ન ભૂલી શકે તેથી તે માહિતી તો આપણને મળી જશે. તે ઉપરાંત જો તે દર વખતે એક જ જાતનો પિત્ઝા ઓર્ડર કરતો હશે તો આપણું કામ આસાન થઇ જશે, કારણ દર વખતે તે ડોમિનોઝમાં નહિ જતો હોય તે હોમ ડિલિવરીથી પણ મંગાવતો હશે.”

અવનીએ વિચાર્યું કે બોચિયો લાગતો આ રાઘવ છે તો પહોંચેલી માયા. રાઘવે અવનીને ચર્ચગેટની આસપાસના વિસ્તારના ડોમિનોઝની યાદી બનાવવા કહ્યું.


ક્રમશઃ