થશરનું રહસ્ય - ૧ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થશરનું રહસ્ય - ૧

ભાગ ૧

સમયગાળો : વર્તમાન

સ્થળ : મુંબઈ
  
               બપોરનો સમય હતો . મુંબઈની ભેજવાળી ગરમીમાં પરસેવે લથબથ લોકો અહીંતહીં દોડી રહ્યા હતા. સમય સવારનો હોય, બપોરનો કે સાંજનો મુંબઈ કોઈ દિવસ શાંત નથી થતું. તે જ સમયે ચર્ચગેટના ડોમીનોઝના કોલેજીઅન લગતા બે યુવાનો અને એક યુવતી પિત્ઝાની સાથે એ. સી. ની ઠંડક માણી રહ્યા હતા. અંદર બધા ટેબલ ફૂલ હતા. જેમના ગજવાં ગરમ હતાં તે અંદરની ઠંડક માણી રહ્યા હતા અને જેમના ખિસ્સા ઠંડા હતા તે બહાર થોડે દૂર ઠંડા પીણાંથી પોતાને ઠંડા કરી રહ્યા હતા.

ત્રણેય પિત્ઝાનો આનંદ માનવાની સાથે જ એકબીજાના સહવાસનો આનંદ માણી રહ્યા હોય તેમ વચ્ચે વચ્ચે હાસ્યની છોળો ઉછળી રહી હતી. નિખિલ , પરાગ અને અવની તેમનાં નામ હતા. નિખિલે લાલ રંગનું ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરેલું હતું અને પગમાં સ્પોર્ટશૂઝ. અડધી બાંયના ટીશર્ટની બહાર ઉભરી આવેલા તેના મસલ્સ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યા હતા. પરાગે હમેશની જેમ બ્લુ જીન્સ અને ફૂલ બાયનું સફેદ શર્ટ પહેરેલું હતું જે આજકાલના યુવાનોનો ફેવરેટ પહેરવેશ છે. જયારે અવનીએ બ્લુ રંગનું ટોપ અને બ્લેક જીન્સ પહેરેલું હતું અને આછા મેકઅપમાં તેનું રૂપ ઓર નિખરી રહ્યું હતું. તેમનો વાતચીતનો દોર ચાલુ હતો પણ નિખિલ વચ્ચે વચ્ચે એક આધેડ તરફ નજર નાખતો જે ખૂણાના એક ટેબલ પર બેસીને પિત્ઝા ખાઈ રહ્યો હતો.
                તેને હજી એક વ્યક્તિ તાકી રહ્યો હતો, તે હતો કાઉન્ટર પર બેસેલો ત્યાંનો કર્મચારી અને તે માટે તેની પાસે સબળ કારણ હતું, આ તે આધેડનો ત્રીજો પિત્ઝા હતો. સામાન્ય રીતે એક પિત્ઝા બે કે ત્રણ વ્યક્તિ માટે પૂરતો હોય છે પણ તે આધેડ બે પિત્ઝા પોતાના પેટમાં ઓરી ગયો હતો. આધેડે ત્રીજો પિત્ઝા પૂરો કર્યો અને એક ઓડકાર ખાઈને ડોમિનોઝની બહાર નીકળ્યો. નિખિલે ઈશારો કર્યો એટલે ત્રણેય જણ તેની પાછળ નીકળ્યા. તે આધેડ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. નિખિલ , અવની અને પરાગ તેનાથી થોડા જ પાછળ હતા અને તેમની મજાક મસ્તી શરુ હતી, તેમને જોઈને કોઈ ન કહી શકે કે તેઓ કોઈનો પીછો કરી રહ્યા છે. તેઓ કોઈ કોલેજના સ્ટુડન્ટ જેવા લાગી રહ્યા હતા જે કોલેજ બંક કરીને બહાર ફરવા નીકળ્યા હોય. થોડે દૂર સુધી ગયા પછી અચાનક તે આધેડે પોતાની સ્પીડ વધારી જાણે તે સમજી ગયો હોય કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે અને ચાર રસ્તા પર તે ઝડપથી વળી ગયો.જયારે ત્રિકુટ ત્યાં પહોંચ્યું તે આધેડ ગાયબ હતો.
                નિખિલે પોતાની હથેળી પર મુક્કો માર્યો અને કહ્યું, “ઓહ શીટ! ફરી છટકી ગયો. સાલો બહુ અફ્લાતુની છે, પાંચમી વાર છટકી ગયો!”

અવનીએ કહ્યું, “કોઈ વાંધો નહિ કાલે જોઈશું.”

પરાગે કહ્યું, “શું કાલે જોઈશું? પાછલા એક મહિનાથી તેને શોધીયે છીએ તેમાં માંડ ચાર પાંચ વાર હાથમાં લાગ્યો અને દર વખતે હાથતાળી આપીને છટકી જાય છે. આવતીકાલે તે કયા રૂપમાં હશે અને કયા એરિયામાં હશે કોને ખબર? મેં તમને કહ્યું હતું કે ડોમીનોઝમાં જ ઝડપી લો પણ તમે માન્યા નહિ.”

નિખિલે કહ્યું, “તને ખબર છે સરે ના પાડી છે, પબ્લિક પ્લેસમાં હંગામો કરવાની અને તેને પકડીને શું કહેત? આપણે કોણ છીએ? અને તેને શું કામ પકડીએ છીએ?”

પરાગે કહ્યું, “કેવી નોકરી છે આપણી પાવર ખરી પણ ગુપ્ત, પોસ્ટ ખરી પણ ગુપ્ત સાલું! આપણા કરતા તો સિક્રેટ એજન્ટ વધારે ખુલીને કામ કરે છે. છેલ્લા એક મહિનાથી તેને આપણે શોધીયે છીએ, નજરે ચડે છે અને છટકી જાય છે. તેના વિષે કલુ છે, તેને ડોમિનોઝના પિત્ઝા ભાવે છે અને સાલો રોજ નવા રૂપમાં આવે છે. હમણાં જો આપણી બાજુમાંથી નીકળી જાય તો પણ આપણને ખબર ન પડે.”

નિખિલે થોડા કડક અવાજમાં કહ્યું, “તને કેટલી વાર કહ્યું છે કે આ બધી ચર્ચા પબ્લિક પ્લેસમાં નહિ કરવાની. ચાલ, હવે ઓફિસે.”

પરાગે પોતાના ખભા ઉલાળ્યા અને કહ્યું, “એઝ યુ સે સર!”

અવની હસી પડી અને સાથે નિખિલ પણ અને ત્રણેય જણા એક ટેક્સી પકડીને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત પોતાની ઓફિસમાં ગયા.
              ત્રણેય જણા જયારે ઓફિસમાં દાખલ થયા ત્યારે એક ટેબલ પર બેસેલા શ્રીધરે તેમની તરફ જોયું અને કહ્યું, “ક્યા લાયે હો ઠાકુર?”

નિખિલે પોતાનું માથું નકારમાં હલાવ્યું એટલે શ્રીધરે આગળ કહ્યું, “ક્યા સોચ કે ખાલી હાથ આયે હો, તુમ્હે ક્યા લગા સરદાર ખુસ હોગા સાબાસી દેગા! ગબ્બર કા નામ પુરા મિટ્ટીમેં મિલાઇ દીયે.”

અવનીએ કહ્યું, “એ ફિલ્મી કબૂતર, તારી ચાંચ બંદ કર, અમારે ઘણું કામ છે. હજી રિપોર્ટ બનાવવાનો છે.”

બધાં હસી પડ્યા. બધાંમાં શ્રીધર પુરી રીતે ફિલ્મી હતો તેને વાતવાતમાં ફિલ્મી ડાયલોગ મારવાનો શોખ હતો તે કપડાં પણ ફિલ્મી જ પહેરતો. અત્યારે પણ તેણે અક્ષયકુમાર જેવું લીલું જીન્સ અને ઉપર પીળા રંગનો શર્ટ પહેરેલો હતો. તેણે પોતાનું ધ્યાન પી. સી. માં પરોવ્યું અને તેમાં કામ કરવા લાગ્યો. બહાર ઈન્વેસમેન્ટ કંપનીનું બોર્ડ મારેલું હતું અને જો કોઈ ભૂલું ભટક્યું તેમની પાસે આવી જાય તો તેમને ભગાડી દેવાની જવાબદારી શ્રીધરની હોતી, જે તે બખૂબી નિભાવતો. તે પોતાના ફિલ્મી ડાયોલગથી આવેલા ક્લાયન્ટને એવો પકાવતો કે તે એમને એમ જ જતો રહેતો, કારણ આમેય આ ચારેય ઇન્વેસ્ટમેન્ટ કંપની નહોતા ચલાવતા. તે તો ફક્ત ઉપરી આવરણ હતું.
              પરાગની નારાજગી હજી દૂર નહોતી થઇ. તેણે ફ્રીજમાંથી એક ઠંડા પીણાંની બોટલ કાઢી અને તે પોતાને ઠંડો કરવા લાગ્યો.અંદરની કેબિનમાં બેસીને અવનીએ લેપટોપમાં રિપોર્ટ ટાઈપ કર્યો અને પછી તેને કોડ લેંગ્વેજમાં કન્વર્ટ કરીને મેઈલ કર્યો. મેઈલ કર્યાના અડધા કલાક પછી નિખિલના ફોન પર કોલ આવ્યો જે તેણે સ્પીકર મોડ પર મુક્યો અને વારા ફરતી ત્રણેય જણાએ વાત કરી પછી તેમને સામેથી અમુક ઇન્સ્ટ્રક્શન મળી જે તેમણે પોતાની ડાયરીમાં ટપકાવી. હવે તેમને ઇંતેજાર હતો ચાર દિવસ પછી આવનાર પાર્સલનો જે મળ્યા પછી તેમનું કામ આસાન થવાનું હતું. છતાં તેમને ખબર હતી કે ચાર દિવસ સુધી હાથ પર હાથ મૂકીને બેસી રહેવાનું ન હતું, તેમણે ઘણી બધી સ્ટડી કરવાની હતી.

ક્રમશઃ