ભાગ ૭
સ્થળ : મુંબઈ
બધા વિસ્ફારિત નેત્રે તે એલિયનની વાત સાંભળી રહ્યા હતા, તે જ વખતે ઓફિસની બહાર ધમાકો થયો અને ઓફિસમાં અંધારું થઇ ગયું. જયારે લાઈટ આવી ત્યારે સામેની ખુરસી ખાલી હતી અને ખુરસીમાં બંધાયેલો એલિયન રફુચક્કર થઇ ગયો હતો.
નિખિલના ચેહરા પર નિરાશા ફરી વળી તેણે રાઘવ તરફ ફરીને કહ્યું, “હાથમાં આવેલો સબૂત નીકળી ગયો" પણ રાઘવનો ચેહરો નિર્લેપ હતો તેના ચેહરા પર કોઈ જાતના હાવભાવ ન હતા.
રાઘવે કહ્યું, “હવે તે આપણા માટે વધુ મહત્વનો નથી, તેના પેપર્સ આપણી પાસે છે અને તેણે જે જુબાની આપી તેનો રિપોર્ટ બનાવીને નીલકંઠ સરને મોકલીએ પછી જોઈએ તે શું કહે છે."
નિખિલને તેના અવાજમાં રહેલી ઠંડક ગમી નહિ.
તેણે કહ્યું, “તને ખબર છે કેટલું જબરદસ્ત રહસ્ય આપણા હાથમાં આવ્યું છે, આપણે પહેલીવાર કોઈ પરગ્રહવાસીને મળ્યા અને તેમના વચ્ચે યુદ્ધ થયું તે વિષે જાણ્યું. તેને પકડીને જો નીલકંઠ સરને સોંપ્યો હોત તો તેમણે હજી બીજી વાતો જાણી હોત."
રાઘવે કહ્યું, “તેણે જે કહેવાનું હતું તે આપણને કહી ચુક્યો હતો. તે ધ્યાન આપ્યું હશે તો તે એક જ વાત રિપીટ કરી રહ્યો હતો. આપણા માટે તેની જુબાની કરતા મહત્વના ફોટા છે જેમાં તેમણે સર્કલ બનાવેલા છે. હવે આપણું કામ પૂરું થયું છે આપણે રિપોર્ટ બનાવીએ."
એટલામાં પરાગ અને શ્રીધર હાંફતા હાંફતા અંદર આવ્યા અને કહ્યું ફરી પાછો છટકી ગયો.
પી સી પર બેસેલા નિખિલે પરાગને કહ્યું, “સામેના સી.સી. ટીવીના ફૂટેજ કાઢ જેમાં તેની જુબાની રેકોર્ડ છે."
પરાગ સર્વર રૂમના પી. સી. તરફ ગયો અને નિખિલ અને રાઘવ રિપોર્ટ બનાવવા લાગ્યા.
શ્રીધરે ફિલ્મી અદામાં કહ્યું, “ઉસકો પકડના મુશ્કિલ હી નહિ નામુમકીન હૈ."
તેનો ડાયલોગ સાંભળીને રાઘવ મનોમન હસી રહ્યો હતો. તે વોશરૂમમાં જવા ઉઠ્યો અને ત્યાં જઈને પોતાનો મોબાઈલ કાઢ્યો અને નકશામાં સરકતા બિંદુ પર નજર કરી.
સ્થળ : પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ
પ્રધાનમંત્રીશ્રીએ ટીવી ઑફ કર્યું અને સામે મુકાયેલી ફાઈલ અને તેમના ફોટા જોયા. તેમણે ચશ્મા કાઢીને ભાવવિભોર થયેલી પોતાની આંખો લૂછી. તેમણે ચશ્મા ફરીથી ચઢાવ્યા અને નીલકંઠ તરફ નજર કરી.
તેમણે કહ્યું, “ હું કેટલો ભાગ્યશાળી છું કે મને આ મોકો મળ્યો અને હું કહીશ કે એલિયનોનો ઈરાદો ગમે તે હોય પણ આ કાર્ય માટે હું તેમનો ઉપકાર માનીશ."
નીલકંઠે કહ્યું, “આપની વાત સાચી છે, પણ તેમના ઈરાદા નેક નથી તે ફોટોમાંના સર્કલો દ્વારા દેખાઈ આવે છે, તે ઉપરાંત એક આંધળી દોડ શરુ થઇ છે અને તે કેટલાનો ભોગ લેશે ખબર નહિ!"
પ્રધાનમંત્રીશ્રીએ પ્રશ્નાર્થક નજરે તેની સામે જોયું એટલે નીલકંઠે કહ્યું, “સ્વિટ્ઝર્લેન્ડમાં એક એલિયનનો મૃતદેહ મળ્યો છે, જે સોરારીસ ગ્રહનો નિવાસી હતો, તે ઉપરાંત રશિયાનો એક જાસૂસ મુંબઈમાં જોવા મળ્યો છે."
પ્રધાનમંત્રીશ્રીએ પોતાના ધીરગંભીર અવાજમાં કહ્યું, “આપ પહેલા માહિતી કરી લો કે એલિયનોના ઈરાદા શું છે? અને આ ફોટોમાંના કરેલા સર્કલોના વિશ્લેષણ માટે આપ હરિદ્વારમાં રહેતા પંડિત બંસીલાલ શુક્લાની મદદ લઇ શકો છો. તેમને વેદ પુરાણો અને ઇતિહાસનું ગહન જ્ઞાન છે,તે ઉપરાંત તેઓ પુરાતત્વખાતા સાથે પણ જોડાયેલા છે અને રશિયન જાસૂસ અહીં શું કરી રહ્યો છે તે વિષે હું રશિયન સરકાર પાસેથી માહિતી લઉં છું. આ બધામાં એક વાતનું ધ્યાન રાખજો કે આ ફોટા ક્યાંય લીક ન થાય. આ ફાઈલને ટોપસિક્રેટ વર્ગીકૃત કરીને મૂકી દો અને આપની ટીમને કહો કે આ વાતો જાહેર ન થાય. સાચા સમયે આપણે દેશ સામે મુકીશું અને મારી જયારે પણ જરૂર પડે ત્યારે મને બેઝીઝક કૉલ કરજો."
સ્થળ : મુંબઈ
તાજની એક રૂમમાં બેસેલો એલેક્સ પોતાના લેપટોપમાં કામ કરી રહ્યો હતો, તે વખતે તેના દરવાજે ટકોરા પડ્યા. એલેક્સ સતર્ક થઇ ગયો કારણ તે ભારતમાં આવી ગયો છે તેની માહિતી સ્થાનીય એજન્ટને પણ નહોતી આપી. તેણે દરવાજા પાસે લાગેલી સ્ક્રીનમાં જોયું કે વેઈટર છે એટલે તેને હાશ થઇ અને તેણે દરવાજો ઉઘાડ્યો. વેઈટરે અંદર જઈને ચાની ટ્રે ટેબલ પર મૂકી. એલેક્સ સોફામાં ગોઠવાયો, વેઈટરે ચા બનાવીને એલેક્સને આપી અને તે દરવાજા તરફ ગયો.
હજી એલેક્સે ચાનો કપ હોઠે લગાડ્યો તેને દરવાજાનો ધડામ દઈને બંધ થવાનો અવાજ આવ્યો. એલેક્સના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું જયારે તે વેઈટરે પોતાનું શરીર એવી રીતે ઉતાર્યું જેવી રીતે કોઈ શરીર ઉપરનો કોટ દૂર કરે. તે સર્જીક હતો.
સર્જીક તેની સામે ઉભો હતો અને પોતાની આંગળીઓના ટચાકા ફોડી રહ્યો હતો. એલેક્સે ચેહરા પર ડરના કોઈ જાતના ભાવ ન લાવતા પૂછ્યું, “કોણ છે તું?"
સર્જીકે કહ્યું, “તો તારા વિષે સાચું જ સાંભળ્યું છે કે તું બહુ બહાદુર છે!"
સર્જીકે આગળ કહ્યું, “હું સોરારીસ ગ્રહનો નિવાસી છું અને એક ખાસ કારણથી અહીં પૃથ્વી પર આવ્યો છું."
એલેક્સે પૂછ્યું, “અને તે ખાસ કારણ શું છે?"
સર્જીકે કહ્યું, “જે કારણથી તું અહીં ભારતમાં આવ્યો છે.”
એલેક્સે સમજી ગયો હોય તેમ માથું હલાવ્યું અને કહ્યું, “મારી પાસે આવવાનું કારણ?"
સર્જીકે કહ્યું, “હું હાથ મિલાવવા આવ્યો છું, મને અર્થહીન સ્પર્ધામાં રસ નથી અને આમેય મારી સ્પર્ધા પૃથ્વીવાસીઓ સાથે નહિ પણ પ્રિડાનીડવાસી સાથે છે, તેથી જો તું મારી સાથે હાથ મિલાવે તો તેમાં ફાયદો તારો છે. મારુ કામ થઇ જાય તે પછી જતી વખતે મારા ગ્રહની ઉન્નત ટેક્નોલોજી તને આપીશ, જેમાં તારો અને તારા દેશનો ફાયદો છે."
એલેક્સના ચેહરા પર ઘણાબધા ભાવ આવીને ગયા. પછી તેણે પૂછ્યું, “બદલામાં મારે શું કરવાનું છે?”
સર્જીકે કહ્યું, “એક પ્રિડાનીડવાસીને શોધવામાં મદદ કરવાની રહેશે અને મને ખબર છે કે તું પણ તેને શોધી રહ્યો છે અને તને મળેલી માહિતી પણ મારા ગ્રહના નિવાસીએ તને આપી હતી."
એલેક્સ ચમકી ગયો તેણે કહ્યું, “એટલે મેટિઓ પણ એલિયન છે?"
સર્જીકે કહ્યું, “હા! તે મારા ગ્રહનો જ હતો પણ મારે તેને મારવો પડ્યો, મારા આ નખમાંથી હજી તેની બદબુ આવી રહી છે. તો મારી સાથે હાથ મિલાવવો છે કે નહિ."
એલેક્સે કહ્યું, “આટલી સારી ઓફર કોણ ઠુકરાવે.” એમ કહીને હસીને તેની સાથે હાથ મિલાવ્યા.
ક્રમશ: