મૃત્યુ પછીનું જીવન - ૨૧ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૨૧

મૃત્યુ પછીનું જીવન—૨૧

રાઘવ યાદ કરતો રહ્યો એ સોનેરી ક્ષણોને, જયારે એનું સાકાર થયેલું સપનું એનાં હાથમાં બેઠેલું હતું. એનાં હાથોને અહેસાસ થયો, કે આ જ ક્ષણોને સુતાં જાગતાં કેટલીય વાર એણે અનુભવી હતી, જે આજે એની પોતાની હતી. એક મિનિટ તો સમજ જ ન પડી કે આ હકીકત છે કે સપનું.. ભૂખ્યા માણસની સામે ભોજનનો થાળ આવી જાય તો શું હાલત થાય...બસ એવી જ કંઈક રાઘવની હાલત હતી. એ નાનપણથી લઈને આજ સુધી એક એક રૂપિયા માટે ખુબ તરસ્યો હતો. એ એની બાને યાદ કરી ખુબ ખુબ રડ્યો.. ‘કાશ તું અહીં મારી પાસે હોત તો ... બાપુ એ વેચેલાં બધાં જ ઘરેણાંઓ તને ફરી ઘડાવી દેત ...કાશ આમાથી એક બિસ્કીટ પણ ત્યારે મારી પાસે પાસે હોત , તો મારી બા અહીં જીવતી ઊભી હોત...

ખરેખર આટલું સોનુ કાફી હતું , અમારા બન્નેની જીંદગી બનાવવાં માટે. મેં નક્કી પણ કરી લીધું હતું કે આમાંથી અડધું સોનું રાશીદને આપી દઈશ અને અડધું હું રાખીશ, એટલે રાશીદનો અને મારો ઝગડો ખતમ થાય ... હવે ડોકને પણ બાય બાય અને આ બધી હેરાફેરીને પણ બાય બાય.. હવે કોઈ સારા ધંધામાં ઇન્વેસ્ટ કરીને આગળની જીંદગી મસ્તીથી સંભાળી લઈશ. કુદરતે આજે સારી તક આપી છે , જે હું જવા નહી દઉં. આજે હું હીનાને બધી જ વાત કરીશ , અને હીના સાથે નવી જીંદગીની શરૂઆત કરીશ. હીનાના મધુર સ્વપ્નાઓમાં ખોવાયેલ હું ત્યાં મારા ઘરમાં, મારી પાટ પર પડી રહ્યો.. એ દિવસે હું બહુ દિવસો પછી ઘરે આવ્યો હતો.. એ રાત મારી જીંદગીમાં ફરી એક વળાંક લઇ આવી હતી.

પણ આ બધામાં સૌથી મહત્વની કડી તો અમે ભુલી જ ગયેલાં, અને એ કડી એટલે હાજી મસ્તાન..અમને બંનેને એમ કે અમને ડોક પર લગાવી બાબા સાહેબ તો અમને ભુલી જ ગયાં , પણ હાજી મસ્તાન એટલે હાજી મસ્તાન ...અમારે માટે માટે આ અમારી સ્ટોરીનો અંત હતો ,ત્યાંથી એમની સ્ટોરીની શરૂઆત થતી. છેલ્લાં ૮ વર્ષમાં જાત જાતનાં માણસો જોયાં, પણ એમનાં જેવા દિલદાર ડોન અમે નહોતાં જોયાં. ક્યાં કોને કઈ રીતે મદદ કરતાં, કોઈને ખબર નહોતી રહેતી. ભલભલાં ડોન એમનાથી ડરતા પણ એટલું જ. અન્ડર વર્લ્ડમાં કોઈની સુલહ કરાવવાની હોય કે કોઈનાં લવાદ બનવાનું હોય..આવા બધાં કામ હાજી મસ્તાનના માથે જ રહેતાં...

અને એવાં અમારા બાબા સાહેબ તે દિવસે સ્વયં મારા નાના ખોબલી જેવાં ઘરમાં આવી ઊભા રહી ગયા...મારી સાથે બેસી ચાહ પીધી અને મને મારા કામ માટે બિરદાવ્યો. મને અને રાશીદને ખબર પણ નહોતી કે અમે બંને પુરા એક વર્ષથી હાજી મસ્તાનની નજર હેઠળ કેદ હતાં અને હાજી મસ્તાન અમને રાત દિવસ ફોલો કરી રહ્યાં હતાં. એ સમયે મને અહેસાસ થયો કે સોનુ સાચવી રાખવાનો મારો નિર્ણય કેટલો સાચો હતો... હાજી મસ્તાને તે દિવસે મને એની ટીમમાં ખાસ સ્થાન આપવાની પ્રપોઝલ મુકી ,પણ મારા મનમાં તો હીના માટેની પ્રપોઝલ ફરી રહી હતી. હવે આ બધાથી દૂર એક નવી જીંદગી વસાવવી હતી. એક તરફ હાજી મસ્તાનને કાલે જવાબ આપવાનું કહી વિદા કર્યા અને બીજી તરફ હીનાનાં ઘર તરફ ફર્યો, આજે વર્ષો પછી જીંદગી ખુશીઓથી છલકાઈ રહી હતી . નાનપણમાં બા રાતા બોરથી મારો હાથ છલકાવી દેતી ’તી , બસ એમ જ ...

બટ...માય ડીયર ડેસ્ટીની.......આહાઆ.... ડેસ્ટીનીએ ફરી બતાવી દીધું કે હું એનો કેટલો ખાસ હતો? ખબર નહી એની ને મારી શું દુશ્મની હતી ? જયારે જયારે મને થાય કે ખુશીને હું બસ પકડી જ લઈશ અને એ મેડમ વચ્ચે આવીને ઉભા રહી જાય ...... એ દિવસે ફરી એક વાર ડેસ્ટીની એ બતાવી દીધું કે અમારા જેવાં મહેનતા કરી જીવનારા સાધારણ માણસોને અહીં ખુશ રહેવાનો અધિકાર નથી.

તે દિવસે હું દોડતો ને ભાગતો હીનાના ઘર તરફ ઉપડ્યો. મારા ને હીનાનાં ઘર વચ્ચે પહેલાં જ સુજ્જુનું ઘર આવતું. મારે સુજ્જુને પણ કહેવું હતું, હવે હું હીનાને કાબેલ છું. કંઇક સારો બિઝનેસ કરીને હું સેટ થઇ જઈશ. હવે હું આ બધા હેરા ફેરીનાં કામ બંધ કરી રહ્યો છું. બસ, હવે તો હું ને હીના ....હીનાને અનેક વાર કહેવાની ઈચ્છા થતી કે તારી સાથે જીંદગી વિતાવવી છે, પણ ક્યાં મોઢે બોલતો આ ડોક પર કામ કરતો સાધારણ માણસ...!

અત્યાર સુધી હિંમત પણ નહોતી અને યોગ્ય સમય પણ નહોતો ...પણ તે દિવસે મેં દ્રઢ નિર્ણય કર્યો હતો, હું મારા હકની ખુશી મેળવીને જ રહીશ. તે દિવસે મસ્ત ખુશનુમા સાંજ હતી, તાજા વરસાદની ભીની ભીની સુગંધ ચોતરફ પ્રસરી રહી હતી. આકાશ પણ કઇંક ભૂરા તો કઇંક નારંગી રંગોથી છવાઈ રહ્યું હતું. મારા અનેક સોનેરી સપનાઓ સોળે કળાએ ખીલીને મને બેચેન બનાવી રહ્યાં હતાં. એ દિવસે મારા ઘરથી હીનાનું ઘર અચાનક આટલું દૂર કેમ લાગી રહ્યું હતું?

અને... અને....સામે સુજ્જુના ઘરની બહાર ...મેં શું જોયું..મને ચક્કર આવી ગયાં ..હું આમતેમ સહારો શોધતાં પાસેનાં થાંભલા પાસે લગભગ બેસી પડ્યો ...હું પડી ભાંગ્યો , મારો ખાસ દોસ્ત સુજ્જુ અને મારી પ્રેમીકા હીના... હા, મારા જીવનનાં બંને આધાર સ્તંભ; બંને લગ્ન કરીને ઘરમાં પ્રવેશી રહ્યાં હતાં , સુજ્જુનાં ઘરમાં ...સુજ્જુની બા એમનું સ્વાગત કરી રહી હતી. સુજ્જુની બા એ મને પણ બોલાવ્યો , મોઢું મીઠું કરવાં...સુજ્જુને હીના મળી હતી અને મને મીઠાઈનો એક ટુકડો ... હું કંઈ જ ન બોલ્યો... મીઠાઈને મુઠ્ઠીમાં જોરથી વાળીને ચૂરેચૂરા કરી દીધાં ...જેમ મારી આંખોની સામે મારા સ્વપ્નોના ચુરેચુરા વિખરાયેલાં પડ્યા હતાં...તે દિવસે મારી અંદર ફરી કંઈ બદલાયું , અને શરીરનો કોઈ ભાગ પથ્થર બની રહ્યો હતો ...કદાચ એ ભાગ મારુ દિલ હતું ...!

હવે મને કોઈ ડર રહ્યો નહોતો , કોઈ સપનાઓ બાકી રહ્યાં નહોતા, કોઈ ખુશી રહી નહોતી , કોઈ લાગણી રહી નહોતી ....કોને માટે? કોણ હતું મારું ? હું બીજે દિવસે સવારે હાજી મસ્તાન પાસે ગયો અને એમનો ખાસ બનવા તૈયાર થઇ ગયો; હવે મારા જીવવા મરવાનો મને કોઈ અફસોસ જ નહોતો... હું મારી જાતને ફના કરવાં તૈયાર હતો અને એટલે જ હાજી મસ્તાન સાથે જોડાઈ ગયો , એક એવી દુનિયામાં ; જે ખરાબ જ છે ,જ્યાં દુનિયા સારી હોવાનો દંભ નથી .

-અમીષા રાવલ
આપ સૌ તરફથી મળતાં અદ્ભુત પ્રતિસાદ બદલ ખુબ ખુબ આભાર ..આપનાં રેટીગ અને રીવ્યુ આપતાં રહો

ALL RIGHTS RESERVED OF THIS BOOK

UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGEL ACTIONS.