પલ પલ દિલ કે પાસ - વૈજયંતી માલા - 48 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - વૈજયંતી માલા - 48

વૈજયંતી માલા

“દેવદાસ” માં ચંદ્રમુખીના રોલ માટે વૈજયંતી માલાને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. વૈજયંતી માલાએ તે એવોર્ડ સ્વીકારવાની ના પાડી દીધી હતી.વૈજયન્તીમાલાએ કહ્યું હતું. “દેવદાસ કે જીવનમેં પારો ઔર ચન્દ્રમુખી દોનો કા સ્થાન એક સા થા. મૈ સપોર્ટીંગ એક્ટ્રેસ કા એવોર્ડ કૈસે લે શકતી હું ?” ફિલ્મફેરના પ્રતિષ્ઠિત એવોર્ડને વૈજયંતી માલા એ એ જમાના માં ખુમારીપૂર્વક રીજેક્ટ કરી દીધો હતો.

યશ ચોપરાએ “દીવાર” માટે નિરુપારોય વાળો રોલ સૌથી પહેલાં વૈજયંતી માલાને ઓફર કર્યો હતી. વૈજયંતી માલાનો જવાબ હતો. “ મૈ લોગો કી નઝરોમેં સિર્ફ હિરોઈન હી રહેના ચાહતી હું. મૈ કેરેક્ટર રોલ કભી નહિ કરુંગી.” પોતાના શબ્દોને આજ સુધી વળગી રહેનાર વૈજયંતી માલા પચાસ અને સાઠના દસકની નંબર વન હિરોઈન હતી.

વૈજયંતી માલાનો જન્મ તા.૧૩/૮/૧૯૩૬ ના રોજ તામીલનાડુના ચેન્નાઈ ખાતે થયો હતો. વૈજયંતીની માતા તમિલ ફિલ્મોની કામયાબ હિરોઈન હતી. મા દીકરી વચ્ચે ઉમરમાં માત્ર સોળ વર્ષનો જ તફાવત હતો. તેર વર્ષની વૈજયંતી માલાને સ્ટેજ પર કથ્થક નૃત્ય કરતી જોઇને એ.વી.રામને તેને તમિલ ફિલ્મ “વઝકાઈ” માં તક આપી હતી. જેની રીમેક એટલે ૧૯૫૧ માં રીલીઝ થયેલી તેની પ્રથમ હિન્દી ફિલ્મ “બહાર”. ત્યાર બાદ તેની બીજી ફિલ્મ આવી “લડકી”. તે દિવસોમાં જ વૈજયંતી માલાએ હિન્દી ભાષા બરોબર શીખી લીધી અને ખુદ ના અવાજમાં જ ડાયલોગ્સ ડબ કરવા લાગી હતી. વૈજયંતી માલા સફળતાની સીડી સડસડાટ ચઢી ગઈ હતી તેવું બિલકુલ નહોતું.૧૯૫૪ સુધીમાં તેની સતત પાંચ ફિલ્મો ફ્લોપ ગઈ હતી. ૧૯૫૪ માં રીલીઝ થયેલી “નાગિન” તેની અતિ સફળ ફિલ્મ હતી. લગભગ છ દાયકા બાદ આજે પણ “નાગીન” ના ગીતો રેડિયો પર સાંભળવા મળે છે. લગ્નના પ્રોગ્રામમાં છોકરીઓ ધ્વારા કરાતો નાગીન ડાન્સ આજે પણ પ્રેક્ષકોની સૌથી વધારે તાળીઓ ઉઘરાવી જાય છે. ત્યાર બાદ રીલીઝ થયેલી અતિ સફળ ફિલ્મ એટલે “દેવદાસ”. દિલીપ કુમાર અને સુચીત્રાસેન સામે અભિનયમાં તેણે બરોબર ટક્કર લીધી હતી.

“દેવદાસ” બાદ દિલીપ કુમાર સાથે વૈજયંતી માલાની જોડીનો એક જમાનો હતો. નયા દૌર, મધુમતી, પૈગામ, ગંગા જમના, લીડર તથા સંઘર્ષ જેવી ફિલ્મો અતિ સફળ ફિલ્મો હતી.. ”ગંગા જમના” માં મદ્રાસની આ અભિનેત્રીએ આબેહુબ ભોજપુરી ભાષા બોલી બતાવીને જીવંત અભિનય કરી બતાવ્યો હતો.”ગંગા જમના” માટે ફિલ્મફેરનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ તે વટ થી લઇ ગઈ હતી. એ વાત તો ખૂબ જાણીતી છે કે “નયા દૌર” નું પાંચ રીલનું શૂટિંગ મધુબાલાને લઈને થઇ ચૂક્યું હતું. મધુબાલાના પિતા આતા ઉલ્લાખાને તેમની લાડકી દીકરીને દિલીપકુમાર સાથે આઉટડોર શૂટિંગમાં જવા માટે પરવાનગી નહોતી આપી. મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.આખરે મધુબાલાની જગ્યાએ વૈજયંતી માલાને લેવામાં આવી હતી. “નયા દૌર” પહેલાં બી.આર.ચોપરાએ વૈજયંતી માલાને લઈને “સાધના” ફિલ્મ બનાવી હતી.હીરો હતો સુનીલ દત્ત. “સાધના” ફિલ્મ ખાસ ચાલી નહોતી પણ વૈજયંતી માલાને બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મ ફેરનો એવોર્ડ અપાવી ગઈ હતી.

તે જમાનામાં હિન્દી સીનેજગત પર દિલીપ, દેવ અને રાજ કપૂરની ત્રિપુટી રાજ કરતી હતી. વૈજયંતી માલાએ દેવ આનંદ સાથે “જ્વેલથીફ” (૧૯૬૭) અને “દુનિયા” (૧૯૬૮) માં અદભૂત અભિનય કર્યો હતો. “જ્વેલથીફ” માં “હોઠો પે ઐસી બાત ..”ગીતમાં વૈજયંતી માલાના નૃત્યનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો હતો અલબત્ત અગાઉ “નાગીન” અને “મધુમતી” ની સફળતામાં તેના નૃત્યોનો સિંહફાળો હતો જ. ૧૯૬૬ માં રીલીઝ થયેલી સુનીલ દત્ત સાથેની તેની ફિલ્મ “આમ્રપાલી” ભલે સફળ ફિલ્મ નહોતી પણ તેમાં વૈજયંતીનો અભિનય ખૂબ વખણાયો હતો.

વૈજયંતી માલાએ કિશોરકુમાર સાથે પાંચેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જેમાં “આશા” અને “નઈ દિલ્લી” નોંધપાત્ર હતી.

રાજ કપૂરે “સંગમ” બનાવવાની શરૂઆત કરી ત્યારે હિરોઈન તરીકે વૈજયંતી માલાને સાઈન કર્યા બાદ સાઈડ હીરોનો રોલ દિલીપ કુમારને ઓફર કર્યો હતો. તેમ કરવાનું એક કારણ એ પણ હતું કે વૈજયંતી સાથે દિલીપ કુમારની ઘણી સફળ ફિલ્મો આવી ચૂકી હતી. દિલીપકુમારે ના પાડતાં આખરે રાજેન્દ્ર કુમારને તે રોલ મળ્યો હતો. “સંગમ” બનતાં ચાર વર્ષ લાગ્યા હતા.વૈજયંતી માલા ટોચની હિરોઈન હતી. તે અગાઉ તેણે એક પણ ફિલ્મમાં અંગ પ્રદર્શન કર્યું નહોતું. “સંગમ” માં સ્વીમ શૂટ પહેરવાથી તેની કરિયરમાં કોઈ ખાસ ફાયદો થવાનો નહોતો. જે ફાયદો થવાનો હતો તે ફિલ્મને જ થવાનો હતો. રાજ કપૂરે વૈજયંતી માલાને “બોલ રાધા બોલ” ગીતના ફિલ્માંકન વખતે સ્વીમ શૂટ પહેરીને કેમેરાનો સામનો કરવા માટે રાજી કરી લીધી હતી. પૌરાણિક કથામાં શ્રી કૃષ્ણ ગોપીઓના વસ્ત્રો ચોરીને ઝાડ પર ચડી ગયા હતા.તે પ્રસંગનો સહારો લઈને રાજ કપૂરે સેન્સર બોર્ડને પણ વૈજયંતીના તે સ્નાન દ્રશ્યો પાસ કરવા માટે રાજી કરી લીધું હતું. આજે ભલે તે દ્રશ્યો સામાન્ય લાગે પણ ૧૯૬૪ માં એ દ્રશ્યો જમાનાથી ઘણા આગળ હતા. “સંગમ” ની સફળતા બાદ રાજેન્દ્ર કુમાર સાથે વૈજયંતી માલાની સૂરજ (૧૯૬૬) સાથી (૧૯૬૮) ગંવાર (૧૯૭૦) રીલીઝ થઇ હતી જોકે તે બંનેની અતિ સફળ ફિલ્મ “ ઝિંદગી ” અગાઉ ૧૯૬૪ માં જ રીલીઝ થઇ ચૂકી હતી.

શમ્મી કપૂર સાથેની વૈજયંતી માલાની ફિલ્મ એટલે “પ્રિન્સ.” “બદન પે સિતારે લપેટે હુએ” ગીતમાં શમ્મીકપૂર સાથે વૈજયંતી માલાએ ઉત્કૃષ્ટ અભિનય કરીને રફી સાહેબના એ ગીતને ચાર ચાંદ લગાવી દીધા હતા.

સમગ્ર કરિયરમાં અઢળક એવોર્ડ મેળવનાર વૈજયંતી માલાનું ૧૯૫૪ માં પદ્મશ્રી તથા ૧૯૯૬ માં લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

સમાપ્ત