પલ પલ દિલ કે પાસ - સુનિલ દત્ત - 46 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - સુનિલ દત્ત - 46

સુનિલ દત્ત

વાત એ દિવસોની છે જયારે રેડિયો સિલોન પર ઇન્ટરવ્યુ આપવા માટે નરગીસજી આવ્યા હતા. ઇન્ટરવ્યુ લેનાર હતા સુનિલ દત્ત. બંનેની આ પ્રથમ મુલાકાત હતી. નરગીસનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ હતું જયારે સુનિલ દત્ત ની તો ઇન્ડસ્ટ્રીમાં હજુ એન્ટ્રી જ નહોતી થઇ. નરગીસની પ્રતિભાથી અંજાઈને સુનિલદત્ત રીતસર નર્વસ થઈ ગયા હતા. કોમ્યુનીકેશનમાં જો નરગીસે એક્સ્ટ્રા સપોર્ટ ન આપ્યો હોત તો તે ઇન્ટરવ્યુ શક્ય જ ના બન્યો હોત. આ શબ્દો છે અમીન સાયાનીના. આ બનાવ પછી લગભગ ત્રણેક વર્ષ બાદ મધર ઇન્ડિયાના સેટ પર સુનિલ દત્ત અને નરગીસ ભેગા થયા હતાં.

સુનિલ દત્ત નું સાચું નામ બલરાજ દત્ત હતું. તેમનો જન્મ ૬ /૬/૧૯૨૯ ના રોજ પંજાબના જેલમ જીલ્લા(હાલ પાકિસ્તાન)માં થયો હતો. બે ભાઈ અને ત્રણ બહેનોના પરિવારમાં સુનિલ દત્તના પિતાનું અવસાન થયું ત્યારે તેમની ઉમર માત્ર પાંચ વર્ષની હતી અને તેમના નાના ભાઈની ઉમર છ માસ જ હતી. તમામ ભાઈ બહેનોને ઉછેરવાની જવાબદારી માતા પર આવી પડી હતી. ભાગલા બાદ સુનિલ દત્ત શરણાર્થીના કેમ્પમાં લખનૌ આવ્યા હતા. કોલેજ કરવા માટે સુનિલદત્ત મુંબઈ આવ્યા હતા. મુંબઈની જયહિન્દ કોલેજમાં ભણવાની સાથે તેમણે “બેસ્ટ “માં માસિક રૂપિયા સો ના પગારથી નોકરીની શરૂઆત કરી હતી. તેમની ડ્યુટીમાં બસનું ડીઝલ ચેક કરવાનું તથા બસમાં અન્ય કોઈ ખરાબી નથી તે જોવાનું આવતું હતું. ગ્રેજ્યુએટ થયા બાદ તેમને રેડિયો સિલોનમાં એનાઉન્સર તરીકે નોકરી મળી હતી. દિલીપકુમાર અને શમ્મી કપૂર જેવા અનેક કલાકારોના તેમણે ઇન્ટરવ્યુ લીધા હતા.

તે દિવસોમાં જ રમેશ સેહગલે સુનિલ દત્તને હીરો તરીકે બ્રેક આપ્યો હતો. ફિલ્મનું નામ હતું “રેલ્વે પ્લેટફોર્મ”. જેનું રફીના અવાજમાં “બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બનજારા” ગીત આજે પણ રેડીયોમાં સાંભળવા મળે છે. જોકે તે ગીતનું ફિલ્માંકન મનમોહન કૃષ્ણ પર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુનિલ દત્તની ત્રણેક ફ્લોપ ફિલ્મો આવી હતી. મધર ઇન્ડિયામાં નરગીસના પુત્રનો જે રોલ દિલીપકુમારે ઠુકરાવ્યો હતો તે જ રોલ સુનિલ દત્તને મળ્યો હતો. મધર ઇન્ડિયા ના શુટિંગ દરમ્યાન જ સુનિલ દત્ત અને નરગીસ નજીક આવ્યા હતા. તે ફિલ્મના શુટિંગ દરમ્યાન જ આકસ્મિક લાગેલી આગમાંથી સુનિલ દત્તે નરગીસને બચાવી હતી અને તે જ આગ બંનેના લગ્નની વેદીમાં રૂપાંતરિત થઇ હતી. લગ્ન બાદ સુનિલ દત્તનું નસીબ પલટાઈ ગયું હતું. સાધના,સુજાતા,ગુમરાહ,મુઝે જીને દો, યે રાસ્તે હૈ પ્યારકે, બેટીબેટે, ખાનદાન, વક્ત, મેરા સાયા , હમરાઝ,મિલન,પડોસન વિ. હીટ ફિલ્મો ની લાઈન લાગી ગઈ હતી. મુઝે જીને દો અને ખાનદાન માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. દરમ્યાનમાં સુનિલ દત્તે માત્ર એક જ પાત્ર વાળી ફિલ્મ “યાદે “ બનાવી હતી જે સુપર ફ્લોપ નીવડી હતી. ૧૯૬૮માં ભારત સરકારે સુનિલ દત્તને પદ્મશ્રીથી નવાજ્યા હતા. ૧૯૬૮માં જ સુનિલ દત્તે “મન કા મિત” ફિલ્મ બનાવી હતી જેમાં નાના ભાઈ સોમ દત્તને લોન્ચ કર્યો હતો. સોમદત્ત તો ના ચાલ્યો પણ વિનોદ ખન્ના અને લીના ચંદાવરકર ચાલી ગયા જે બંનેની પણ તે પ્રથમ ફિલ્મ જ હતી. સુનિલ દત્તે અમિતાભને પણ રેશમા ઔર શેરા માં ચાન્સ આપ્યા હતો જે ફિલ્મ તદ્દન ફ્લોપ નીવડી હતી. ત્યાર બાદનો થોડો સમય તો એવો આવ્યો કે સુનીલદત્ત પાસે બિલકુલ કામ નહોતું. ઉમર ચાલીસને ક્રોસ કરી ગઈ હતી. સુનિલ દત્ત કેરેક્ટર રોલ કરવા માંગતા નહોતા.

તેમણે બીજા હીરોની જેમ કાન પર લાંબા વાળ રાખીને બીજી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. . પ્રાણ જાયે પર વચન ના જાયે ,ગીતા મેરા નામ, નેહલે પે દેહલા,નાગીન, જખમી,જાની દુશ્મન અને શાન તમામ ફિલ્મોમાં તેમણે સારો અભિનય કર્યો હતો.

૧૯૮૦માં નરગીસને કેન્સરે ભરડો લીધો. સુનિલ દત્તે અમેરિકા જઈને તેની સારવાર કરાવી પરંતુ તા. ૩/૫/૧૯૮૧ ના રોજ માત્ર ત્રેપન વર્ષની ઉમરે નરગીસનું નિધન થયું હતું. નરગીસની અંતિમ ઈચ્છા મુજબ તેને દફનાવવામાં આવી હતી. નરગીસના અવસાન બાદ તરત રોકી ફિલ્મ રીલીઝ થઇ હતી જેમાં સુનિલ દત્તે ૨૧ વર્ષના પુત્ર સંજય દત્તને લોન્ચ કર્યો હતો. નરગીસની વિદાયના દર્દને ઘૂંટીને ૧૯૮૨માં સુનિલ દત્તે “દર્દ કા રિશ્તા” બનાવી. અતિ સંવેદનશીલ સ્ટોરી વાળી આ ફિલ્મમાં સુનિલ દત્તની પત્ની રીના રોયનું અવસાન થાય છે. એકની એક દીકરી ખુશ્બુને લ્યુકેમિયા કેન્સર થાય છે. સુનિલ દત્ત ખુશ્બુને સારવાર માટે અમેરિકા લઇ જાય છે. જ્યાં સુનિલ દત્તની લગ્ન પહેલાંની પ્રેમિકા સ્મિતા પાટીલ જ ડોક્ટર હોય છે. સ્મિતા પાટીલ ખુશ્બુની સારવાર કરે છે અને તેના દીકરાના બોન્બેરો ખુશ્બુના શરીરમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. ફિલ્મના અંતમાં રહસ્યસ્ફોટ થાય છે કે તે છોકરાનો બાપ સુનિલ દત્ત જ છે. અતિ સંવેદન શીલ આ ફિલ્મમાં છેલ્લે સ્મિતા પાટીલના મોઢે બોલાયેલો સંવાદ “દર્દ સહા જાતા હૈ.. બાંટા નહિ જાતા “ દર્શકોની આંખ ભીની કરી જાય છે. સુનિલદત્તે તે ફિલ્મની તમામ આવક કેન્સર પીડિતોની સારવાર માટે ડોનેટ કરી દીધી હતી.

૧૯૮૪માં સુનિલ દત્ત રાજકારણમાં સક્રિય થયા હતા. મનમોહનસિંહની સરકારમાં યુથ એફેર એન્ડ સ્પોર્ટ્સના કેબીનેટ મીનીસ્ટર પણ બન્યા હતા. ૧૯૯૫માં ફિલ્મ ફેર દ્વારા સુનિલદત્તને લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. ૨૦૦૩માં તેઓ મુન્નાભાઈ એમબીબીએસ માં સંજય દત્તના પિતાની ભૂમિકામાં દેખાયા હતા.

તા ૨૧/૫/૨૦૦૫ ના રોજ ૭૬ વર્ષની ઉમરે ઊંઘમાં જ સુનીલ દત્તને જીવલેણ હાર્ટએટેક આવી ગયો હતો જેને કારણે તેઓ સવારે ઉઠ્યા જ નહોતા.

***