શાહરૂખ ખાન
એક જમાનામાં જેની પાસે મકાનના ભાડાના પણ પૈસા નહોતા તે શાહરુખ ખાનનો “મન્નત” બંગલો બાંદરાના દરિયાની સામે ત્રીસ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલો છે.માત્ર એટલું જ નહિ પણ મુંબઈના ટોપ ટેન બંગલાઓમાં સ્થાન પામે છે. આ પ્રાઈમ પ્રોપર્ટીની કિંમત અધધધધ ..છે.”મન્નત” બંગલામાં કુરાન પણ છે અને હિંદુ દેવી દેવતાના ફોટા પણ છે. વિશ્વના બીજા નંબરના ધનિક ફિલ્મ સ્ટાર તરીકે શાહરૂખખાન ની ગણના થાય છે.
શાહરૂખ ખાન ખુબ જ સંઘર્ષ કરીને આગળ આવેલો અતિ મહત્વાકાંક્ષી અભિનેતા છે. તે કહે છે “આપ કભી સિલ્વર મેડલ જીતતે નહિ બલકે ગોલ્ડ મેડલ હારતે હૈ “આ એક જ વાક્ય સફળતા પ્રત્યેનો તેનો અભિગમ દર્શાવે છે.
“જબ મુઝે લગતા હૈ કી મુઝમે બહોત જ્યાદા ઘમંડ આ ગયા હૈ તબ મૈ અમરિકા કા ચક્કર કાટ લેતા હું. વહાં એરપોર્ટ પર હી ઈમિગ્રેશન વાલે મેરે દિમાગ મેં ભરી હુઈ હવા નિકાલ દેતે હૈ.” શાહરુખ ખાન.
શાહરૂખ ખાનનો જન્મ તા.૨/૧૧/૧૯૬૫ નાં રોજ ન્યુ દિલ્હી માં થયો હતો.પિતાનું નામ મીર તાજ મોહમદ અને માતાનું નામ લતીફ ફાતિમા.
પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા.વિભાજન પછી પિતા પેશાવરથી દિલ્હી શિફ્ટ થયા હતા.શાહરૂખ ખાનનું બાળપણ દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં વીત્યું હતું.શાહરૂખ ખાન જયારે સાત વર્ષનો હતો ત્યારે પિતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કેન્ટીન ચલાવતા હતા. પિતાની કેન્ટીનને કારણે શાહરુખની અવર જવર નાની ઉમરથી જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં હતી. નાટકનો ચસ્કો પણ તે કારણથી જ તેને લાગ્યો હતો.
શાહરૂખ પંદર વર્ષનો થયો ત્યાં પિતાને કેન્સર ભરખી ગયું હતું તદ્દન મધ્યમ વર્ગમાંથી આવતા શાહરૂખ ખાને સ્કૂલનું શિક્ષણ સેન્ટ કોલમ્બિયા (ન્યુ દિલ્હી) માંથી લીધું હતું.શાહરૂખે ૧૯૮૫ થી ૧૯૮૮ દરમ્યાન હંસરાજ મહાવિદ્યાલયમાંથી ઇકોનોમિકસની ડીગ્રી લીધી હતી.કોલેજના અભ્યાસની સાથે જ તેણે પુષ્કળ સમય દિલ્હી થિએટર ગ્રુપમાં આપ્યો હતો.માસ્ટર ડીગ્રી માટે શાહરૂખે માસ કોમ્યુનીકેશન પર પસંદગી ઉતારીને તેમાં એડમીશન પણ લીધું હતું.પરંતુ અભિનયમાં જ વધારે રસ હોવાથી આખરે તેણે માસ્ટર ડીગ્રી માટે ભણવાનું માંડી વાળ્યું હતું.
શાહરૂખ ખાનની કરિયરની શરૂઆત ટીવીના પડદેથી થઇ હતી. ફૌજી, દિલ દરિયા, સર્કસ વાગલે કી દુનિયા જેવી સીરીયલોથી તે ખાસ્સો જાણીતો થઇ ગયો હતો.વળી તે જમાનામાં માત્ર દૂરદર્શન જ હતું તેથી ટીવીના દર્શકોના જીવનમાં આ બધી સીરીયલો વણાઈ ગઈ હતી.૧૯૮૯ અને ૧૯૯૦ નો સમય ગાળો શાહરુખ ખાન માટે કપરા સંઘર્ષનો હતો. માતાનું અવસાન, મોટી બેનનું ડીપ્રેશનમાં સરી જવું તથા કામની તલાશની સાથે સાથે હિંદુ પંજાબી ફેમીલીમાંથી આવતી ગૌરી સાથે લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા હતી પરંતુ ગૌરીના માતા પિતાનો સખત વિરોધ હતો.જોકે ગૌરીના મામા અને મામીએ ગૌરીના માતા પિતાને સમજાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આખરે હિંદુ વિધિ પ્રમાણે શાહરુખ ખાન અને ગૌરી લગ્નગ્રંથીથી જોડાયા હતા.મુંબઈમાં કામની તલાશમાં રઝળતા શાહરૂખ ખાનને તે દિવસોમાં મકાનનું ભાડું ચુકવવા માટે તેના એક મિત્ર પાસેથી ઉધાર પૈસા લેવા પડયા હતા. શાહરૂખને આજે પણ તે દિવસ બરાબર યાદ છે જયારે તેના ખિસ્સામાં છેલ્લા વીસ રૂપિયા બચ્યા હતા. તે મુંબઈ કાયમ માટે છોડી દેવાનું વિચારતો હતો બરોબર ત્યારે જ તેને હેમામાલીનીની “દિલ આશના હૈ” ઉપરાંત અન્ય ચાર ફિલ્મોની ઓફર મળી હતી.
શાહરૂખ કહે છે “મૈનેએક હી દિન મેં પાંચ ફિલ્મે સાઈન કી થી. સચમુચ મેરે લિયે યે બાત કોઈ ચમત્કાર સે કમ નહિ થી.”
૧૯૯૧ માં શાહરૂખ ખાનની પ્રથમ ફિલ્મ “દીવાના” રીલીઝ થઇ હતી જેમાં તેની સાથે દિવ્યા ભારતી અને રીશી કપૂર હતા. “દીવાના” માટે શાહરૂખ ખાનને ફિલ્મ ફેરનો બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો.૧૯૯૧ માં જ શાહરૂખ ખાનની માતાનું અવસાન થયું હતું.અને તે જ વર્ષે તેના ગૌરી સાથે લગ્ન થયા હતા.૧૯૯૨માં શાહરૂખ ખાનની “ચમત્કાર”, “રાજુ બન ગયા જેન્ટલમેન” અને “દિલ આશના હૈ” રીલીઝ થઇ હતી.૧૯૯૩ માં રીલીઝ થયેલી ફિલ્મ ડર, બાઝીગર અને અંજામ માં શાહરુખ ખાને અદભૂત નેગેટીવ રોલ કરીને દર્શકોને અચંબામાં નાખી દીધા હતા. રજત શર્માના એક સવાલના જવાબમાં શાહરૂખ કહે છે “બહોત લોગોને મુઝે ડરાયા થા કી અબ તુ ગયા કામ સે.અબ તું કભી હીરો નહિ બન પાયેગા તેરી ઈમેજ વિલન કી હો ગઈ હૈ. લેકિન મુઝે પક્કા યકીન થા કી હીરો તો મૈ બનકે હી રહુંગા.”
૧૯૯૫ નું વર્ષ શાહરૂખ ખાન માટે યાદગાર બની રહ્યું. “કરન અર્જુન” ની સફળતા ઉપરાંત તેની ફિલ્મ “દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે” એ બોક્ષ ઓફીસનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.ત્યાર બાદ તો તેની સફળ ફિલ્મોની હારમાળા સર્જાઈ હતી. જેમાં “દિલ તો પાગલ હૈ” “કુછ કુછ હોતા હૈ” બાદશાહ, મહોબત્તે, “કભી ખુશી કભી ગમ,” “દેવદાસ” કલ હો નાં હો, મૈ હું નાં, વીર ઝારા, “સ્વદેશ” “ચક દે ઇન્ડિયા” ઓમ શાંતિ ઓમ ,“રબ ને બના દી જોડી” “ડોન” “ચેન્નાઈ એક્સપ્રેસ” “હેપ્પી ન્યુ યર” તથા “રઈશ’ નો સમાવેશ થાય છે.
કિંગખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન મોશન ફિલ્મ નિર્માતા કંપની રેડ ચીલી એન્ટરટેનમેન્ટનો સહાધ્યક્ષ તથા આઇપીએલ ક્રિકેટ ટીમનો માલિક પણ છે.
***