પલ પલ દિલ કે પાસ - રાજકુમાર - 40 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - રાજકુમાર - 40

રાજકુમાર

વાત ૧૯૯૬ ની સાલની છે.એક પત્રકારે જયારે રાજ કુમારને તેની બીમારી વિષે પૂછયું ત્યારે રાજ કુમારે તેની આગવી અદામાં રૂઆબ સાથે જવાબ આપ્યો હતો..”રાજ કુમાર કો હોગા તો કેન્સર હી હોગા ના ? કોઈ સર્દી ઝુકામ થોડા હી હોગા ?”

પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સર્વિસ દરમ્યાન તાલીમ પામેલું કસરતી શરીર અને કડક ચહેરાના માલિક રાજકુમારે સ્વપ્નમાં પણ ફિલ્મોમાં કામ કરવાનું નહોતું વિચાર્યું. પોતાની શરતોએ જ કામ કરનાર આ અભિનેતાનો ઉર્દૂ પર ગજબનો પ્રભાવ હતો.આઠ તારીખે રાજ કુમારની જન્મજયંતી છે. રાજકુમારનો દબદબો “હમરાઝ” માં જોરદાર હતો. જે અભિનેતાના ઈન્ટરવલ સુધી માત્ર સફેદ શૂઝ જ દર્શાવાવમાં આવે છતાં પ્રેક્ષકો તેના શૂઝ જોઇને પણ ગેલમાં આવી જાય અને તેની એન્ટ્રીની આતુરતાપૂર્વક રાહ જુએ એ જ તો રાજ કુમારની સાચી સફળતા હતી.

રાજકુમારનો જન્મ તા. ૮/૧૦/૧૯૨૬ ના રોજ બલુચિસ્તાન (હાલ પાકિસ્તાન) માં થયો હતો. રાજકુમારનું મૂળ નામ હતું કુલભૂષણ પંડિત. કુલભુષણે અંગ્રેજી વિષય સાથે બી એ.ની ડીગ્રી મેળવી હતી. મુંબઈ આવ્યા બાદ તેની ઈચ્છા ઓક્ષફર્ડમાં જઈને માસ્ટર ડીગ્રી મેળવવાની હતી પણ અચાનક થયેલા પિતાના અવસાનને કારણે એ પ્લાન પડતો મુકવો પડયો હતો.૧૯૫૨ માં કુલભૂષણને પોલીસ સબ ઇન્સ્પેકટરની નોકરી મળી ગઈ હતી. અભ્યાસમાં તેજ હોવાને કારણે તેનો સિલેકશનની પરીક્ષામાં સમગ્ર મહારાષ્ટ્રમાં બીજો રેન્ક આવ્યો હતો. કુલભૂષણની પર્સનાલીટીથી પ્રભાવિત થયેલા નજ્મ નકવી એકદિવસ કે બી લાલ અને હસરત લખનવીને સાથે લઈને તેને મળવા માટે માહિમ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.”આપ ફિલ્મ મેં કામ કરોગે ?” ના જવાબમાં પોલીસ ની વર્દી માં સજ્જ કુલભૂષણે કહ્યું હતું “અગર આપ બોલ રહે હો તો જરૂર કર લેંગે” બસ તે દિવસથી માસિક ૯૦૦ રૂપિયાના પગાર સાથે કુલભુષણ પંડિતની “રાજકુમાર” બનવાની સફરની શરુઆત થઇ હતી. પ્રથમ ફિલ્મ હતી “રંગીલી”. હિરોઈન હતી રેહાના. સાથી કલાકારો હતા યાકુબ અને મુમતાઝઅલી (મેહમૂદના પિતા). “રંગીલી” સફળ ફિલ્મ હતી.

ત્યાર બાદ ચારેક વર્ષ સુધી રાજકુમારની ફ્લોપ ફિલ્મો આવતી રહી જેમાં આબશાર, ઘમંડ, લાખો મે એક જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રાજકુમારના નસીબ આડેનું પાંદડું ખસ્યું છેક ૧૯૫૭ માં રીલીઝ થેલી ફિલ્મ “મધર ઇન્ડિયા” થી. દિલીપકુમારે રીજેક્ટ કરેલો રોલ રાજકુમારની ઝોળીમાં આવી પડયો હતો.નરગીસના લાચાર અને અપંગ પતિની ભૂમિકામાં રાજકુમારને દર્શકોની સહાનુભૂતિ જીતવામાં સફળતા મળી હતી. ત્યારબાદ ૧૯૫૯ માં આવેલી સફળ ફિલ્મ એટલે “ઉજાલા”. દર્શકોએ રાજકુમારને નેગેટીવ રોલમાં સારો આવકાર આપ્યો હતો.તે જ વર્ષે દિલીપકુમાર સાથે રીલીઝ થયેલી ફિલ્મ “પૈગામ” થી રાજ કુમારનું સ્થાન વધારે મજબૂત બની ગયું હતું. મીનાકુમારી સાથે “દિલ અપના ઔર પ્રીત પરાઈ” અને “દિલ એક મંદિર” અતિ સફળ ફિલ્મો હતી. ૧૯૬૫ માં રીલીઝ થયેલી “વક્ત” આમ તો મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. રાજકુમારનો વટ એક સોફીસ્તીકેટેડ ચોરના રોલમાં જોવા મળ્યો હતો. ‘વક્ત’ માં એકથી એક ચડિયાતા સંવાદો પોતાની આગવી અદામાં બોલીને રાજકુમારે પ્રેક્ષકોની તમામ તાળીઓ ઉઘરાવી લીધી હતી. “ રાજાકે ગમ કો કિરાયે કે રોને વાલો કી જરૂરત નહી પડેગી... ચિનોઇ શેઠ” જે સ્ટાઈલમાં રાજકુમાર બોલે છે તે ફિલ્મ રસિકોને આજે પણ યાદ છે.”મેરે હૂઝૂર”માં જે ઠાઠથી રાજ કુમાર બોલે છે “ લખનૌમેં એસી કૌનસી ફિરદોશ હૈ જિસે હમ નહિ જાનતે” ત્યારે સિનેમાઘરમાં બેઠેલા દર્શકોને પણ શેર લોહી ચડી જતું. “નઈ રોશની” માં રાજકુમાર એક દીકરાની વ્યથા રજૂ કરતી વખતે કહે છે..”પૂછો,મેરે પૈદા હોને કે કિતની દેર બાદ મેરી મા ક્લબમેં તાશ ખેલને ચલી ગઈ થી.?” બોલતી વખતે રાજકુમારે એક દીકરાની મા પ્રત્યેની નારાજગી અદભૂત રીતે રજુ કરી હતી. એવી જ રીતે “કાજલ” અને “પાકીઝા” રાજકુમારની મીનાકુમારી સાથેની સફળ રંગીન ફિલ્મો હતી. “નીલ કમલ”નો અતૃપ્ત પ્રેમી હોય કે “હીર રાંઝા” ના કાવ્યાત્મક સંવાદો બોલતો રાજકુમાર હોય દરેક પાત્રોને રાજ કુમારે પરદા પર જીવંત કરી બતાવ્યા હતા. ચેતનઆનંદ અને રાજ કુમાર સારા મિત્રો હતા.ચેતન આનંદની “હીર રાંઝા” ઉપરાંત “હિન્દુસ્તાન કી કસમ” તથા “કુદરત” માં રાજ કુમારનો અભિનય એકદમ વાસ્તવિક હતો. “કુદરત” પુનર્જન્મ પર આધારિત ફિલ્મ હતી જેમાં રાજકુમારનો નેગેટીવ રોલ હતો.

હેમામાલિની પર રેપ કરીને તેનું ખૂન કરનાર રાજ કુમાર બિન્દાસ્ત જીવન જીવી રહ્યો હોય છે તેના થોડા વર્ષો બાદ હેમા માલિની રાજેશ ખન્ના સાથે બીજો જન્મ ધારણ કરીને પરત આવે છે. જકડી રાખે તેવો કોર્ટડ્રામા અને અંતમાં રાજકુમાર ગુનેગાર સાબિત થાય છે તેવી વાર્તા વાળી “કુદરત” સફળ ફિલ્મ હતી. “કર્મયોગી” માં રાજકુમારનો ડબલ રોલ હતો.

જોકે આ બધી રાજ કુમારની પ્રથમ ઈનીંગની વાતો છે. ઉમર વધતાં રાજકુમારે સાઝીશ, જંગબાઝ,સુર્યા જેવી ફિલ્મો પણ કરી હતી.એ તમામ ફિલ્મોમાં પ્રેક્ષકો તાળીઓ પાડે તેવા ડાયલોગ રાજકુમાર માટે ખાસ લખાતા ગયા.(સ્ક્રિપ્ટમાં જરૂર ના હોય તો પણ) પરિણામે “વક્ત” જેવો રાજ કુમારનો એ નેચરલ કરિશ્મા ફરીથી ક્યારેય જોવા મળ્યો નહોતો. ૧૯૯૧ માં સુભાષ ઘાઈએ “સૌદાગર” માં દિલીપ કુમાર અને રાજ કુમાર બંનેને ફરીથી એક વાર ભેગા કર્યા હતા.(અગાઉ પૈગામ માં બને સાથે આવી ચૂક્યા હતા). તે દિવસોમાં જ રાજકુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું “હમ અકેલે આયે હૈ ઔર ઉપર ભી અકેલે હી જાયેંગે કિસીકો પતા ભી નહિ ચલેગા”. તે વાતના પાંચ વર્ષ બાદ ૧૯૯૬ માં રાજ કુમારનું કેન્સરને કારણે નિધન થયું હતું. રાજકુમારની અંતિમઈચ્છા મુજબ અવસાનની વાત અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. ચૌથાના દિવસે દીકરા પુરુએ રાજકુમારના અવસાનની ઘટનાને સમર્થન આપ્યું હતું.

સમાપ્ત