ભાગ-૨૬
(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમે હોસ્પિટલનું નિર્માણ કરવાનું વિચાર્યું ને એ કામ આગળ વધ્યું, પણ હવે વ્યોમ સામે અલગ પરિસ્થિતિ નિર્માણ થઈ. એને ફરી ઘરે જવાનો સમય આવી ગયો, હવે આગળ....)
વ્યોમ પ્રમોદભાઈને કઈ કહે ત્યાં વ્રતી આવી ગઈ. વ્રતી ને પ્રમોદભાઈ વાતો કરતા હતા. વ્યોમ ચુપચાપ ત્યાં ઉભો રહ્યો. પ્રમોદભાઈ બોલ્યા,
"વ્રતી દીકરી તારી સાધના આખરે ફળી ખરી. આ તારો ને વિરલનો જ વિચાર છે જે સાકાર પામી રહ્યો છે. તને ખૂબ ખૂબ અભિનંદન દીકરા. તારા થકી જ મને મારા વ્યોમનું આ સ્વરૂપ મળ્યું. હું તારું ઋણ ક્યારેય નહીં ભૂલી શકું...."
વ્રતી ગદગદિત થતા બોલી,
"કાકા ! આ તમે શું બોલી રહ્યા છે, હવે તો હું તમારી ને વ્યોમજીની ઋણી થઈ ગઈ છું. હું આવું ક્યારેય ન કરી શકત. તમારા થકી તો આજે મને લાગ્યું વિરલનું સ્વપ્ન નહિ વિરલ ખુદ જીવંત થયો છે. તમારા પ્રયત્નો થકી જ આ શક્ય બન્યું છે. તમને જ વિચાર આવ્યો હતો વ્યોમજીને અહીં મોકલવાનો ને જુઓ એક વિચારે કેવડો મોટો ચમત્કાર સર્જી દીધો છે.."
વ્રતી વ્યોમને સંબોધતા બોલી,
"વ્યોમજી હવે તો તમે ફરી જઈ શકો છો. આખરે પ્રમોદકાકા જે ઈચ્છતા હતા એ તો થઈ ગયું. નવી સફર તમારી રાહ જોઈ રહી છે. એક નવું ભવિષ્ય તમે નિર્માણ કરી શકશો. તમારા અદ્ભૂત વિચારો સાથે તમે કેટલા લોકોનું કલ્યાણ કરી શકશો.."
વ્રતી સાચું કહી રહી હતી. અહીંનું કામ તો હવે થઈ ગયું હતું. હવે વ્યોમે પોતાનો વિચાર કરવાની જરૂર હતી. વ્યોમે પણ વિચાર્યું કે બધાની વાત તો બરાબર છે. પહેલા તો ડીગ્રી પૂર્ણ કરી લઉં. પછી આગળ શું કરવું એ વિચારીશ.
બીજે દિવસે વ્યોમ પોતાનો સામાન પેક કરવા લાગ્યો. આજે એને ગામ, આ જગ્યા, દવાખાનું બધું છોડવાનું હતું. વ્યોમને ખબર નહિ પણ ક્યાંય કશું ગમતું ન હતું. અહીંથી જવા માટે એ ધમપછાડા કરતો ને આજે એ દિવસ આવી ગયો તો એને કેમ અંદરથી આનંદ નથી થતો ? એ શુ ઈચ્છે છે એને પોતાને જ ખબર નહતી પડતી. અંદર કઈક ખૂટતું હોય એવું કેમ લાગે છે ?
ધીમે ધીમે ગામમાં વાત ફેલાવા લાગી કે ડૉકટર સાહેબ ગામ છોડી જઈ રહ્યા છે. આજે ભૂત બંગલા પાસે ગામ લોકોની ભીડ જામવા લાગી. જે જગ્યાએ આમ કોઈને જવામાં ઉત્સાહ ન થતો આજે બધા દોડી દોડીને એકઠા થયા હતા. વ્યોમ સામાન લઈ બહાર નીકળ્યો. કાળું સૌપ્રથમ આગળ આવ્યો એ તો વ્યોમને ભેટી પડી બસ રડવા જ લાગ્યો,
"હું જ અભાગીયો સુ. અટલી તો બધાય મને મૂકીને વયા જાય સે. પેલા મારી મા ગઈ ની હવી તું. તે તો કયું હતું કે તું મારો પાકો દોસ્તાર સે તો હવી તું કેમ વયો જાય સે.."
નમાયા છોકરાનો કલ્પાંત જોઈ ત્યાં ઉભેલા બધા લોકોની આંખો ભીની થઇ ગઇ. સૃજનભાઈ પણ આગળ આવી બોલ્યા,
"વ્યોમ દીકરા અમે તને મજબુર તો ન કરી શકીએ પણ તે બધામાં નવી આશા જગાવી છે, વિરલના ગયા પછી બધા નિરાશ થઈ ગયા હતા તે આવી બધામાં નવું જોમ જગાડ્યું છે. ને તારું આ હોસ્પિટલનું સતકર્મ જોઈને તો તું બધા માટે ભગવાન થઈ ગયો છે. જરૂરી ન હોય તો અહીં જ રહી જા બેટા..."
વ્રતી હવે આગળ આવી ને બોલી,
"આપણે આપણા સ્વાર્થ માટે કોઈને રોકી તો ન શકીએ ને ! ડૉકટર સાહેબે આપણા માટે અપેક્ષાથી પણ વધુ કર્યું છે. હવે એમને એમના રસ્તે પણ આગળ વધવા દેવું જોઈએ. હજુ તો વ્યોમજી શિખાઉ ડૉકટર છે, જ્યારે મોટા સાહેબ બની જશે ત્યારે એ આપણને મળવા આવશે, કેમ ખરું ને વ્યોમજી ! "
વ્રતી હોઠ પર સ્મિત લાવતા બોલી. કોઈના જવાનું દુઃખ વ્રતીથી વધુ કોણ સમજી શકે છતાં વ્રતી બધાને સમજાવતી હતી. એ સ્ત્રીના શબ્દોમાં સરસ્વતી વસતી હતી. વ્રતી બોલે એટલે બધાએ હામી ભરવી જ પડે. તે છતાં આજે લોકો માનવા તૈયાર ન હતા. વયોવૃદ્ધ લોકો પણ વ્યોમને પગે પડી મનાવતા હતા. વ્યોમ પણ આજે એકદમ રડમસ થઈ ગયો હતો. હાથ જોડી બધાની માફી માંગતો હતો. પ્રમોદભાઈ પણ બધાને સમજાવતા હતા કે વ્યોમનું ભણતર પૂરું થવું ખૂબ જરૂરી છે. ડીગ્રી વગર એનું બધું જ કામ અપૂર્ણ ગણાશે. એકવખત ડીગ્રી મેળવી લીધા પછી ફરી ક્યાં અહીં નથી અવાતું. આવા અનેક વચનો આપી વ્યોમ બધાને રડતા મૂકી શહેર તરફ રવાના થયો.....
કુમુદ તો આજે હરખઘેલી થઈ ગઈ હતી. કાલે જ સમાચાર મળી ગયા હતા કે વ્યોમ ફરી આવી રહ્યો છે. એનો લાડકવાયો આવે ને કુમુદ એને ભાવતી રસોઈ ન બનાવે તો જ નવાઈ. કુમુદ સવારથી જ રસોડામાં હતી. બત્રીસ ભાતના ભોજન સજાવ્યા હતા એના વ્યોમ માટે.
આખરે ગાડી દરવાજે ઉભી રહી. હરખઘેલી થતી કુમુદ તો રીતસરની દોડી ગઈ. હાથમાં પૂજાની થાળી લઈને એ તો ઉંબર વચ્ચે ઉભી. ગાડીનો દરવાજો ઉઘડયો. અંદરથી પ્રમોદભાઈ ઉતર્યા. કુમુદ રાહ જોઈને ઉભી કે હમણાં વ્યોમ ઉતરશે, પણ ! વ્યોમ પ્રમોદભાઈ સાથે ન હતો......
(વ્યોમ ક્યાં ગયો હશે ? કેમ ન આવ્યો ? વધુ વાત આવતા ભાગમાં...)
© હિના દાસા