મહેકતા થોર.. - ૨૭ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

મહેકતા થોર.. - ૨૭

ભાગ-૨૭

(આગળના ભાગમાં આપણે જોયું કે હોસ્પિટલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે, વ્યોમ ફરી ઘરે જવા નીકળે છે ત્યારે ગામ આખું ભાવુક થઈ જાય છે, કુમુદ રાહ જોતી આવે છે ,પણ વ્યોમ દેખાતો નથી, હવે આગળ......)

કુમુદ હાથમાં આરતીની થાળી લઈ ઉભી પણ વ્યોમ ન દેખાયો એટલે પ્રમોદભાઈને પૂછવા લાગી,

"વ્યોમ ક્યાં છે ? પાછળ આવે છે ?"

પ્રમોદભાઈ બોલ્યા,

"એ નહિ આવે...."

કુમુદ તો આ સાંભળી અચરજમાં પડી ગઈ. એ બોલી...,

"અરે પણ ! એ આજે આવવાનો તો હતો. તમે જ સમાચાર મોકલ્યા હતા, ને પાછું વળી શું થયું ?"

પ્રમોદભાઈ બોલ્યા,

"શું થયું એની તો મનેય ખબર નથી. અમે રસ્તામાં આવતા હતા. વ્યોમ ગાડીમાં બેસી પણ ગયો હતો. ગાડી ગામની બહાર નીકળી ગઈ ને ખબર નહિ એને શું યાદ આવ્યો, અધવચ્ચે જ ગાડી અટકાવી મને કહે, પપ્પા હું આજે નહીં આવું તમે જાઓ એક કામ બાકી રહી ગયું હજુ એ પૂરું કરીને હું આવીશ. બસ આટલું કહી એ તો પાછો સોનગઢ તરફ ચાલતો થઈ ગયો. મેંય પછી કઈ પૂછ્યું નહિ. કે હશે કઈક કામ, ને આમ ઓચિંતો ગયો એટલે કોઈ મહત્વનું જ કામ હોવું જોઈએ. આવી જશે એની રીતે તું બહુ ચિંતા ન કર...."

કુમુદ થોડી નિરાશ થઈ. પણ વ્યોમને એ બરાબર ઓળખતી હતી. હાથમાં લીધેલું કામ પૂરું ન કરે ત્યાં સુધી એને ચેન ન પડે. માટે વ્યોમને ફરી લાવવો વ્યર્થ છે. કામ પૂરું કર્યા સિવાય એ આવવાનો તો નથી જ. કુમુદ મનને મનાવતી રસોડા તરફ ચાલી નીકળી.

આ તરફ વ્યોમને ખબર નહિ શું થયું પ્રમોદભાઈની ગાડી જેવી દેખાતી બંધ થઈ એણે તરત જ શહેરનો રસ્તો પકડ્યો. શહેરમાં જઈ કોઈને પણ જાણ કર્યા વગર વ્યોમ પોતાનું કામ પતાવી બીજા દિવસે પાછો સોનગઢ આવ્યો.

સીધો સૃજનકાકા પાસે ગયો. જઈને એમની સાથે વાત કરી ને બંને વ્રતી પાસે આવ્યા. વ્રતી તો વ્યોમને અહીં જોઈ કઈ કેટલાય તર્ક વિતર્ક કરવા લાગી અંતે કઈ પણ શાતા ન વળતા સીધો જ વ્યોમને પ્રશ્ન કર્યો,

"અરે ! તમે તો કાલે નીકળી ગયા હતા ને, ફરી પાછા કેમ આવ્યા? બધું બરાબર તો છે ને ? કોલેજવાળાએ ના પાડી કે બીજું કંઈ થયું ? "

વ્યોમ શાંત ચિત્તે ઉભો રહ્યો. એ ને સૃજનભાઈ બેઠા. સૃજનભાઈએ વાતની શરૂઆત કરી.

"વ્રતી બેટા, હવે આ ગામનો ઉદ્ધાર થઈ ગયો છે. એટલે વ્યોમે મને એક સુંદર વિચાર આપ્યો. જો તું હામી ભરે તો હું તને કહું."

વ્રતી બોલી,

"હા.... હા.... બોલોને કાકા. તમે કહો ને હું ન માનું એમ તો કેમ બને, અહીં તો તમે જ છો જે મારા આધાર બન્યા છો..."

સૃજનભાઈ બોલ્યા,

"જો વ્રતી બેટા, આ ગામ માટે જે તે ભેખ ધરી હતી એ કામ હવે સાર્થક થયું છે, કદાચ આ ગામની વ્યક્તિ હોત તો એ પણ આટલું ન કરી શકી હોત જેટલું તે કર્યું. વિરલના ગયા પછી તે બમણી મહેનતથી બધું પાર પાડ્યું. ભલે વ્યોમ નિમિત્ત બન્યો પણ રાહ ચીંધનાર તો તું જ ને, પણ હવે અમારો વારો છે. તારા ઋણમાંથી છૂટવાનો, દીકરી હું તારા બાપ તુલ્ય છું, તો આ બાપની એક ઈચ્છા પૂર્ણ કરી લે, દીકરી તું લગ્ન કરી લે......"

વ્રતી તો જાણે શૉક લાગ્યો હોય એમ ઉભી થઇ ગઇ. એ ગુસ્સામાં બોલી,

"કાકા તમને ખબર છે તમે આ શું બોલી રહ્યા છો, વિરલ સિવાય હું કોઈ વિશે આમ વિચારી પણ ન શકું, ને મારે ક્યાં કોઈની જરૂર છે, વિરલની યાદો ને એને ચીંધેલી રાહ સાથે હું જીવન વિતાવી શકું છું. મારે કોઈ સાથ કે સહારાની જરૂર નથી. તમને અચાનક આ વિચાર કેમ આવ્યો..."

વ્યોમ તરફ જોતા એ બોલી...

"ડોકટર સાહેબનો જ પ્રસ્તાવ લાગે આ. તમારી પાસેથી આવી આશા ન હતી, મિસ્ટર વ્યોમ. તમેં આ વિચાર કરી કેમ શકો. તમારા ઈરાદાઓ આવા હશે એનો મને જો થોડો પણ અણસાર આવી ગયો હોત તો હું તમને આ ગામમાં રહેવા પણ ન દેત. આ માટે જ તમે શું આ બધું કાર્ય કર્યું. થું છે તમારા વિચારોને, તમે મારી સાથે લગ્ન કરવાનું વિચારી પણ કઈ રીતે શકો. અફસોસ મેં તમને તે દિવસે જ માફ કરી દીધા, આમ પણ એક હત્યારા પાસે બીજી આશા પણ શું રાખી શકાય, તમારું આ બધું કરવું એ ઢોંગ હતો, આટલો દંભી કોઈ માણસ કઈ રીતે હોઈ શકે, મને તમારો ચહેરો બતાવતા નહિ, હું તમારા જેવા માણસને જોવા પણ નથી માંગતી. નીકળી જાઓ મારા ઘરમાંથી, ને આ ગામમાંથી, તમે આ ગામમાં રહેવાને પણ લાયક નથી........"

વ્યોમ કઈક બોલવા જતો હતો ત્યાં તો એના ગાલ પર એક તમાચો પડી ગયો, વ્રતી હવે કઈ પણ સાંભળવા કે સમજવાની હાલતમાં ન હતી. એ બોલી,

"મારી ભૂલ હતી કે મને લાગ્યું કે તમે સુધરી જશો, તમે ક્યારેય ન સુધરી શકો, માસૂમ ચહેરા પાછળ તમે કેટલો વિકાર છુપાવેલો છે, નીકળી જાઓ અહીંથી નહિતર હું ખબર નહિ શુ નું શુ કરી બેસીશ..."

વ્યોમ કઈ બોલ્યો નહિ, સૃજનભાઈ બોલવા જતા હતા પણ એને પણ અટકાવી વ્રતી બોલી...

"કાકા, તમે પણ આમનો સાથ આપવા આવ્યા, તમારી પાસેથી તો આવી આશા ન હતી, તમેં એટલો તો વિચાર કર્યો હોત કે વિરલનું મૃત્યુનું કારણ જે છે એની સાથે હું આવું વિચારી પણ કઈ રીતે શકું......."

સૃજનભાઈને અટકાવતા વ્યોમે ઈશારો કર્યો કે અત્યારે નહિ, બંને ઉભા થઇ બહાર નીકળી ગયા, આ બાજુ વ્રતીના ડુસકા હજુ સંભળાતા હતા.....

વધુ વાત આવતા ભાગમાં....

© હિના દાસા