મહેકતા થોર.. - ૨૫ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેકતા થોર.. - ૨૫

ભાગ-૨૫

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. બધી વ્યવસ્થા પ્રમોદભાઈ કરે છે. ડૉકટર આયુષ બધું મોનીટરીંગ કરે છે. હવે આગળ.....)

ડૉકટર આયુષ કે. વર્મા... એક હોશિયાર, બાહોશ ને સફળ ડૉકટર. ને એમની સફળતાનો શ્રેય જાય છે પ્રમોદભાઈના શિરે. મેડિકલ કોલેજમાં એડમિશન લેવા આવ્યો ત્યારે આયુષ પાસે લાચારી સિવાય કંઈ ન હતું. ભણવામાં ખૂબ જ હોશિયાર પણ પુસ્તકો લેવાના પણ પૈસા એની પાસે ન હતા. એડમિશન તો હોશિયાર હતો એટલે મળી ગયું પણ હવે આગળની વ્યવસ્થા કેમ કરીને કરવી, એમ વિચારી રહેલા કોલેજના દરવાજા પાસે બેઠેલા આ છોકરાની આંખો પ્રમોદભાઈ સાથે મળી. ગાડી દરવાજા પાસે ઉભી રહી ગઈ. આયુષની લાચારી પામી ગયેલા આ માણસે તકલીફ પૂછી ત્યારે આયુષથી રીતસરનું રડી પડાયું. ઘડીનો પણ વિલંબ કર્યા વગર જોઈતી બધી મદદ કરવાનું વચન આપી પ્રમોદભાઈ રવાના થયા. પછીના વર્ષોમાં આયુષનું સર્જન સુધીનું ભણતર પ્રમોદભાઇએ પૂરું કરાવ્યું. વિદેશમાં જઈ ટ્રેઇનિંગ પણ લઈ આવ્યો. ઘણી દવાઓની પેટર્ન એની ટીમે રિસર્ચ દ્વારા તૈયાર પણ કરી ને મામુલી ભાવે દર્દીઓ સુધી પહોંચાડી પણ ખરી. આ આયુષ વર્મા હવે કઈ રીતે પ્રમોદભાઈને કઈ ના પાડી શકે..

હોંશે હોંશે વ્યોમ સમગ્ર કાર્યક્રમ પર દેખરેખ રાખી રહ્યો હતો. વ્રતી ડૉકટર આયુષને જોઈતી મદદ કરી રહી હતી. સ્ટેજ પરથી મોટી હોસ્પિટલની જાહેરાત પણ થઈ ચૂકી હતી. સાંજ થતામાં તો બધું થાળે પણ પડી ગયું હતું. હવે પ્રશ્ન હતો હોસ્પિટલના નિર્માણનો. દર્દીઓને આજીવન મફત સારવાર મળી રહે એ માટે ઘણું ભંડોળ ભેગું કરવું પડે. પ્રમોદભાઈ એકથી આ શક્ય ન હતું. હોસ્પિટલનું બાંધકામ એ કરાવી આપશે એવી જાહેરાત તો કરી પણ આટલેથી પૂરતું ન હતું. હજુ પણ ઘણી આર્થિક મદદની જરૂર હતી. બધા થોડી મુંઝવણમાં હતા, દાતાઓની કમી ન હતી પ્રમોદભાઈના ગ્રુપમાં પણ એ બધાને કહેવા જતા ઘણો સમય નીકળી જાય એમ હતો. ડૉ. આયુષે પ્રમોદભાઈ પાસે એક વાત મૂકી,

"અંકલ, હું આમાં કઈક મદદ કરી શકું એમ છું. મેં અને મારી ટીમે એક મેડિસિન બનાવી છે જો એની પેટર્ન હું વેચી દઉં તો આ હોસ્પિટલનો ખર્ચો નીકળી જાય એમ છે, ઘણી કમ્પનીઓ આ પેટર્ન લેવા તૈયાર થઈ છે. મને કોઈ વાંધો નથી આમ પણ એ દવા મેં દર્દીઓ માટે નિઃશુલ્ક આપવાનું જ નક્કી કર્યું હતું, પણ મારી ટીમને આ માટે મારે પૂછવું પડે જો એ હા પાડે તો હું એ દવાની પેટર્ન વેચીને મળે એ ભંડોળ અહીં આપી દઉં....."

પ્રમોદભાઈ, વ્રતી, વ્યોમ બધા તો એકદમ હરખાઈ ગયા. જો આમ થાય તો મોટાભાગની મુંઝવણનો હલ નીકળી જાય. એક વખત હોસ્પિટલ ચાલુ થઈ જાય તો પછી તો પહોંચી વળાય. દુનિયામાં દાતારોની કઈ કમી નથી. બસ શરૂઆત જ અઘરી છે. ડૉ. આયુષે પોતાની ટીમ સામેં આ વાત રજૂ કરી. કોઈને કોઈ જ વાંધો ન હતો બધાએ પોતાની સહમતી બતાવી. જહા ચાહ વહા રાહ એ ન્યાયે રસ્તો આગળ મળતો ગયો ને કામ સરળ થતું ગયું. હવે તો બસ કામ ચાલુ કરવા પૂરતી વાર હતી....

ધૃતી ને નિશાંત વ્યોમ પાસે બેઠા હતા. એ બંને તો વ્યોમને જોઈ અવાચક જ બની ગયા હતા. આ એ જ વ્યોમ છે કે જે ખુદ સિવાય કોઈ વિશે ક્યારેય વિચારતો જ નહતો ને એના થકી આજે આટલા બધા લોકો આટલી મોટી જહેમત ઉઠાવી રહ્યા છે. ધૃતી બોલી,

"વાહ રે! વ્યોમ તું તો છવાઈ ગયો. ને સુધરી પણ ગયો. એક વર્ષ થવા આવ્યું તું અહીં આવ્યો એને. હવે તો તું મોટી હોસ્પિટલ ખોલીશ, તો એમાં હું જ કામ કરીશ. પણ તારે મને સેલેરી આપવો પડશે હો....."

નિશાંત પણ બોલ્યો,

"હા વ્યોમ હું પણ તારી અંડરમાં જ કામ કરીશ, તારું મેનેજમેન્ટ આજે જોવાઇ ગયું બોસ, કેટલું વિશાળ વિચારી શકે છે તું. હવે ક્યારે આવે છે બોલ, તારૂ એક વર્ષ પૂરું થઈ જશે હમણાં, ફરી આપણી કોલેજ જોઈન કરી ને ત્યાં જ આવી જા, તારા વગર નહિ ફાવતું યાર..."

વ્યોમ કશું બોલ્યો નહિ, પણ વિચારતો તો થઈ જ ગયો. કારણ કે હવે એને ફરીથી પોતાની કોલેજ, પોતાને ઘરે, પોતાના શહેરમાં જવાનો સમય ખૂબ નજીક આવી રહ્યો હતો. જે સમયની એ રાહ જોયા કરતો એ સમય હવે નજીક આવી રહ્યો હતો. હવે તો પ્રમોદભાઈ પણ વ્યોમને પાછા આવવા માટે ના પાડી શકે એમ ન હતા. ઉલટાનું એ ને કુમુદ બંને ઇચ્છતા હતા કે એમનો દીકરો ફરી એમની પાસે આવી જાય. જે હૃદય પરિવર્તન એ ઇચ્છતા હતા એ તો હવે થઈ ગયું હતું. હવે વ્યોમને આ અભાવગ્રસ્ત જગ્યાએ રહેવાનો કોઈ મતલબ ન હતો.

ધૃતી વ્યોમને હલાવતા બોલી,
"ક્યાં ખોવાઈ ગયો. હવે તો તારી ઈચ્છા પણ પુરી થઈ ગઈ. બધું ઓકે પણ થઈ ગયું. હવે તો તું બસ ફરી આવવાની તૈયારી કર. તને ખબર આપણી કોલેજના બધા સ્ટુડન્ટસ તને મળવા ઉત્સુક છે. પહેલા જે ઇચ્છતા હતા કે તું જાય તો સારું એ હવે તને ફરી કોલેજમાં જોવા માંગે છે. આમ પણ હજુ એક વર્ષ પૂર્ણ કરશું પછી જ ડીગ્રી હાથમાં આવશે. ત્યાં સુધી તો આપણે અધૂરા ડૉકટર જ ગણાઈશું..."

પરિસ્થિતિએ વ્યોમને વિચારતો કરી મુક્યો હતો. એક કામનો તો એણે શુભારંભ કરાવી દીધો હતો. પણ હવે આગળ શું ? આ પ્રશ્નએ એને મુંઝવી દીધો હતો. વ્યોમને કશી ગમ પડતી ન હતી. પોતાના વિચારો ખંખેરી એ પ્રમોદભાઈ પાસે ગયો. આખો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો હતો. પ્રમોદભાઈ બોલ્યા,

"વ્યોમ, આજે હું બહુ ખુશ છું. તું તો મારા કરતાં પણ એક સ્ટેપ આગળ નીકળ્યો. આપણા વતનનું ઋણ તે તો ચૂકવી દીધું દીકરા. હું તો સ્વપ્નેય ન વિચારી શકું એવું કામ તે કર્યું. હું ઇચ્છતો હતો એના કરતાં પણ વધુ તું સમજદાર બની ગયો. તે દિવસે તે ઘરે આવીને તારો વિચાર રજૂ કર્યો ત્યારે હું ને તારી મા તો ખૂબ હરખાયા હતા. તારી મા કહેતી હતી કે મારા દીકરાનો વનવાસ હવે પૂરો કરાવો, મારા દીકરાને ફરી ઘરે લઈ આવો. હાલ દીકરા હવે આપણે સાથે જ જઈશું. અહીંનું બધું કામ હવે પૂરું કરાવવાની જવાબદારી મારી. હું બધી વ્યવસ્થા કરી દઈશ. તું તારું ભણવાનું પૂરું કર. ને તારું સ્વપ્ન પણ. હવે હું તને ક્યારેય નહીં રોકુ....."

શું વ્યોમ પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પાછો ફરશે ? વધુ વાત આવતા ભાગમાં.....

© હિના દાસા