મેઘ મલય Chetan Thakrar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મેઘ મલય

"કેમ ગ્રુપ લેફ્ટ કર્યું ?"

" ઓહ હાઈ, જય શ્રી કૃષ્ણ, બસ એમ જ."

"જય શ્રી કૃષ્ણ, એમ જ ના હોઈ, આટલા વર્ષો પછી સોશિયલ મીડિયા ને લીધે બધા એકજ જગ્યા પર ભેગા થઇ શકયા અને તું આમ લેફ્ટ થા એ મગજ માં નથી બેસતું "

"સોરી, પણ અત્યારે હું કામ માં છું, તો પછી વાત કરીએ"

આટલું કહીને મલય ઑફ્લાઈન થઇ ગયો અને વિચારો ના વંટોળ માં ફસાઈ ગયો, ગ્રુપમાંથી કોઈ નહિ અને મેઘાએ જ કેમ મેસેજ કરી ને પૂછ્યું હશે ? આટલા વર્ષો સાથે ભણ્યાં પણ કોઈ દિવસ વાતચીત પણ નહોતી કરી એકબીજા સાથે, અને આટલાં વર્ષો માં કોણ ક્યાં હતું એ પણ ખબર નહોતી, પણ આ વ્હાટ્સએપ એ બધા સ્કૂલ ફ્રેન્ડ્સને ફરીથી સાથે જોડી દીધા. મલય એની સાથે ભણતા બધાજ મિત્રો કરતાં ખૂબ પાછળ હતો, હજું સુધી એ સફળ તો શું સ્થિર પણ થઇ શક્યો નહોતો, એટલે એણે જયારે ગ્રુપમાં જોયું કે બધાજ ક્યાં ના ક્યાં પહોંચી ગ્યાં છે અને એ હજુ સુધી સફળતાની સીડી ચડવાની તો દૂર ની વાત પણ દર્શન પણ કરી શક્યો નહોતો. એટલે એ થોડી શરમ અને લઘુતાગ્રંથિ અનુભવતો હતો, એને લીધે ગ્રુપમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો, પણ બીજું કોઈ નહિ અને મેઘાએ પૂછ્યું પણ એ એને કહી ના શક્યો.

પણ મેઘા એમ મલય નો પીછો છોડવા માંગતી નહોતી. એણે બીજે દિવસે મલયને ઓનલાઇન જોઈને ફરીથી મેસેજ કર્યો.

"હાઈ "

"ઓહ હાઈ, કેમ છો?"

"ફોર્માલિટીઝ ના કર, પહેલા મારી વાતનો જવાબ આપ "

"શું કહું? તમને સાચું કહી નહિ શકું અને ખોટું બોલવાની આદત નથી."

"તો સાચું કહી દે, મને સાચું સાચવવાની સારી આદત છે. અને આ શું તમને તમને માંડ્યું છે? આપણે સરખી ઉંમરના છીએ, અને સાથે ભણ્યાં છીએ, 'તુ' કહીશ તો ચાલશે અને ગમશે."

"ઓકે, મને થોડો સમય આપો, આટલું જલ્દીથી ખુલીને યા ખીલીને વાત નહિ કરી શકું."

"ઓકે, હું રાહ જોઇશ તારા મેસેજ ની."

******

રોજ આમ થોડી થોડી વાતો કરીને મેઘા અને મલય એકબીજાના સારા એવા મિત્રો બની ગયા, અને મલયે ગ્રુપ કેમ છોડ્યું એ પણ કહ્યું અને વાતો નો દૌર ચાલતો રહ્યો.

"મલય, એક વાત પૂછું?"

"હાં "

"સ્કૂલ માં બધા મારાં વિશે શું બોલતા અને વિચારતાં ?"

"અઘરો સવાલ પૂછી લીધો હો.."

"મને ખબર છે કે આ સવાલનો જવાબ તારા સિવાય કોઈ સાચો નહિ આપી શકે, એટલે તને પૂછ્યું."

"તમને ખબર જ છે કે આખી સ્કૂલમાં, કોઈ એવું નહિ હોઈ કે જેને તમારા માટે ક્રશ નહિ હોય, પણ કોઈ ની હિમ્મત નહોતી કે તમને પ્રપોઝ કરી શકે, બધા કહેતા કે કેટલી સુંદર છે, સિમ્પલ છે, વગેરે વગેરે..... બધા પોતપોતાના સંસ્કાર મુજબ તમારાં વિશે બોલતા."

"હા હા હા હા હા.... અને તું?"

"એજ કે આપડા કોઈ ના હાથમાં નહિ આવે."

"અને એ સાચું પડ્યું, પણ તારાં જેટલી હિમ્મત કોઈએ આવું કહેવાની કરી નથી."

"ગ્રુપ છોડવાનું એક કારણ આ પણ હતું, મને દંભ ના આવડે, અને આ પણ તમે પૂછ્યું એટલે કહ્યું."

"મેં એટલે જ તને પૂછ્યું, હતું જ કે તું સાચું જ કહીશ. ચાલ, તું મને એ કહે કે કેમ તું હજુ એકલો છો?"

"કારણકે મેં પ્રેમ કર્યો તો, એની સજા કાપું છું."

"ઓહ, હું આશા રાખું કે એ હું નહિ હોવ, હા હા હા હા"

"ના ના , તમે એટલા કિસ્મત વાળા પણ નથી"

"હા, એ મને ખબર છે."

*****

"મલય, મેં તારાં બ્લોગમાં એક વાક્ય વાંચ્યું તું, " જિંદગીના 95% પ્રોબ્લેમ રૂપિયાથી સોલ્વ થઇ જાય છે."

"હા, હું આ વાત વર્ષો થી બધાને કહું છે, અને સાથે એ પણ કહું છું કે પૈસા પાસે એવું કોઈ દુઃખ નથી જેનો રૂપિયા વડે ઈલાજ ના થઇ શકે. પણ આ વાત આજે અચાનક કેમ યાદ આવી ?"

"વાહ, તું તો ફિલોસોફર પણ છો, મલય તને નથી લાગતું કે તું ખોટા ફિલ્ડમાં છો ? મેં તારો બ્લોગ વાંચ્યો, તારી સાથે વાતચીત માં પણ જાણ્યું કે તું સારું એવું લખી શકે છે, પછી ચાહે એ વાર્તા હોઈ, લેખ હોઈ, કવિતા હોઈ કે શાયરી હોઈ, તો તું એ ફિલ્ડમાં આગળ વધ ને, મેં ક્યાંક વાંચ્યું તું કે તમારો શોખ જે સફળતા અપાવી શકે એવી સફળતા બીજું કોઈ ના અપાવી શકે."

"હા, હું માનું છું એ વાતમાં, પણ તમે ફરીથી વાંચી લ્યો એ વાક્ય જે વાંચી ને તમે મને અત્યારે મેસેજ કર્યો."

"ફિલોસોફર ની સાથે હાજર જવાબી પણ છો, ગમ્યું. મેં તને એટલે જ મેસેજ કર્યો, મને પણ તારી એ વાતમાં તથ્ય દેખાય છે, અને મારી આજુબાજુ માં એવું બનતા પણ જોવ છું. હું જયારે ઇન્ડિયા આવું છું, ત્યારે બધા બહુંજ પ્રેમ થી બોલાવે, જે લોકો પહેલા બોલાવતા પણ નહોતા એ લોકો પણ હવે ઘરે જમવાનું આમંત્રણ આપે છે, પ્રસંગોમાં બીજા કરતા મારુ અને સાહેબનું અને અમારી 'માયા' નું બહુ સાચવે અને સગવડતા પણ વધુ આપે, મારી બહેન જે ઇન્ડિયા માં જ સાસરે છે એના કરતાં અમને વધુ માં સન્માન આપે, ત્યારે ત્યારે મને તારું એ વાક્ય બહુજ યાદ આવે. લોકો માટે શું પૈસોજ મહત્વનો હોય ? "

"હાં , આજના સમાજમાં લોકો એકબીજાને રૂપિયા ના ત્રાજવે જ તોલે છે, રૂપિયો એક સમાંતર ધર્મ જ બની ગયો છે એમ કહીયે તો પણ ખોટું નથી. અને જે સુખ આપે છે અથવા સુખ આપતી પરિસ્થિતિનું નિર્માણ કરે છે તે ધર્મ છે. આ ધર્મનું મૂળ સંપત્તિમાં છે, જો સંપત્તિ ના હોય તો ધર્મનો કોઈ અર્થ સરતો નથી. "

"તને આવું બધું સુજે છે ક્યાંથી?"

"અનુભવ, જિંદગી રોજ નવા નવા અનુભવ કરાવે છે, હું તો બસ કોઈને કહી ના શકું એટલે બ્લોગ પર લખી મનને હળવું કરીને ફરીથી નવી આશા સાથે (એ જાણવાં છતાં કે માણસ માટે આશાથી મોટી બીજી કોઈ સજા આ દુનિયા માં નથી.) મહેનત કરવા લાગુ, પણ એકલી મહેનત થી નથી થતું, કિસ્મત પણ જોઈએ સાથે."

"થઇ જશે, નિરાશ ના થા, દુનિયા માં એવા ઘણા લોકો છે કે જેણે સફળતાનો સ્વાદ 40 વરસ પછી ચાખ્યો હોય , તું ધીરુભાઈ અંબાણીને અને KFC ના સ્થાપકને યાદ કર, મેં તારાં જ બ્લોગ પર આ બધું વાંચ્યું છે અને તું આમ નિરાશાવાદી વાતો ના કર."

"હું નિરાશાવાદી વાતો નથી કરતો, કે નથી નિરાશ થતૉ , બસ જયારે કોઈ આમ સાન્ત્વનના શબ્દો કહે ત્યારે થોડું અજીબ લાગે, સાંત્વનાના શબ્દો ઘણીવાર દુઃખને તાજું કરતાં હોય છે. અને મને મારી ભૂતકાળની ભૂલો યાદ આવી જાય. "

"હું કોઈ મદદ કરી શકું તારી?"

"ના ના, હું એક વાત માં દ્રઢપણે માનું છું કે સંબંધની શાન સાચવવી હોય તો તેને ઉપકારના પડછાયા થી મુક્ત રાખવો. તમે પહેલા એવા વ્યક્તિ છો કે જેણે મને આમ પૂછ્યું હોઈ, અને તમે પૂછ્યું એમાં બધું આવી ગ્યું."

"એમાં ઉપકારની વાતજ ક્યાં આવી ? ચલ , પછી વાત કરીયે, મારે સાહેબના આવવાનો સમય થઇ ગયો."

*****

"મેઘા, એક વાત કરવી છે."

"હાં , બોલને "

"કેમ કહું !!! એ નથી સમજાતું, અને તમે શું સમજશો એ વિચારીને 4 મહિનાથી કહી ન્હોતો શકતો, પણ આજે મારી પાસે કોઈ રસ્તો નહોતો એટલે હિમ્મત કરીને તમને મેસેજ કર્યો."

"કેટલા અને ક્યારે જોઈએ છે? મૂંઝાયા વગર ખુલી ને વાત કર."

"તમને કેમ ખબર પડી!!!?"

"મલય, 3 વરસથી આપણે વાતો કરીયે છીએ, બંને ને એકબીજાંની બધી ખબર છે, તો પણ તું આવા સવાલ કરીશ!!!? ચાલ એ બધું મૂક અને મુદ્દા પર આવ."

"10, અને એ હું તમને હપ્તે હપ્તે આપી દઈશ."

"ફિકર નોટ, કાલે તને મોકલી આપીશ. અને પાછા આપવાની ઉતાવળ ના કરતો કે ટેંશન ના લેતો, તારાથી થાઈ ત્યારે આપજે."

*****

મેઘાએ મોકલેલા રૂપિયાએ મલય ની જિંદગીમાંથી દુઃખોની બાદબાકી કરી અને સુખોનો સરવાળો, અને મલય એક પછી એક સફળતાની સીડીઓ ચડતો ગયો અને એક દિવસ એણે મેઘાને મેસેજ કર્યો.

"મેઘા, મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, મળી જાય એટલે મેસેજ કરી દેજો."

"અરે, બહું ઉતાવળ કરી તે તો, રાખ હજુ જોઈતા હોઈ તો, મારે હમણાં જરૂર નથી."

"ના ના, તમારાં રૂપિયા ફળ્યા મને, કર્જ તો તમારા રૂપિયાથી પૂરું થઇ ગયું તું, અને પછી તમે કહ્યું એમ જોબ ની સાથે શોખ ને પણ સમય આપ્યો અને સફળતા મળતી ગઈ, ટેંશન દૂર થયું તેને લીધે જોબ અને શોખ બંને માં મારુ 100% આપી શક્યો એટલે 2 વર્ષ ના ટૂંકા ગાળા માંજ હું આજે એક સન્માન જનક સ્થાને છું, અને આ બધાનો શ્રેય ફક્ત ને ફક્ત તમને જ છે. જો તમે મને ત્યારે સાથ અને સહકાર ના આપ્યો હોત, પ્રેરણા ના આપી હોત , તો હું અત્યારે હજુ ત્યાં નો ત્યાં જ હોત."

"બસ બસ. બહુ થ્યું , આ બધું તે કહ્યું જ છે જયારે જયારે વાત થઇ ત્યારે, મૂક એ બધું અને મને એ કે હવે તો સ્કૂલના ગ્રુપ માં જોઈન થઈશ ને? "

"હાં "

*****

સમાપ્ત

-ચેતન ઠકરાર
9558767835
www.crthakrar.com