bhram books and stories free download online pdf in Gujarati

ભ્રમ

"આનંદ ને બીજી કોઈ સાથે અફેર છે."

"શું!!!!?" મોઢામાં થી કોફી બહાર આવતા આવતા રહી ગઈ, "શું!!! તારો આનંદ?"

"હા, મારો આનંદ"

"આર યુ સિરિયસ તન્વી?"

"હા, એક દિવસ મેં એને મારી સાથે આવવા કહ્યું, તો કહે કે એને બહું કામ છે, એટલે હું એકલી મોલ માં ચાલી ગઈ, અને ત્યાં એક કોફી શોપમાં મેં એને જોયો એની સાથે બહુંજ ક્લોઝ બેઠો હતો, તને ખબર છે એ કોણ હતી? તૃપ્તિ હતી એ. એ બંને હાથ પકડીને એકબીજાની આંખોમાં જોઈને વાતો કરતા હતાં, મારા કીધે એ જોઈ ના શકાયું એટલે હું ત્યાંથી નીકળી ગઈ. હું શું કરું કિંજલ?

"કહી દે એને કે તને એના અને તૃપ્તિના અફેરની ખબર પડી ગઈ છે."

"હું નથી કરી શકતી યાર, તને આનંદ ના સ્વભાવની નથી ખબર, એ નાની નાની વાતે ગુસ્સે થઇ જાય છે હમણાં, એમાં જો હું આ વાત કરું તો એને એવું લાગશે કે હું એની જાસૂસી કરું છું."

"જાસૂસી!!!, અફેર એણે કર્યું છે, તે નહીં. જો તન્વી, તારે આ વાતનો ખુલાસો એની પાસે માંગવો જ રહ્યો, સબંધો બીક થી નહિ, હિમ્મતથી જોડાય છે. અને હું માનુ છું ત્યાં સુધી પતિ પત્નીમાં ચર્ચા થતી જ હોય છે, ગમા-અણગમાની વાત અને બીજી પણ."

"ચર્ચા !!! એના માટે મારો મત કોઈ પણ બાબતે જરૂરી નથી એવું એ સમજે છે, હું એને કઈ પણ પૂછું કે કોઈ સલાહ આપું તો કહી દે કે તને ના ખબર પડે. ચર્ચા કરવા માટે કે વાત કરવા માટે સવાલ પૂછવો જરૂરી હોય છે, અને એને કોઈ સવાલ પૂછે એ ગમતું નથી તો ચર્ચા નો તો સવાલ જ નથી થતો."

"ઓકે, તો તું આનંદ જોડે આ બાબતમાં વાત ના કરતી. આપણે કૈક એવું કરશું કે જેથી સાપ પણ મરી જાય અને લાકડી પણ ના તૂટે, મને એક દિવસ વિચારવાનો સમય આપ, બધું સારુઁ થઇ જાશે." આટલું કહીને કિંજલે તન્વીને આશ્વાસન આપીને રવાના કરી.

કિંજલ અને તન્વી ખાસ સહેલીઓ હતી, એટલે તન્વીએ પોતાના પતિના અફેરની વાત કિંજલને કરી અને એને આશા હતી કે કિંજલ કંઈક રસ્તો કાઢી આપશે. અને કિંજલે એક આઈડિયા આપ્યો અને તન્વીએ એને અમલમાં મુકવાનું નક્કી કર્યું.

*******

રોજના ક્રમ મુજબ તન્વી ચા બનાવીને આનંદને જગાડવા રૂમમાં આવી, ત્યારે આનંદનો શાંત અને માસૂમ ચહેરો જોઈને એને ભરોસો નહોતો આવતો કે આનંદ નું અફેર બીજે ક્યાંય હોઈ શકે, એક ક્ષણ તો એને થયું કે કિંજલનો પ્લાન અમલમાં ના મુકવો, પરંતુ બીજી ક્ષણે એને આનંદ અને તૃપ્તિ બંને હાથમાં હાથ નાખીને બેઠેલા એ દ્રશ્ય યાદ આવ્યું અને પોતાના મન ને ટપારતી ત્યાંથી ચાલી ગઈ.

રાત્રે આનંદ અને તન્વીને એક ફેમિલી ફ્રેન્ડ ને ત્યાં પાર્ટીમાં જવાનું હોવાથી તન્વી તૈયાર થઇ રહી હતી, ત્યારે આનંદ ત્યાં આવ્યો અને તન્વીને જલ્દી તૈયાર થઇ જવાની સૂચના આપીને રૂમમાંથી નીકળી જાય છે. તન્વી વિચારે છે કે લગન પછી શું બધાજ પુરુષો બદલી જતાં હશે? મનપસંદ પાર્ટનર મળે, તો હર કોઈને પરણવું છે. પણ ભારતમાં તો એ ના મળે, તો ય ઘણાખરા પરણી જતાં હોય છે. પરંતુ તન્વીને તો એનો મનપસંદ પાત્ર જ પતિ તરીકે મળ્યો હતો અને તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે આનંદનો અફેર ક્યાંય થશે.

પાર્ટીમાં બધા જ મૂડમાં હતા, અમુક મિત્રો તો ઘણા સમય પછી એકબીજાને મળતાં હતા, તન્વીની આજુબાજુ પુરુષ મિત્રોનું ટોળું જોઈને આનંદને જલન થતી હતી, અને આમ પણ આજે તન્વી બ્લેક કલરના બેકલેસ બ્લાઉઝ અને રેડ સાડીમાં બેહદ સુંદર લગતી હતી, આમ પણ ફૂલને ગમે કે ના ગમે, પણ ભમરો તો ત્યાં જ ભમે એવું આનંદ માનતો હતો અને જલન ને દૂર કરવા તે શરાબ વધુ પી રહ્યો હતો. પણ તન્વી આટલા લોકોની વચ્ચે પણ એકલતા અનુભવતી હતી. ક્યારેક મનની અંદર રહેલી એકલતા આસપાસ રહેતા લાખો લોકો પણ દૂર નથી કરી શકતા.

શરાબના નશામાં ઘરે પહોંચતાંની સાથે જ આનંદ તન્વી જોડે ઝગડો કરી બેસે છે : "મારે હવે વધારે દલીલ નથી સાંભળવી, મેં તને કહ્યુંને કે આ બ્લાઉઝ હવે તારે નથી પહેરવાનું એટલે નથી જ પહેરવાનું ઓકે !!?"

"પણ કેમ?" તન્વી પણ આજે લડી લેવાના મૂડમાં જણાતી હતી.

"તું નહિ સમજ, તારે મગજ જેવું કઈ છેજ નહીં."

"મારે મગજ છે, તારા જેવું સંકુચિત મગજ નથી, તને તકલીફ મારા બ્લાઉઝ ની નથી, પણ તારા થી એ સહન નથી થતું કે કોઈ મને જોઈને આકર્ષિત થાય, કોઈ મારી સુંદરતાના વખાણ કરે એ તારા કીધે સહન નથી થતું. તમે બધા પુરુષો એક સરખાં છો, તમે કોઈ સ્ત્રીને જુઓ તો વાંધો નહિ, પણ જો ચાર લોકો તમારી પત્નીને જોઈ લે તો બધું જ ખરાબ લાગે તમને, અને પત્નીને શું પહેરવું શું નહિ એ કહેવા બેસી જશો.વાંક તો તમને લોકોને અમારો જ લાગશે હંમેશા."

"બસ, ચૂપ થઇ જા." આનંદ ત્રાડ પાડીને હાથ ઉપાડવા જાય છે, પણ ત્યાં તો તન્વી બીજા રૂમમાં ચાલી જાય છે અને દરવાજો અંદર થી બંધ કરી દે છે.

*******

બીજે દિવસે આનંદની નીંદર ખુલે છે તો એ આદતવશ થઈને બેડ ની બાજુના ટેબલ પરથી ચા નો કપ ઉઠાવવા હાથ લંબાવે છે, પણ આજે ત્યાં ચાનો કપ ના જોઈને તેને આશ્ચર્ય થાય છે, રૂમમાંથી બહાર આવીને તે તન્વીને સાદ પડે છે, પરંતુ કોઈ જવાબ નથી આવતો અને તે ઘરમાં કામ કરતા લક્ષ્મી ને પૂછે છે કે "તન્વીને જોઈ તે?"

"એ તો વહેલી સવારે જ ચાલ્યા ગયા, ઓફિસે જાવ છું એમ કહ્યું મને."

રાત્રે ઘરે આવીને આનંદ જોવે છે કે તન્વી બહાર ગાર્ડનમાં હિંચકે આંખ બંધ કરીને બેઠી છે, ત્યાં લક્ષ્મી પુછે છે કે "સાહેબ, જમવાનું ગરમ કરી આપું?"

આનંદ થોડો ના પાડીને રૂમમાં ચાલ્યો જાય છે, એના ચહેરા પર ક્ષોભ અને પસ્તાવો લક્ષ્મીને તો દેખાણો જ પણ સાથે હિંચકા પાર બેઠેલી તન્વીને પણ દેખાણો.

બીજે દિવસે સવારે પણ એજ બન્યું જે ગઈકાલે બન્યું હતું, આનંદને લગનના આટલા સમયમાં પહેલીવાર તન્વીના હાથની ચા લગાતાર બે દિવસ સુધી જાગ્યા પછી તરત નહોતી મળી. બહાર આવીને તેણે લક્ષ્મીને પૂછ્યું તો એજ જવાબ કે "બેન તો વહેલી સવારે જ ઓફિસે જવા નીકળી ગ્યાં."

રાત્રે ઘરે આવીને આનંદ લક્ષ્મીને કહે છે કે "મેડમને કયો કે તૈયાર થાય બહાર જમવા.."

"પણ, મેડમ તો બહાર ગયા છે, ઑફિસેથી આવીને કપડાં ચેન્જ કરીને તરત બહાર ચાલ્યા ગ્યાં." આનંદની વાત વચ્ચેથી કાપીને લક્ષ્મીએ આનંદને આંચકો આપ્યો.

"શું? ક્યાં ગઈ?"

"ખબર નહીં."

આનંદ વિચારોના વંટોળમાં અટવાઈ ગયો, એની આંખો સામેથી એનું અને તન્વીનું લગ્નજીવન પસાર થઇ રહ્યું હતું, તન્વીએ કોઈ દિવસ આવું કર્યું હોય એવું યાદ આવતું નહોતું. એ તન્વીની આવવાની રાહ જોવા લાગ્યો.

રાત્રે અગિયાર વાગે તન્વી આવે છે, આનંદને સોફા પર બેઠેલો જોઈને અટકી જાય છે, આનંદને ઘણું પૂછવું હતું અને તન્વીને ઘણું કહેવું હતું, પરંતુ બંનેના શબ્દો હડતાલ પર હોય એવું લાગ્યું પરંતુ આંખોએ જાજી વાતો કરી લીધી એવું બંનેએ અનુભવ્યું. આમ પણ મોઢામાંથી નીકળતાં શબ્દો જેટલી અસર નથી કરતાં એટલી અસર આંખોની વાતચીત કરી જતી હોય છે. તન્વી રૂમમાં ચાલી જાય છે અને ત્યાં આનંદના મોબાઈલમાં તૃપ્તિનો કોલ આવે છે અને આનંદ કટ કરીને એને મેસેજ કરી એ પણ રૂમમાં ચાલ્યો જાય છે.

*******

બીજે દિવસે તન્વી જયારે ઓફિસે જવા માટે નીકળે છે ત્યારે આનંદ તન્વીને ભાવતો નાસ્તો તૈયાર કરીને એની રાહ જોતો બેઠો હોઈ છે, અને તન્વીને પ્રેમથી ટેબલ પર બેસાડીને નાસ્તો કરાવે છે, અને કહે છે કે "મને પુરી ખાતરી છે કે તને ભાવશે." તન્વી ની ગમતી વાનગી બનાવી હતી આનંદે તો ના ભાવવાનો તો સવાલ જ ન્હોતો તન્વી માટે.

તન્વીના ચહેરા પર ત્રણ દિવસે થોડી મુસ્કાન જોઈને આનંદ પૂછે છે : "બહુજ ફેમસ નાટક ની ટિકિટ આવી છે, શું તું આજે મારી સાથે એ જોવા આવીશ?"

"સોરી પણ મારે આજે ઓફિસે બહુંજ કામ છે, ત્રણ દિવસથી હેડ ઑફિસેથી ઓડિટર્સ આવ્યા છે, તો આજે મારે મોડું થાશે ઘરે આવતાં, સોરી." કહને તન્વીએ અફસોસ જતાવ્યો.

"ઓહ, ઓકે." કહીને આનંદ નિરાશ ચેહરે ઓફિસ જવા માટે નીકળી ગયો.

*******

સવારે આનંદ છાપું વાંચતો હતો અને એ આજે રવિવારને લીધે રજાના મૂડ માં હતો, ત્યાં તન્વી તૈયાર થઈને નીચે આવે છે અને લક્ષ્મીને કહે છે : "લક્ષ્મી, સાહેબ માટે જમવાનું બનાવીને જમાડી દેજે, મારે ફ્રેન્ડની સગાઈમાં જવાનું છે, તો મારા માટે બનાવતી નહિ."

આનંદ સરસ તૈયાર થયેલી તન્વીને જોતો રહે છે, આજે પણ તન્વીએ ગ્રીન કલરનું સ્લીવલેસ બ્લાઉઝ અને યેલ્લો કલરમાં ગ્રીન ડિઝાઇન વાળી બાંધણી પહેરી હતી પણ આજે આનંદે તેને ટોકી નહિ અને તેની સુંદરતા નિહાળતો રહ્યો અને હળવું સ્મિત આપીને બાય કહ્યું.

થોડીવાર પછી ઘરના લેન્ડલાઈન પર ફોન આવે છે, આનંદ : "હેલ્લો"

"તન્વી છે?" કોઈ પુરુષ નો અવાજ સામે છેડે થી આવે છે.

"ના નથી, તમે કોણ?" આનંદે ભવાં સંકોચતા પૂછ્યું.

"એક્ચ્યુલી હું એમની કલાક એક થી રાહ જોવ છું, અને એનો મોબાઈલ પણ લાગતો નથી એટલે મારે અહીં કોલ કરવો પડ્યો, સોરી." એમ કહીને સામેથી ફોન કટ થઇ જાય છે.

"શું? હેલ્લો... હેલ્લો...." આનંદ બોલતો રહે છે પણ પછી ખબર પડે છે કે ફોન કટ થઇ ચુક્યો છે. આનંદ છાપું સાઈડમાં રાખીને તન્વીને મોબાઈલ લગાડવાની ટ્રાય કરે છે પણ લાગતો નથી.

બીજી તરફ તન્વી કિંજલની ઘરે એની અને કિંજલના પતિ સાથે બેઠી હોઈ છે, કિંજલના પતિએ જ તન્વીના ઘરે લેન્ડલાઈન પાર કોલ કર્યો હોય છે અને બધા હસી રહ્યાં હોઈ છે.

રાત્રે તન્વી ઘરે આવે છે અને આનંદને સોફા પર સૂતો જોઈને એને ચાદર ઓઢાડે છે અને પ્રેમ થી માથા ઉપર હાથ ફેરવે છે ત્યાં આનંદ જાગી જાય છે અને ગુસ્સાથી હાથ હટાવી ને કહે છે : "નાટક સુકામે કરે છે!! "

"નાટક!!!? કેવું નાટક?"

"સ્માર્ટ બનવાની કોશીષ ના કર તન્વી, તને ખબર છે કે હું શું પૂછવા માંગુ છું એ."

"મને નથી ખબર પડતી કે તું શું પૂછવા માંગે છે."

"તું મને મૂરખ માને છે? હું બાળક છું? તને લાગે છે એવું?"

"આનંદ તારો પ્રોબ્લેમ શું છે? તને શું લાગે છે કે હું એવું શું કરું છું?"

"તને શું લાગે છે કે મને કઈ ખબર નથી તન્વી? શું ચાલે છે આ બધું? હું મૂર્ખ નથી સમજી!!"

"આનંદ, તું મારી વાત કરે છે, ચાલ પેલા તારી વાત કરીએ. શું ચાલે છે તારી લાઈફમાં? શું તને એમ લાગે છે કે મને કંઈ નહિ દેખાતું હોઈ? હું મુર્ખી છું?" કહેતા કહેતા તન્વી આનંદને છાતી પર મારવા લાગે છે, અને આનંદ તન્વીને પકડીને હોંઠ પર ચસચસતું ચુંબન લઈને ચૂપ કરી નાખે છે. પાંચ મિનિટ પછી તન્વી આનંદના મજબૂત હાથોમાંથી છટકીને રૂમમાં જઈને દરવાજો બંધ કરી દે છે.

*******

"તન્વી.... ઓ તન્વી, બહાર આવ..." રાત્રીના 12 વાગે આનંદ તન્વીને રૂમની બહાર બોલાવે છે, તન્વી બહાર આવે છે, ત્યાં આનંદ અને તન્વીના બધાજ ફ્રેન્ડ્સ અને ઓફિસ ના સ્ટાફ ને જોઈને આશ્ચર્ય પામે છે ત્યાં બધાંજ એક સાથે મોટેથી બોલે છે : "હેપ્પી બર્થડે તન્વી" અને હોલ લાઈટ થી ઝગમગી ઉઠે છે, તન્વીને આશ્ચર્ય થાય છે કે આ બધું આનંદે ક્યારે પ્લાન કર્યું ? આનંદ તન્વીને કેક કાપવાનું કહે છે, તન્વી મીણબત્તી ને ફૂંક મારીને કેક કાપીને આનંદને ખવડાવવાં જાય છે ત્યાં તન્વીનું ધ્યાન ઘરમાં આવી રહેલી તૃપ્તિ પર પડે છે અને એ કેક નો કટકો નીચે મૂકીને બાલ્કની માં ચાલી જાય છે, આનંદ બધાની માફી માંગતો તન્વીની પાછળ જાય છે અને બાલ્કનીનો દરવાજો બંધ કરી દે છે.

"શું થયું તન્વી? કેમ આવું કરે છે તું મારી સાથે આટલા દિવસો થી? અને અત્યારે આમ અચાનક શું થયું કે તું બધા સામે આમ ગુસ્સામાં આવતી રહી?"

"આનંદ, આ તું મને પૂછે છે?...... મને?" તન્વી રડતાં રડતાં આનંદનો કોલર પકડીને હલબલાવી નાખે છે.

"અરે પણ કંઈક કહીશ તો ખબર પડશે ને મને? તું કેમ આવું વર્તન કરે છે યાર?" આનંદ દયામણા ચહેરે પૂછે છે.

"મને તારા અને એના અફેર વિષે ખબર છે." તન્વી અત્યારે વાત પુરી કરવાનાં મૂડમાં હતી.

"અફેર !!!? પણ કોની સાથે?" આનંદ દયામણા ચહેરે પૂછે છે.

"તૃપ્તિ સાથેના તારા અફેરની વાત કરું છું."

"શું!!! તને એમ લાગે છે કે મારુ અને તૃપ્તિનું અફેર છે!!!? શું થઇ ગયું છે તને?" આનંદ સંશ્ચર્ય વશ પૂછે છે.

"આનંદ પ્લીઝ મારું એટલું તો સન્માન રાખ કે મારા મોઢે તો તું ખોટું ના બોલ યાર. એટલું તો કર." તન્વીનું રડવાનું હજુ રોકાતું નહોતું, "તે દિવસે મેં તને કહ્યું કે મારી સાથે ચાલ તો તે કહ્યું કે તું બિઝી છો, અને મેં તને અને તૃપ્તિને કોફી શોપમાં હાથમાં હાથ નાખીને બેઠેલાં જોયા હતા."

"ઓહ માય ગોડ, તન્વી પ્લીઝ, તે દિવસે તૃપ્તિને એક પ્રોગ્રામમાં પરફોર્મ કરવાનું હતું અને એ નર્વસ હતી, તેના ભાગે જે પાત્ર આવ્યું હતું તેને લઈને એ ટેન્શનમાં હતી, હું કોલેજમાં બધાંજ નાટકમાં ભાગ લેતો હતો એ બધાને ખબર છે, તો એ મારી પાસે શીખવા આવી હતી અને હું એને બસ એ ઈમોશન શીખવતો હતો, બધું સમજાવતો હતો. બસ મદદ કરતો હતો યાર એની. મારે કોઈ અફેર નથી એની સાથે, તું સાચ્ચે જ પાગલ છે હો યાર."

"સાચ્ચે !!!?"

"હા" કહીને આનંદ તન્વીને બાહોંમાં લઇ લે છે, "મારી ભૂલ છે, સોરી કે તને એવું લાગ્યું, ક્યાંકને ક્યાંક હું જવાબદાર છું આ બધાં માટે, આઈ એમ રીઅલી વેરી સોરી."

"તો તારી લાઈફમાં મારા સિવાય કોઈ નથી ને ?" તન્વી નાના બાળકની જેમ આનંદની આંખોમાં જોઈને પૂછે છે.

"ના, જરા પણ નહિ, ટ્રસ્ટ મી, હું તને અને તને એકને જ એટલો પ્રેમ કરું છું કે મારી પાસે બીજી કોઈ વ્યક્તિને પ્રેમ કરવાનો સ્ટોક જ નથી." એટલું કહીને આનંદ બાહોમાં રહેલી તન્વીને વધુ જોરથી ભીંસે છે. તન્વીને પણ હવે પસ્તાવો થાય છે શક કરવા માટે, અને તે પ્રેમથી આનંદને ભેંટી પડે છે. બંને અંદર જઈને બધા સાથે પાર્ટી એન્જોય કરે છે.

*******

કિંજલને તન્વી બધી વાત કરે છે અને કહે છે : "જોયેલા પર વિશ્વાસ ના કરાઈ, આંખો ઉપર આંધળો ભરોસો ના કરાઈ, જોવામાં તો મીઠું અને ખાંડ પણ દૂરથી સરખાં લગતા હોઈ છે, પણ હું નસીબદાર છું કે મારી બધી ગેરસમજણ આનંદે સમજણ પૂર્વક દૂર કરી. સહુંથી વધુ અગત્યનું એ કે અમે પહેલાં કરતાં વધુ નજીક આવી ગયા અને એકબીજાની જરૂરિયાત બની ગયાં, આદત નહિ."

*******

તન્વી કિંજલને જયારે આ બધી વાત કરતી હતી એ જ સમયે તૃપ્તિના ફ્લેટ પર બેડ પર આનંદના ખભા પર માથું રાખીને તૃપ્તિએ હાંફતા આનંદને પૂછ્યું. "તો શું તન્વીને આપણા સંબંધની જાણ થઇ ગઈ?"

આનંદે તૃપ્તિને માથા પર કિસ કરીને કહ્યું: "ના".

-સમાપ્ત

*******

-ચેતન ઠકરાર

મોબાઈલ: 09558767835

બીજી વધું વાર્તા વાંચવા માટે www.crthakrar.com પર મુલાકાત લેશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED