અધૂરું મિલન Chetan Thakrar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરું મિલન

"તમે નીચે સિકયુરિટી વાળાને સાચા બ્લોક નંબર લખાવતા નહીં. બાજુમાં ફર્નીચરનું કામ ચાલે છે એના લખાવજો."

"કેમ? એ પછી ત્યાં પૂછવા આવે કે પછી ખબર પડે તો?"

"ત્યાં ઘણાં લોકો આવતા હોય છે, એટલે વાંધો ના આવે, પણ મારા બ્લોક નંબર આપશો તો તકલીફ થશે મને."

"ઓકે, જેમ તમે કહો એમ. હું ત્યાં પહોંચીને ફોન કરું તમને એટલે દરવાજો ખુલ્લો રાખજો, બેલ મારીને આજુબાજુ વાળાને ખબર નથી પાડવી."

"હા, એમ કરજો."

માધવ આટલી વાત કરીને મીરાને ત્યાં જવા માટે નીકળી ગયો.

*******

માધવ અને મીરા એક વર્ષ પહેલાં શહેરમાં આવેલા પુસ્તક મેળામાં અચાનક ભેગા થઇ ગયા હતા, એક જ પ્રકાશનના સ્ટોલમાં. મીરા માધવના હાથમાં પુસ્તક જોઈને પૂછે છે : "સારું છે એ પુસ્તક?"

"મેં વાંચ્યું નથી પણ આ લેખકના બધાં પુસ્તકો સારા હોય છે મેં પહેલાના બધાંજ વાંચ્યા છે, લવ સ્ટોરી સારી લખે છે. તમને લવ સ્ટોરી ગમતી હોય તો લઈ શકો, રૂપિયા અને સમય બંને વસૂલ થશે." માધવે મીરાને જોઈ, 45-47 વર્ષની જાજરમાન સ્ત્રીને જોઈને કહ્યું.

"થેન્ક યુ, બીજા કોઈ પુસ્તક સજેસ્ટ કરી શકશો પ્લીઝ?" મીરાએ આજીજીના સૂરમાં વિનંતી કરી. "હું તમને બે દિવસથી જોવ છું તમે બહું ઝડપથી પુસ્તક પસંદ કરો છો અને બહુ બધાં લો છો. અને હું બે દિવસમાં બે પુસ્તક પણ પસંદ કરી શકી નથી." મીરાંને માધવના સહજ સ્વભાવ નો પરિચય એક વાક્યથી થઇ ગયો. એમાં એના કાનની આજુબાજુ અને ઉપર દેખાતા ગ્રે વાળ અને નજીકના ચશ્માં માધવની ઉંમર અને મેચ્યોરિટી દર્શાવતા હતા. મીરાએ અંદાજો લગાવ્યો કે 48-50 વર્ષના હોવા જોઈએ.

"હા ચોક્કસ, મને ગમશે. બાય ધ વે તમને વાંચનનો શોખ નવો નવો જાગ્યો હશે!" માધવે હસતા હસતા કહ્યું.

"હા અને ના."

"એટલે?" માધવે મૂંઝાઈને પૂછ્યું.

"બહું લાંબી વાત છે, અત્યારે તો તમે મને પુસ્તક પસંદ કરવામાં મદદ કરો તો સારું કારણકે મારે થોડીવારમાં નીકળવું પડશે." મીરાને સોસાયટીમાં ફંક્શન હોવાથી ઉતાવળ હતી એટલે એણે વાત ટૂંકાવતા કહ્યું.

"ઓકે મેડમ." માધવે મીરાની ઉતાવળ ભાળીને કહ્યું.

"મીરા, મેડમ નામ નથી મારુ. મીરા કહેશો તો ચાલશે." મીરાએ હાથ લંબાવીને કહ્યું.

"માધવ, માધવ મેહતા." કહીને માધવે મીરા સાથે હાથ મિલાવ્યો.

એક એક પુસ્તક હાથમાં લઈને માધવે મીરાંને સંક્ષિપ્તમાં માહિતી આપતો રહ્યો અને ખુબજ જલ્દીથી મીરાને દસ પુસ્તકો પસંદ કરી આપ્યા અને કહ્યુકે "વાંચીને ના ગમે તો મને આપી દેજો, ગમતાં તમારી પાસે રાખજો."

"તમે ભંગાર નું કામ કરો છો?" મીરાએ સહેજ ટીખળ કરતાં પૂછ્યું.

"તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે, પણ અંદાજો ખોટો છે. મારી પોતાની નાની એવી લાઈબ્રેરી છે, અને આમ પણ મેં તમને મારી પસંદના પુસ્તક અપાવ્યા છે તો જો તમને ના ગમે તો એ રદ્દીમાં જશે, એના કરતાં તો મારી લાઈબ્રેરીમાં એ સારી રીતે સચવાઈ રહેશે." માધવે ખુલાસો કર્યો.

"ઓકે પણ તમને શોધવાં ક્યાં આવવા?"

"કાલે રવિવાર છે, હું અહીંજ કોઈક સ્ટોલમાં મળી જઈશ સવારથી લઈને રાત્રે બંધ થાય ત્યાં સુધી. અનુકૂળતા હોય તો આવજો કાલે, એ બહાને તમારા નવા શોખના જન્મનું કારણ પણ જાણી શકીશ હું." માધવે શાલીનતાથી હસીને કાલે આવવા માટે આમંત્રણ પણ આવું કહીને આપી દીધું.

"લેટ મી ટ્રાઈ. નાઇસ ટુ મીટ યુ મિસ્ટર માધવ. અને હા, થેન્ક્સ." આટલું કહીને મીરા તરત જવા લાગી.

*******

બીજે દિવસે પુસ્તક મેળામાં મીરા સવારે અગીયાર વાગે પહોંચી ગઈ, થોડીવાર આમતેમ ફરી પણ તેની નજર તો માધવને જ શોધતી હતી. અડધા કલાકની મહેનત પછી હારીને તે ગઈકાલે જે સ્ટોલ પર માધવને મળી હતી ત્યાં જઈને તપાસ કરી અને નંબર મેળવીને ફોન કરે છે.

"હેલ્લો, માધવ!!!"

"યસ, આપ કોણ?" માધવ અજાણ્યા નંબર જોઈને પૂછ્યું.

"તમારા મતે વાંચવાનો શોખ નવો નવો જાગ્યો એ. પુસ્તક મેળામાં છું તમે ક્યાં છો?" મીરાએ માધવને થોડા ટોન્ટ મારવાના ઈરાદા સાથે કહ્યું.

"ઓહ, મીરા જી.... મને એવી કલ્પના નહોતી કે તમે સવાર સવાર માં પુસ્તક મેળાને ખાલી કરવાં આવી જશો. મારા નંબર કેવી રીતે મેળવ્યા તમે?"

"હા, કાલે સમય ઓછો હતો મારા પુસ્તકના નોલેજની જેમ. એટલે આજે તમારા નોલેજ જેટલો સમય લઈને આવી છું. રહી વાત નંબરની તો તમારા જેટલા ફેમસ વ્યક્તિનો નંબર ના મળે એવું બને?"

"સ્માર્ટ, કાલે જ્યાં મળ્યા હતા એ સ્ટોલ પરથી લીધો નંબર એમ ને !!!" માધવે હસીને કહ્યું.

"વેરી સ્માર્ટ, કહો ક્યાં છો?" મીરા ઈમ્પ્રેસ થઈને બોલી.

"ગ્રાઉન્ડ ની વચ્ચે ખાણીપીણી ના સ્ટોલ છે, ત્યાં ટી સ્ટોલ પર છું. આવો અહીં."

"ઓકે, આવું છું." મીરા આજે બ્લેક ડ્રેસમાં અને રેડ અને વ્હાઇટ ટપકાં વાળી બાંધણીની ચુન્ની માં ઉંમર કરતા 5 વર્ષ નાની લગતી હતી, વાળને એક રબ્બર થી બાંધીને પોની વાળી હતી, કપાળ ઉપરથી કિંમતી ગોગલ્સ ફરી આંખ પર પેરીને ટી સ્ટોલ તરફ જવા રવાના થાય છે.

માધવ ઠસ્સા અને આત્મવિશ્વાસ થી આવતી મીરાને જોઈ રહ્યો અને એનું હૃદય એક ધબકારો ચુકી ગયું. મીરા ક્યારે સામે આવીને બેસી ગઈ એનું પણ ભાન ના રહ્યું. મીરા એની હાલત જોઈને બોલી પડી : "મિસ્ટર મહેતા, હું કોઈ બુક નથી કે એક નજરે વાંચી શકો."

સહેજ ભોંઠપ સાથે માધવ મીરાના માયાવી રૂપની કેદમાંથી બહાર આવ્યો આ સાંભળીને અને મીરાને વિવેક કર્યો "ચા લેશો કે કોફી?"

"ગ્રીન ટી મળશે? એ ના હોય તો કોફી ચાલશે."

"પેટ અને મગજની બધીજ ભૂખ ભાંગે એવું ખૂબ સરસ આયોજન છે અહીં, માંગો તે બધુંજ મળશે." એટલું કહીને માધવ મીરા માટે ગ્રીન ટી લેવા કાઉન્ટર તરફ જવા ઉભો થયો. મીરા પણ માધવને બ્લેક ટીશર્ટ અને બ્લ્યુ જીન્સમાં એના કસાયેલા શરીરને જતાં જોઈ રહી.

"આ રહી આપની ગ્રીન ટી વિથ લેમન." કહીને માધવ મીરાની સામે ટ્રે મૂકે છે અને સવાલોનો મારો ચલાવે છે : "તો કહો, કોઈ બુક વાંચી? ગમી?"

"હા, એક બુક રાત્રે ફ્રી થઈને વાંચવા બેઠી અને મુકવાનું મનનાં થાય એવી સરસ હતી, પુરી કરીને જ સૂતી. થેંક્સ એટલી સરસ બુક સજેસ્ટ કરવા માટે." મીરાએ ગ્રીન ટી માં થોડું લીંબુ નીચવતાં કહ્યું.

"સરસ ચાલો, હું બચી ગયો... હાહાહા..." માધવ ખડખડાટ હસી પડે છે. "તો હવે તમારા આ નવા જન્મેલા શોખ વિષે ફોડ પાડો એટલે આજે કાલ કરતા પણ વધું બૂક્સ તમને શોધી આપું."

એક ગ્રીન ટી ના કપને બંને હાથમાં રાખીને મીરાએ કહ્યું: "જવાબદારી માંથી ફ્રી થઈ એટલે શોખને ફરી જન્મ આપ્યો અને હવે એને પાળીને બાકી રહેલી જીંદગી આનંદથી પસાર કરવી છે."

મીરાના અવાજમાં છુપાયેલા નિઃસાસાને ઓળખી ના શકે એટલો નાદાન માધવ નહોતો. "સારો વિચાર છે. વાંચન જેટલો સારો શોખ અને પુસ્તક જેટલો સારો મિત્ર કોઈ હોય ના શકે. તમારા ઘરમાં કોણ કોણ છે?"

"હતાં. દિકરી પરણીને સાસરે છે અને દિકરો માસ્ટર ડિગ્રી માટે ઓસ્ટ્રેલિયા ગયો છે." સહેજ હસીને મીરાએ કહ્યું.

"અને તમારા હસબન્ડ?" માધવે ખચકાટ સાથે પૂછ્યું.

"એ એમના બિઝનેસમાં ક્યારેક આ શહેર તો ક્યારેક ઓલા શહેર. એટલે મને પૂરતો સમય મળ્યો છે હવે. મારા વિશે તો બધું જાણી લીધું તમે, તમારા વિશે કંઈક કહો." કહીને મીરાએ પ્રશ્ન રૂપી બોલ માધવ તરફ ફેંક્યો.

"નાની ઉંમરે ધંધામાંથી જરૂર કરતા વધારે રુપિયા કમાઈને સમય કરતા વહેલો નિવૃત થઇ ગયો અને શોખને જ સમય પસાર કરવાનું સાધન બનાવી દીધું છે." માધવે નિખાલસતાથી કહ્યું.

"અને ઘરમાં કોણ કોણ છે?" માધવીએ અચકાતા પૂછ્યું.

"કોલેજ પુરી કરી ત્યાં મમ્મી પપ્પાને એક અકસ્માતમાં ગુમાવ્યા અને પ્રેમમાં નિષ્ફળતા મળી એટલે લગન કર્યા નથી. એ નિષ્ફળતાને ભૂલવા ધંધામાં એટલો રચ્યો પચ્યો રહ્યો અને એના ફળ સ્વરૂપે વહેલો રિટાયર્ડ થઇ શક્યો." માધવે કોઈ જાતના સંકોચ વગર ટૂંકમાં એની જીવન કથની કહી દીધી.

"ઓહ, સોરી." માધવની વાત સાંભળીને મીરાએ અફસોસ જતાવ્યો અને પૂછ્યું: "અત્યારે શું કરો છો?"

"બસ, એક બેબી કેર સેન્ટર ચલાવું છું વૃદ્ધાશ્રમની સાથે, જ્યાં દાદા-દાદીને સંતાનો મળી જાય છે અને આજના જમાનામાં એકલા રહેતા અને જોબ કરતા કપલને સંતાનો સાચવવાની ચિંતામાંથી મુક્તિ, સાથે બાળકોને દાદા-દાદી નો પ્રેમ પણ મળી રહે. બધાથી અગત્યનું એ કે મને મારા પરિવારની કમી ફીલ નથી થતી અને ગમતું કામ સાથે સેવાનું કામ પ્લસ ધંધાનો ધંધો. અમે બાળકોને સાચવવાના કલાક પ્રમાણે ચાર્જ લઈએ છીએ. સરસ મજાની લાયબ્રેરી છે, નાનુ થિએટર છે, મોટો બગીચો છે જ્યાં લુપ્ત થતી જતી રમતો દાદા દાદી અને સ્ટાફ બાળકોને રમાડે અને વાર્તા કહે. શુદ્ધ અને સાત્વિક ની સાથે પોષ્ટીક ખોરાક ની સગવડ પણ રાખી છે. નવા જમાનાનાં રમકડાં અને ગેમ્સ પણ છે. ઇન શોર્ટ એક જગ્યામાં બધાને ગમતું બધું ભેગું કરીને બેઠો છું ખાસ તો મને ગમતું." કહીને માધવે પાણીનો ગ્લાસ પૂરો કર્યો.

"ખુબ બોલાઈ ગયું નહીં।?" હસીને પોતે કેટલું બોલી ગયો એનું ભાન થતાં માધવે પૂછ્યું.

"જોવા આવું પડશે તો તો." મીરાએ ઈમ્પ્રેસ થતા કહ્યું.

"પહેલા આજે પુસ્તક મેળાનો લાસ્ટ દિવસ છે તો એનો લાભ લઇ લો, પછી તમારી અનુકૂળતાએ ગમે ત્યારે આવી શકો." કહીને માધવે એનું કાર્ડ મીરાને આપ્યું અને બંને ટી સ્ટોલમાંથી બહાર જવા ઊભા થયા.

*******

એકલતા અને એક સરખાં શોખે મીરા અને માધવને મિત્રો માંથી પ્રેમી ક્યારે બનાવી દીધા એની જાણ એ બંનેને પણ ના પડી. બંને રોજ કલાકો વાતો કરે અને મીરા સમય કાઢીને હવે માધવના બેબી કેર સેન્ટર પણ ક્યારેક પહોંચી જતી. પણ હજુ સુધી કોઈ દિવસ કોઈએ પ્રેમનો એકરાર નહોતો કર્યો. અમુક ઉંમરે પહોંચ્યા પછી પ્રેમ જતાવા માટે શબ્દોનો સહારો નથી લેવો પડતો, બસ સમજાઈ જતું હોય છે. એ પ્રેમે બંનેના જીવનમાં જુવાનીમાં રહેલી અબળખાઓને ફરી જીવંત કરી નાખી હતી.

"માધવ, તારું મારી લાઈફમાં આવવું મારી લાઈફની સહુથી વધું ગમતી ઘટના છે. તારી વાતો અને સાથ, મારી લાઈફમાં ફરીથી ખુશીઓ લાવી છે. મેં આવી લાઈફની કલ્પના સપનામાં પણ નહોતી કરી. હું બધીજ આશા ખોઈ બેઠી હતી. તે મારામાં રહેલી ખૂબી ઓળખીને મને ખીલવાનો મોકો આપ્યો અને મેં મારી ભાવનાઓ અને લાગણીઓને શબ્દોને કવિતાઓ માં ઉતારવાનું શરુ કર્યું. આજે જયારે પણ મારી કવિતાને કોઈ પુરસ્કાર મળે છે ત્યારે ત્યારે હું તારો આભાર માન્યા વગર નથી રહી શકતી." મીરાએ પહેલી વાર માધવને આટલો લાંબો અને આ મતલબનો મેસેજ કર્યો.

"આ શું બોલે છે મીરા!! આભાર માનીને મને નીચો દેખાડવા માંગે છે? એવું કહેવા માંગે છે કે મેં હજુ તારો આભાર કેમ નથી માંગ્યો?" માધવને આશ્ચર્ય થયું મીરાનો આવો મેસેજ વાંચીને.

"ના ના, પ્લીઝ ગલત ના સમજ મને. બસ આજે મનમાં આવ્યું એ તને પહેલી વાર કહ્યું, બાકી અત્યાર સુધી હું બધુજ કવિતાઓ માં લખતી હતી પણ તને લગતી વાત હું કવિતામાં કેમ કહું? એટલે આજે તને કહ્યું. તે જ કહ્યું હતું કે આપણી વચ્ચે કોઈ વાત સંકોચ વગર કરવી." મીરા આજે અલગ મૂડમાં હતી.

"મીરા, આપણે બંનેએ એકબીજાને સરખો જ સપોર્ટ આપ્યો છે, અને આભાર માનીને હું એની કિંમત ચૂકવવા કે તને નીચું દેખાડવા નથી માંગતો."

"માધવ તારી આ સરળતા મને તારા તરફ ખેંચે છે, ભલે અમારા લવ મેરેજ થયા હતા પણ એનો મતલબ બહું મોડો સમજાયો મને કે મેં લવ કર્યો હતો અને મહેશે મેરેજ. મારા બાળકો, સંસ્કાર અને આત્માંએ મને અત્યાર સુધી બાંધી રાખી હતી પણ હવે હું આઝાદ થવા ઈચ્છું છું. ખુલીને જીવવા ઈચ્છું છું. બાકી રહેલી તમન્નાઓ પુરી કરવા ઈચ્છું છું."

"આંખે ભરેલા સ્વપ્નને સાકાર કરવા છે હવે,
થોડા ગમતા શ્વાસ સંગાથે ભરવા છે હવે,વેરાન રણ છે જિંદગી એને ફરી મહેકાવવા;
થોડા નિયમ ને વાયદા પણ તોડવા છે હવે."

મીરાએ પહેલીવાર માધવને અનુલક્ષીને એની ઈચ્છાઓ કવિતા રૂપે જાહેર કરવી હતી પણ બે પંક્તિથી વધારે લખી ના શકી.

"મીરા, હું તો ઠીક કે એકલો છું અને મેં સાંસારિક કે લગ્નસુખ નથી ભોગવ્યું, પણ તે તો બધુજ ભોગવ્યું છે. તો પણ કેમ આવી તડપ!!!? શું મહેશ તને કોઈપણ બાબતમાં સંતોષ નથી આપતો?" માધવને હવે બધી ચોખવટ કરવી જરૂરી લાગી.

"તે મેરીટલ રેપ વિશે સાંભળ્યું જ હશે, જે 70% ઘરમાં થતાં હશે બસ એવુજ કંઈક મારુ છે. ભૂખ લાગે ત્યારે ઘરે આવે, ઈચ્છા અનિચ્છની કોઈ પરવાહ જ ના હોય ત્યાં પ્રેમની અપેક્ષા શું રાખવાની તુંજ કહે." મીરાએ આટલા સમયમાં કોઈ સાથે જે વાત શેર નહોતી કરી એ આજે માધવ પાસે કરી.

"ઓહ..." માધવ ખાલી એટલુંજ લખી શક્યો.

"લગ્ન પહેલા જે ખૂબી લાગતી હતી એ લગ્ન પછી ખામી લાગવા લાગી એમને, પણ ત્યાં સુધીમાં હું સંતાનો નામની સાંકળ માં ઝકડાઈ ચુકી હતી. રહી સહી કમી સંસકરોએ પુરી કરીને મને બાંધી રાખી. પણ તને મળ્યાં પછી મારામાં જીવવાની સાથે સાથે બધી તમન્નાઓ ફરી જાગ્રત થઇ ગઈ છે. શું મને એ પુરી કરવાનો હક નથી?" મીરા આજે એના બધાજ બંધનો તોડીને દિલની વાત જાહેર કરતી હતી.

"મીરા શું તું એમ માને છે કે મને એવી કાંઈ લાગણીઓ અને ઈચ્છાઓ નહીં થતી હોય? પણ મેં આટલા વર્ષો કંટ્રોલ કર્યો છે પણ હવે લાગે છે કે મેનકા આજે મીરાના રૂપમાં મારુ તપ ભંગાવીને જ રહેશે." સ્ત્રી મેદાન જેવી હોય છે અને પુરુષ પહાડ જેવો. મેદાન પરથી જયારે સાદ પાડવામાં આવે છે, ત્યારે પહાડ પરથી એનો પડઘો પડે જ છે. માધવના મનમાં પણ મીરા પ્રત્યે પ્રેમ અને લાગણીઓ તો હતી જ પણ એ મીરાને ખોવાની બીકે જાહેર નહોતો કરતો.

"મને ખબર છે માધવ કે આપણે જીંદગીભર નું સુખ નથી મેળવી શકીએ પણ શું એક દિવસનું સુખ મેળવીને એને જીંદગીભરની યાદી ના બનાવી શકીએ?" મીરા માધવનો મેસેજ વાંચીને ખુશ થાય છે.

"થઈ શકીએ, પણ એ કર્યા પછી રંજ-અફસોસ ના રહેવો જોઈએ બાકી તું કે હું કોઈ સુખી નહીં થઈ શકીએ અને બાકી રહેલી જિંદગી પસ્તાવામાં કાઢવી પડશે. એ વિચારે જ હું આટલા સમયથી તને એ બાબતે વાત નહોતો કરતો અને તને ખોવા નહોતો માંગતો." માધવે એના મનમાં રહેલી વાત મીરાને કહી.

"પ્રેમ પામવો એ કોઈ ગુનો તો નથીને માધવ? અને એ બધું કરવા સમયે તને કે મને જો એક મિનિટ માટે પણ ખોટું કર્યાની લાગણી થશે તો આપણે ત્યાંજ અટકી જાશું." મીરાએ માધવના મેસેજનો જવાબ આપ્યો.

"ના, ઓકે કાલે આપણે તારા ઘરે મળીએ." કહીને માધવ ઓફલાઈન થઈ ગયો.
*******

તમે નીચે સિકયુરિટી વાળાને સાચા બ્લોક નંબર લખાવતા નહીં. બાજુમાં ફર્નીચરનું કામ ચાલે છે એના લખાવજો. માધવને આ વાત રજીસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે ફરી યાદ આવી અને એને મીરાના કહેવા મુજબ એન્ટ્રી કરીને મીરાને ફોન કરે છે. "પહોંચી ગયો છું."

"દરવાજો ખુલ્લો જ રાખ્યો છે." મીરાએ આટલું કહીને ફોન કટ કરી નાખ્યો.

માધવ આજે પહેલી વાર મીરાની ઘરે આવતો હતો. એની ધડકન પણ તેજ હતી. મીરાના ફ્લોર પર જઈને જોવે છે તો મીરા દરવાજો ખુલ્લો રાખીને રાહ જોતી દેખાય છે. માધવ વિચારે છે કે આ ઘરનો દરવાજો ખુલ્લો છે કે દિલનો કે પછી ઈચ્છાઓનો. ક્યાંક ભવિષ્યના અફસોસનો દરવાજો તો ખુલ્લો નથીને? પણ માધવ મગજમાંથી બધા વિચારો ખંખેરીને મીરાના ઘરમાં દાખલ થાય છે અને મીરા દરવાજો બંધ કરે છે.

કિચનમાં માધવ માંટે ચા અને પોતાના માટે ગ્રીન ટી ગરમ કરવા સ્ટવ પર રાખીને પાણીનો ગ્લાસ લઈને માધવ પાસે ડ્રોઈંગ રૂમમાં આવે છે અને માધવને પાણીનો ગ્લાસ આપીને ફરી કિચનમાં જઈને બંને માટે કપમાં ચા અને ગ્રીન ટી લઈને આવે છે.

"શું વાત છે, બનાવીને જ રાખી હતી!!" માધવે આશ્ચર્ય થી પૂછ્યું.

"હા, મને ખબર છે તને ચા સિવાય બીજું કંઈ નથી ફાવતું." કહેતી મીરા માધવની પાસે બેસી જાય છે સોફા પર.

વાતો કરતા કરતા ક્યારે બંનેના કપ ખાલી થઇ જાય છે અને ઈચ્છાઓના પ્યાલા છલકાવા લાગ્યા એ ખબર ના પડી. માધવે મીરાનો હાથ એના હાથમાં લઈને આંખોમાં જોયું અને એના કપાળ પર એક કિસ કરવાં મીરાને એની નજીક ખેંચે છે. મીરા આંખ બંધ કરીને માધવને સમર્પિત થઈ જાય છે. પાંચ મિનિટ ના પછી આવેગમાંથી બહાર આવીને બંને એકબીજાની આંખમાં જોવે છે અને મીરા માધવને આંખોમાં નશા સાથે પૂછી બેસે છે : "માધવ, આપણે કંઈ ખોટું તો નથી કરી રહ્યાંને?"

સાંભળીને માધવ તરતજ મીરાને પોતાનાથી અળગી કરીને કહે છે: "મીરા, આપણે અહીં અટકી જવું જોઈએ હવે. કારણકે આપણે બંનેએ નક્કી કર્યું હતું કે એક ક્ષણ પણ જો એવો વિચાર આવશે તો આપણે અટકી જશું."

મીરા રડવા લાગે છે અને માધવને જોરથી વળગી પડે છે "તું આટલો સારો કેમ છે? તું મને વહેલો કેમ ના મળ્યો માધવ? તે મને આજે જીંદગીભરના અફસોસ માંથી બચાવી છે. તે આજે મીરાને અફસોસ નામનાં ઝેરના પ્યાલા થી બચાવી છે. આઈ લવ યુ માધવ."

"આઈ લવ યુ ટૂ મીરા." કહીને માધવ મીરાને અળગી કરીને ઘરની બહાર નીકળી જાય છે.

*******

-ચેતન ઠકરાર

09558767835

www.crthakrar.com