દિવાળી ની હોળી Chetan Thakrar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિવાળી ની હોળી

રંજોગમ ક્યા કરું એ ખુદા તુજસે ! મિલાયા હૈ તુને મુજે હર ખુશીઓ સે.

સિલસિલે લિખે બહેતરીન ઝીંદગી કે, બસ એક જુદાઈ દેના તેરા હક હૈ.

******

"યાર અભય... તું કેમ દિવાળી ની રાત્રે બહાર નથી નીકળતો... નથી તને કોઈ દિવસ 31st મનાવતા જોયો.... તને નવા વરસ થી દુશ્મની છે!?"

"હા ... એવું જ કંઈક સમજ..."

"શું નામ છે!!!?"

"ઉંહુ... ડર ફિલ્મ નો ડાયલોગ યાદ કર.... નામ લૂંગા તો વો બદનામ હો જાયેગી..."

"ચાલ નામ નાં કહેે તો કંઈ નહીં... વાત તો કર તારાં આ નવા વરસની દુશ્મનીની"

"ઓકે... તો સાંભળ..."

*****

"જય શ્રી કૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ"

"તમે આવો છો ને?"

"ક્યાં!!!?"

"અહીં, રોશની જોવા, રંગોળી કરવા અને ઊંધિયું પુરી ખાવા !!!?"

"ના ના , આ વખતે મેળ નહીં પડે... સોરી..."

"કેમ પણ !!!?"

"અરે, મેં મમ્મી પાપા ને પણ ના પાડી છે કે હું નહીં આવું... બહું કામ છે."

"એ મને નથી ખબર... પણ તમારે અહીં આવું જ પડશે... બાકી હું રંગોળી પણ નહીં બનાવું... રોશની જોવા પણ નહીં જાવ... અને ઊંધીયુ પુરી પણ નહીં ખાઉં."

"મીઠું... એવી જીદ ના હોય યાર"

"આને જીદ ના કહેવાય... ઈચ્છા અને પ્રેમ કહેવાય"

"એમ !!!?"

"હાં, એમ. ( કેપીટલમાં)"

"પણ હું બધા ને શું કહું હવે!!?"

"એ તમારો પ્રશ્ન છે... તમારી પાસે 6 કલાક છે... રાત્રે 12 પેલા આવી જજો... તો જ હું તૈયાર થઈશ અને રોશની જોવા જઈશ અને બાકી જમ્યા વગર સુઈ જઈશ."

"ઓકે... મને 10 મિનિટ આપ વિચારવા...."

"ના... હવે અહીં આવીને જ મેસેજ કે ફોન કરજો."

અભય... મૂંઝાણો છે... કે શું કરે અને કેમ કરે !!? એણે આસ્થા ની આશા અને આસ્થા પણ સાચવવાની છે અને ઘરનાં ને પણ... અને સાથે જે મિત્રોને ના પાડી હતી કે એ નહીં આવે એ પણ...પણ મગજ ની આગળ દિલ જીતી ગયું અને રસ્તામાં વિચારી લઈશ... એવું વિચારીને એ ગામ જાવા બસમાં બેસી ગ્યો... અને બસમાંથી બેસીને આસ્થાને મેસેજ કર્યો કે નોન સ્ટોપ બસ માં બેસી ગ્યો છું અને 11.30 એ પહોંચી જઈશ.

આસ્થા એ સામો જવાબ આપ્યો કે "મને હતું જ કે તમે મને નારાજ નહીં જ કરો... અને તમારાં માટે એક સરપ્રાઇસ પણ છે... જલ્દી આવો."

"હવે તું કે તો બસ હું ચલાવું તો થાય.... આ બસ કાઈ મારાં સસરાની નથી કે તું કહે એમ ચાલે"

"ઓયે... પાપા ને વચ્ચે ના લાવો હો..."

"હા તો હું ત્યાં આવું ત્યારે એને કહેજે કે દૂર રહે."

"મારા કરતાં તો એ તમારું વધુ સાંભળે છે" 😏

"ઓકે ઓકે... જમી તું!!!?"

"ના... કહ્યું ને કે રાત્રે સાથે ઊંધિયું પુરી ખાશું... જલ્દી આવો... બહુ ભૂખ લાગી છે."

"આવું છું મારાં બાલમંદિરની માં, તારી જીદ પુરી કરવાં જ આવું છું... હજુ એ પણ નથી વિચાર્યું કે ઘરે અને બીજા ને શુ કહીશ હું!!!?"

"બાલ મંદિર કાંઈ નૈ હો... બસ એક જ..."

"એ પછી નક્કી કરશું... પણ એ તો કે તું... શું સરપ્રાઇસ આપવા ની છો!!?"

"એ આપું ત્યારે જોઈ લેજો."

"ઓકે... હવે 1 કલાક જ દૂર છું... ત્યાં પહોંચી ને બેગ ઘરે મૂકી ને ત્યાંજ આવીશ સીધો.."

"ઓકે... ઓલો કહ્યો તો એજ શર્ટ પહેરજો..."

"હાં બાપા હાં."

*****

1 કલાક પછી

*****

"અરે ભાયા તું!!! આમ ઓચિંતા નો !!!? તું તો ના પાડતો'તો કે નહીં આવ !!"

"હાં યાર... પણ ગામ ની દિવાળી બહું જ યાદ આવી અને મેઈન તો ઊંધિયું પુરી અને સાથે બધાંને સરપ્રાઇસ આપવી'તી ."

"સરસ સરસ... મજા આવી ગઈ તું આવ્યો એટલે..."

( બધા સાથે આવી વાતો કરી... અને નઝર ના ખૂણેથી આસ્થા ને પ્રેમથી અને ભયથી જોઈ લેતો અભય કોઈ ની નજરમાં ના આવી જાય એનું ધ્યાન રાખતો )

( બધાં ગામમાં રોશની જોઈ ઊંધિયું પુરી પાર્સલ કરાવી અસ્થાના એપાર્ટમેન્ટ પર જાય છે, જ્યાં આસ્થાનો ફ્લેટ હતો.)

( આસ્થા, અભયના ખાસ મિત્રની બહેન હતી)

આસ્થા લાગ જોઈને અભયની પાસે બેસી જાય છે... આડોશ પડોશમાં રહેતી એની સખીને આની ખબર હોય છે... એટલે એ મજાક કરે છે અને આસ્થા છણકો કરીને એને ખીજાય છે)

"ચાલ અભય... અગાસી માં..."

"ના ભાઈ... એ અમને રંગોળી કરવા માં મદદ કરશે... એને બહું સારી આવડે છે..."

(ઇશારાથી ખિજાતી હોઈ એવું અભય ને લાગ્યું... એટલે એણે એના મિત્ર ને કહ્યું... ) "ભાઈ... તમે લોકો ઍન્જોય કરો... હું આ લોકોની મદદ કરી દવ રંગોળી કરવામાં."

( આસ્થા ખુશ થઈ અને અભિમાન અને ગર્વથી એની સહેલીઓ સામે જોઇને મલકાઈ)

"ઓકે... તને જેમ ગમે એમ... મન થાય તો આવી જાજે અગાસી માં..."

રંગોળી કરતાં કરતાં અનેકો વખત બંને એકબીજા ને સ્પર્શ કરી લેતાં ... અને આ બધી હરકતો એની સહેલીઓ જોઈને મજાક કરતી....

રંગોળી તૈયાર થઈ ગઈ... બધા ઘરે જાવા લાગ્યા...આસ્થાએ અભય ને ઈશારા થી કહ્યું... રોકાજે.

બધાં અંદર ગયાં પછી... દાદર પર.... અભય અને આસ્થા...

"તારા કહ્યાં અને ઈચ્છા મુજબ અને મારી સરપ્રાઈઝ મેળવવાં માટે હું અહી આવી ગ્યો... હવે તારો વારો..."

હજું અભયના શબ્દો પૂરા થાય એ પહેલાંજ આસ્થા એ એના રસીલા હોંઠ અભયના હોંઠ પર રાખીને ચસચસતું ચુંબન આપી દીધું.

અભય એની જીંદગીમાં મળેલાં પહેલાં ચુંબનની અનુભૂતિમાંથી બહાર આવે એ પહેલાં તો આસ્થા હસતા હસતા ઘરે જવા માટે ભાગી...

અભય ત્યાં જ બાઘો બની ને બેઠો રહ્યો....

*****

31 dec... ઇંગ્લિશ ન્યુ યર...હિન્દુ ન્યૂ યર એ જે બન્યું એનું પરિણામ ઇંગલિશ ન્યૂ યરમાં આવ્યું.....

"બકુ... ભાઈ તને ઇમોશનલ કરશે... પણ તું એની વાતો માં આવી ન જતો... હું તારી સાથે જ છું..."

"પણ મીઠું તું તારું કહેલું પણ યાદ રાખજે... કે ઘરનાં ની મંજૂરી હશે તો જ કરશું... કોઈને નારાજ કરીને નહીં કરીએ."

"તમે તમારી ફિલ્મી અને કિતાબી વાતો ના કરો... એ હકીકતમાં કામ ના આવે... દિલથી નિર્ણય લેજો... દિમાગથી નહીં... મારાં ભાઇને તમારી કમજોરી ખબર છે... અને એ એનો પૂરો લાભ લેશે..."

"ઓકે... 3.30 એ બોલાવ્યાં છે.... ભાઈની ઓફિસે..."

"હાં... મને પણ"

"યાર શુ કરું!!!? બહુંજ બીક લાગે છે... મારાં ઘરનાને માંડ માંડ મારા પર ફરી વિશ્વાસ આવ્યો છે... અને એમાં પણ તું મારી બેનની નણંદની નણંદ.... અને અધૂરામાં પૂરું મારાં ભાઈને અહીં સેટ કરવા માટે તારા ભાઈઓ ને પાર્ટનર બનાવ્યાં...જો આ વાત ને લીધે મારી બેન ને કાઈ તકલીફ થાશે...અને મારાં ભાઈનો ધંધો બંધ થઈ જાશે તો મારા ઘરનાં મને બીજી વાર માફ નહીં કરે...અને હું તને પણ ખોવા નથી માંગતો..."

"એ બધું વિચારીશ તો મને ખોઈ જ બેસીશ... અને આખી જિંદગી પસ્તાવો કરીશ... અને મારી જિંદગી પણ બરબાદ કરીશ... અને જો એવું થાશે તો હું તને કોઈ દિવસ માફ નહીં કરું...."

"અરે.... પણ..."

"પણ બણ કાઈ નહીં... બસ તું હિમ્મત ના હારતો... બાકી મને હારી જઈશ... હું ઘરે થઈ નીકળું છું..."

*****

અભયના ભાઈ નિર્ભય ની ઓફીસ... અભય... નિર્ભય... આસ્થા અને અસ્થાનો ભાઈ.

"નિર્ભયભાઈ... હું તમારી અને તમારાં ઘરની બહુંજ ઈજ્જત કરું છું... અને આપણા બંનેના ઘરનાં સબંધ પણ સારાં છે.... પણ અભય અને આસ્થા ને એકબીજાંની ઝાઝી ખબર નથી... જેટલી તમને અને મને અભયની ખબર છે એટલી આસ્થાને નહીં હોય.... અને જેટલી ખબર મને આસ્થાની છે એટલે અભય અને તમને નહીં હોય. એ બંને આવેગમાં છે... અને જો અભય મારો મિત્ર ના હોત તો મેં એને અહીં ને અહીં મારી મારી ને પાડી દીધો હોત...છતાં પણ હું એ બંને ને એક ચાન્સ આપું છું... કે હજુ એ બંને એક વાર વિચારી ને અહીં આપણી સામે નિર્ણય કહે પોતપોતાનો.... અને પછી હું ઘરે વાત કરીશ...મારી તો નાં જ છે... છતાં પણ હું આ બંને માટે ઘરે વાત કરીશ... પણ જો પછી ઘરનાંની મંજૂરી નહીં હોય... તો હું સાથ નહીં આપું..."

આસ્થા : "ભાઈ મારી પસંદ યોગ્ય જ છે... અને ભલે મારા કિસ્મતમાં દુઃખી થવાનું હશે તો પણ હું અભયની સાથે જ દુઃખી થવા માંગુ છું... પણ મને ભરોસો છે કે અભય મને દુઃખી નહીં કરે."

"ઓકે.... તે તારો નિર્ણય કહી દીધો.... હવે તું ઘરે જા.... હું અભય અને નિર્ભયભાઈ સાથે વાત કરીને ઘરે આવું છું."

"ના... મને ખબર છે કે જો હું અહીંથી ચાલી જઈશ... તો અભય ને તમે ઈમોશનલ કરીને મજબૂર કરી નાખશો."

"આસ્થાઆઆઆઆ...... તને કહ્યું ને કે હવે તું ઘરે જા...."

"ઓકે ભાઈ....અભય... પ્લીઝ તું હિમ્મત રાખજે.... હું તારાં ભરોસે આટલી આગળ વધી છું... અને તું બીજાનું વિચારીને આપણું ના બગાડતો... પસ્તાઈશ બાકી..."

"આસ્થા બસ હવે.... એ મુન્નો નથી.... તું જા હવે ઘરે..."

આસ્થાના ગયાં પછી....

"નિર્ભયભાઈ.... તમને તો ખબર જ છે કે અભય સાથે આટલું બન્યા પછી પણ મેં કંઈ રીતે મારાં ઘરનાંને તમારાં ધંધામાં પાર્ટનર બનાવા મનાવ્યાં હશે એ....અને જો હું ઘરે વાત કરીશ અને હા પાડે તો તો કોઈ પ્રશ્ન જ નથી... પણ જો નાં પાડશે તો શું થાશે એ વિચારીને મને બીક લાગે છે... અને તમે પણ વિચારો....આ માણસ ને બીજા કોઈનો વિચાર જ નથી આવતો, મને શરમ આવે છે આવા માણસને મારો મિત્ર કહેતાં."

નિર્ભય અભય ની સામે લાચારીથી જુવે છે.... અને એની એ નઝર અભયને ઘણું કહી ગઈ.

અભય રડતો હોઈ છે.... મૂંઝવણમાં હોઈ છે.... ઘરનું વિચારે... ભાઈ નું વિચારે... બેન નું વિચારે.... અને ખાસ મિત્ર સાથે ના સબંધ નું વિચારે....અને બીજી બાજુ આસ્થાના શબ્દો અને પ્રેમ....

અને અભય પોતાનો નિર્ણય જાહેર કરે છે.... "મારે લગન નથી કરવાં..."

આટલું બોલીને એ ઓફીસ ની બહાર નીકળી જાય છે.... અને આસ્થાને ફોન કરે છે... "આસ્થા... મને માફ કરી દેજે.... હું મારાં ઘરનાનો પ્રેમ બહુંજ સમય પછી પામી શક્યો છું... અને મારા સ્વાર્થ માટે હું મારાં ઘરનાને અને મારી બેનને તકલીફ પડે અને તારાં ઘરનાનો પણ વિશ્વાસ અને સાથે મારા મિત્રને પણ ખોઈ બેસું એ મને યોગ્ય નથી લાગતું...અને આમ પણ આપણે નક્કી કર્યું તું કે જો ઘરનાને મંજૂર હશે તો જ લગન કરશું..."

"બકુ... પ્લીઝ તું આવું ન વિચાર.... મને જે બીક હતી એ જ થઈ રહ્યું છે... અને એટલે જ તને એ લોકોની વચ્ચે એકલો મુકવા નહોતી માંગતી હું... તું એમ સમજે છે છે કે તારી આ મૂર્ખાઈ અને તારા આ બલિદાન થી તને બધા પ્રેમથી બોલાવશે કે પેલાંની જેમ તારા અને મારા ભાઈના સબંધ રહેશે!!!? તો તું જિંદગીની મોટામાં મોટી ભૂલ કરવા જઈ રહ્યો છો...."

"હાં, ભલે... પણ હું કોઈ ને હવે નારાઝ કરવાં નથી માંગતો.... 5 વરસ પછી ઘરમાં મને સ્થાન મળ્યું છે... પ્રેમ મળ્યો છે.... એ હું ખોવા નથી માંગતો...અને મારા લીધે મારી બેન ને કોઈ તકલીફ થાય... કે મારાં ભાઈનો ધંધો બંધ થાય એ મને મંજૂર નથી..."

"બકુ... પ્લીઝ હજુ એક વાર વિચારી લે... મારુ તો વિચાર અભય.... હું તારાં માટે થઈ ને મારાં ઘરની સામે થઈ... અને તું મારુ નહીં વિચાર!!!?😢"

"મીઠી... તને ખોવી એ મારા માટે પણ સહેલી વાત નથી જ.... પણ મારી પાસે કોઈ રસ્તો નથી.... અને આમ પણ તે જ કહ્યું તું કે ઘરનાંની હા હશે તો જ લગન કરશું..."

"એક ની એક વાત પકડીને ના બેસો પ્લીઝ.... એવી તો અનેકો વાત થઈ હતી અને સપનાઓ જોયા હતાં... તો એ પણ યાદ કરો..."

"બસ... હવે મારાંથી ઝાઝું નહીં બોલાય... જો તું મને પ્રેમ કરતી હો તો મને ભૂલી જા.... અને બને તો મને માફ કરજે...."

"હાહાહા... વાહ બકુ વાહ... સરસ...બહું જ શીખવા મળ્યું... થેન્ક યુ...મેં તને પ્રેમ કર્યો તો... કરું છું અને કરતી રહીશ... અને તે આજે મને એકજ મિનિટમાં ભૂલવાનું કહી દીધું !!! પણ જોજે આ નિર્ણયનો અફસોસ જ્યારે તને થશે ત્યારે બહું જ મોડું થઈ ગયું હશે અને ત્યારે તને મારી બહું જ યાદ આવશે...."

*****

"ઓહ... હવે સમજ્યો હું.... કે તને નવા વરસ થી આટલી નફરત કેમ છે એ."

"હા યાર... બંને સમયે મને એનાં કહેલા શબ્દો યાદ આવે છે... અને એક એક વાત એની સાચી પડતી જોવ છું...અને એક સમયે અમે સાથે દિવાળીની આખી રાત જાગતા રંગોળી બનાવતાં... ગામ માં રોશની જોવા જતા... અને પહેલું ચુંબન.... અને 31st ના દિવસ નો મારો મુર્ખામી ભર્યો નિર્ણય...હું મારી જાત ને માફ નથી કરી શકતો યાર... એટલે બહાર નથી નીકળતો...દિવાળી આવે અને દિલમાં હોળી પ્રગટાવી જાય છે."

*****

સમાપ્ત

*****

આસ્થા ના જીવનમાં આગળ શું થાય છે એ જાણવા અહીં ક્લીક કરો.

-ચેતન ઠકરાર

9558767835
www.crthakrar.com