દિલ કા રિશ્તા - 3 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ કા રિશ્તા - 3

( મિત્રો આપણે આગળ જોયું કે, વિરાજ "અપના ઘર" આશ્રમમાં મેડીકલ કેમ્પ કરે છે. સાથે સાથે આ વખતે એ આશ્રમના સદસ્યોને પ્રવાસ લઈ જવાનું વિચારે છે. જેમાં એના મિત્રો પણ સાથ આપે છે. વિરાજ આ જ આશ્રમમાં એ યુવતીને જુએ છે જેને એ ઘણાં દિવસથી ઘરની બહાર જોતો હોય છે. એ યુવતી આ જ આશ્રમમાં રહે છે. વિરાજ પ્રવાસની બધી તૈયારી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)

કાલે વહેલી સવારે વિરાજ એના દોસ્ત અને અપના ઘરના સદસ્યો આબુ અંબાજીના પ્રવાસે જવાનાં હોય છે. આશ્રમની કેટલીક મહિલાઓની સલાહ પ્રમાણે સવારે નાસ્તા માટે થેપલા આશ્રમની મહિલાઓ દ્વારા બનાવવામાં આવે. અને મેનેજરે એ વાત કાવેરીબેનને પહોચાડી હોય છે અને કાવેરીબેન પણ એના માટે રાજી થાય છે.

વિરાજ રાતે જ એના દોસ્તો સાથે મસલત કરીને બધી બધી વ્યવસ્થા થઈ ગઈ છે કે નહી એ જાણી લે છે અને આલારામ મૂકીને સૂઈ જાય છે.

સવારે આલારામ વાગતાં જ વિરાજ ફટાફટ ઊઠીને તૈયાર થઈ જાય છે. અને કાવેરીબેન સાથે ગાડી અપના ઘર તરફ ભગાવે છે. ત્યાં જાય છે ત્યારે આશ્રમનાં બધાં જ લોકો વૃદ્ધો, વિધવા બહેનો અને બાળકો બધાં જ તૈયાર થઈને એમની રાહ જોતાં હોય છે. બાળકોમાં ફરવા જવા માટેનો થનગનાટ એમની આંખોમાં સાફ સાફ દેખાય આવે છે.

બધાં જ રેડી હોય છે ખાલી બસની જ રાહ જોવાતી હોય છે. બાળકો અધીરાઈથી આશ્રમનાં દરવાજે ટકટકી લગાવી રહ્યા હોય છે. ત્યાં તો બસના હોર્નનો અવાજ આવે છે. સાથે સાથે વિક્રમ, રાહુલની અને સમર્થની ગાડી પણ આવે છે. બધાં ખુશ થઈ જાય છે. કેટલાક બાળકો ઉત્સાહીત થઈને આશ્કાને બૂમ પાડીને બોલાવે છે. વિરાજની નજર પણ અનાયાસે એ તરફ જાય છે. અને એ જુએ છે કે, આશ્કા આશ્રમની બીજી મહિલા અને છોકરીઓ સાથે કેટલોક સામાન લઈને આવતી હોય છે.

લાઈટ ગુલાબી પંજાબી ડ્રેસમાં આશ્કા ખૂબ જ સુંદર લાગી રહી હોય છે. ચેહરા પર કોઈ પણ જાતનો મેકઅપ નહી, વાળ પણ ચોટલામા બાંધેલા. છતાં પણ એના ચહેરો લાવણ્યમય લાગી રહ્યો હોય છે.

કાવેરીબેન : અરે આ શું છે ?

આશ્કા : મેડમ નાસ્તા માટે થેપલા બનાવ્યાં છે. બસ એ જ છે.

કાવેરીબેન : ઓહો ખૂબ સરસ. વિરાજ બેટા આમને સામાન મૂકવામાં મદદ તો કર.

વિરાજ અને એના દોસ્ત સાથે બધાં પાસેથી સામાન લેવાં આગળ વધે છે. વિરાજ આશ્કા પાસે જઈને એનાં હાથમાંથી થેલો લેવાં જાય છે ત્યારે આશ્કા હલકી મુસ્કુરાહટ સાથે એના હાથમાં થેલો આપે છે. વિરાજ પણ સામે સ્માઈલ આપી થેલો લે છે અને બસની ડીકીમાં મૂકાવે છે. બધો સામાન વ્યવસ્થિત મૂકાય જાય છે અને બધાં પોત પોતાની જગ્યા પર ગોઠવાઈ જાય છે.

ત્રણ બસ કરેલી હોય છે, એક બસમાં વિરાજ, રાહુલ, કાવેરીબેન, વિક્રમ અને સમર્થ બેસે છે જેમાં બાળકો અને આશ્કા હોય છે. બીજી બે બસમાં મેનેજર અને ટ્રસ્ટીઓ બેસે છે. વિરાજ અને એનાં દોસ્ત સૌથી પાછળની સીટ પર બેસે છે. આશ્કા અને બીજી છોકરી એમની આગળની સીટ પર બેસે છે. બસ ધીરે ધીરે શહેરનો રસ્તો છોડી હાઈવે તરફ ગતિ કરે છે.

બાળકો વહેલાં ઉઠ્યાં હોવાથી ધીરે ધીરે સીટ પર જ સૂઈ જાય છે. વિરાજ અને એનાં ફ્રેન્ડ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. સૂરજ હજી ઊગ્યો નોહતો પણ આકાશમાં છવાયેલ કેસરી અને લાલ રંગની રંગોળી એના આગમનની પ્રતીતિ કરાવી રહી છે. ધીરે ધીરે સૂરજ આકાશમાં પોતાનું આધિપત્ય સ્થાપી રહ્યો છે. વિરાજ બારી બહાર કુદરતના આ નઝારાને જુએ છે. અને એનાં મનમાં કેટલીક પંક્તિઓ સ્ફૂરે છે.

" આકાશમાં રંગોનો આ તે કેવો મેળાવડો છે !
ક્યાંક લાલ પીળા રંગોનો સમન્વય રચાયો છે,
પોકારી રહી છે છડી ઉષા એના આગમનની,,
રથ પર સવાર ભાનુ ગગનમાં આવી રહ્યો છે.."

આ તરફ આશ્કા પણ કુદરતના આ સૌંદર્યને માણી રહી હોય છે. સૂરજની તાજી તાજી કિરણો એના ચહેરાને સેહલાવી રહી છે. અને એ પણ દુનિયાથી અલિપ્ત કુદરતના સાનિધ્યમાં પોતાને ભૂલી હોઠો પર હલકી હસી સાથે આદિત્યના આગમનને વધાવે છે.

ધીરે ધીરે બાળકો પણ ઉઠે છે. અને પછી શરૂ થાય છે હસી અને ખિલખિલાટનો ગુંજારવ.વિરાજ અને એનાં દોસ્તો પણ એમની મજાક મસ્તીમા સાથ આપે છે. એક બાળક હજી સૂતો હોય છે, બીજો છોકરો એની પાસેની સીટી એના કાન પાસે લઈ જઈને જોરથી વગાડે છે. અને એ છોકરો ગભરાઈને જાગી જાય છે. અને એનાં ચહેરાના હાવભાવને જોઈ બધાં હસવા લાગે છે. આશ્કા પણ એમની હસીમા સામેલ થાય છે. એના ચેહરાની એ મુસ્કુરાહટ જોઈ વિરાજનો દોસ્ત કહે છે. કેટલી માસૂમ લાગે છે આ છોકરી. હા કુદરતે એને અલગ જ સૌંદર્ય આપ્યું છે. વિરાજ જવાબ આપે છે.

કાવેરીબેન : વિરાજ, ક્યાંક સારી હોટલ જોઈને બસ ઊભી રાખ તો બાળકોને નાસ્તો કરાવી લઈએ. છોકરાઓને ભૂખ લાગી હશે.

બધા છોકરાંઓ એક સાથે કહે છે, ના મેડમ અમને અત્યારે ભૂખ નથી લાગી. પછી નાસ્તો કરીશું. ત્યાં એક નાનો છોકરો આશ્કા પાસે જાય છે અને કહે છે, મને પીપી લાગી છે આશ્કાદીદી.. આશ્કા કાવેરીબેનને કહે છે, અને કાવેરીબેન વિરાજને કહે છે. વિરાજ ડ્રાઈવરને કહી એક હોટલ પાસે બસ ઊભી રાખે છે.

ધીરે ધીરે બધાં છોકરાં છોકરીઓ ફ્રેશ થઈ આવે છે. અને મોટાં લોકો પણ એક પછી એક ફ્રેશ થાય છે. અને પાછા બધાં બસમાં ગોઠવાઈ છે. આમ જ હસી મજાક કરતા અને ગીત ગાતા ગાતા સફર આગળ વધે છે. વિરાજ એક ખુલ્લું મેદાન જૂએ છે જ્યાં ધટાદર વડલો હોય છે અને એ વિક્રમને કહે છે, યાર આ જગ્યા નાસ્તો કરવા માટે બેસ્ટ છે. આપણે અહીં જ મુકામ કરીએ. અને બધાં એગ્રી થતા બસ ત્યાં જ સાઈડ પર રોકે છે. વિરાજ બીજી બંને બસમાં આવતા મેનેજરને ફોન કરીને આ જગ્યા પર બસ રોકવાનું કસે છે. એમની બસ પણ પાછળ જ આવતી હોય છે એટલે એ લોકો પણ થોડીવારમાં ત્યાં પહોંચી જાય છે. આશ્કા અને બીજી છોકરીઓ બધો સામાન બહાર કાઢે છે, આશ્કા બધાં બાળકોને એક લાઈનમાં બેસવાનું કહે છે. અને બાળકો પણ એકદમ શિષ્ટબદ્ધ લાઈનમાં બેસી જાય છે. બધાં બાળકોને પેપર ડીશમાં થેપલા અને મુરબ્બો આપવામાં આવે છે.

વિરાજ અને એના દોસ્તો પણ જમીન પર પલાંઠી વાળીને ગોળ રાઉન્ડમાં બેસી જાય છે. અને થેપલાની લિજ્જત માણે છે. નાસ્તો કરી એ લોકો ફરીથી બસમાં બેસી જાય છે. આમ જ મજાક મસ્તી કરતાં કરતાં એ લોકો મા અંબાના ધામમાં આવે છે. ત્રણે બસનાં ડ્રાઈવર એક જગ્યા પર બસ ઊભી રાખે છે અને કહે છે, હવે અહીંથી તમારે ચાલતાં ચાલતાં જ મંદિર સુધી જવું પડશે. અહીં પણ આશ્કા બધાં બાળકોને એક લાઈનમાં ઊભા રાખે છે. એ જોઈને કાવેરીબેન કહે છે, આ છોકરીમાં ખૂબ સારું ટેલેન્ટ છે. એની દરેક વાત બાળકો એકવારમાની જાય છે. બધાં એક પછી એક મા અંબા મા દર્શન કરી ધન્યતા અનુભવે છે. બધાં વડીલો તો ખૂબ ખુશ થાય છે અને વિરાજ તેમજ એના દોસ્તોને ખૂબ આશીર્વાદ આપે છે.

બધાં દર્શન કરી બસમાં પોત પોતાની જગ્યા લે છે. અને બસ આબુ તરફ પોતાની ગતિ પકડે છે. બપોર સુધીમાં તો તેઓ આબુની તળેટીમાં પહોંચી જાય છે.

આબુ રાજસ્થાનમાં આવેલું એક માત્ર હીલ સ્ટેશન છે. જે સિરોહી જિલ્લામાં આવેલું છે. અરવલ્લીના પહોડોથી રચાયેલું ખૂબ જ આલ્હાદક સ્થળ છે. અને ગુજરાતની સરહદની એકદમ નજીક હોવાથી ગુજરાતીઓની ત્યાં ખાસ ભીડ હોય છે. બસ ધીરે ધીરે અરવલ્લીના પહાડોને ચીરતી પોતાની મંજીલ તરફ વધે છે. જેમ જેમ બસ આગળ વધે છે તેમ તેમ શહેર નાનું થતું જાય છે. ખેતરો તો જાણે માચીસના બોક્સ મૂક્યાં હોય એવું લાગે છે. લગભગ 12 વાગ્યે તો એ લોકો આબુ પહોંચી જાય છે. સૌથી પહેલાં એ લોકો દેલવાડાના દેહરા જોવા જાય છે.

11 થી 13મી સદીમાં બનાવેલ આ દેહરા મનુષ્યની બેનમૂન કારીગરનો લાજવાબ નમૂનો છે. એને જોઈને તો બધાં ખૂબ જ અચંબિત થઈ જાય છે. આશ્કા પણ ખૂબ બારીકાઈથી એ બધું જોતી હોય છે. તે બીજી છોકરી સાથે વાત કરતી કરતી બધું જોય છે. અને એક જગ્યા પર ઊભી રહી જાય છે. અને કહે છે, કેટલું સુંદર છે આ બધું. મને તો સમજ નથી પડતી આ બધું કેવી રીતે બનાવ્યું હશે. પણ અનાયાસે ત્યારે વિરાજ પણ એની બાજુમાં જ ઉભેલો હોય છે. એ વિરાજને જુએ છે અને સંકોચાઈ ને ઊભી રહી જાય છે.

વિરાજ : હા આ ખૂબ જ અદ્ભૂત કારીગરી છે. તને ખબર છે એ સમયમાં આરસના પત્થરોમાથી બનાવવામાં આવ્યું છે. વિમલ શાહ, વસ્તુપાલ અને તેજપાલ દ્વારા એની રચના કરવામાં આવી છે. એ સમયે આ બધો સામાન તેઓ હાથી પર લાવતા.

આશ્કા : હે હાથી પર !!

વિરાજ : હા અને આ જૈન મંદિરને બનાવવામાં લગભગ બે સદીથી વધારે સમય લાગ્યો છે.

આશ્કા : હા પણ આટલી બારીકાઈથી તો કોતરણી કેવી રીતે કરી હશે.

વિરાજ : આ જ તો એની ખાસિયત છે.

આશ્કા : તમે પહેલાં પણ આવ્યાં છો અહીં ?

વિરાજ : આ હું તો ત્રણ ચાર વાર આવ્યો છુ અહીં. તુ પહેલી વાર આવી છે ?

આશ્કા : હા હું તો પહેલી વાર જોઉં છું આવું બધું.અને એ પણ આપ સૌની મહેરબાનીથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર..

વિરાજ : અરે એમાં આભાર માનવાની જરૂર નથી. મારા દિલને થયું એટલે મે આ કર્યું. તુ અત્યારે ભણે છે ?

આશ્કા : હા હુ કૉલેજના છેલ્લા વર્ષની ડાયરેક્ટ એક્ઝામ અપાવાની છું. આમ તો કાકાએ મારું રેગ્યુલર કૉલેજમાં એડમીશન કરાવ્યું છે. પણ અમારા પ્રોફેસર કહે છે કે, હું ભણવામાં સારી છું તો ડાયરેક્ટ ત્રીજા વર્ષની એક્ઝામ આપું.

વિરાજ : સરસ. પણ ટ્યુશન કે બીજી કોઈ પણ જરૂર હોય તો બેજીજક કેહજે.

આશ્કા : જી ધન્યવાદ..

થોડી ઘણી આમતેમની વાત કરી બંને બીજા બધાં પાસે જાય છે. બધાએ મનભરીને મંદિરના દર્શન કર્યા. અને પછી એ લોકો અચલગઢનો કિલ્લો જોયો. આટલું ફરતાં ફરતાં તો સાંજ થવા આવી. બપોરે એ લોકોએ હલકો જ ખોરાક લીધો હતો. ડ્રાઈવરની સલાહ પ્રમાણે એ લોકો સનસેટ પોઈન્ટ લેક ફરે છે. અને ગુરુ શિખર અને નકી લેક બીજા દિવસે જોવાનું નકકી કરે છે. અને બધાં સનસેટ પોઈન્ટ તરફ જાય છે.

સનસેટ પોઈન્ટ પહોંચતા જ ત્યાંનો અદ્ભુત નજારો જોઈ તેઓ અભિભૂત થઈ જાય છે. સુર્ય એની અંતિમ ચરણોમાં હોય છે. જેમ નાનું બાળક માતાની આચલમા પોઢી જાય છે એમ સૂરજ પણ વાદળોને માતાનું આચલ બનાવી એના આગોશમાં સમાઈ જાય છે. બધાંએ ત્યાં ખૂબ ફોટા પાડ્યા. વિરાજે બધાં બાળકોના સૂરજ સાથે ફોટો લે છે. આશ્કાને પણ કહે છે પણ એ ના કહે છે. જ્યારે સૂર્ય સંપૂર્ણ પણે ધરતીની આગોશમાં સમાઈ જાય છે ત્યારે બધાં પોત પોતાના વાહન તરફ પ્રયાણ કરે છે. શહેરમાં આવતાં એ લોકો એક સારી હોટલમાં જમે છે. અને જ્યાં રૂમ બુક કર્યો હોય ત્યાં પહોંચે છે.

બધાં ખૂબ થાકી ગયા હોય છે એટલે પથારીમાં પડતા જ સૂઈ જાય છે. આશ્કા પણ આજે ખૂબ ખુશ હોય છે. હવે કાલનો દિવસ એમનાં માટે કંઈ ખુશી લાવે છે એ આગળના ભાગમાં જોઈશું.

મિત્રો સ્ટોરી પસંદ આવે તો કમેન્ટ જરૂર કરજો.

* * * * *

Tinu Rathod - તમન્ના