નટુ Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નટુ

વાર્તા

નટુ
નામ નટુભાઈ.પણ ઓળખાય નટુ તરીકે.સૌ સાથે સારાસારી રાખે.એટલું જ નહીં, જેવા માણસો એવી વાતો કરી જાણે.અર્થાત્ દરેક વિષયનો જાણકાર.પરિણામે એની આસપાસ મધમાખી જેવું ટોળું હોય જ.એથીય નવાઈ દર શનિવારે નીકળી પડે વનવગડામાં રખડવા. કોઈ સાથે આવે તો ઠીક ન આવે તો પણ ઠીક.અવનવી વસ્તુઓ, અવનવા આકારોનો સંગ્રહ કરવાનો પણ જબરો શોખ. જ્યારથી અનિલકપુરનું પિક્ચર જોયું ત્યારથી અદ્રશ્ય થવાની ઈચ્છા જોર કરી ગઈ.કોઈએ એનાં કાનમાં વાત નાખી કે જંગલમાં આવી અવનવી વસ્તુઓ મળી જાય છે ત્યારથી એનાં તનમનમા ભૂત સવાર થઈ ગયું છે. અઠવાડિયામાં એક વાર જંગલમાં રખડવું. પરિણામે શાળાનાં મિત્રો હંમેશાં તેની મજાક મશ્કરી કરતાં રહેતાં.પણ તે કોઈને ગણકારે નહીં.
ગરમીનાં દિવસો શરૂ થઈ ગયાં હતાં. નાનકડાં ગામમાં હજુ સુધી વિજળી આવી ન હતી.નટુએ હંમેશ મુજબ શાળામાંથી છૂટા પડતાં સૌ મિત્રોને જણાવી દીધું કે જેઓએ તેની સાથે ફરવા આવવું હોય તો સવારે પાંચ વાગે ગામની ભાગોળે ભેગાં થાય. સવારે જંગલમાં વાતાવરણ ખુશનુમા ભર્યું હોય .ગામની ગરમીથી સૌ કોઈને છુટકારો મળશે.સાથે ચપ્પુ, ધાબળો, ફાડિયું, લાકડી,નાસ્તાનો ડબ્બો, પાણીનો જગ,પ્યાલો,ધારિયું, ટોર્ચ, સૌએ સાથે લાવવું ,હંમેશની જેમ શિખામણ આપી છૂટો પડ્યો. એ જાણતો હતો આમાંથી માંડ બેત્રણ જણ આવશે.
પણ એનાં આશ્ચર્ય વચ્ચે પંદરજણ એની સાથે હતાં.જેઓ પ્રથમવાર એની સાથે હતાં તેઓ કુદરતનું સૌંદર્ય અજનજીબથી જોઈ રહ્યાં હતાં.રંગબેરંગી પક્ષીઓનો કલરવ, હરણાં,મોર, વાનરો જેવાં ઘરેલું પશુપક્ષીઓથી સૌ આનંદમાં હતાં. નટુ ચાલતો જાય,ફૂલો,વૃક્ષોનો પરિચય પણ આપતો જાય. પણ મસ્તીખોર હેમંત નટુનો પ્રભાવ સાંખી શકતો નહીં. વર્ગમાં પણ નટુની ઠેકડી ઊડાવ્યા કરે.રિસેસમાં છોકરાંઓ નટુને ધેરીને ઊભાં હોય. એની પાસે અવનવી વાતોનો અનુભવ એવો હોય કે સાંભળનાર માથું ખંજવાળ્યા કરે. નટુની આંગળી આકાશ તરફ હોય, સૌની નજર એની ગોળ ગોળ ફરતી આંગળી તરફ! નટુ નજર આંગળી તરફ રાખી જુસ્સાથી કહે, “અરે! રાતના પેશાબ કરવાં ઊઠ્યો, ચામાચિડીયાનાં ડરાવી નાખે તેવાં અવાજ, દરવાજો ખૂલતાં કૂતરાંઓનાં ભસવાનાં અવાજો વચ્ચે અમાસની રાતે આકાશમાંથી ધરતી ઉપર ગોળ ગોળ ફરતો રકાબી જેવો પ્રકાશ જોયો અને..”
“ અને શું?” ઊભેલી નટુની ટોળી આશ્ચર્યથી બોલી ઊઠી.
“ અને હું ધ્રૂજી ઊઠ્યો, પેશાબ પણ ના નીકળે!પ્રકાશ ઝાંખો થયો.એક વ્યક્તિ મને બાય બાય કરી રહી હતી!”
“ તને બાય બાય શું કામ કરે?”
“ અરે તે મારા દાદા હતાં!”
“પછી?”
“ પછી દાદાએ નટુને પિપરમિંટ આપી. ખરું ને નટ્યા? સાવ ગપોડીદાસ છે તું.” કહી મસ્તીખોર હેમંત હસવા લાગ્યો.
“ હા હેમંત, એને જે પિપરમિંટ ઉપરથી નાખી તે સીધી મારી જીભ પર આવેલી!”
“ નટ્યા, ખોટેખોટું ફેંકવાનું બંધ કર. તું તો સાવ ફેકોલોજી છે.” ત્યાં રિસેસ પૂરી થયાનો બેલ વાગ્યો .સૌ મિત્રો પોતાની જગ્યા પર બેસી ગયા.
આમ નટુ અને હેમંત વચ્ચે દુશ્મની તો ખરી. અચાનક નટુ એક ઝાડ પાસે અટકી ગયો.કેટલાંક થાકી ગયેલાં મિત્રો નીચે બેસી ગયાં. “ આગળ એક બે વૃક્ષો છે તે ભયાનક છે.માણસની ગંધ પારખતા માણસને ખાઈ જાય.અને સામે જે વૃક્ષ છે તેની ડાળને અડો તો આપણને પકડી લે.”
નટુએ ચાનો કપ પકડીને કહ્યું.સૌ સ્તબ્ધતાથી જોઈ રહ્યાં.મસ્તીખોર હેમંતે સાબીતી માંગી. નટુએ કહ્યું, “ શરત લગાવીએ. હું સાચો પડું તો તારે મને ઊંચકીને સામે જે ઊંચો ટેકરો છે ત્યાં તારે લઈ જવાનો.અને હું ખોટો પડું તો મારે તને લઈ જવાનો. છે શરત કબૂલ?” મસ્તીખોર હેમંતે શરત મંજૂર કરી.પણ સૌથી મોટો સવાલ એ ઊભો થયો કે તે ઝાડને અડે કોણ?સૌ એકબીજાને જોતાં રહ્યાં. નટુએ કહ્યું, “ જે ઝાડને અડશે તેને હું છોડાવીશ.ગભરાવા જેવું કશું નથી.”
“ હા, હા.. ગભરાવા જેવું કશું નથી.રમલો જે નટુનો જીગરી દોસ્ત હતો તેને ઉત્સાહથી કહ્યું.”
“ રમલા, બીજાને કીધા વગર તું જ તૈયાર થઈ જા ને.ઝટ પાર આવે આ વાતને.દૂધનું દૂધ અને પાણીનું પાણી.શું કહો છો તમે સૌ?”
“ હા રમલા.નટુ તારો જીગરી છે.તારો વાળ વાંકો નહીં થવા દે.”
રમલો તૈયાર થઈ ગયો.ધીમે ધીમે આગળ ગયો. તે ધ્રૂજી રહ્યો હતો.સૌ મિત્રો રમલાનો જોશ તાળીઓ પાડી વધારી રહ્યાં હતાં.રમલો તે વૃક્ષની નજીક આવી પહોચ્યો હતો.સૌનાં શ્વાસોશ્વાસ એક ઘડીએ થંભી જાય એ પહેલાં રમલો પેલાં ઝાડને વળગી પડ્યો કે પેલાં ઝાડે રમલાને પકડી લીધો એ કશું ના સમજાયું.સાથે આવેલામાંથી બે મિત્રો તો આ દ્રશ્ય જોઈ મૂતરી પડ્યાં.એક તો બેહોશ થઈ ગયો અને મસ્તીખોર હેમંત રીતસરનો ધ્રૂજી રહ્યો હતો.
નટુએ મસ્તીખોર હેમંત સામે જોયું અને કહ્યું, “ હેમંત જરા એને ખેંચીને છોડાવતો!”
“ ના મને ડર લાગે છે.”
“ તને ડર લાગે છે.તારાથી તો ભલભલા ડરે છે.બોલ મારી શરત મુજબ તું હાર્યો ને?”
“ હા.પણ તારા જીગરીની જિંદગી બચાવ.તને બે હાથ જોડું છું.”
“ ઠીક છે.સૌ હનુમાન ચાલીસાનો પાઠ કરો મારી સાથે.”
નટુએ પડીકામાંથી પાવડર કાઢી રમલાના શરીર પર છાંટ્યો. પાસમાં પડેલું ગોબર છાંટ્યું. બાજુમાં પાણીનો કુંડ હતો તેમાંથી પાણી લઈને છાંટ્યું અને રમલો ઝાડથી છૂટો પડી નીચે પડે એ પહેલાં નટુએ પકડી લીધો.રમલાને નીચે સુવાડી નટુએ ઘી રમલાનાં પગનાં તળિયે ચોપડ્યું.ધીમે ધીમે રમલાએ આંખો ખોલી. મસ્તીખોર હેમંત સિવાય સૌએ નટુને શાબાશી આપી.
આગ ,વંટોળની જેમ ગામમાં વાત ફેલાઈ ગઈ નટુના પરાક્રમની.હેમંતના ખભા પર બેસી નટુએ હેમંતની પીઠ ભાંગી નાખી જેવી વાતોથી ગામવાસીઓ ચોંકી ગયા હતાં.હેમંત પાછો સરપંચનો દીકરો હતો. હેમંતના ખભા પર બેસી બે કોડીના છોકરાએ સરપંચની ટટ્ટાર રહેતી મૂછોને નીચે કરવી પડે એવી સ્થિતિ સરજતાં સરપંચ ગુસ્સામા તપી રહ્યો હતો.તાબડતોબ ગામનાં ચોરે મીટીંગ બોલાવી નટુને પાઠ ભણાવવા એક ઠરાવ પ્રસાર કર્યો કે નટુનો બહિષ્કાર કરવો. નટુ પણ વટનો કટકો હતો. સૌ કોઈની સમજાવટ છતાં નટુએ માફી માગી નહીં.એક વરસ માટે નટુનો બહિષ્કાર કરાયો.
• * * *
નટુ પોતાની ધૂનમાં મસ્ત હતો.એવામાં એવી અફવા ફેલાઈ કે એક જાદુગરે નટુને એક ડબ્બી આપી છે.તેમાં જાતજાતના બટનો છે. એ બટનો દબાવવાથી સમય ખોવાઈ જાય છે. સમય જ્યાં હોય ત્યાં થોભી જાય છે.ઘડિયાળો બંધ પડી જાય છે. નટુ સિવાય આસપાસની સૃષ્ટિ જડત્વ પ્રાપ્ત કરે.આ વાતની ચોકસાઈ કોણ કરે? ઈજ્જતનો સવાલ છે. સૌએ બહિષ્કાર કર્યો છે. આમેય ગામના બુધ્ધિશાળી લોકો તેને પાગલ સમજે છે.નટુનુ પાગલપન ગામને હેરાન નથી કરતું તેથી સૌને રાહત છે.
મસ્તીખોર હેમંતનાં ઘરે પ્રસંગ છે. હેમંતનાં દાદાએ સો વરસ પૂરાં કર્યાં તેની ઉજવણી છે.નટુ સિવાય સૌ કોઈને આમંત્રણ અપાયું છે.
બાજુના શહેરમાંથી નાનું જનરેટર ભાડેથી લાવી સાંજ પડતાં હેમંતે આંગણું રંગબેરંગી લાઈટથી ઝગમગાવી દીધું હતું .ભજન કીર્તન અને નાચગાન અને ભોજનના કાર્યક્રમ માટે અફલાતુન મંડપ બંધાયો હતો.. સ્ટેજ પર આમંત્રિત મહેમાનો બેઠાં હતાં.સ્ટેજની પાછળ રસોડું હતું, જ્યાં ભઠ્ઠીઓ ધગધગતી હતી.. અચાનક ભડાકો થયો અને આગની જ્વાળાઓ ચારેકોરથી મંડપને ધેરી વળી હતી! બૂમબરાડા,ભાગાભગ.. વચ્ચે આભમાં ફરી વળ્યાં હતા ધૂમાડાનાં ગોટેગોટા. રમલો જેમતેમ કરીને નટુ પાસે પહોંચ્યો, જે કાંઈ બન્યું તેની વાત કરી. એક ક્ષણ નટુ વિચારોમાં ખોવાઈ ગયો. બદલાની ભાવનાં જોર કરી ગઈ. નટુએ તેનાં ખિસ્સામાંથી જાદુઈ ડબ્બી બહાર કાઢીને જોતો રહ્યો.અચાનક નટુના કાનમાં ગેબી અવાજોનાં પડઘાં પડ્યાં.વેરઝેરના વાદળો વિખરાઈ ગયાં. જાદુઈ ડબ્બીનાં બટનો દબાવવા લાગ્યો. નટુ આશ્ચર્યથી જાદુઈ ડબ્બીનો ચમત્કાર જોતો રહ્યો..નટુ સિવાય સૌ કોઈ પૂતળાની જેમ સ્થિર થઈ ગયા હતાં. આગ ની જ્વાળાઓ સ્થિર થઈ ગઈ હતી! તે દોડતો દોડતો સ્ટેજ પર જે કોઈ છે તે સૌને ત્યાંથી ખેંચી ખેંચીને મંડપની બહાર કાઢી રહ્યો હતો.મંડપની ઉપર પાણીની ટાંકીઓ જે હતી તેનામાં કાણાં પાડવા લાગ્યો.. તે હાંફી રહ્યો હતો.તેની પાસે સમય ઓછો હતો. જે ડબ્બી છે તે ગમે ત્યારે કામ કરતી અટકી જાય તેમ હતી.અચાનક ડબ્બી જે થેલીમાં હતી તે થેલીમાં એક પડીકું હતું. તે ખોલી તેમાં પડેલી બે ગોળીઓ ગળી ગયો. અચાનક તેનામાં દસ ઘોડા જેટલી તાકાત આવી ગઈ. આંખના પલકારામાં તો મંડપ ખાલી થઈ ગયો.અને પીપ પીપ કરતો અવાજ આવે છે અને થોભી ગયેલો સમય પાછો ફરે છે. આગના જ્વાળાઓ પર મંડપની ટાંકીઓમાંથી ધોધની જેમ પાણીપડ્યું.સૌ આશ્ચર્યથી જોઈ રહ્યાં હતાં કે સૌ મંડપની બહાર કેવી રીતે નીકળી શક્યાં.આગની જ્વાળાઓ શાંત પડવા લાગી. “આ તો ઈશ્વરનો ચમત્કાર છે,ઈશ્વરનો જયજયકાર છે” નો ગણગણાટ ફરી વળ્યો . મસ્તીખોર હેમંતે સૌને શાંત પાડીને કહ્યું , “ આજે જે કાંઈ થયું છે, ગામ આખું મૃત્યુંનાં તાંડવથી બચ્યું છે તેનું કારણ આપણા ગામનો સન્માનનીય વ્યક્તિ નટુ છે ,જેનો આપણે બહિષ્કાર કર્યો છે.હું આપનાં સૌ વતી માફી માંગુ છું.નટુભાઈનાં જીગરી રમલાભાઈ હમણાં જ નટુભાઈને લઈને સ્ટેજ પર ઉપસ્થિત થશે.”
રમલો હતાશા સાથે હેમંતને કહે છે કે નટુ નથી. “શું નટુભાઈ નથી?” એક ચીસ હેમંતથી નંખાઈ ગઈ અને એ જોઈ રહ્યો છે આકાશમાં પ્રખર તેજમાં નટુને બાયબાય કરતાં. બલૂન જેવી થેલી હેમંતનાં હાથમાં આવી. એમાંથી એક કાગળ બહાર નીકળ્યો અને નટુનો અવાજ સૌ સાંભળી રહ્યાં , “ ગામવાસીઓ,મારા સૌને પ્રણામ. મારી આવડતનો મેં ઉપયોગ કરીને તમને સૌને બચાવ્યા તે મારું કર્તવ્ય છે .મેં કોઈ ઉપકાર નથી કર્યો. ગામવાસીઓની ટેક તૂટે નહીં તે માટે હું તમારી વિદાય લઈ રહ્યો છું. હેમંત આકાશ તરફ જોઈ સૌને કહે છે જુઓ જુઓ આકાશમાં, નટુભાઈ રકાબીમાં બેસી જઈ રહ્યાં છે. ગામવાસીઓ માં બબડાટ પ્રસરી રહ્યો “ એક ગાંડો ગયો ને બીજો ગાંડો આવ્યો!”
સમાપ્ત
પ્રફુલ્લ આર શાહ.