Pret Yonini Prit... - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 3

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-3
શેષનાગ ટેકરી ચઢી માં માયાંના મંદિર પાસેનાં અગમ્ય રસ્તેથી આખી મેદની પાછળ ચોગાનમાં આવી ગઇ હતી. બધાં જ હાથ જોડીને એકચિત્તે શ્લોક અને ઋચાઓ સાંભળી રહ્યાં હતાં. સ્ત્રીઓનાં ભાગમાં બધી જ સ્ત્રીઓ છોકરીઓ પ્રાર્થના કરતી બેઠી હતી બધાં જ ખૂબ શ્રધ્ધા સાથે કેટલાંક આશ્ચર્ય અને કૂતૂહૂલથી જાણે કોઇક કૌતુંક ચમત્કાર જોવાં આવી રહ્યાં હોય એવી રીતે રાહ જોઇને બેસી રહ્યાં હતાં. એમાં રહેલી એક છોકરી પણ કોઇક આશા લઇને આવી હતી અને આંખોથી આંસુ નીતરી રહેલાં એને પણ પ્રશ્ન હતો એ ઘણાં સમયથી પીડાઇ રહી હતી હૃદયમાં જાણે કોઇક અગમ્ય શૂળ ભોંકાતા હતાં.
ત્યાં ચોગાનમાં આટલાં માણસો હાજર હતાં છતાં ક્યાં અવાજ ઘોંઘાટ નહોતો બધાં જ શાંતિથી બાબાની પૂજાની સમાપ્તિની રાહ જોઇ રહેલાં... અને રૂચાઓ શ્લોક બંધ થયાં અને નિરવ શાંતિ ફેલાઇ ગઇ બધાંની નજર માં માયાંનાં મંદિર તરફ મંડાઇ ગઇ. એક સાથે બધીજ આંખો મંદિરને જોઇ રહી હતી. મંદિરનાં શિખર પર ધજા ફરકતી હતી ઢળતી સાંજનો સમય હતો ધીમે ધીમે સૂર્ય અસ્ત થઇ રહેલો જે લોકો દર્શન કરી પાછા વળી જવાનાં હતાં તે લોકો દર્શન માટે અધિરાં થયાં હતાં.
ગોકર્ણ ઝડપથી મંદિર પાસે પહોંચી ગયો અને એણે બાબાનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધાં અને બાબાની આજ્ઞાથી માં માયા પાસે રહેલાં ચાંદીનાં સ્ટેન્ડ પરથી શંખ લીધો અને ખૂબ ઊંચા, મોટાં અને પ્રચંડ અવાજે શંખ ફૂંક્યો અને દશે દિશાઓમાં એનો અવાજ પ્રસરી ગયો. શંખનો ધ્વની એનો લય એવો સરસ હતો કે બધાનાં કાનમાં પ્રસરીને ધાર્મિક ચેતનાને જગાડી દીધી. નાસ્તિકને આસ્તિક બનાવી દે તેવો માહોલ રચાઇ ગયો.
સમગ્ર ચોગાનમાં બધેજ ફાનસ અને દીવા તૈયાર કરી મૂકેલાં હતાં ક્યાંય વીજળી નહોતી. આકાશમાં તારાં મંડળ સ્પષ્ટ દેખાઇ રહેલું જાણે નભમાં માંબાબાનો ચંદરવો પથરાઇ ગયેલો. માં માયાંનાં મંદિરમાં શીખરથી પ્રવેશ સુધી અંદરથી બહાર સુધી હજારો દીપ પ્રગટતાં હતાં જાણે આખાં વાતાવરણમાં માં નું મંદિર જ ઝળહળ થતું હતું.
બાબા અઘોરનાથે માં નાં દર્શન કરીને બહાર નીકળી અને પત્થરની મઢૂલી તરફ ગયાં અને હાથ ઊંચા કરી દરેક વ્યક્તિને આશીર્વાદ આપ્યાં.
ગોકર્ણ અજીત તથા અન્ય સેવકોએ જે લોકોને દર્શન કરી પાછાં વળી જવાનું છે એ લોકોને મંદિરમાં જઇ દર્શન કરી મહાપ્રસાદ લઇને નીકળી જવા કહ્યું. માનવમહોરામણ પછી એક લાઇનમાં ગોઠવવા માંડયો. અને બધાં માં માયાનાં મંદિરમાં દર્શન કરવા તલપાપડ થઇ ગયાં. દર્શન કરીને પછી બીજા વિભાગમાં ચોગાનની પશ્ચિમ દિશામાં કંતાનમાં પટ્ટો પાથરેલાં હતાં ત્યાં મહાપ્રસાદની વ્યવસ્થા હતી અને એમાં બાટ, રસાવાળું શાક અને ભાત એમ ત્રણ જ વસ્તુ હતી અને ત્યાં પહેલાં પાંદડાઓનાં પતરાળામાં જમી ક્યાંય ગંદકી અને એઠું છોડ્યા વિના નક્કી કરેલી જગ્યાએ મૂકી દેવાનાં હતાં ત્યાં મોટી કોઠીઓ ભરીને પીવાનાં પાણીની વ્યવસ્થા હતી અન્ય સેવકો ત્યાં વ્યવસ્થામાં હાજર હતાં.
ધીમે ધીમે પ્રવાહ મંદિરમાં દર્શન માટે આગળ વધી મહાપ્રસાદ લઇને નીચે ઉતરવાની પણ તૈયારીમાં હતો યાત્રાળુએ જોયું કે નીચે ઉતરવાનાં રસ્તે પણ બંન્ને બાજુ ફાનસ અને મશાલ સળગાવેલી હતી ત્યાં પણ સેવકો ફરજ બજાવી રહેલાં. બધાં આ વ્યવસ્થા તંત્ર જોઇને તાજુબ હતાં કે વીજળીની વ્યવસ્થા વિનાં પણ ક્યાંય કોઇ તકલીફ નહોતી એ માં માયા તથા બાબા અઘોરનાથનો જાણે ચમત્કાર હતો.
***********
મોટાંભાગનાં યાત્રિકો દર્શન અને મહાપ્રસાદ લઇને ટેકરી ઉતરી ચૂક્યાં હતાં અને ધીમે ધીમે તળેટીમાંથી વિદાય પણ લઇ રહ્યાં હતાં. ગોકર્ણ તથા અજીતે બધે જ તપાસ કરી લીધી ક્યાંય કોઇ અટવાયું નથીને કે તકલીફમાં નથીને નીચે તળેટી સુધી સેવકો પાસેથી માહિતી લઇ લીધી હવે ઉપર માત્ર સેવકો 40 થી 50 શ્રધ્ધાળુઓ જે મધ્યરાત્રીની પૂજામાં હાજર રહેવાનાં અને નીચે રહેલા સેવકો પણ ફાનસ અને અન્ય સાધનો લઇને ઉપર આવી ગયાં હતાં હવે રસ્તો પણ સવાર સુધીમાં બંધ થવાનો હતો.
*****************
મધ્યરાત્રી થઇ ચૂકી હતી. મેદાનમાં અન્ય દૂર દૂર મૂકેલાં ફાનસ મશાલ હવે માં નાં મંદિર નજીકી 100 ફૂટનાં ચોરસમાં મૂકાઇ ગઇ હતી. સેવકો મહાપ્રસાદનાં પૂરાં થયાં પછી અન્ય સામગ્રી મંદિર નજીક લાવીને રાખી હતી. બાકીનાં સેવકો સ્વચ્છ કરીને બધુ નીપટાવી બધાં જ મંદિર પાસે આવી ગયાં હતાં.
માં માયાની મૂર્તિ એટલી દૈદીવ્યમાન અને ખૂબ પ્રભાવી લાગી રહી હતી બધાએ ખૂબ પ્રાર્થના કરી. માં નાં સ્વરૂપની સામે આવતાં જ આંખમાંથી આંસુ નીકળી જતાં હતાં માં નાં સ્વરૂપની ઝાંખી કરીને ત્યાંથી ખસવું શક્ય નહોતું પરંતુ અન્ય ભાવિકોને દર્શન કરવાનાં હોવાથી બધાંને ત્યાંથી ખસવું પડતું હતું.
ભાવિકો માં ને ચઢાવવા, શણગાર, ચુંદડી, સાડી તથા અન્ય વસ્તુઓ લાવેલાં જે ત્યાં આગળ પડેલી પાટ પર મૂકેલાં હતાં. કેટલાય રૂપિયા અને સિક્કાઓથી થાળ ભરાઇ ગયાં હતાં. માં પાસે મૂકેલાં કંકુ-સિંદુરનાં લોકોએ ચાંલ્લા કરેલા હતાં. માંના મંદિરનાં ચારે બાજુ ગોખમાં દીવા ટમટમતાં હતાં અને ધૂપીયામાં ધૂપ ચાલી રહેલાં બધાં અહીં દર્શન કરીને ધન્ય થઇ ગયાં હતાં.
આ બધાં ઉપર પ્રસંગ એવો બનેલો કે સ્ત્રીઓમાંથી એક યુવાન છોકરી જેની ઊંમર હજી 18-19ની હશે એ માંની મૂર્તિ પાસે આવીને એનાં ચરણો પકડીને ખૂબ આજીજી કરી રહેલી એની આંખમાંથી ચોધાર આંસુ વહી રહેલા.
"માં કહેને મને શેની પીડા છે ? મારી આટલી નાની ઊંમરમાં જ મને શેનાં ? કોનાં એહસાસ થાય છે ? કોનો વિરહ મને ખાઇ રહ્યો છે એક પળ શાંતિ નથી મળી રહી. મારું હૈયું કેમ વિહવળ થાય છે મને સ્વપ્નમાં બસ તારું જ મંદિર દેખાઇ રહેલું કેમ ? હું પ્રથમવાર જ અહી આવી છું અહીં આવવા મને એહસાસ તેં જ કરાવ્યો.. હવે કારણ પણ કહી દે તું શું જણાવા માંગે છે ? આમ રડતી કકળતી માં પાસે હતી બધાં એની આજીજી સાંભળીને આશ્ચર્યમાં પડી ગયેલાં. પણ અહીં આવાં જ જીવો આવે છે કોઇને નવાઇ પણ ના લાગી.
ગોકર્ણે બધાંને ત્યાંથી દર્શન કરી બહાર નીકળી જવા કહ્યું એ છોકરી ત્યાંજ માનાં ચરણ પાસે બેસી રહી હતી એની સાથે આવનાર બે બીજી સ્ત્રી બાજુમાં ઉભી રહી ગઇ. એ બંન્ને જણાં પણ પ્રાર્થના કરતાં કરતાં એ છોકરીને જોઇ રહેલાં ધ્યાન રાખી રહેલાં. બધાંનાં ગયાં પછી વીરબાળાનાં કહેવાથી એ છોકરીને એ લોકો બહાર લઇ આવ્યાં અને બાબાની બેઠક સામે લાવી સામે જ બેસાડી દીધી. બધાં શાંત રીતે બેસી રહેલાં અને બાબા અઘોરનાથની આવવાની રાહ જોઇ રહેલાં.
મધ્યરાત્રીનાં સમય થઇ ગયો હતો. બધાં જ બાબાની આવવાની રાહ જોઇ રહેલાં. માં નાં મંદિરની બાજુમાં પત્થર પર બાબાની બેઠક હતી. બેઠકની બંન્ને બાજુ થોડે દૂર ફાનસ અને મશાલ સળગતી હતી. માં નાં મંદિરનાં દરવાજાની બરાબર સામે જ થોડેક દૂર અગ્નિ ખૂણામાં હવનકૂંડ હતો. તેમાં અગ્નિ ભારોભાર ભડભડતો સળગી રહેલો. મહાશિવરાત્રીનો દિવસ હતો. બાબા એ મહાકાલ ભગવાનની પ્રાર્થના અને હવન કરેલો. બીજો હવન બરાબર મધ્યરાત્રીએ ચાલુ થવાનો હતો. એનાં માટે યજમાનોએ અગાઉથી નક્કી કરી રાખેલું.
થોડીવારમાંજ પત્થરની શીલાથી બનેલી મઢુંલીમાંથી બાબા અઘોરનાથ બહાર આવ્યાં અને જ્યાં બધાં બેઠાં રાહ જોઇ રહેલાં એ તરફ આવ્યાં. વિશાળ ઉંચુ કદ આટલી ઉંમર હોવા છતાં ક્યાંય નબળાઇ કે વૃધ્ધ પણ નહીં જાણે 30-35 વર્ષનો કદાવર યુવાન. મોટી મોટી લાલ આંખો, વિશાળ ભાલ પ્રદેશ મોટાં લાંબા કેશ ઉપર અંબોડી શોભે-બંન્ને હાથ પર ભસ્મ લેખન, ચંદન તિલક આજની પૂજાનું માં નું સિંદૂર તિલક ગળામાં હાથમાં બધે રુદાક્ષની માળાઓ કેડે વાઘચર્મ બાકી આખાં શરીરે ભસ્મ ભભૂત લગાડેલી હતી.
એમનાં પગરવ સાથે જ બધાં જ ઊભા થઇ ગયાં હાથ જોડીને જમીન પર લાંબા થઇ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને ત્યાં ગોકર્ણ પાસે ઉભેલો માનસ અને પેલી યુવતીને જાણે શું થયું દોડીને બાબા અઘોરનાથનાં ચરણોમાં આળોટી ગયાં.
બાબાએ જોયું ભૃકુટી ઊંચી કરી થોડી ખેચાઇ પછી શાંત થઇને બોલ્યાં "આ ગયે ? અલ્લખ નિરંજન...
વધુ આવતા અંકે - પ્રકરણ-4

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED