સંતોષ પૂર્વક જીવવા માટે એક સત્ય સ્વીકારી લો.....’બધાને બધું નથી મળતું....
માણસ એક લાલચું પ્રાણી છે. જે મળ્યું છે એમાં ખુશ રહેવાને બદલે જે નથી મળ્યું એનાથી વધારે દુઃખી થાય છે. ગુજરાતી માં એક કહેવત છે, ‘સંતોષી નર સદા સુખી’ ..પણ અહીં તો સુખી નર ને જ સંતોષ નથી તેનું શુ? જેથી આ ફકત એક કહેવત જ રહી ગઈ. સંતોષ નહિં મળવાનું મુખ્ય કારણ મન માં ઉભી થતી લાલસા છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનાં મન પર નિયંત્રણ રાખતો થઈ જાય ત્યારે આપોઆપ જ બધી લાલસા બંધ થઈ જશે. સંતોષ એ ભુખ અને લાલસા નું કારણ છે. આજે કોઈપણ વ્યક્તિ શાંતિ થી પરિવાર સાથે બેસીને એક ટાણું ભોજન નથી લઈ શકતો અને પોતાને સુખી માને છે. જે પરિવાર માં સાથે રહે છે એ જ પરિવાર માટે નાણાં ભેગા કરવા આમતેમ ભાગમભાગ કરે અને નાણાં હશે પરંતુ પરિવાર નહીં હશે ત્યારે પરિવાર નહીં હોવાનું દુઃખ! ભલા આ બંને પરિસ્થિતિ માં ઉત્તમ પરિસ્થિતિ કઈ છે? નાણાં ભેગા કરવાં પરિવાર ગુમાવવો કે પછી થોડાં નાણાં માં સંતોષ માની ને પરિવાર નું સુખ મેળવવું? સંતોષ એટલે ત્રણ શબ્દો, ચાલશે, ફાવશે અને ભાવશે..બસ આ ત્રણ શબ્દો જીવનમાં ઉતારશો એટલે આપોઆપ જ સુખી..
ભગવાને દરેક ને એક શરીર અને ચોવીસ કલાક આપ્યાં છે. હવે આ બંન્ને નો ઉપયોગ થી સુખી કઈ રીતે થવું એ માણસે વિચારવું રહ્યું. અહીં કોઈપણ સર્વ ગુણ સંપન્ન નથી. અર્થાત બધાને બધું મળતું નથી. અને મળે તો એનાં માટે કઠોર પરિશ્રમ કરવો પડે. આજે દરેક ને કોઈ ને કોઈ રીતે ખાલીપો રહેશે આનું કારણ અસંતોષ છે. ચારેય બાજુ અસંતોષ જ અસંતોષ! દરેક ને એવું જ લાગે છે કે મારી પાસે આ નથી, પેલું નથી! તારી પાસે બધું જ છે પણ એમ બોલ તને સંતોષ નથી. અને આ અસંતોષ નાં કારણે બીજાનો મહેલ જોઈને પોતાની ઝુંપડી તોડી નાખે છે. ઝુંપડી વાળા પાસે નાણાં નથી પણ શાંતિ ની ઉંઘ છે અને મહેલ વાળા પાસે નાણાં છે પરંતુ શાંતિ ની ઉંઘ નથી.
સંતોષ આવશે એટલે બીજા બે ગુણ પણ આવી જશે. કરકસર અને બચત. અસંતોષ નાં કારણે સંતાપ, બળાપો જેવાં દુષણો માણસનાં મનમાં ઘર કરી ગયાં છે. આજનાં યુગમાં કઈ વાતનો સંતોષ નથી એ પહેલાં વિચારવું પડે. અને આ અસંતોષ નાનપણથી જ ‘વારસાગત’ રીતે ઉતરી આવે છે. બાળપણ માં રમતો રમવાનો અસંતોષ, વિદ્યાર્થીઓને શાળા માં રજાઓનો અસંતોષ, યુવાનીમાં ધનનો અસંતોષ અને ઘડપણમાં પરિવાર નો અસંતોષ...આ બધું જ સમાજમાં ચાલી આવેલ છે. અને જોવાં જેવી વાત એ છે કે આ તમામ અસંતોષ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. અર્થાત બાળપણમાં જો સંતોષ માનેલો હોત તો યુવાની અને યુવાની માં સંતોષ માન્યો હોત તો ઘડપણ સુધરી જાત..
એક રાજા હતો. એની પાસે અપાર સંપત્તિ, વૈભવ, શક્તિવાળી સૈન્ય બધું જ હતું. પરંતુ રાજાને હજુ કઈક વધારે મેળવવું હતું. રાજા પાસે એક જાદુઈ લાકડી હતી. તેનાં વડે તે પોતાને કોઈપણ રુપ માં બદલી શકતો. એક દિવસ સવારે એ બગીચામાં ચાલવા માટે નીકળ્યો ત્યારે સુર્ય નું તેજ અજવાળું જોઈને એને થયું આ સૂર્ય મારા કરતાં કેટલો તેજસ્વી છે. આમ કહી એણે જાદુઈ લાકડી વડે પોતાને સુર્ય બનવી દીધો. પરંતુ સુર્ય બન્યાં પછી એણે જોયું કે એનો પ્રકાશ વાદળો અટકાવી રહ્યા છે આથી એને લાગ્યું વાદળો એનાથી પણ બળવાન છે તેથી ફરી લાકડી ચલાવીને વાદળ બન્યો. આ વખતે એણે જોયું કે વાદળો ને પર્વત રોકી રહ્યો છે એથી પર્વત ને વાદળ કરતાં બળવાન માનીને એ પર્વત બની ને ઊભો રહ્યો. થોડી વાર માં જોયું તો રાજા નાં કેટલાક મજુરો આવીને પર્વત માંથી પથ્થર તોડી રહ્યા હતા.આ વખતે એને લાગ્યું આ માણસો મજબુત પર્વત ને તોડવામાં પણ સક્ષમ છે તેથી તે મજુર બન્યો પરંતુ રાજા હોવાનાં કારણે એણે આજસુધી આવો કઠોર પરિશ્રમ ન કરેલ હતો. અને મજુરો રાજાનાં આદેશ મુજબ ગમે એમ કરીને પથ્થર તોડી રહ્યા હતાં.અંતમાં એણે પોતાની જાતને રાજા તરીકે જ શોભે છે એમ માની ફરી રાજા બની જવાનું પસંદ કર્યું ...
આમ કોઈપણ વસ્તુ કે વ્યક્તિ હોય એ પોતપોતાની રીતે શ્રેષ્ઠ જ છે.
અહીં બધાને બધું જ જોઈએ અને અંતમાં થાય એવું કે જે હક્ક નું છે એ પણ મળતું નથી. શા માટે બધું મેળવવા મથામણ થઈ રહી છે? દુનિયા ને જીતનારો સિકંદર પણ મર્યો ત્યારે ખાલી હાથે ગયેલો. આપણે વાતો મોટી કરીએ છીએ ‘શું લાવ્યા અને શું લઈ જવાનાં? જો ખબર જ છે તો પછી શા માટે આટલી અમૂલ્ય જીંદગી બધું મેળવવા નાં નિરર્થક પ્રયાસ માં વેડફી દેવી? એક પ્રશ્ન તમારા મન ને પુછો કે , કે જે બધું મેળવવા ની મથામણ થઈ રહી તે બધું એટલે શું? એક વસ્તુ મેળવશો તો બીજી જતી કરવી જ પડશે. જે તમારા હક્ક નું છે એ તમને મળશે જ. દરેક વસ્તુ નો સમય હોય છે. અને સમયે સમયે થશે જ.
જીવનમાં જે મળ્યું એ એમાં ખુશ રહીને આનંદ થી જીવન વિતાવો એ જ મોટી ઉપલબ્ધિ છે...