તહેવાર અને વહેવાર Gunjan Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તહેવાર અને વહેવાર

તહેવાર અને વહેવાર

આ બે શબ્દો ભારતીય સંસ્કૃતિ,ભારતીય ગરિમા ની અનુભૂતિ કરાવે છે.ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં ભાત ભાતની જાત જાત ની સંસ્કૃતિ નાં દર્શન થાય છે. ભારત માં જેટલી ભાષા નથી બોલાતી એનાં કરતાં વધારે તહેવારો ઉજવવામાં આવે છે. દરરોજ કોઈને કોઈ ધર્મ નો કોઈને કોઈ તહેવાર હોય જ. દરેક તહેવાર એ આપણી સંસ્કૃતિ ની ઓળખ છે. દરેક દેશની એક આગવી વિશેષતા હોય છે આ વિશેષતા તે દેશોના તહેવારો પરથી જાણી શકાય છે. તે જ રીતે ભારત ની વિશેષતા ઉજાગર કરતાં અનેક તહેવારો ઉત્સવો દેશના લોકો હળીમળીને ઉજવે છે. તહેવાર નું બીજું નામ ઉત્સવ છે. ઉત્સવ એટલે ઉત્સાહ નો દિવસ. તહેવારો માં ઉત્સાહ ના હોય તો તહેવાર કહેવાય નહીં.
દરેક તહેવાર ની એક આગવી વિશેષતા હોય છે. દરેક તહેવાર કોઈને કોઈ સભ્યતાની ઝાંખી કરાવે છે. ભારતમાં પણ દરેક રાજય માં અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે. રાજ્યો માં ઉજવવામાં આવતાં તહેવારો એ જે તે રાજ્યની સંસ્કૃતિ ની ઓળખ છે.
પરંતુ હવે સમય પસાર થવાની સાથે તહેવાર અને વહેવાર નું મહત્વ પણ ઘટ્યું છે. કામકાજ થી થાકેલા લોકો તહેવારો સાથે મળીને ઉજવવાના બદલે ક્યાંક ફરવા નીકળી જાય છે. ઉત્સવો માં હવે ઉત્સાહ જેવું કશું રહયું નથી. રજા પડે એ પહેલાં બહાર ફરવા જવાનું આયોજન થઈ ચુક્યું હોય છે. ઉત્સવો તો આપણને મળેલો અમૂલ્ય વારસો છે. દરેક ઉત્સવ પોતાની રીતે કઈંક અનોખો છે. આજનાં ઉત્સવો માં ભારતીય સંસ્કૃતિ ની જગ્યાએ વિદેશી સંસ્કૃતિ એ પોતાનુ ઘર કર્યું છે. દશકા પહેલાં જે ઉત્સવો ની આપણે રાહ જોતાં એ જ ઉત્સવો થી આપણે દૂર જઈએ છીએ. લોકો અને તહેવારો એ જ છે પણ સંસ્કૃતિ અને લોકો નાં મન બદલાઈ ગયાં છે. આજકાલ ની બેફામ મોંઘવારી અને વ્યસ્ત જીવનશૈલી ની સામે માણસો પણ લાચાર બની ગયાં છે. તહેવાર માં જરુરી બધી ચીજવસ્તુઓ ઘરે ભેગાં મળીને તૈયાર કરતાં હવે બધી વસ્તુઓ નાણાં ખર્ચવાની ઉપલબ્ધ બને છે તેથી હાથની મીઠાશ રહી નથી. જન્મ દિવસ હોય કે દિવાળી ની શુભકામના પાઠવવા માટે મળવું જરુરી નથી એક મેસેજ કરો એટલે શુભેચ્છા મળી જાય.!
પહેલાં એક ઘરે મિષ્ટાન્ન બનતાં તો એનો સ્વાદ આખું ગામ ચાખતું. આજે તો ક્યાં બને અને ક્યાં વાસણ ધોવાઈ જાય એની પણ ખબર નથી પડતી. હવે બધી પરંપરાઓ ભૂલવા લાગી છે. દરેક વ્યક્તિ એક બીજાથી દૂર થઈ રહ્યો છે. જે તહેવારો બધાં હળીમળીને ઉજવાતા એ જ તહેવારો દૂર જઈને ઉજવીએ છીએ.
વહેવાર એટલે આપ લે. વહેવાર માટે લાગણી અને પ્રેમ જોઈએ એ લાગણી અને પ્રેમ હવે બચ્યા નથી. અરે શહેરો માં તો પડોશી કોણ છે એ પણ ખબર ના હોય તો વહેવાર ની વાત જ કયાં કરવી! આજે એક માણસ બીજા માણસને નથી ઓળખતો તો મન ઓળખવાની વાત જ દૂર રહી.અને આ જ ઓળખાણ કાઢવા માટે તહેવારો ની જરુરિયાત છે.એ પણ કારણ હોઈ શકે કે પહેલાં બધાં એકબીજા ને ઓળખતાં તેથી કદાચ ઉત્સવોની મજા હશે અને આજે કોઈ ઓળખતું નથી તેથી એકબીજા ને મળવાં માં ખચકાટ અનુભવતા હોય. કારણ જે હોય તે પણ ઉત્સવો નો ઉત્સાહ નથી રહ્યો એ સાચું...
તહેવાર એટલે ભાગદોડ વાળી જીવનશૈલી માંથી દૂર થઈને હળીમળીને આનંદ મનાવવાનો દિવસ. સૌની સાથેનાં ગમા અણગમા દૂર કરીને એકબીજા નાં મન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ.અને આ તહેવારો નો ઉત્સાહ વહેવાર સાચવવાથી આવે છે.તો આવો આપણે પણ એકબીજા સાથે વહેવાર સાચવીને સાચા અર્થમાં તહેવારો ની ઉજવણી કરીએ અને દરેક નાં મન સુધી પહોંચવાની કોષિશ કરીએ...