Safadta ane nishfadta books and stories free download online pdf in Gujarati

સફળતા અને નિષ્ફળતા

જીવન એ અનિશ્ચિતતા ઓ થી ભરેલું છે. એક પળ પછી શું થવાનું એ પણ કોઈને ખબર નથી હોતી. ભવિષ્ય કોઈપણ વ્યકિત એ જોયું નથી. ના જાણું જાનકી નાથે કાલે સવારે શું થવાનું! આ અનિશ્ચિતતા ની વચ્ચે આપણે આપણી જરુરીયાત પુરી કરવાં માટે મથામણ કરવાની છે. અને આ મથામણ નું ફળ એટલે સફળતા અને નિષ્ફળતા.
સફળતા એટલે જે કાર્ય કરવામાં આવે તે ધારેલી રીતે પાર પાડવું. અને નિષ્ફળતા એટલે કાર્ય કોઈક કારણોસર હેતુ મુજબ થવું નહીં. અહીં સફળતા અને નિષ્ફળતા બંન્ને માટે આપણે જ જવાબદાર છીએ. કેમકે આપણાં જ હેતુઓ છે અને એમને પાર પાડવા માટે પ્રયત્ન પણ આપણે જ કરીએ છીએ. સફળતા મળે એટલે આપણે ખુશ થઈએ અને નિષ્ફળતા મળે એટલે ઉદાસ.પરંતુ ઉદાસ થવાનાં બદલે આપણે નિષ્ફળતા નાં કારણો શોધી તેને દુર કરવાં જોઈએ. અને સફળતા મળ્યે ખુશ થવાની સાથે એનાં કરતાં વધું સારું કાર્ય કરવાનો પ્રયત્ન પણ કરવો જ જોઈએ. અહીં એક વાત ધ્યાન રાખવી કે સફળતા મળે કે નિષ્ફળતા આપણે કાર્યો તો કરવાનાં જ છે. નિષ્ફળ જાવ તો સુધારવા માટે અને સફળ થાવ તો વધુ સારું કરવા માટે.જે હોય તે બંન્ને માંથી કઈંક ને કઈંક નવું જાણવાનું મળશે,નવો અનુભવ મળશે. અને આ જ અનુભવ તમને બીજા કાર્યો માં મદદરૂપ બનશે. વિશ્વમાં અનેક મહાન વૈજ્ઞાનિકો થઈ ગયાં. એમનો ઈતિહાસ તપાસતા માલૂમ પડે કે બધાં જ પ્રથમ વખતે સફળ નથી થયાં.અનેક પ્રયત્નો પછી સફળતા એમનાં હાથમાં આવી છે.આપણે પણ કોઈ કાર્ય હાથમાં લઈએ તો નિષ્ફળતા નો ડર નહીં રાખવો પણ કાર્ય નાં ઉદ્દેશ ને ધ્યાન માં રાખી તે કાર્ય પુર્ણ કરવાં પર જ ધ્યાન કેન્દ્રિત કરવું.નિષ્ફળ થઈને કામ છોડવાનું વિચારો ત્યારે એ ધ્યાન માં રાખવું કે તમે કામ શા માટે શરૂ કર્યું હતું? સફળતા ની વ્યાખ્યા આપણને એક નાનું બાળક શીખવે છે. જ્યારે નાનું બાળક ચાલવાની કોશિશ કરે છે ત્યારે અનેકવાર નીચે પડી જાય છે. છતાં પણ એ કોઈને ફરિયાદ કરતું નથી. આપમેળે જ હસતું ઊભું થઈને ફરીવાર ચાલવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર પડીને આખરે એ શીખી જાય છે. પરંતુ એ જ બાળક મોટું થઈને જ્યારે કોઈક કાર્ય શરૂ કરે અને એમાં નિષ્ફળ જાય તો નાસીપાસ થઈને બેસી જાય અથવા બીજાને ફરિયાદ કરે. ત્યારે વિચાર કરવો રહ્યો કે નાનપણથી માં ચાલવાનું શીખતા જો નાસીપાસ થયાં હોત અને બીજાને ફરિયાદ કરી હોત તો ચાલતાં શીખી શકતે? તમારી સફળતા નો આધાર તમારાં પ્રયત્નો પર રહેલો છે. તમે જેવાં પ્રયત્નો કરશો એવી જ સફળતા તમને મળશે. પછી જવાનું હોય મુંબઈ અને અમદાવાદ બાજુ ચાલો તો મુંબઈ ક્યારેય નહિં પહોંચી શકો. સફળતા ત્યારે જ મળે જ્યારે તમારો હેતુ પહેલાં થી નિશ્ચિત હોય. અને આ હેતુ પણ તમારી શક્તિ મુજબ નો હોવો જોઈએ. તમે જે ચાહો છો એવું તમને મળશે જ. પણ પ્રયત્ન વિના એ કયારેય મળવાનું નથી. સફળતા રાતોરાત નથી મળતી પણ હા એક રાત જરૂર મળશે.
સફળતા અને નિષ્ફળતા એ તમે કરેલાં પ્રયત્નો નું પરિણામ છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમે જ્યારે સફળતા ની સીડી ચડતા હશો ત્યારે તમારી આજુબાજુ પગ ખેંચવા વાળા હજારો મળશે. આ કામ તારા લાયક નથી, તારાથી નહીં થાય, આ કામ કરશે તો આવુ થશે તેવું થશે વગેરે વગેરે કહેવા વાળા અનેક ‘ચિંતાતુર’ માણસો મળશે. જેઓ આપણો ઉત્સાહ વધારવાનું નહીં પણ ઘટાડવાનું કામ કરે છે. એક વાત યાદ રાખજો જીવન માં કોઈ કામ નાનું નથી, કોઈ કામ અશક્ય નથી, તમે નહીં કરશો તો તમારાં જેવાં ‘બળવાન ‘ લોકો કરશે જ. દરેક કામ માટે કોઈક ને કોઈક નિમિત બને જ છે. તો જે કામ તમે ઉપાડયું અને બીજા જો પુરું કરવાનાં હોય તો તમે કેમ નહીં? કામ શરૂ કોણે કર્યુ એનાં કરતાં કામ પુર્ણ કોણે કર્યુ એ વધારે મહત્વ નું છે.તેથી લોકો જે બોલે એ તમે જે કાર્ય લીધું છે એમાં પુર્ણ સફળતા મળે ત્યાં સુધી એને છોડવું નહી. આવાં લોકો ની વાતો થી નાસીપાસ થવાનાં બદલે એમની વાતોને ‘આધારસ્તંભ ‘ બનાવી વધુ જુસ્સા થી આગળ વધો. સફળ થઈને બધાને સાબિત કરી આપો કે કોઈ કામ મામુલી નથી.
સફળ થવું એ એકલાં હાથનું કામ નથી. એમાં અનેક વ્યક્તિ ઓ નો સાથ અને સહકાર આવશ્યક છે. તેથી તમારી સફળતા નો શ્રેય એવાં લોકોને પણ અવશ્ય આપવો કે જેમણે તમને સફળ થવામાં નામી અનામી રીતે પોતાનો ફાળો આપ્યો હતો. સફળ થવું એ એક પ્રકારની પ્રક્રિયા છે.પહેલાં તમારો કોઈ કાર્ય કરવાં માટેનો હેતુ નકકી કરો. ત્યારપછી તે કાર્ય કેટલાં સમય માં અને કેવી રીતે પુર્ણ કરવું એ નક્કી કરો.આ થઈ જાય ત્યારપછી જે તે કાર્ય માં આવનાર વિઘ્નો ની વિચારણા કરો. આ વિઘ્નો ને ધ્યાન માં રાખી ને તમારે યોજના ઘડવી પડશે. ત્યારપછી જે તે કાર્ય નાં પરિણામ વિશે વિચારો અને ત્યારબાદ તમે તબક્કામાં આગળ વધો.
હેતુ નકકી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે હેતુઓ બુધ્ધિપૂર્વકના હોવાં જોઇએ. અર્થાત હેતુઓ પુર્ણ કરી શકાય એવાં હોવાં જોઇએ. અને આ કાર્ય નિશ્ચિત સમયમર્યાદામાં પુર્ણ થવું એ પણ એટલું જ આવશ્યક છે. હવે મુખ્ય વાત આવે અને એ છે વિઘ્નો.તમે ગમે એટલું ચોકસાઈપૂર્વક નું આયોજન કરશો તો પણ ભવિષ્ય અનિશ્ચિતતા ઓ અને જોખમોથી ભરેલું હોઈ કોઈ ને કોઈ વિઘ્ન તો આવવાનાં જ. અને આમ પણ વિઘ્ન વગર કાર્ય પુર્ણ થાય એમાં મજા પણ નહીં આવે.વિઘ્નો આર્થિક કે સામાજિક કે માનસિક હોઈ શકે. આવાં વિઘ્નો માં હિંમત થી આગળ વધીને પ્રયત્ન કરશો તો જરૂર સફળતા હાથ લાગશે જ.વિઘ્નો કાર્ય થતું અટકાવે એવું નથી પરંતુ કાર્ય કરવાં માટે નો બીજો વિકલ્પ પૂરો પાડે છે. આ રીતે જોવામાં આવે તો વિઘ્નો માંથી કાર્ય પૂર્ણ કરવાનો માર્ગ મળી રહે છે.
દરેક સફળ વ્યક્તિ એકવાર તો નિષ્ફળતા નો સામનો કરે જ છે. નિષ્ફળ થવાનાં ડરથી બેસી જવાનાં બદલે સંઘર્ષ થી આગળ વધતાં સફળતા ચોક્કસ હાથ લાગશે જ.દરેક સમસ્યા નો ઉકેલ હોય જ છે. જરૂર છે એને શોધવાની અને આગળ વધવાની.નિષ્ફળ થવું એ સફળતા ની ચાવી છે. નિષ્ફળતા સૂચન કરે છે કે તમે પ્રયત્ન તો કરો છો.
હવે સૌથી મોટો પ્રશ્ન એ કે સફળતા નો શ્રેય કોને આપવો? સામાન્ય રીતે આપણે જોઈએ તો વ્યક્તિ સફળતા નો બધો શ્રેય પોતે લઈ લે છે.પરંતુ આ અયોગ્ય છે. આપણે ઘણીબધી અનુભવ્યું કે કોઈક સંસ્થાની સફળતા માટે સંસ્થા નાં મંત્રી કે પ્રમુખ નું જ બહુમાન કરવામાં આવે છે પરંતુ કામતો તેમની હાથ નીચેનાં કર્મચારીઓ એ કર્યું હોય છે છતાંય એકલાં ઉપરીનું જ સન્માન કેમ? શંકા નથી કે ઉપરી નાં માર્ગદર્શન વગર કાર્ય શક્ય નથી પરંતુ એ કાર્ય પાછળ જેટલાં પણ કર્મચારીઓ છે એ બધાને સન્માનિત કરવાં જોઈએ. આતો થઈ એક સંસ્થા ની વાત, આવું દરેક જગ્યાએ જ ચાલે છે. જે અયોગ્ય જ છે. કેમકે તમારી સફળતા માટે તમે એકલાં જવાબદાર નથી આની પાછળ અનેક લોકોએ પોતાનો અમુલ્ય સહકાર આપ્યો હોય છે. દરેક વ્યક્તિ સફળતા અને સન્માન નો ભૂખ્યો હોય છે. જો એની સફળતા ને યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવે તો નાનામાં નાની વ્યક્તિ પણ મોટું કાર્ય કરી શકે. બસ જરૂર છે એને સફળતા ને પ્રોત્સાહિત કરવાની. નાની નાની સફળતા પર ખુશ થાવ, આનંદ અનુભવો...એ જ આગળ જઈને મોટી સફળતા અપાવશે...

બીજા રસપ્રદ વિકલ્પો