ટેન્શન Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેન્શન

ટેન્શન
મિત્રો એક વાત સૌને લાગું પડે છે અને તે છે ટેન્શન . એક વાત સૌએ સ્વીકારી લીધી છે , જીવન છે તો ટેન્શન છે! છતાં આપણે સૌ હસતાં રહી શકીએ છીએ તે પણ એક મોટી વાત છે.
જેમ સુખદુખ આવે છે ને જાય છે તેમ ટેન્શન પણ આવે છે ને જાય છે આપણ ને ખબર પડે એ પહેલાં.જેમ ડૉક્ટર આપણને ઈન્જેક્શનની સોય આપણી ચામડીને અડાડે તે પહેલા આપણા રીએક્શન આપણા ચહેરા પર ફરી વળે છે, પણ સોય જ્યારે ભોંકાય છે તે આપણને સોય ભોંકાય પછી ખબર પડે છે.તેવું આ ટેન્શનનું છે. મોટા ભાગે આપણે પોતે જ ટેન્શન ઊભું કરીએ છીએ અને આપણે પોતે હેરાન થઈએ છીએ. આપણાં રોજિંદા જીવનની કેટલીક આવી હરકતો જોઈએ.
સવારે ઊઠતાં જ આપણે ઓફિસ કે શાળા કોલેજ જવાનું ટેન્શન ઊભું કરીએ છીએ. પથારીમાંથી ઊભા થતાં જ આપણી નજર ઘડિયાળ તરફ જાય છે.મોડું થઈ ગયું મોડું થઈ ગયું નાં ટેન્શનમાં આપણી સવાર ઊગે છે. બ્રશ થી લઈને ઘરની બહાર નીકળીએ ત્યાં સુધી ધમાલ કરીએ છીએ.આમ આપણે તો ટેન્શનમાં રહીએ છીએ સાથે સાથે ઘરનાં સભ્યોને પણ ટેન્શનમાં રાખીએ છીએ!
બસ કે રીક્ષાની લાઈનમાં પણ આપણે સખણા ઊભા નથી રહેતાં! ઊંચાનીચાં થયાં કરીએ છીએ. વારંવાર હાથ ઉપરનીચો કરી ઘડિયાળ જોયાં કરીએ. આપણે સારી રીતે જાણીએ છીએ કે રોડ ટ્રાફિક સમયસર હોતો નથી.મનોમન કકળાટ કરીને આપણાં કપાળે કરચલીઓ પાડીને નાહકનું ટેન્શન ઊભું કરીએ છીએ. ટ્રેન નાં પ્લેટફોર્મ પર એનાઉન્સમેન્ટ થાય કે આપણી રોજિંદિ ટ્રેન મોડી દોડી રહી છે તો આનંદ થવો જોઈએ કે હાશ ટ્રેન મળશે.પણ વળી પાછાં આપણે ટેન્શનની પુંછડી પકડી વિચાર્યે રાખીએ છીએ કે ઓફિસમાં મોડું થશે! બોસ ગુસ્સે થશે અને.. નકારાત્મક વિચારોમાં આપણો મૂડ સવારે સવારે ખરાબ કરી નાખીએ છીએ!
આવું જ માબાપ સંતાનોની પરીક્ષા હોય ત્યારે ન સમજાય તેવું વાતાવરણ ઘરમાં ઊભું કરે છે!પરીક્ષાનાં દિવસની ધમાલ જોઈએ. સંતાનોને સવારે વહેલાં તો ઊઠાડીએ છીએ એ પણ શિખામણોનો વરસાદ વરસાવીને.જલ્દી જલ્દી બ્રશ કરીને તૈયાર થા અને ફટાફટ થોડું રિવિઝન કરી લે સુધી. ભલા માણસ દસ પંદર મિનિટમાં સંતાન વાંચી વાંચીને નું વાંચી લેવાનો છે? પણ આપણને આપણાં સંતાન કરતાં વધુ ચિંતા હોય છે ! પરીક્ષા પહેલાં તો સંતાનોએ પોતાના ગજા પ્રમાણે તૈયારી કરી લીધી હોય છે. આપણે જાણીએ છીએ કે આપણે પણ આપણી પરીક્ષામાં કશું ઉકાળ્યું હોતું નથી! આમ પરીક્ષા આપવા નીકળતાં સંતાનને ઉત્સાહિત કરવાને બદલે ટેન્શન સાથે પરીક્ષા આપવા આપણે મોકલીએ છીએ!
ઈન્ટરવ્યૂ આપવા જતાં ઉમેદવારોની પણ આવી દશા હોય છે. શું પૂછાશે, પૂછનાર કોણ હશે? નાં ચક્રવ્યૂહ સાથે ઈન્ટરવ્યૂ આપવા જતો ઉમેદવાર જો શારિરીક રીતે નંખાઈ ગયેલો હોય, ચિંતાગ્રસ્ત હોય તો પોતાનો પ્રભાવ શું પાડી શકવાનો? હકારાત્મક વિચારો સાથે જીવતાં રહેવું હોય તો ટેન્શનમુક્ત જીવન શૈલી અપનાવી જોઈએ. પડશે તેવા દેવાશે નું વલણ રાખી આપણી સ્માર્ટનેશ અકબંધ રાખવાથી સામેની વ્યક્તિ પર આપણો પ્રભાવ પાડી શકીએ છીએ. આ પ્રસંગે મને ગુજરાતનાં પ્રખર ગાંધીવાદી સામાજિક કાર્યકર પૂજ્ય રવિશંકર મહારાજની એક વાત યાદ આવે છે કે ખોટી આદતને આપણે પકડી રાખી છે નહીં કે આદતે આપણને પકડી રાખ્યાં છે.
માબાપ લગભગ ટેન્શન સાથે જીવે છે મૃત્યુ પર્યંત! સંતાનો મોટાં થાય ભણે ગણે નોકરીએ લાગે, પછી તેમને પરણાવવા માટે ટેન્શન લઈને ફરે. છોકરો હોય તો છોકરી માટે, છોકરી હોય તો છોકરાં માટે રાતદિવસ વિચાર્યે રાખે. સામેનું પાત્ર કેવું હશે? કેવું મળશે? એમાં દીકરો હોય તો , દીકરો પરણીને સાથે રહેશે કે નહીં? વહુ ઘરને સંભાળશે કે નહીં? વળી આસપાસનાં સાસુ વહુનાં નેગેટિવ સમાચાર સાંભળીને, અથવા ફિલ્મ કે ટી.વી. સિરિયલમાંની સાસુ વહુ ની નકારાત્મક વિચારોવાળી સિરિયલ જોઈ ના જોઈતું ટેન્શન ઓઢીને ફરે છે, સંતાન પરણે એ પહેલાં!. સંતાન પરણે પછી ધણીવાર ભ્રામક માન્યતાઓને આધારે શરુ થાય છે ઘરમાં મહાભારત. પરિણામે ખીલતી કળી જેવાં ફૂલો વગર કારણે કરમાઈ જાય છે.આશાસ્પદ યુવાનોની જિંદગી કારણ વગર ટેન્શનની આગમાં હોમાઈ જાય છે.સંયુક્ત કુટુંબો તૂટવાનું એક કારણ એટલે કાચા કાનનું હોવું. કોઇ પણ જાતની ચોક્કસાઈ વગર, આડોસીપાડોસીની વાતો સાંભળી આપણાં ઘરમાં આગ લગાડવી.
દરેક જણને ઈચ્છા હોય છે કે પોતે પોતાનો સ્વતંત્ર ધંધો કરે.પોતાનો ધંધો કરવો એ ખુશીની વાત છે, પણ કોઈ પણ જાતની જાણકારી વગર ધંધો કરવો ઘણીવાર આપણને મુશ્કેલીમાં મૂકી દે છે.ધંધાના પાયાનાં સિધ્ધાંતો જાણવા ખૂબ જરૂરી છે. ખાસકરીને આર્થિક વ્યવસ્થા, મેન પાવર, આપણી શારીરિક તથા માનસિક સમતા, પડકારો ઝીલવાની સાહસિકતા જેવા ગુણોની ખાસ આવશ્યકતા હોય છે.આ ગુણો આપણામાં ન હોય તો આપણે આપણા પર તથા આપણા કુટુંબ પર કારણ વગરનું ટેન્શન ઊભું કરી નાખીએ છીએ. કોઈ પણ ધંધો કરવો સહેલો છે પણ એને આગળ વધારવા માટે આવડતની જરૂર પડે છે. કેટલાક લોકોમાં નકારાત્મક ભાવના હોય છે, તેઓ પોતાના ધંધામાં ભાગ્યે જ સફળ થાય છે.આમ આંખો બંધ કરી જ્યાં ત્યાં ઝંપલાવીને ટેન્શન ઊભું કરવાની આદતથી દૂર રહેવું જરૂરી છે.
આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ. લોકશાહી દેશ એટલે ચૂંટણી હોય.જ્યાં ચૂંટણી હોય ત્યાં શું થશે? કોણ જીતશેની આતશબાજી હોય! તમને શું લાગે છેની ચર્ચા ગરમાગરમ હોય. ચાની લારી હોય કે પાનબીડીનો ગલ્લો કે લોકલ ટ્રેનનો ડબ્બો કે બસ સ્ટેન્ડનો અડ્ડો. મજાની વાત એ છે કે ઘણી ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારો સાથે આપણને કોઈ સંબંધ હોતો નથી, કોઈ પણ ચૂંટાઇને આવે આપણને કોઈ ફરક પડતો નથી, જ્યાં ચૂંટણી થવાની છે તે સ્થળ વિશે કોઈ જાણકારી હોતી નથી છતાં કોણ જીતશે,ક્યો પક્ષ આવશે નું ટેન્શન લઈને ફરીએ છીએ. કારણ વગરની આડોશીપાડોશી કે આપણાં મિત્રો વર્તુળમાં જીભાજોડી કરીને આપણાં સંબંધોને મુશ્કેલીમાં મુકી દઈએ છીએ! આમાં વળી ટી.વી. જેવું શક્તિશાળી મીડિયા રજનું ગજ કરી વાતાવરણમાં ટેન્શન ઊભું કરે છે! રાજકીય પક્ષો ચૂંટણી લડે ત્યારે એકબીજા પર આક્ષેપો કરે છે.પરિણામે પાયાનાં કાર્યકરોમાં વૈમનસ્ય ઘૂંટાતું હોય છે જેનું પરિણામ ધણીવાર ધાતકી આવે છે. ટોચના નેતાઓ ચૂંટણી પછી વિરોધી નેતાઓ જોડે હાથ મિલાવે છે અને દોસ્તીયારી નીભાવે છે! આમ રાજકીય ટેન્શનનો ભોગ સામાન્ય પ્રજા જે આપસમાં રહેતી હોય છે તે બને છે! આજ વાત લાગું પડે છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે.
અમુક વસ્તુઓ પર આપણું નિયંત્રણ હોતું નથી. જેમકે બહારગામ કે બહાર જતી વેળાએ ગાડી કે બસ કે ટ્રેન કે પ્લેનનું બગડી જવું. આવા સમયે ધણી વ્યક્તિઓને ટેન્શન થઈ જાય છે. જે યોગ્ય નથી. ક્યારેક કોઈ સારા પ્રસંગે વિધ્ન આવી જાય છે. આવા પ્રસંગે શાંતિ રાખી પરિસ્થિતિનો સ્વીકાર કરી ટેન્શન દૂર કરી શકાય છે.
જિંદગી છે તો પ્રવાસ છે, યાત્રા છે.ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે તેને પ્રવાસ નહીં કર્યો હોય! કશે ક જવાનો વિચાર આવે કે આપણને ટેન્શનનું ભુત પજવવા માંડે છે. સૌથી મોટું ટેન્શન હોય તો ખાવાપીવાનું! યાત્રાની ખરી મજા તો જ્યાં જઈએ તે પ્રદેશનું ભોજન કરીએ તો મજા આવે. પણ આપણે તો આપણું રોજિંદું ભોજન સાથે લઈ જવા આગ્રહ રાખીએ છીએ.તેવી જ રીતે ઘરે બેઠાં બેઠાં આપણે જે સ્થળે જવાનાં છીએ તેનાં હવામાનની ચિંતા કરતાં રહીએ છીએ.એમાંય વળી આપણાં ઓળખીતાપારખીતા કે સંબંધીઓ પોતાના કડવાં અનુભવો દ્રારા આપણું ટેન્શન વધારે છે તે અલગ.આમ આપણે ઘરથી બહાર નીકળી ટ્રેનમાં જ્યાં સુધી બેસીએ નહીં આપણે ટેન્શનને છોડતાં નથી!
આપણી જિંદગી પણ એક યાત્રા જેવી છે.કશા પર આપણો કાબુ હોતો નથી, છતાં કલ્પનાનાં ઘોડા પર સવાર થઈ ટેન્શનનાં મૃગજળ પાછળ દોડી આપણે હેરાન થયાં કરીએ છીએ.ટેન્શન મુક્ત થવા માટે ખોટાં ખ્યાલો, આપણાં સંબંધીઓનાં અનુભવો પર બહુ લક્ષ આપવું ના જોઈએ. સમયને અનુરૂપ થઈ માર્ગ કાઢવાની તૈયારી રાખવી જોઈએ.પડકારોને પડકારવાની શક્તિ કેળવવાથી પણ આપણે ટેન્શન મુક્ત થઈ શકીએ છીએ. જિંદગી જીવવા માટે છે.ડર નામનાં શેતાનને આપણાં જીવનમાંથી કાઢી નાખીએ તો આપણાથી સો જોજન દૂર ભાગે છે ટેન્શન. એમાંય આપણને ઈશ્વર પર આસ્થા, અંધશ્રદ્ધાને બદલે શ્રધ્ધા હોય તો જીવન બારેમાસ લીલીવાડી જેવું ખિલતું જોવા મળે છે.
સમાપ્ત
પ્રફુલ્લ આર શાહ.