અંગત ડાયરી - કેલ્ક્યુલેશન્સ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - કેલ્ક્યુલેશન્સ

અંગત ડાયરી
============
શીર્ષક : કેલ્ક્યુલેશન્સ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ

કોઈ વ્યક્તિના સ્વભાવ, વિચારો કે વર્તન વિષે અગાઉથી ધારી લેવામાં આવતી કિંમતો અને વાસ્તવિક કિંમતો વચ્ચે તફાવત જેટલો ઓછો એટલી સમસ્યાનો ઉકેલ સરળ. નવા સંબંધોમાં સામેવાળાના એક્સ, વાય કે ઝેડની કિંમત બહુ મોટી કે પોઝીટીવ ધારવામાં આવતી હોય છે. જેમકે નવી કંપની જોઈન્ટ કરતો કર્મચારી બહુ પોઝીટીવ હોય તેમ કંપની પણ કર્મચારી વિષે પોઝીટીવ જ હોય. નવી વહુ સાસુ વિષે અને સાસુ વહુ વિષે, પતિ પત્ની વિષે અને પત્ની પતિ વિષે શરૂઆતમાં પોઝીટીવ જ હોય. સમજો ને કે એક્સ, વાય અને ઝેડ ત્રણેય સો ની ઉપર ધારવામાં આવ્યા હોય. આવી પોઝીટીવ પૂર્વધારણાઓને લીધે જ એ દિવસો ગોલ્ડન ડેઝ લાગતા હોય છે. જો આ પૂર્વધારણાઓ સતત ચાલુ રાખી શકીએ તો ગોલ્ડન પિરીયડ બહુ લાંબો ચાલે છે. મારા બોસ તો બેસ્ટ છે, મારી કંપની નમ્બર વન છે, મારા સાસુ-સસરા એ-વન, મારી વહુ-મારા ઘરની શોભા, મારા હસબંડ તો ધાર્યા કરતા ખુબ ખુબ વધુ સારા છે અને મારી વાઈફ એટલે વર્ડની સૌથી બેસ્ટ વાઈફ. આ વાક્યો રોજ ૧૦૮ વાર બોલવાથી મનને શાંતિ મળે છે અને તમામ કેલ્ક્યુલેશન્સ સાચા પડે છે. દરેક સમીકરણ ઉકેલાઈ જાય છે.

પરંતુ, જે પતિએ સગાઈ પછીના ગોલ્ડન સમયમાં અઠવાડિયાની બે ફિલ્મ ટોકિઝમાં બતાવી હોય એ જ પતિ લગ્ન બાદ બહાર ફરવા જવાની પણ ના પાડે એટલે પત્નીને એકસની કિંમત ખોટી ધારી લીધી હોવાથી દાખલાનો જવાબ ખોટો આવતો હોવાનું લાગે. જે પત્નીએ ગોલ્ડન દિવસોમાં સાસુના ઓપરેશન વખતે દિવસરાત એક કરી ખડેપગે સેવા કરી હોય એ જ પત્ની ‘આજ બાને કહી દે જો ને કે ખીચડી હાથે રાંધી લે તો આપણે બહાર જમી આવીશું' કહે ત્યારે પતિને પણ એક્સ, વાય કે ઝેડ અંગેની ધારણા ખોટી લાગે. આઠ કલાક ખંતથી કામ કરવાનું વચન આપતો કર્મચારી, પાંચ જ કલાકમાં ઘડિયાળ સામે તાકતો થઇ જાય કે દર વર્ષે પગારમાં વધારો કરવાનું કહેનારી કંપની ‘આટલા પગારમાં તો બે કર્મચારી મળી જાય’ એવું કહે ત્યારે સમીકરણો ઉકેલાવાની બદલે ઉલજવા માંડે છે.

આપણી આસપાસ દિવસ આખામાં હજારો કેલ્ક્યુલેશન્સ ચાલતા હોય છે. હું પોસ્ટ મૂકીશ તો આટલા તો લાઈક આવશે જ થી શરુ કરી આ મહીને બે હજાર બચશે, આ વર્ષે કાર છોડાવવી છે, ફલાણા સાથે હવે ઓછું બોલવું છે અને ઢીંકણા સાથે ફરવા જવું છે. આ આમ કરશે તો હું તેમ કરીશ, આને જોઈ લઈશ અને આને માફ કરીશ નહિ. વિચારો વિચારો વિચારો.. ગણતરીઓ ગણતરીઓ ગણતરીઓ..

એક મિત્રએ એક મસ્ત વાત કરી. એ ફિક્સ પે માંથી ફૂલ પેમાં આવ્યો તો પગારમાં પંદરેક હજાર વધી ગયા. બેક મહિના તો બેચેની વધી ગઈ. કૈંક નવું જુએ એટલે ખરીદવાની ગણતરી કરવા માંડે. કોઈ પાસે નવો મોબાઈલ જુએ એટલે ફેસિલીટી, કિંમત બધ્ધું પૂછવા માંડે. આજ લઇ લઉં, કાલ લઇ લઉં એવા વિચારો એને ઘેરી વળે. એમાં ત્રીજા જ મહીને એના પપ્પાએ એને એક નવી સોસાયટીમાં મકાન લઇ આપ્યું અને મહીને ઓગણીસ હજારનો હપ્તો શરુ થઇ જતા પેલી બેચેની ગાયબ થઇ ગઈ. નવો મોબાઈલ તો શું રીચાર્જ પણ વિચારી વિચારીને કરાવે છે. બધ્ધું એક દમ શાંત પડી ગયું.

જયારે ગણતરીઓ બંધ થાય છે ત્યારે બધ્ધું શાંત અને ચોખ્ખું થઇ જાય છે. એટેલ જ કદાચ મરનાર વ્યક્તિની શોક સભામાં ઉપસ્થિત તમામના મોંએ એના વખાણ જ સાંભળવા મળે છે, કેમ કે જનાર વ્યક્તિ વિષેની તમામ ગણતરીઓ હવે બંધ થઇ ગઈ હોય છે.

જીવનમાં જો કઈ ગણવા જેવું હોય તો એ શ્વાસ છે. એક વાર આંખો બંધ કરી ૩૦૦ કે ૪૦૦ શ્વાસ એકધારા ગણી જુઓ. નવો અનુભવ થશે એની મારી ગેરેંટી. હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)