મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
ઠક-ઠક... ઠક-ઠક
જેઠ મહિનાનો સૂરજ સવારથી જ તપી રહ્યો છે. હજી તો દસ જ વાગ્યા છે કે લૂ વહી રહી છે. ભુવનેશ્વર દત્ત ગુસ્સામાં છે, “એટલો સમય પણ નથી મળતો કે કારનું એરકન્ડીશન પણ સરખું કરાવી શકાય. ભાગદોડ-દોડભાગ... ભાગદોડ... પ્રકાશનના વ્યવસાયનો આ પણ એક હિસ્સો છે કે આટલી બધી ભાગદોડ પછી પણ આટલો અમથો ખર્ચો કરી શકતો નથી.”
લાલ બત્તી પર કાર ઉભી રહી ગઈ છે. ભુવનેશ્વર દત્તનો ગુસ્સો હજી વધી રહ્યો છે. આ લાલ બત્તી...હે ભગવાન... આટલી લાંબી... ત્રણ મિનીટની... એમની બેચેની વધી ગઈ.
“સાહેબ! બોલ પેન... દસ રૂપિયામાં ચાર... લઇ લો સાહેબ...” ફાટેલા ફ્રોક પહેરેલી એક દસ વર્ષની છોકરી કારના ખુલેલા કાચ પર ઠક ઠક કરી રહી છે.
“હું આનું શું કરીશ...?” એ પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લે છે.
“લઇ લો સાહેબ... હું કશુંક ખાઈ લઈશ... ભૂખ લાગી છે...” બારી પર ઠક ઠક વધી રહી છે.
“વાહ! ભીખ માંગવાની નવી રીત...” એમણે કટાક્ષ સાથે સ્મિત કર્યું. લીલી બત્તી થતાની સાથેજ કાર આગળ વધી જાય છે.
સ્મિતમાં ભુવનેશ્વર દત્તનો ગુસ્સો તો ડૂબી ગયો અને એમણે કારની સ્પિડ પણ વધારી દીધી, “સાડાદસ વાગી રહ્યા છે અને સિન્હા સાહેબને તો દસ વાગ્યે જ મળવાનું કીધું હતું... ક્યાંક તે જતા ન રહે... આજે એમની સાથે વાત પાક્કી કરી જ લેવી છે... પછી ભલેને એ ગમે તે માંગે... આ વખતે એમને ભરપૂર સંતોષ મળવો જોઈએ...”
કર ચીઈઈઈ... ના અવાજ સાથે સિન્હા સાહેબના બંગલા સામે આવીને ઉભી રહી ગઈ. સિન્હા સાહેબ બહાર લોનમાં બેઠાબેઠા છાપું વાંચી રહ્યા હતા, જોઇને ભુવનેશ્વર દત્તને શાંતિ થઇ.
“નમસ્તે, સિન્હા સાહેબ.”
જવાબમાં સિન્હા સાહેબે છાપું સામે મુકેલા ટેબલ પર રાખી દીધું અને આંગળીથી ભુવનેશ્વર દત્તને બાજુમાં પડેલી ખુરશી પર બેસી જવાનો ઈશારો કર્યો.
“સર! આ વખતે તમારા ખાસ આશિર્વાદ જોઇશે.” શાંતિને તોડતા ભુવનેશ્વર દત્તે કહ્યું.
સિન્હા સાહેબની પ્રશ્નથી ભરેલી દ્રષ્ટિ તેમની સામે સ્થિર થઇ.
“સર! આ વખતે દીકરીના લગ્ન નક્કી થઇ ગયા છે.”
“બહુ સરસ ભુવનેશ્વરજી! બધા આવું જ કહી રહ્યા છે... શું આ મારી નવલકથા મેળવવાની કોઈ નવી રીત છે?” સાંભળીને ભુવનેશ્વર દત્ત સ્તબ્ધ થઇ ગયા છે.
ઠક-ઠક... ઠક-ઠક... કાર લાલ બત્તી પર ઉભી છે... બારી પર સતત ઠક ઠક થઇ રહી છે.
***