મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
પરત ફરેલો ભૂતકાળ
હા અનવર! હું આ ધાર્મિક પુસ્તક પર હાથ રાખીને પૂરા ભાન સાથે એ સ્વીકાર કરું છું કે એ સમયે તારા પ્રેમની જાળમાં ફસાઈને અને મારી માતા સમક્ષ વિદ્રોહ પોકારીને તારી સાથે નિકાહ કરવા એ મારા જીવનની સહુથી મોટી ભૂલ હતી.
હા મા, આજે હું ભારે મનથી એ સ્વીકાર કરું છું કે તું એકદમ સાચી હતી અને હું એકદમ ખોટી. પિતાજીના અવસાન બાદ તુ મારા માટે માતા અને પિતા બંને બની ગઈ હતી. અને મેં બેશરમીથી તને એમ કહી દીધું હતું કે હવે હું પુખ્ત થઇ ગઈ છું અને મારા જીવન પર તારો કોઈજ અધિકાર નથી. હા મા તે સમયે અનવરના પ્રેમનો જાદુ મારા માથે ચડીને પોકારી રહ્યો હતો.
હા અનવર! તે નિકાહના બે જ વર્ષની અંદર મને કેવી બેરુખીથી તલાક...તલાક...તલાક કહીને બધુંજ ખતમ કરી દીધું હતું કારણકે તારા જીવનમાં મારાથી પણ સુંદર સ્ત્રી સાયરા આવી ગઈ હતીને?
હા મા! મને ખબર છે કે હું તે સમયે પણ મને ગળે વળગાડીને માફ કરી દેત પણ તેમાં પણ મારું સ્વમાન વચ્ચે આવી ગયું હતું.
આ વીસ વર્ષ પહેલાની વાત છે જ્યારે હું તલાકશુદા શાહીનમાંથી ફરીથી શાંતિ બનીને રસ્તા પર કોઇપણ સહારા વગર રખડી રહી હતી. હું તે સમયે જરૂર તૂટી ગઈ હતી પરંતુ દત્તક લીધેલી છોકરીને પ્રગતી નામ આપી તેને મોટી કરવામાં લાગી ગઈ હતી.
હા મા! આજે વીસ વર્ષ પછી હું ફરીથી તારી સામે ઉભી છું. પ્રગતી હવે મારાથી બે ઇંચ લાંબી થઈને જાવેદ સાથે નિકાહ કરવા માટે જીદ પકડીને મારી સામે એવી જ રીતે ઉભી છે જેવી રીતે હું એ સમયે તારી સામે ઉભી હતી. આજે તેણે પણ મને કહી દીધું છે કે તે હવે પુખ્તવયની થઇ ગઈ છે અને મારો તેના પર કોઈજ અધિકાર નથી. હું તારી જેમ જ આશ્ચર્યચકિત છું અને દુઃખી છું મા!
હું લાચાર છું પ્રભુ! હું તારી સામે હાથ જોડીને ભીખ માંગુ છું, મારા કરેલા ગુનાઓની સજા મારી પ્રગતિને ન આપ. તેને બચાવી લે પ્રભુ!
***