મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
વેપારી
બંને પોતપોતાના ક્ષેત્રોમાં એક આગવું સ્થાન મેળવી ચૂક્યા હતા. બંને ઘનિષ્ઠ મિત્રો હતા પરંતુ તેમ છતાં બંને અલગ અલગ ધ્રુવ પર ઉભા હતા. વિજય આલોક સરસ્વતીનો ઉપાસક હતો તો અજય પ્રકાશ લક્ષ્મી પૂજક.
આ જ વિષય પર આ તેમની ત્રીજી મુલાકાત હતી. પહેલી બંને મુલાકાતોનું કોઇપણ પરિણામ ન નીકળવા છતાં વિજય પૂરી રીતે આશ્વસ્ત હતો કે તે સાહિત્યની એક સ્પર્ધા માટે એક લાખનો પુરસ્કાર પ્રાયોજિત કરવા માટે અજયને અવશ્ય સહમત કરી લેશે.
અજયના ભવ્ય ડ્રોઈંગરૂમમાં કીમતી અને સ્વાદિષ્ટ નાસ્તા પર બંને વચ્ચેની શાંતિને વિજયે જ તોડી, “હા, તો અજય ભાઈ, તમે શું નિર્ણય લીધો?”
“મેં આપણી છેલ્લી મુલાકાત પછી ‘હા’ માં નિર્ણય લઇ લીધો હતો.”
“ધન્યવાદ દોસ્ત, હું લઘુકથાના તમામ ચાહકોની તરફથી તમને ધન્યવાદ આપું છું.”
“પહેલા મારી પૂરી વાત તો સાંભળ વિજય!”
“બોલ!”
“આજે તમારા આવવા અગાઉ મારી સાથે એક દુર્ઘટના ઘટી ગઈ.”
“કેવી દુર્ઘટના?” વિજયના અવાજમાં ચિંતા આવી ગઈ.
“એક વ્યક્તિ સવારથી જ મારા મનમાં સવાર થઇ ગયો છે.”
“ઓહ! હું સમજી ગયો.”
“શું સમજી ગયો?”
“એ જ કે તમારા મનમાં કોણ સવાર થઇ ગયો છે.”
“કોણ...?”
“વેપારી. હવે તમે આ બાબતે ક્યારેય હા માં નિર્ણય નહીં કરી શકો. અને હા, હું તમને હવે આ બાબતે ક્યારેય આગ્રહ પણ નહીં કરું.” આમ કહીને વિજય ઉભો થયો અને પોતાના પર કાબુ કરતા કરતા તે દરવાજા તરફ ચાલી નીકળ્યો.
***