પલ પલ દિલ કે પાસ - કરિશ્મા કપૂર - 26 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - કરિશ્મા કપૂર - 26

કરિશ્મા કપૂર

હિન્દી સીને જગતમાં કપૂર ખાનદાનનું નામ ખૂબજ સન્માનપૂર્વક લેવાય છે.પૃથ્વીરાજ કપૂર થી લઈને રણબીર કપૂર સુધી ચાર પેઢી સુધીના તમામ હીરોનો એક ચોક્કસ ચાહકવર્ગ છે. કપૂર ખાનદાનની પહેલેથી જ એક પરંપરા રહી હતી કે પુત્ર જ ફિલ્મોમાં કામ કરી શકે. પુત્રીને ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી નહોતી. જોકે શશી કપૂરની દીકરી સંજનાએ ત્રણેક ફિલ્મો કરી હતી.બબીતાએ પણ હિમતપૂર્વક મોટી દીકરી કરિશ્માને ૧૯૯૦ ના દસકમાં સિલ્વર સ્ક્રીન પર લાવીને મૂકી દીધી હતી.

૧૯૯૪ માં રીલીઝ થયેલી ફિલ્મ “ખુદ્દાર” માં તો કરિશ્માએ અતિશય ટૂંકા વસ્ત્રોમાં ડાન્સ કરીને સમગ્ર સીનેજગતને આંચકો આપ્યો હતો.ગીતના શબ્દો હતાં..” સેક્સી સેક્સી મુઝે લોગ બોલે.”. ફિલ્મ રીલીઝ થયા બાદ પબ્લિકના વિરોધને કારણે સેન્સરબોર્ડે નિર્માતા નિર્દેશકને ગીતના શબ્દો બદલવાની ફરજ પાડી હતી. આખરે તે શબ્દો કરવામાં આવ્યા હતા “બેબી બેબી મુઝે લોગ બોલે.”. જોકે કરિશ્માએ સમય જતાં પોતાના અભિનયનો કરિશ્મા બતાવીને દર્શકોના મન જીતી લીધા હતા.

કરિશ્મા કપૂરનો જન્મ તા.૨૫/૬/૧૯૭૪ ના રોજ મુંબઈમાં થયો હતો.પિતા રણધીર કપૂર અને માતા બબીતાના આ પ્રથમ સંતાને નાની ઉમરે જ સીનેજગતમાં ખુદ ની આગવી ઓળખ ઉભી કરી બતાવી હતી.કરિશ્માને બાળપણથી જ ભણવા કરતાં અભિનય અને ઈત્તર પ્રવૃત્તિઓમાં વધારે રસ હતો. મુંબઈની જમના બાઈ નરસી સ્કૂલ તથા દહેરાદૂનની વેલ હમ ગર્લ્સ હાઇસ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ કરિશ્માએ અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. માત્ર સત્તર વર્ષની ઉંમરે ૧૯૯૧ માં કરિશ્માની પ્રથમ ફિલ્મ “પ્રેમ કૈદી” રીલીઝ થઇ ગઈ હતી.

૧૯૯૨ માં રીલીઝ થયેલી કરિશ્માની ફિલ્મ “જીગર” ના હીરો અજય દેવગણ સાથે કરિશ્માનું નામ ચર્ચાના ચગડોળે ચડ્યું હતું. ૧૯૯૩ માં રીલીઝ થયેલી કરિશ્માની ફિલ્મ “અનાડી” અતિ સફળ ફિલ્મ હતી.તે ફિલ્મમાં કરિશ્માની સાથે સાઉથનો હીરો વ્યંકટેશ હતો. જોકે ફિલ્મની સફળતાની તમામ ક્રેડીટ કરિશ્માને જ મળી હતી. તે દિવસોમાં ઉદિત નારાયણે ગાયેલું તે ફિલ્મનું ગીત “ફૂલો સા ચહેરા તેરા ક્લીયો સી મુસ્કાન હૈ,રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હૈરાન હૈ.” ખાસ્સું લોકપ્રિય થયું હતું. ત્યારબાદ કરિશ્મા કપૂરની ગોવિંદા સાથે એક પછી એક હીટ ફિલ્મો રીલીઝ થવા લાગી હતી. જેમાં રાજાબાબુ (૧૯૯૪),કુલી નંબર ૧ (૧૯૯૫) તથા સાજન ચલે સસુરાલ (૧૯૯૬) નોંધપાત્ર હતી. ગોવિંદા સાથે કરિશ્માની જોડી દર્શકોએ એટલા ઉત્સાહથી વધાવી લીધી હતી કે કરિશ્માનું નામ ગોવિંદા સાથે લેવાતું થઇ ગયું હતું. જોકે થોડા સમય માં જ ગોવિંદાના રાની મુખર્જી સાથેના કહેવાતા સબંધોને કારણે કરિશ્માનું નામ ગોવિંદા સાથે લેવાતું બંધ થયું હતું.

૧૯૯૬ માં બોક્ષ ઓફીસ પર સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ તરીકે કરિશ્માની જ ફિલ્મ હતી.નામ હતું “રાજા હિન્દુસ્તાની”.આમ તો તે ફિલ્મની કહાની પતિ પત્નીના પરસ્પર પ્રેમ અને વિશ્વાસ પર આધારિત હતી.કોઈ પણ પતિ કે પત્નીએ કહી સુની વાતો પર ધ્યાન આપવાને બદલે સામેના પાત્ર પર જ વિશ્વાસ રાખીને જીવન જીવવું જોઈએ નહિ તો લગ્ન જીવન કેટલી હદે ખોરંભે ચડી શકે છે તે વાતનું નિરૂપણ તે ફિલ્મમાં ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું. “રાજા હિન્દુસ્તાની” તેના આઉટ ડોર લોકેશન્સને કારણે પણ પ્રેક્ષણીય બની હતી.“રાજા હિન્દુસ્તાની” માં કરિશ્માએ આમીરખાન સાથે દોઢ મિનીટ જેટલું લાંબુ લીપ્સ ટૂ લીપ્સ કિસ નું દ્રશ્ય આપીને દર્શકોને ચોંકાવી દીધા હતા.”રાજા હિન્દુસ્તાની” માટે કરિશ્માને ફિલ્મફેરનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

આમીરખાન અને સલમાન ખાન સાથે કરિશ્માએ કોમેડી ફિલ્મ “અંદાઝ અપના અપના” માં પણ વાસ્તવિક અભિનય કર્યો હતો.કરિશ્મા જેમ જેમ સફળતાની સીડી ચડતી જતી હતી તેમ તેમ તેને મોટા બેનરની ફિલ્મો પણ મળતી ગઈ હતી. કરણ જોહરની “દિલ તો પાગલ હૈ” માં માધુરી દિક્ષિત સામે તેણે અભિનય અને ડાન્સ બંનેમાં બરોબરની ટક્કર લીધી હતી. ૧૯૯૯ માં સુરજ બડજાત્યાની ફિલ્મ “હમ સાથ સાથ હૈ” એક સંયુક્ત કુટુંબની એવી સામાજિક ફિલ્મ હતી જેની વાર્તાના પાયામાં રામાયણ જેવો ધાર્મિક ગ્રંથ હતો. તે ફિલ્મમાં પણ કરિશ્માએ સૈફ અલીખાન સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી.૧૯૯૯ માં જ રીલીઝ થયેલી સફળ ફિલ્મ એટલે “બીવી નંબર ૧”. જેમાં કરિશ્માએ સલમાન ખાનની એવી પત્નીનો રોલ કર્યો હતો જેને ફિલ્મના પહેલા ભાગમાં સીધી સાદી ગૃહિણી તરીકે દર્શાવવામાં આવી હતી. બીજા ભાગમાં તે આડા રસ્તે ચડી ગયેલા પતિ સલમાનને સીધી લાઈન પર લાવવા માટે (અનીલ કપૂરની મદદ લઈને) તે આધુનિક અને ગ્લેમરસ બની જવાનું નાટક કરે છે. બંને ભાગમાં કરિશ્મા મેદાન મારી ગઈ હતી.

૨૦૦૦ ની સાલમાં રીલીઝ થયેલી ફિલ્મ “ફીઝા” અને ૨૦૦૧ ની ફિલ્મ “ઝુબેદા” માં અભિનય કરીને કરિશ્માએ સાબિત કરી બતાવ્યું હતું કે કોમર્શીયલ ફિલ્મોની સાથે સાથે પેરેલલ સિનેમામાં પણ તે ઉત્કૃષ્ટ અભિનય કરી શકે છે. બને ફિલ્મો માટે કરિશ્માને અનુક્રમે આઈફા અને ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. “દિલ તો પાગલ હૈ” માટે પણ ૧૯૯૮ નો ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ કરિશ્માને જ મળ્યો હતો.

લગભગ દસકાના બ્રેક બાદ ૨૦૧૨ માં કરિશ્માએ કમ બેક કર્યું હતું ફિલ્મ હતી “ડેન્જરસ ઈશ્ક”. જોકે ફિલ્મ ફ્લોપ નીવડી હતી.

અભિષેક બચ્ચન સાથે સગાઇ તૂટયા બાદ કરિશ્માના લગ્ન ૨૦૦૩ માં બીઝનેસ ટાયકૂન સંજય કપૂર સાથે થયા હતા. જે ૧૩ વર્ષ બાદ ૨૦૧૬ માં ડિવોર્સમાં પરિણમ્યા હતા. આજે બંને સંતાન દીકરી સમીરા અને પુત્ર કીઆન કરિશ્મા સાથે જ રહે છે.

સમાપ્ત