વિઝિટિંગ કાર્ડ.... DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિઝિટિંગ કાર્ડ....

વિઝિટિંગ કાર્ડ...........દિનેશ પરમાર નજર (99244 46502)
------------------------------------------------------------------------------
કાળની કેડી અટપટી છે, ના ઉકેલાતી કદી,
ઘર મહીં દાખલ થયા, અંતે કબરમાં નીકળ્યા.
હાથ-પગ બાંધી હવાના લઈ ગયા સ્મશાનમાં,
સાચવેલા પ્રેમપત્રો બંધ ઘરમાં નીકળ્યા.
- ધૂની માંડલિયા
-----------------------------------------------------------------------------
શહેરની પૂર્વ તરફે આવેલ નદીના ઢોળાવની પડખે ગીચ ઝૂંપડપટ્ટીની સ્લમ વસાહતમાં ભીખો રહેતો હતો.
એને ભણવા માટે વસાહતથી થોડેક દૂર આવેલી મ્યુનિસિપલ શાળા માં ભણવા મૂક્યો તો ખરો -
પણ તે પાંચમાં ધોરણમાં હતો તે સમયે, કોમી હુલ્લડ ફાટી નીકળ્યું ને તેના પિતા સવારે, ફાળવેલા વિસ્તારમાં સાફ-સફાઈ કરવા ગયા ને હજુ તો રોડ ની સાફ-સફાઈ શરૂ કરીજ હતી ને, પાછળથી કોઈ અજાણ્યા શખ્સએ આવી પીઠની નીચે કમરના ભાગે ખંજર હુલાવી દીધું. મોંમાંથી અવાજ પણ ના નીકળી શક્યો ને ત્યાંજ પડી , પછી તરફડીયા મારતા મારતા જ ભીખાનો બાપ, કાયમને માટે શાંત થઈ ગયો.
ભીખો એકનો એક, તેના માથે સફાઈ કામની જવાબદારી આવી પડી, રેકૉર્ડ પર તેના બાપાના વારસદાર તરીકે તેની માં નું નામ એટલે, શરૂઆતમાં તેની માં ચંપા સાથે જતી. પણ ભીખો થોડો હેવાયો થયો એટલે તેની માંએ એકલો મોકલવા માંડ્યો.
એમાં, વળી પાછી તકલીફ ઉભી થઈ-
ભીખો સવારે સફાઈ કરવા જતો ત્યારે, સફાઈ શરૂ કરતા પહેલા ચાર રસ્તા પાસે નાકાપર આવેલી ચા ની કીટલીએ ચા નો ડોઝ મારતો. તેની સાથે સફાઈ કામ કરવા આવતા બીજા લોકોના સંપર્કમાં ધીરે ધીરે તે આવતો થયો, આ ચા ની કીટલી તેનું નિમિત્ત બની અને તે નિમિત્ત તેને, જુગાર, બીડી ત્થા દારૂ સુધી ખેંચી ગયું.
તેની મા ચંપાને આ વાતની ખબર પડતા તેને ધીબી નાખ્યો. ને તેને સ્લમ વસાહત થી બહાર નીકળી આગળ જતાં મેઇન રોડ પર નાસ્તાની લારી લઈ ઉભા રહેતા, ભીખાના બાપા જીવતા'તા ત્યારના વિશ્વાસુ ભાઈબંધ બિહારીબાબુની પાસે કામ પર મૂક્યો.
પણ તેમાંથી ખાસ કઇં મળતું ના હોઇ, તેની માં ચંપા કોટ વિસ્તારના કોમ્પ્લેક્ષમાં ત્થા દુકાનોમાં, વેહલી સવારે જઈ, કાગળ, પ્લાસ્ટિક, પુઠાં, જેવો કામનો રદ્દી માલ, વીણી લાવી અને તેને પસ્તીની દુકાને વેચી બે ટંક સરખા કરવા મહેનત કરતી.
આમાં ને આમાં, ચંપાને વધુ પડતાં શ્રમ અને વળી ઓછા, અપૂરતા ખોરાક ને, સતત બિનઆરોગ્યપદ વાતાવરણમાં રહેવાને કારણે ટી. બી. લાગુ પડ્યો.
પોતાનું મોત નજીક લાગતા, ચંપાએ, પોતાનો વંશ જોવાના કોડમાં, ભીખાને તે પંદર-સોળ નો થયો ત્યાં સુધી માં પરણાવી દીધો.
આ પરિસ્થિતિમાં હવે ભીખાને, પોતે બાપાની કાયમી નોકરી ગુમાવવાનો ખુબ પસ્તાવો થયો. ઘરમાં બૈરી આવતા હવે બેના ત્રણ થતાં, સારી નોકરીમાટે, શહેરની મધ્યમાં આવેલા
ઐતિહાસીક કિલ્લાના પડખેની વસ્તીમાં રહેતા તેના મામાએ તેને રેલવે સ્ટેશન નજીક આવેલા થિયેટરમાં સાફ - સફાઈ ના કામે લગાડી દીધો.
માથે આવી પડેલી જવાબદારી થી, ભીખો કામ પ્રત્યે, ગંભીર અને પરિપક્વ થયો હતો. થિયેટરમાં ચોકસાઇ પૂર્વક અને સમયસર કામ કરવાની તેની ધગશ, વળી સ્ટાફના લોકોએ ચીંધેલા કામના ટાંપા-ટૈયા કરવામાં ક્યારેય ના ન પાડી,કામ કરવાના તેના ઉમળકાથી સિનેમાગૃહના લોકોમાં માનીતો થયો હતો.
ડોરકિપર તરીકે કામ કરતો તેનો મિત્ર થઈ ગયેલો છગન, દર શુક્રવારે નવું પિક્ચર પડે એટલે ભીખા ને પેહલા જ શો માં પોતાની સાથે થિયેટરમાં અંદર એક બાજુ ખુણામાં ઉભો રાખી આખું પિક્ચર બતાવતો.
આમ કરતા, અને નવરો પડે છગન સાથે રહેતા તેને પણ થિયેટર ની બધી ખુરશીના રો અને નંબરોનો પરિચય થઈ ગયો હતો. એટલે જ્યારે છગનને કાંઈ કામ હોય અથવા બીમાર હોય ત્યારે ભીખો છગનની ફરજ બજાવતો.
મેનેજરના ધ્યાનપર આ વાત આવતા, પછી તો મોટા ભાગે ડોરકિપરનું કામ તેના ભાગે આવતું થયું.
કોઈકવાર થિયેટરમાં ખુરશી ખાલી હોય ત્યારે, મેનેજરની મંજુરી લઈ પોતાની ઘરવાળીને પિક્ચર જોવા લઈ આવતો ત્યારે પોતાના ઘરવાળાનો વટ જોઈ તે મનમાં ને મનમાં પોરસાતી.
પિક્ચર નો શો પતે ને પછીનો શો શરૂ થાય તે પહેલા, ભીખો, ફટાફટ દરેક ખુરશી ચેક કરી લેતો, ભૂલથી કોઈની વસ્તુ રહી ગઈ હોય તો, મેનેજર પાસે જમા કરાવી દેતો.
એક દિવસ રાત્રિના છેલ્લા શો પછી બાલ્કનીની ત્રીજી રો ના છેવાડા ની ખુરશી ની બાજુમાં એક લેધરનું પાકીટ ભીખાના હાથમાં આવતા દર વખતની જેમ મેનેજરને જમા કરાવી દીધું.
બીજે દિવસે સવારે તેને મેનેજરે બોલાવ્યો, તેમની કેબિનમાં પેલા પાકીટવાળા ભાઈ ઉભા હતા. પાકીટમાં અગત્યના કાગળિયા અને સારા એવા રૂપિયા હોઈ,પરત મળવાની આશા વગર, તપાસ કરવા પૂરતા આવેલા તે પંકજ ઠક્કરને, પાકીટ મળતા ખુબ ખુશ થયા ને મેનેજરની હાજરીમાં ભીખાને સો રૂપિયાની નોટ કાઢી આપવા હાથ લંબાવ્યો, તો ભીખાએ બે હાથ જોડીને કહ્યું, "મારાથી આ રૂપિયા ના લેવાય, મારી ફરજમાં આવે છે કે કોઈ ની રહી ગયેલી વસ્તુ મેનેજર સાહેબ ને સોંપવી."
આથી મેનેજર તો ગર્વથી પોતાના સ્ટાફ એવા ભીખાને જોઈ રહ્યા પણ આવી પ્રમાણિકતા જોઈ વધુ ખુશ થઈ પંકજ ઠક્કરે પોતાના પાકીટ માંથી "વિઝિટિંગ કાર્ડ" કાઢી ભીખાના હાથમાં મૂકી બોલ્યા," ભવિષ્યમાં ક્યારેય પણ, ગમે-તેવી, મારી જરૂરત પડે તો આ કાર્ડને સરનામે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર આવી જજે, હું પોતે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું."
વળી પંકજ ઠક્કર ઉભા થયા ત્યારે ભીખાનો ખભો થપથપાવી કેબીન છોડી ગયા ત્યારે, કેબીન બહાર નીકળતાની સાથે ભીખાની આંખો આશુંઓથી ભરાઈ આવી. જે થોડા મહિનાઓ પહેલા જ મૃત્યુ પામેલી તેની માં ચંપાના આત્માને ખરી અંજલિ હતી.
*****
મુંબઈ, દિલ્લી, ચેન્નાઈ જેવા મહાનગરમાં જુદા જુદા ક્ષેત્રોમાં આવતા જતા મોર્ડનાઈઝેશન ની જેમ તેની પાછળ પાછળ દરેક રાજ્યના વિકસિત શહેરોમાં પણ તેના અનુકરણ ના ભાગ રૂપે હવે મોટા મોટા મલ્ટિસ્ટોરીંઝ ઇમારતો, મોટા કોમ્પ્લેક્ષ, શોપિંગ સેન્ટર વિગેરે બનવા લાગ્યા હતા.
રેલ્વે સ્ટેશન પાસે આવેલું વર્ષો જુનું થિયેટર વેચાયું ને ત્યાં શોપીંગ-મોલ બંધાવા ની શરૂઆત થતાં, કામ કરતા અન્ય સ્ટાફની સાથે ભીખુની પણ છટણી થતાં તે પણ બેકાર બની ગયો.
આ સમય દરમિયાન તે બે દિકરા ને એક દીકરીનો બાપ બની ગયો હતો. કમાવા વાળો તે એકલો હતો. તેથી બેકાર બનતા ઠેરઠેર નોકરી માટે ભટકવા લાગ્યો.
ક્યારેક શાક-માર્કેટમાં તો ક્યારેક ફ્રૂટ-માર્કેટમાં છૂટક કામ મળી રહેતું.
ક્યારેક દુર રૂરલ વિસ્તારમાં ખાળ-કૂવાની સફાઈનું કામ કરવા તેના મિત્રો લઈ જતા.આમ તેનું ગાડું ગબડતું જતું હતું ત્યાં એક ઘટના બની.
ભીખુના સસરા જે, રાજકોટ રહેતા હતા તે જમાઈ અને દીકરી ને મળવા આવ્યા હતા. પરંતુ બીજે દિવસે નીકળે તે પહેલાં ચોમાસાની સિઝન હોઈ, આગલી રાત્રે વરસાદ તુટી પડયો તે સતત ત્રણ દિવસ સુધી ખાબક્યો. ઉપર વાસમાં આવેલા રાજ્યોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. નદી-નાળા છલકાતા, કદાચ ડેમના દરવાજા ખોલવા પડે તે મુજબની સાયરન દ્વારા તેમજ મોબાઇલ વાનમાં મેગાફોનથી સૂચનાઓ સ્થાનિક-સત્તામંડળ દ્વારા આપવામાં આવી રહી હતી.
ચોથે દિવસે વરસાદનું જોર ઓછું થતાં, ને ભીખુના સસરા પણ રાજકોટ જવા તૈયાર થતા, ભીખુ તેમને મુકવા રેલવે સ્ટેશન પર ગયો. પ્લેટફોર્મ પર ખુબ ભીડ હતી.
અમદાવાદ-સોમનાથ માં તેના સસરા ને બેસાડી, ટ્રેન ઉપડતા તે જ્યારે પરત ફરતો હતો ત્યારે પ્લેટફોર્મ નંબર એક પરથી સામે બે નંબર પર ઉભેલા એક વ્યક્તિ તરફ ધ્યાન જતાં, તેને લાગ્યું કે ક્યાંક જોયા છે. પછી યાદ આવતા જ, "અરે! આ તો પંકજભાઇ ઠક્કર શેઠ છે?"
તેણે બુમ પાડી પણ એજ સમયે, પ્લેટફોર્મ પર આવી રહેલ ટ્રેન ની વ્હીસલમાં તેનો અવાજ ઓગાળી ગયો ને પછી તો, બે પ્લેટફોર્મ વચ્ચે આવેલી ટ્રેન બાધારૂપ બની. ભીખાની ફાંફે ચઢેલી ચકળ-વકળ આંખોએ સામે આવી ચઢેલી તકના તરણાને પકડી લેવા ખુબ પ્રયત્નો કર્યા પણ, કોલાહલ ને ભીડમાં તેની આશા નિરાશ થઈ વારંવાર પરત ફરી, ત્યાં અચાનક તેને કોન્ટ્રાક્ટર પંકજ શેઠનું "વિઝિટિંગ કાર્ડ" યાદ આવતા, પોતાના ઘરે સાચવીને માતાજીના ફોટા નીચે દબાવીને મુકેલું "વિઝિટિંગ કાર્ડ" તેના સુખી જીવન નિર્વાહ ની છેલ્લી તક ને ગમેતે રીતે ઝડપી લેવા , તેણે ઘર તરફ રીતસર દોટ મુકી.
*****
અતિ ઉત્સાહથી ઘર તરફ ભાગેલો ભીખો, સ્મશાનની દિવાલ વટાવી નદી તરફ જતા ઢાળના ઉપરના ભાગે એક્દમ અટકી ગયો. કિનારે લોકોના ટોળેટોળા જોયા.
ત્યાં ભીખાને જોઈ ગયેલો તેનો પાડોશી રઘલો દોડતો તેની તરફ આવ્યો ને બોલ્યો, "ભાઈ ભીખા, આપણે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલી નાખતા નદી ગાંડીતુર બની છે, આપણી આખી ઝૂપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ, એતો સારું થયું કે બધા સમયસર ટેકરા પરના સ્મશાનમાં પહોંચી ગયા." આટલું બોલતા બોલતા રઘલો ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો.
અચાનક, કોઈ પણ કારણવગર ગાલ પર થપ્પડ ઝીંકે ને તમે સડક થઈ જાવ, એવી ચચરતી લાગણી સાથે, પોતાની નજર સામે વહેતી ગાંડીતુર નદીમાં ખેંચાઈ ગયેલા ઝૂંપડાં સાથે તણાઈ ગયેલા" વિઝિટિંગ કાર્ડ "ની યાદ આવતા જ, હવા વગરના ફુગ્ગાની જેમ ભીખો ધરતી પર ફસડાઈ પડયો......

*********************************
દિનેશ પરમાર " નજર "