અર્ધ અસત્ય. - 66 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અર્ધ અસત્ય. - 66

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૬

પ્રવીણ પીઠડીયા

એક ભીષણ જંગ અભય અને વિષ્ણુંબાપુ વચ્ચે જામી પડી. બાપુએ અભયને પોતાની ઉપરથી નીચે ધકેલ્યો હતો અને સૂતેલી હાલતમાં જ તેમણે અભયનાં ચહેરા ઉપર એક ઘૂંસો રસિદ કરી દીધો હતો. અભયને લાગ્યું જાણે કોઇએ તેના મોઢા ઉપર ભારેખમ હથોડાથી વાર કર્યો છે. તેનું ઝડબું હલી ગયું અને નાકમાંથી લોહીની ધાર થઇ. બાપુનાં એક જ ઘૂસે તે બેહાલ બની ગયો. તેને ખભામાં ગોળી વાગી હતી. એનું દર્દ તો હતું જ, તેમાં હવે ઝડબું તૂટવાનું દર્દ ભળ્યું હતું. તેના મોઢામાં લોહીની ખારાશ છવાઇ હતી. તે દેદાર ભયંકર થયો હતો. લોહી નીગળતો તેનો ચહેરો બેડોળ બન્યો હતો. બાપુની રાક્ષસી તાકાત સામે તે વામણો પૂરવાર થઇ રહ્યો હતો. તેના હાથ બાપુનાં શરીર ઉપરથી આપોઆપ ઢિલા પડયા હતા અને તે એકાએક રક્ષણાત્મક પોઝિશનમાં આવી ગયો હતો.

બાપુના ક્રોધની જ્વાળાઓ તેની ચરમસીમાએ પહોંચી હતી. એક મગતરાં જેવો વ્યક્તિ કોણ જાણે ક્યાથી અચાનક તેમના જીવનમાં પ્રવેશ્યો હતો અને વર્ષોથી જમાવેલી તેમની વ્યવસ્થાને તબાહ કરવાની અણી ઉપર લઈ આવ્યો હતો એ તેમની સહન શક્તિની બહાર હતું. પેઢૂંમાં થતાં અસહ્ય દુખાવાને ભૂલીને તેઓ હડપ કરતાં બેઠા થયાં હતા અને પોતાના ભારેખમ પગ હેઠળ તેઓ અભયની ગરદન કચડી નાંખવા માંગતાં હોય એમ તેમણે પગ ઉઠાવ્યો અને તેની ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. એક સેકન્ડથીય ઓછા સમયમાં અભય ચેત્યો હતો અને આડબીડયું ખાઇને તે દૂર ખસી ગયો હતો. ’ધફ્ફ..’ કરતો બાપુનો પગ જમીન સાથે અફળાયો અને ત્યાંથી ધૂળ ઉડી. અભયે ખસવામાં જો સહેજપણ વાર લગાવી હોત કે તેણે બાપુના ઈરાદાઓ ન સમજ્યાં હોત તો અત્યારે તેની ગરદન બાપુના ભારેખમ બુટ હેઠળ કચડાઇ ગઇ હોત અને તેનું પ્રાણ પંખીડું ત્યાંજ ઉડી ગયું હોત. પણ ધૂળ ભરેલી ફર્શ ઉપર ગલોટિયું ખાઇને તે પાછળની દિવાલને અઢેલીને પડેલા ટેબલ નજીક પહોંચ્યો હતો. એવું કરવામાં તેના ખભામાં એકાએક જ અસહ્ય દર્દ ઉમટયું હતું અને ગોળીનો ઘાવ તાજો થયો હતો. એ દર્દથી તે બેવડ વળી ગયો. તેની આંખે અંધારા આવી ગયા. ગોળીનાં ઝખમની અંદર દબાવેલું રૂં નું પૂમડું લોહીથી ભિંજાયું અને ઘાવ ઉપર વિંટોળેલી ચાદરમાં લોહી તરી આવ્યું હતું. તે બેહોશ થવાની કગાર ઉપર આવી પહોંચ્યો હતો અને લાગતું હતું કે બાપુનાં હાથે આજે જ તેનું મોત આવશે. ટેબલ નજીક ઉંડા શ્વાસ લેતો તે ચત્તોપાટ પડયો હતો અને બાપુ ભયંકર ઈરાદાઓ સાથે તેની તરફ જ ધસતાં આવતાં હતા. એ કોઇ યમદૂતનાં પગ હતા જે તેની તરફ ધસમસતાં આવતાં હતા. કે, સાવ અચાનક… અનાયાસે જ તેનાં મનમાં એક ઝબકારો થયો. બૂઝાતી જતી તેની આંખોમાં એકાએક કશુંક ભાળી ગયાનો ચમકારો ઉભર્યો. બંધ પડવાની અણી ઉપર ધબકતાં તેના હદયમાં આશાની એક રોશની પ્રગટી. ક્ષણનાંય વિલંબ વગર તે ટેબલ તરફ પડખું ફર્યો અને ટેબલ નીચે ખલાયેલી બાપુની રિવોલ્વરને તેણે હાથ વગી કરી. રિવોલ્વરના હાથાનો ઠંડો સ્પર્શ તેના જીગરમાં ખળભળાટ મચાવી ગયો. એકાએક તેના જીસ્મમાં નવાં પ્રાણ ફૂંકાયા હતા અને ભયંકર ઝડપે તે પાછો બાપુ તરફ ફર્યો હતો. એ દરમ્યાન બાપુ તેની સાવ નજદિક આવી પહોંચ્યાં હતા. તેમણે અભયનાં પડખાની પાંસળીઓને તોડી નાંખવા ઝનૂનભેર પગ ઉઠાવ્યો જ હતો કે અભયે તેમના બીજા પગનું નિશાન લઇને ટ્રીગર દબાવી દીધું. જૂની રિવોલ્વરમાં ભયાનક ધડાકો થયો. રૂમમાં બારુદની ગંધ ઉઠી. એક ગોળી છૂટી અને બાપુનાં પગનાં નળાનું હાડકું વિંધીને સામેની દિવાલમાં ખૂંપી ગઇ. ભયાનક ઝડપે એ બન્યું હતું. બાપુના પગનું હાડકું ભાંગવાનો રીતસરનો ’ખટાક’ કરતો અવાજ આવ્યો. તેમનો હવામાં અધ્ધર ઉંચકાયેલો પગ એમ જ રહી ગયો અને પગ ભાંગવાથી બાપુ પાછળની તરફ ફસડાઈ પડયાં. એક સેકન્ડનાં સોમાં ભાગમાં એ બની ગયું હતું અને બાપુ ધડામ કરતાં નીચે પડયાં હતા.

અભય એ કરવા નહોતો માંગતો. તે બાપુને સહી-સલામત જીવતાં રાખવાં માંગતો હતો કારણ કે હજુ પણ ઘણાબધા પ્રશ્નોનાં જવાબ તેણે મેળવવાનાં હતા. પરંતુ એટલો સમય તેને મળ્યો જ નહી. જો તેણે ગોળી છોડી ન હોત તો બાપુની એક જ ઠોકરે તેની પાંસળીઓનો ભૂક્કો બોલી ગયો હોત એ પણ નિર્વિવાદિત સત્ય હતું. તેણે પોતાના સ્વ-બચાવમાં જ બાપુનો પગ વિંધી નાંખ્યો હતો. એ સિવાય તે બીજું કશું કરી શકે તેમ પણ ન હતો.

બાપુનાં ગળામાંથી ભયાનક ચીખો નીકળતી હતી. તેઓ બેતહાશા ચીખી રહ્યાં હતા. તેમના ડાબા પગનાં નળાનું હાડકું ભાંગ્યું હતું અને તેમનો ભારેખમ દેહ કમરાની ફર્શ ઉપર એક ધમાકા સાથે પડયો હતો. તેમણે કદાચ સ્વપ્નેય નહી વિચાર્યું હોય કે પોતાની રિવોલ્વરથી જ તેઓ વિંધાઈ જશે. તેમના જેવા મજબૂત અને પહાડી આદમીની આંખોમાં પણ આસુંઓ ઉભરાઇ આવ્યાં હતા અને અસહ્ય દર્દથી તેઓ બેફામ બરાડી રહ્યાં હતા.

અભય મહા-મહેનતે ઉભો થયો. તે બાપુને હવે કોઇ જ મોકો આપવાં માંગતો નહોતો કારણ કે બહું ટૂંકા ગાળામાં અહીં ભયાનક ખેલ ભજવાઇ ગયો હતો. હવે આ ખેલનો અંત લાવવો જરૂરી બન્યો હતો નહિંતર તેનું પરિણામ ભયંકર આવવાનું હતું. લથડતી ચાલે તે બાપુની સન્મૂખ આવ્યો. તેના મો માંથી અને નાકમાંથી લોહી નીકળીને તેના ગળે ઉતર્યું હતું અને છાતી ઉપર ફેલાતું હતું. તેની હાલત પણ બાપુથી ઓછી ખસ્તા તો નહોતી જ છતાં હવે તે રોકાવા માંગતો નહોતો. તેણે એક નજર ભયંકર રીતે તરફડતાં બાપુ ઉપર નાંખી. બાપુનો ખેલ ખતમ થઇ ગયો હતો. હવે તેઓ પોતાની જાતે ઉઠવાં પણ અસમર્થ હતા. તેમનો પગ ચામડીની અંદર જ લબડી પડયો હતો. અભયે એ જોયું. એક તૃચ્છકારભરી નજર બાપુનાં ચહેરા ઉપર ફેંકીને તે અનંતની દિશામાં ચાલ્યો.

અનંત ખુરશી સાથે બંધાયેલી હાલતમાં જ ફર્શ ઉપર આડો પડયો હતો. તે પોતાની જાતે જ ઉભો થવા માટે અઢળક મહેનત કરી રહ્યો હતો પરંતુ દરેક વખતે નાકામીયાબ નીવડતો હતો. અભય ત્યાં પહોંચ્યો. તેનો ડાબો હાથ લગભગ સૂન્ન પડી ચૂકયો હતો અને કોઇ પ્રાણ વિહિન અંગની જેમ લબડી પડયો હતો. તેણે જમણાં હાથમાં પકડેલી રિવોલ્વરને પેન્ટનાં ખિસ્સામાં સરકાવી અને એક હાથેથી જ ખુરશીને ઉભી કરવાની કોશિશ કરી. પોતાનામાં હતી એટલી બધી તાકતથી તે બળ કરવાં લાગ્યો. ઘણી મશક્કતનાં અંતે તેની એ કોશિશ કામયાબ નિવડી હતી. ખુરશી સીધી થઇ અને અનંતનો ચહેરો તેની આંખો સમક્ષ આવ્યો. અનંત બાપુનાં કબ્જામાં જ હોવો જોઇએ એ ખ્યાલ તો વૈદેહીબા જ્યારે તેને રાજગઢનાં ભૂતકાળની કહાની સંભળાવતાં હતા ત્યારે જ આવી ગયો હતો. પરંતુ અનંતને અત્યારે ખરેખર પોતાની સમક્ષ જીવિત અવસ્થામાં જોઇને તેના જીગરમાં અનહદ ખુશીનો વંટોળ ઉદભવ્યો હતો. આનંદનાં અતિરેકમાં તેની આંખો ઉભરાઈ આવી હતી અને આંસુઓનું આવરણ છવાતાં અનંતનો ચહેરો ધૂંધળો બન્યો હતો. અનંત એ જોયું.

“માયગોડ અભય, તું રડે છે!” અનંત બોલ્યો. અભયને રડતો જોવો તેના માટે અકલ્પ્ય હતું.

“ખુશીનાં આંસુ છે દોસ્ત. એને વહેવા દે. તું નથી જાણતો કે તને સહી સલામત જોઇને મને કેટલી ખુશી ઉદભવી છે. જો તને કંઇ થયું હોતને, તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકત.” તેણે લોહી-લૂહાણ હાલતમાં બંધાયેલા અનંતનાં હાથ-પગ છોડતાં કહ્યું અને એક હાથે ટેકો દઇને તેને ઉભો કર્યો.

“ખરેખર તો મારે તારી માફી માંગવી જોઇએ. મેં જ તને આ ઝમેલામાં નાંખ્યો હતો. એ સમયે જો ખ્યાલ હોત કે તારો જીવ જોખમમાં મૂકાશે તો ક્યારેય પૃથ્વીબાપુનું રહસ્ય જાણવાની જીજ્ઞાસા ન કરી હોત.” અનંત એક શ્વરમાં બોલી ગયો અને પછી અપાર સ્નેહથી અભયને તાકી રહ્યો. પછી એકાએક આગળ વધીને તેણે અભયને ગળે વળગાડી લીધો. એક લાંબી ક્ષણ સુધી તે બન્ને મિત્રો એક-બીજાને ભેટેલાં રહ્યા. એ ભરત અને રામનું મિલન હતું જેમાં નિસ્વાર્થ પ્રેમ અને સ્નેહ નીતરતી લાગણીઓ ભળેલી હતી. પછી તેઓ અળગા થયાં.

“હજું એક વ્યક્તિ છે આ કમરામાં જેને છોડાવવાની છે. ખબર નહી એ કોણ છે અને બાપુ તેને ક્યાંથી ઉઠાવી લાવ્યાં હશે?” અનંત બોલ્યો અને સામેની દિવાલ પાસે ખુરશીમાં બંધાયેલી યુવતી તરફ તેણે નજર નાંખી. અભયે ચોંકીને એ દિશામાં જોયુ. તે આ કમરામાં પ્રવેશ્યો ત્યારનો બાપુ સાથે એટલો ઉલઝેલો રહ્યો હતો કે અનંત સિવાય અન્ય બીજું કોઇ આ કમરામાં છે એનો ખ્યાલ તેને આવ્યો જ નહોતો. તેણે નજરો ખેંચીને એ દિશામાં જોયું. એ યુવતીનો ચહેરો તેના જ વાળથી ઢંકાયેલો હતો અને તે લગભગ બેહાશીભરી સ્થિતિમાં ખુરશી ઉપર ઢળેલી હતી. અભયને અપરંપાર આશ્વર્ય ઉદભવ્યું. બાપુ જો કોઇ યુવતીને અહીં લઇને આવ્યાં હોય તો એનો અર્થ ખરેખર ભયંકર નીકળતો હતો. મતલબ કે અનંતની જેમ આ યુવતી પણ તેના મોતની ખુબ જ નજીક પહોંચી ગઇ હતી.

“તું બેસ, હું જોઉં છું.” અભય બોલ્યો અને તે એ યુવતી તરફ આગળ વધ્યો. એ સમયે તે નહોતો જાણતો કે યુવતીને જોઇને તેને ભયાનક ઝટકો લાગવાનો હતો કારણ કે દુનીયાભરનું આશ્વર્ય એ ખુરશીમાં સમાયેલું હતું.

@@@

અનંત પોતે જે ખુરશી ઉપર તે બંધાયેલો હતો એ ખુરશીને તેણે ઢસડી હતી અને બેતહાશા દર્દથી કરાહતાં તેના મોટાબાપુ તરફ ચાલ્યો હતો. સખ્ખત ધ્રૂણા અને નફરતથી તેનું દિમાગ ફાટતું હતું. પોતાનાં જ સગ્ગા બાપુએ તેનું અપહરણ કર્યું હતું અને તેને મારી નાંખવાની કોશિશ કરી હતી એ વિચાર તેના જીગરને કોરી ખાતો હતો. આખરે બાપુએ આવું શું કામ કર્યું હતું? શું દુશ્મની હતી તેની સાથે? કેટલાંય સવાલો તેના મનમાં ઉઠતાં હતા. સૌથી વધું હેરાની તો આ જગ્યાં જોઇને તેને થઇ હતી. પોતાના જ રાજ્યનાં ઘોડારમાં આવો વેલ મેઈન્ટેન્ડ કોઈ ટોર્ચરરૂમ છે એ તો કલ્પનાં બહારની વાત હતી. છતાં એ કલ્પનાં હકીકત સ્વરૂપે તેની આંખો સમક્ષ હતી જેને તે ઝૂઠલાવી શકે તેમ નહોતો.

તેણે ખુરશી બાપુની પાસે લાવીને મુકી. ખામોશ નજરે તે થોડીવાર સુધી બાપુને તાકતો રહ્યો. પછી નીચા નમીને બાપુને હાથનો ટેકો દઇને ઉભા કર્યા અને ખુરશીમાં બેસાડયાં. એટલું કરવામાં પણ બાપુને દોઝખ દેખાઇ ગયું હતું. તેમના પગનું હાડકું ભાંગીને ચામડીની અંદર જ લબડતું હતું. એવું લાગતું હતું કે જો થોડીવાર સુધી આમ જ એ હાડકું લબડતું રહ્યું તો ચોક્કસ પગની ચામડી ફાટી જશે અને હાડકું બહાર નીકળી આવશે. અનંતથી એ જોવાયું નહી. તેણે આસપાસ નજર કરી અને એક ટેબલ ગોતી લાવ્યો. સાવધાનીથી તેણે બાપુનો પગ ઉઠાવ્યો અને ટેબલ ઉપર ગોઠવ્યો. બાપુ સખ્ખત રીતે ધ્રૂજતાં હતા. તેમના શરીરમાં તાવ ભરાઇ આવ્યો હતો. ભયાનક દર્દનાં અતીરેકથી તેમને ખેંચ ઉપડી હતી. તેમણે અનંતની સામું જોયું.

“મારું એક કામ કરીશ?” એ અવાજમાં દર્દ હતું, યાચનાં હતી, પરાજય હતો કે પછી હારી જવાનું દુઃખ હતું એ અનંત સમજી શકયો નહી. તે ખામોશ નજરે બાપુને તાકતો ઉભો રહ્યો. “સામેનાં ટેબલ ઉપર એક ભરેલું ઈન્જેકશન પડયું હશે. એ લાવી આપીશ?” અનંત નક્કી કરી શકયો નહી કે તેણે શું કરવું જોઇએ. તેણે બાપુની તગતગતી આંખોમાં જોયું. અચાનક તેને દયા આવી ગઇ અને કંઇક વિચારીને તે એ ટેબલ તરફ આગળ વધ્યો.

“નહી અનંત, ત્યાં જ ઉભો રહી જા.” એકાએક અભયે બુમ પાડીને અનંતને રોક્યો. તે પેલી યુવતી તરફ આગળ વધ્યો જ હતો કે તેણે બાપુનો અને અનંતનો વાર્તાલાપ સાંભળ્યો હતો. તેને સમજાયું હતું કે એ ઈન્જેકશન શેનું હોઇ શકે! તે એટલી આસાનીથી બાપુની વાત માનવાનાં મૂડમાં બિલકુલ નહોતો. અનંત એકાએક અટકી ગયો હતો અને પ્રશ્નસૂચક નજરે તેણે અભય સામું જોયું.

“બાપુ આજ સુધી બધાને ભયાનક દર્દ વહેંચતાં રહ્યાં છે. તો આજે થોડું દર્દ તેમને પણ સહન કરવાં દે. એટલી ઉતાવળ શું છે.” અભયનાં અવાજમાં ન સમજાય એવી કાતિલ ધાર હતી.

“મતલબ?” અનંત મૂંઝાયો. અભય કંઇ બોલ્યો નહી. તે બાપુ સામું જોઇને ફક્ત હસ્યો. બાપુ છેક અંદર સુધી ખળભળી ગયા. એ હાસ્યનો મતલબ તેઓ ભલીભાંતી સમજ્યાં હતા.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 3 અઠવાડિયા પહેલા

Nilesh Vejpara

Nilesh Vejpara 7 માસ પહેલા

Tejal

Tejal 1 વર્ષ પહેલા

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા

Naresh Patel

Naresh Patel 2 વર્ષ પહેલા