જોની લીવર
સીને જગત માં એક યુગ એવો હતો કે હીરોની સાથે કોમેડિયનની હાજરી આવશ્યક રહેતી. ચાહે તે મહેમૂદ હોય,જોની વોકર હોય કે રાજેન્દ્રનાથ હોય. અમિતાભનો જમાનો આવ્યો એટલે કોમેડિયનના ભાવ ગગડી ગયા હતા કારણકે અમિતાભ રાજ કપૂરની જેમ પોતે જ કોમેડી કરી લેતા. જોકે અપવાદ તરીકે સીનેજગતમાં એક હાસ્ય કલાકાર એવો ઉભરી આવ્યો કે મોટા ભાગની ફિલ્મોમાં તેની હાજરી હોય જ. તેણે કરેલી ફિલ્મોનો સરવાળો ૩૫૦ કરતાં પણ વધારે છે. દુનિયા તેને જોની લીવરના નામથી ઓળખે છે. ૧૪ ઓગસ્ટે જોની લીવરનો બર્થ ડે છે.
જોની લીવરનું મૂળ નામ જોન જનુમાલા. પિતાનું નામ પ્રકાશ રાવ અને માતાનું નામ કરુણમ્મા જનુમાલા. જોનીનો જન્મ તા. ૧૪/૮/૧૯૫૬ ના રોજ આંધ્ર પ્રદેશના કનીગીરી માં થયો હતો. પિતા રોજી રોટી માટે પહેરેલ કપડે વતન છોડીને સહ પરિવાર મુંબઈમાં સ્થાયી થયા હતા. પાંચ ભાઈ બહેનોમાં સૌથી મોટો જોની. મૂળ તેલુગુ ક્રિશ્ચિયન પરિવારમાં જન્મેલ જોનીનું બાળપણ મુંબઈની ધારાવીના સ્લમ વિસ્તારમાં વીત્યું હતું. પિતા હિન્દુસ્તાન લીવરમાં મજૂર હતા. જોની ગમે તેમ કરીને પિતાને મદદરૂપ થવા માંગતો હતો. અતિશય ગરીબીને કારણે જોનીએ માત્ર બાર વર્ષની ઉમરે સાતમા ધોરણમાં જ ભણવાનું છોડીને મુંબઈની ફૂટપાથ પર પેન વેચવાનું શરુ કર્યું હતું. ચોમાસામાં એક રૂમની ખોલીમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જતા તે દિવસો જોની હજુ પણ ભૂલ્યો નથી. એક ઈન્ટરવ્યુમાં જોની બાળપણના એ દિવસો યાદ કરી ને કહે છે “બારીશ કા પાની છત પર સે અંદર ગિરતા તબ મૈ હાથ મેં કટોરા લે કે ડાન્સ કરતે કરતે વોહ પાની કટોરે મેં ઝીલતા થા”.
જોનીની ઉમર અઢાર વર્ષની થઇ ત્યારે તે પિતા સાથે હિન્દુસ્તાન લીવરમાં છૂટક મજુરીના કામે જવા લાગ્યો હતો. એંસી રૂપિયા રોજ ના એ દિવસો હતા. જોનીની નિરિક્ષણ શક્તિ ખુબ જ પાવરફુલ હતી. એક વાર એ કોઈ પણ વ્યક્તિની બોલવા ચાલવાની સ્ટાઈલ જોઈ લે એટલે તેની આબેહૂબ નકલ કરી શકતો હતો. સમય મળે ત્યારે હિન્દુસ્તાન લીવરના સાહેબોની પણ મિમિક્રી કરીને સૌનું મનોરંજન કરતો. એક વાર કંપનીના વાર્ષિક પ્રોગ્રામમાં સૌથી મોટા સાહેબો હાજર હતા. જોનીએ કોઈ પણ સાહેબનું નામ લીધા વગર તેમની આબેહુબ મિમિક્રી કરી બતાવી. સાહેબોએ પણ ભારે ખેલદિલીપૂર્વક જોની ની મિમિક્રીને ઓડીયન્સ સાથે માણી અને વખાણી પણ ખરી. બસ તે દિવસથી જોનીના નામ સાથે લીવર જોડાઈ ગયું. ત્યાર બાદ તો જોનીએ પ્રખ્યાત ફિલ્મી કલાકારોની મિમિક્રી કરવાનું પણ ચાલુ કરી દીધું. સમય વીતતો ગયો તેમ જોનીને મુંબઈમાં અને મુંબઈની બહાર પણ સ્ટેજ શો માટે આમંત્રણ મળવા લાગ્યા. પાંચેક વર્ષ બાદ જોનીએ હિન્દુસ્તાન લીવરને કાયમ માટે અલવિદા કહીને મિમિક્રી આર્ટીસ્ટ તરીકે જ કરિયર બનાવવાનું નક્કી કરી લીધું. તે દિવસોમાં સ્ટેન્ડ અપ કોમેડિયન શબ્દ પ્રચલિત નહોતો. જોની લીવર કહે છે “ ઉન દિનો મુઝે જ્યાદા લોગ પહેચાનતે નહિ થે. મેરા સિમ્પલ દેખાવ ઔર પહેરવેશ દેખકે કોઈ માનને કો હી તૈયાર નહિ થા કી મૈ હી મિમિક્રી આર્ટીસ્ટ જોની લીવર હું. મૈ જબ સ્ટેજ પર આતા થા તો ઓડીયન્સમેં બૈઠે હુએ સબ લોગ ઐસા હી માનતે થી કી યે ઉન્નીસ સાલ કા લડકા કોઈ માઈક ઠીક કરને વાલા હૈ’.
૧૯૮૧ માં જોની લીવરને કલ્યાણજીભાઈ સાથે વિદેશમાં સ્ટેજ શો કરવાનો મોકો મળ્યો હતો જેમાં અમિતાભ બચ્ચનની પણ હાજરી હતી . જોની લીવરને ઓડીયન્સમાંથી મળતાં સતત “વન્સ મોર” ને કારણે તેની ડીમાન્ડ વધતી ગઈ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પણ કલાકાર એવો નહોતો જેની જોની લીવરે પરફેક્ટ નકલ ના કરી હોય. એક જમાનામાં એકવીસ વર્ષના જોનીને પોતાની આબેહુબ નકલ કરતો જોઇને શત્રુઘ્ન સિંહાએ શાબાશી આપી હતી. એ દિવસોમાં જ એક સ્ટેજ પ્રોગ્રામમાં સુનીલ દત્તના ધ્યાનમાં જોની લીવર આવી ગયો. સુનીલ દત્તે “દર્દ કા રિશ્તા” માં જોનીલીવરને બ્રેક આપ્યો. જોકે તે ફિલ્મથી જોની લીવરની ખાસ ઓળખ ઉભી થઇ શકી નહોતી. ત્યાર બાદ તબસ્સુમે તેના દીકરા હોશંગને લોન્ચ કરવા માટે એક ફિલ્મ બનાવી. ફિલ્મનું નામ હતું “તુમ પર હમ કુરબાન” તેમાં જોની લીવરને રોલ આપ્યો હતો. દરમ્યાનમાં નસીરુદ્દીન શાહ સાથે “જલવા” માં પણ જોની લીવરને કામ કરવાનો મોકો મળ્યો હતો પણ કોઈએ જોની લીવરના અભિનયની બિલકુલ નોંધ લીધી નહોતી. “તેઝાબ” જેવી કેટલીય ફિલ્મો કરવા છતાં જોની લીવરનું હાસ્ય અભિનેતા તરીકે કોઈ ચોક્કસ સ્થાન ઉભું થઇ શક્યું નહોતું.
સ્ટેજ પર કલાકારોની નકલ કરવી અલગ વાત છે અને અભિનય કરીને સીનેજગતમાં સ્થાન મેળવવું અલગ વાત છે તેનો ખ્યાલ તે દિવસોમાં જોની લીવરને બરોબર આવી ગયો હતો.
પુરા દસ વર્ષના સંઘર્ષ બાદ ૧૯૯૩ માં “બાઝીગર” માં જોની લીવરના કોમેડી અભિનયને દર્શકોએ દાદ આપી હતી. બસ “બાઝીગર” પછી જોની લીવરને ક્યારેય પાછું વળીને જોવું પડયું નહોતું. રાજા હિન્દુસ્તાની,જુદાઈ બાદશાહ ,મૈ ખિલાડી તું અનાડી, કુછ કુછ હોતા હૈ કભી ખુશી કભી ગમ ,નાયક, કોઈ મિલ ગયા ,ફિર હેર ફેરી, જેવી અઢળક ફિલ્મો આવતી ગઈ અને જોની લીવર સફળતાના એક પછી એક પગથીયા ચડતો ગયો.
ફિલ્મ ફેર એવોર્ડ માટે કુલ તેર વાર નોમીનેશન્સ મેળવનાર જોની લીવરને “દીવાના મસ્તાના” અને “દુલ્હે રાજા” માટે બેસ્ટ કોમેડિયનના ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. જોની લીવર તેની પત્ની સુજાતા, પુત્ર જેસી તથા દીકરી જીમી સાથે સુખી છે. દીકરીએ પિતાનો વારસો બરોબર જાળવ્યો છે. તે સ્ટેન્ડ અપ કોમેડિયન છે. દીકરો ડ્રમ પ્લેયર છે.
સમાપ્ત